Get The App

મૈં ઉસ દિવાર કો ચૂમા કરુંગા, જીનસે લૈલા ગુજરતી હૈ...

સેલિબ્રેશન - ચિંતન બુચ

14 ફેબ્રુઆરી : વેલેન્ટાઇન્સ ડે

Updated: Feb 11th, 2020

GS TEAM


Google News
Google News
મૈં ઉસ દિવાર કો ચૂમા કરુંગા, જીનસે લૈલા ગુજરતી હૈ... 1 - image


 
પાકિસ્તાનની સરહદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી લૈલા-મજનૂની મઝારમાં આજે પણ 14 જૂને હજારો પ્રેમીઓ-નવદંપતિઓ એકઠા થાય છે 

કોઇ પ્રીત કરી તો જાણે, અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે.  દિવસ ઉગ્યે બેચેન રહેવું, રાત પડયે મટકું ના લેવું, ખોવાયા ખોવાયા જેવી પળપળને વિસરાવી દેવી, જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે. દુનિયાની તીરછી દ્રષ્ટિમાં, વેધક વાણીની વૃષ્ટિમાં, મસ્ત બનીને ફરતા રેહવું, મનનું કૈં મન પર ના લેવું, ખુલ્લે પગે કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે. મોજાંઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી, નૌકા જ્યાં તૂટી પણ જાયે-સાગર જ્યાં રૂઠી પણ જાયે, એવા ભરસાગરમાં ડૂબી તો કોઇ તરી તો જાણે...કોઇ પ્રીત કરી તો જાણે!

પ્રેમમાં પડવાની અદ્ભૂત અનુભૂતિને શબ્દોમાં કદી પણ વર્ણાવી શકાય નહીં પણ મહેન્દ્ર વ્યાસ 'અચલ' એ તેમની કવિતા દ્વારા તેનો બખૂબી પ્રયાસ કર્યો છે. ઈ.સ. પૂર્વે 269માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઇનનો સ્મૃતિદિન 14 ફેબ્રુઆરી 'વેલેન્ટાઇન્સ ડે' સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૂ થયો. વેલેન્ટાઇન્સ ડેનો સૌથી મોટો મહિમા એ છે કે તેણે યૌવનના સમુદ્રમાં હિલોળા લેતી જીવન નાવડીઓને ખુલ્લેઆમ પોતાના કિનારા શોધીને લાંગરવાની મુક્તિ પૂરી પાડી છે. વેલેન્ટાઇન્સ ડેની એક પર્વની જેમ ઉજવણી શરૂ કરવામાં આવી તેના અગાઉ પણ પ્રણય તો બધાં કરતાં જ, પરંતુ વેલેન્ટાઇન્સ ડેએ પ્રેમના એકરારનો પ્રસવ કરાવતી દાયણની ભૂમિકા અદા કરી છે. 

પ્રત્યેક પ્રેમીઓ માટે હંમેશાં તેમની પ્રેમકહાની અત્યંત વિશેષ અને હૃદયથી અત્યંત નિકટ હોય છે. કેટલીક પ્રેમકહાનીઓ એવી પણ હોય છે જેમાં  પ્રેમીઓનું મિલન ભલે ના થયું હોય પણ પ્રેમમાં કઇ રીતે પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી શકાય તેના માટે દ્રષ્ટાંતરૂપ બની ગઇ છે. આવી જ એક પ્રેમકહાની એટલે લૈલા-મજનૂ. આજેપણ લવબર્ડ્સને 'લૈલા-મજનૂ' તરીકે જ ઓળખવામાં આવે છે. પરંતુ ખરેખર આવા કોઇ પ્રેમીઓ થઇ ગયા કે પછી તે કોઇ કિવંદતિ છે?લૈલા-મજનૂ ખરેખર થઇ ગયા કે કેમ અને હતા તો તે કયા અરસામાં તેને લઇને વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે.

જેમાં લોકપ્રિય કિવંદતિ એવી છે કે, મજનૂનું મૂળ નામ કૈઇસ ઇબ્ન-અલ મુલ્લાવાહ હતું જ્યારે લૈલાનું મૂળ નામ લૈલા બિન્ત મહાડી હતું. બંનેનો જન્મ 11મી સદીમાં પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતમાં થયો હતો. મજનૂના જન્મ વખતે જ જ્યોતિષીએ એવી આગાહી કરી દીધી હતી કે તેને પ્રેમ રોગ થશે અને જેના કારણે ભટકતાં-ભટકતાં જ તે મૃત્યુ પામશે. મુલ્લાવાહને તેના માતા-પિતાએ મદરેસામાં અભ્યાસ માટે મોકલ્યો અને ત્યાં લૈલા નામની અત્યંત સુંદર છોકરી સાથે તેને પ્રેમ થઇ ગયો. મુલ્લાવાહ પ્રેમમાં એવો પાગલ થઇ ગયો કે તે પ્રત્યેક પળે પણ લૈલાના વિચારોમાં ખોવાયેલો રહેતો. પોતાનો આ પ્રેમ તે કવિતાઓ લખીને વ્યક્ત કરતો. મુલ્લાવાહનું આ ગાંડપણ જોઇને ગામના લોકોએ તેનું નામ 'મજનૂ' પાડી દીધું. મજનૂનો અર્થ થાય છે પાગલ. પોતાના પુત્રને આ રીતે પ્રેમમાં પાગલ થતો જોઇને માતા-પિતાએ લૈલાના પિતા સામે માંગું પણ નાખ્યું. પરંતુ લૈલાના પિતાએ એમ કહીને આ માંગું ફગાવી દીધું કે, 'આવા પાગલ છોકરા સાથે હું મારી પુત્રીને પરણાવવાનું વિચારી પણ શકું નહીં.' 

આ દરમિયાન પિતાને અણસાર આવી ગયો કે તેની પુત્રી લૈલા પણ મજનૂના પ્રેમમાં છે. જેના કારણે તેમણે લૈલાના નિકાહ કૈફી નામના અત્યંત ધનાઢય વેપારી સાથે કરાવી દીધા. નિકાહ બાદ તુરંત જ લૈલાએ નિખાલસપણે પોતાના પ્રણયની જાણ શૌહરને કરી દીધી. આ વાત જાણી ખફા પતિએ લૈલાને તલાક આપી દીધા અને ઘરેથી તગેડી મૂકી. આ પછી લૈલા અને મજનૂ એકમેકને મળ્યા અને તેઓ એ વાતથી વાકેફ હતા કે સમાજ તેમના પ્રેમને ક્યારેય સ્વિકારશે નહીં એટલે તેમણે ભાગી જવાનો જ નિર્ણય લઇ લીધો. લૈલાના મજનૂ સાથે ભાગી જવાની જાણ તેના પરિવારને થતાં તેમનો ગુસ્સો ભભૂકી ઉઠયો અને બંનેને શોધવા લાગ્યા હતા. બીજી તરફ પરિવારથી ડરતા-ડરતા લૈલા-મજનૂં સતત ભટકતા રહ્યા અને આ દરમિયાન તેઓ રાજસ્થાનના શ્રીગંગાનગરના અનૂપગઢ તાલુકાના બિંજૌર ગામ પહોંચી ગયા હતા. અહીંથી આ બંનેનું મૃત્યુ કેવી રીતે થયું તેની અલગ-અલગ વાયકા છે. કેટલાકનું માનવું છે કે, લૈલાના ભાઇએ મજનૂની કરપીણ હત્યા કરી હતી.

 મજનૂંના મૃત્યુનો આઘાત નહીં ઝીરવી શકતાં લૈલા તુરંત જ મૃત્યુ પામી. અન્ય કેટલાકનું માનવું છે કે, રાજસ્થાનના રણ વિસ્તારમાં પાણી નહીં મળતાં બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ તેમને એકસાથે જ દફન કર્યા  હતા. 

પાકિસ્તાનની સરહદથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી લૈલા-મજનૂની મઝારમાં આજે પણ 14 જૂને હજારો પ્રેમીઓ-નવદંપતિઓ એકઠા થાય છે અને તેમની વચ્ચેનો પ્રેમ હંમેશાં મજબૂત રહે અને ક્યારેય એકમેકથી અળગા થવું પડે નહીં તેવી દુઆ કરે છે. પ્રેમીઓના આ મેળામાં ખાસ લંગર પણ રાખવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ મેળામાં પાકિસ્તાનથી પણ મોટી સંખ્યામાં પ્રેમીઓ આવતા. જોકે, કારગિલ યુદ્ધ બાદ પાકિસ્તાનના લોકોની ત્યાં આવવાની મનાઇ ફરમાવાઇ છે. ભારતમાં સંભવતઃ આ સૌપ્રથમ એવી સીમા ચૌકી છે જેને પ્રેમ કરનારાઓનું નામ અપાયું છે. સરહદ પર વસેલા આ ગામમાં બીએસએફનીની સીમા ચૌકીનું નામ પહેલા લૈલા-મજનૂ હતું અને ત્યારબાદ મજનૂ કરાયું છે.  દર વર્ષે ચોમાસામાં ધગ્ધર નદીનું પાણી આ વિસ્તારની ચારેયતરફ ફરી વળે છે. પરંતુ આ પાણી આજ સુધી મજાર સુધી પહોંચી શક્યું નથી. જેના કારણે પણ લોકોની મઝાર પ્રત્યે આસ્થા વધી છે. 

લૈલા માટે મજનૂંએ લખેલી કવિતાનો ભાવાનુવાદ આ મુજબ છે.

'મૈં ઇન દિવારો સે ગુજરતા જાઉંગા, જીનસે લૈલા ગુજરતી હૈ ઔર મેં ઉસ દિવાલ કો ચૂમા કરુંગા, જીનસે લૈલા ગુજરતી હૈ. યહ મેરે દિલ મેં દિવારોં કે પ્રતિ પ્યાર નહીં હૈ, જો મેરે દિલ કો ખુશ કરતા હૈ લેકિન જો ઉન દિવારોં કે પાસ ચલકર મેરા ધ્યાન આકષત કરતી હૈ, ઉસસે મુજે પ્યાર હૈ...' 

Tags :