- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ...અને કનકલતાએ અંગ્રેજોને કહ્યું, 'મારું માથું વાઢી લેશો તો પણ મારા દેશનો તિરંગો તો નીચો નહીં જ કરું...'
- 14 નવેમ્બર
- બાળ દિવસ
- ખુદીરામ બોઝ
જ ગતભરમાં આઝાદી માટે સંઘર્ષ થયા છે, ક્રાંતિઓ થઇ છે. લોહી રેડાયા છે, શહીદો પૂજાયા છે. લોકોએ ઉત્સવ મનાવ્યા છે.કાયમ કોઈ પણ આંદોલન કે ક્રાંતિની લડતમાં લોકોના ટોળા ભેગા થાય, જનસમૂહનું સમર્થન મળે એ અનિવાર્ય છે. સત્તા ઉપરના શાસકો એમ જ સ્વતંત્રતા સામે ચાલીને પ્રજાને આપતા નથી. આ જનાધાર માટે કાયમ સર્વોદય અને સમાનતાના, સુખ અને સમૃદ્ધિના સપના જોવામાં આવે છે. આપણા દેશના સ્વતંત્રતા માટે અનેક લોકોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે, કેટલાક ઈતિહાસમાં અમર થઇ ગયા તો અનેક એવા પણ હતા કે જેઓ ગુમનામીના અંધકારમાં ખોવાઇ ગયા. અલબત્ત, તેમનો ધ્યેય પણ આજના નેતાઓ જેમ પ્રસિદ્ધિનો નહીં પણ દેશની સ્વતંત્રતા માટેનો હતો. દેશની સ્વતંત્રતા માટેના યજ્ઞામાં પોતાના જીવનની આહૂતિ આપનારામાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે.આજે અનેક બાળકો પબ્જીની વિડીયો ગેમમાં એક પછી એક 'દુશ્મનો' ગોળી ધરબીને ગર્વ અનુભવે છે. પરંતુ આપણા દેશમાં એવા નીડર બાળકો પણ થઇ ગયા છે, જેમણે ના કેવળ અંગ્રેજોનો સામનો કર્યો બલ્કે જરૂર પડયે કોઇ પરવા કર્યા વિના ગોળી ખાધી પણ ખરી. ૧૪ નવેમ્બરે 'બાળ દિવસ'ની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ ત્યારે આવા જ નીડર અને દેશાભિમાનથી છલકાતા બાળકોની વાત કરીએ.
તેમનું નામ કનકલતા બરુઆ, ઉંમર માત્ર ૧૭ વર્ષ. ૧૯૪૨ના વર્ષમાં ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ આસામના ગોહપુર સબ ડિવિઝનના યુવાનોના જૂથોનો સમાવેશ કરતી મૃત્યુ બાહિનીમાં જોડાયાં. ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૨ ના રોજ બાહિનીએ નક્કી કર્યું કે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આવું કરવા બરુઆના નેતૃત્વમાં નિ:શસ્ત્ર ગ્રામજનોનું એક સરઘસ કાઢયું હતું. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી રેબતી મહાન સોમ હેઠળની પોલીસે તેમને રોકાઈ જવા, તિરંગો નીચો કરવા અને તેમ નહીં કરવામાં આવે તો ભયંકર પરિણામોની ચેતવણી આપી હતી. પરંતુ કનકલતાએ અવાજમાં કોઇ ડર રાખ્યા વિના ગર્જના કરી કે 'મારું માથું વાઢી લેશો તો પણ તિરંગો ઊંચો જ રહેશે...' પોલીસે જવાબમાં તેમને ગોળી ધરબી દીધી અને તેઓ શહીદ થયા હતા.
૩ ડિસેમ્બર ૧૮૮૯માં જન્મેલા ખુદીરામ બોઝ નવમા ધોરણનો અભ્યાસ પડતો મૂકી દેશની સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. ક્રાંતિકાર સત્યેન બોઝના સંપર્કમાં આવવાથી તે ક્રાંતિકારી જૂથમાં જોડાયા. ત્યાં તેમને શારીરિક, નૈતિક અને રાજકીય શિક્ષણ આપવામાં આવ્યું. તેમણે ભગવદગીતા, મેઝિની અને ગેરિબાલ્ડીનાં જીવનચરિત્રો, ફ્રાંસની ક્રાંતિ તેમજ અમેરિકન સ્વાતંત્ર્યતા યુદ્ધનો અભ્યાસ કર્યો. ત્યાં રિવોલ્વરનો ઉપયોગ પણ શીખવવામાં આવ્યો. બંગભંગની ચળવળ (૧૯૦૫) દરમિયાન બ્રિટિશ માલનો બહિષ્કાર તથા તેની હોળી કરવામાં તેમજ 'વંદે માતરમ્' પત્રિકા વહેંચવામાં પણ તે ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. 'સોનાર બાંગ્લા' નામની રાજદ્રોહી પત્રિકા વહેંચતાં ૨૮ ફેબુ્રઆરી ૧૯૦૬ના રોજ પોલીસે મિદનાપુરમાં તેમની ધરપકડ કરી, ત્યારે પોલીસને ઘાયલ કરી તે નાસી ગયા. તેમની ફરી વાર ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ સગીર વય હોવાથી ૧૬ મે, ૧૯૦૬ના દિવસે તેમને છોડી દેવામાં આવ્યા.૧૯૦૮માં વોટસન અને બેમ્ફિલ્ડ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાના પ્રયાસોમાં પણ તેઓ સંકળાયેલા હતા.૧૧ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી.
માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે 'પ્રજામંડળ'ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઓક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડયો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રેક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા.
થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.
હેમુ કાલાણી એટલે 'હિંદ છોડો' ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન.હેમુ કાલાણી શહીદ ભગતસિંહને અનુસરવા અને તેની
પ્રતિમૂર્તિ બનવા ઉત્સુક હતો. તેની રગેરગમાં માતૃભૂમિ વાસ્તે મરી ફીટવાની તમન્ના હતી. હેમુ કાલાણી અને તેના સાથીઓને જાણવા મળ્યું કે રોહડીથી લશ્કરની એક સ્પેશિયલ ટ્રેનમાં સૈનિકો, દમનથી આઝાદીની લડતને કચડી નાખવા આવે છે. તે જાણીને એ લબરમૂછિયા યુવકોનું લોહી ઊકળી ઊઠયું. તેઓએ તે ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો.
સખર બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની નજીકથી પસાર થતી રેલવેલાઇનમાંથી તેઓ ફિશપ્લેટો કાઢવા ગયા, પરંતુ તે વખતે જ પોલીસો તેમને જોઈ ગયા. અન્ય સાથીઓ નાસી ગયા, પરંતુ હેમુને નાસી જવામાં કાયરતા લાગી. એ શૂરવીર યુવક પકડાઈ ગયો. તેમને ફાંસીની સજા અપાઇ હતી. ૨૦મી વર્ષગાંઠના બે મહિના અગાઉ ફાંસી આપવાની હતી, તે દિવસે સવારે તેણે ભગવદગીતાનો પાઠ કર્યો. ભગવદગીતાના ગ્રંથને તથા માતૃભૂમિને નમસ્કાર કરીને તે ફાંસીને માંચડે ચડી ગયો ! તેના અંતિમ શબ્દો હતા, 'અંગ્રેજો, ક્વીટ ઇન્ડિયા, ભારત માતા કી જય.'
***
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગ, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે, હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે, ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે... યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને, તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને, સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે, થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.. યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં, સાહસે નિપોલિયન ભીડયો યૂરપ આખામા, સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં, સાહસે સિકંદર નામ અમર સહુ જાગે.. યા હોમ..
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખા,
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો, સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો,
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે... યા હોમ..
-કવિ નર્મદ


