- સેલિબ્રેશન-ચિંતન બુચ
- હાલરડાંને યુ ટયુબમાં વગાડવાથી કંઇ બાળક સૂઈ ના જાય. હાલરડું માતાએ પોતે જ ગાવું પડે
- 16 માર્ચ
- વિશ્વ ઊંઘ દિવસ
શિ શુના કાને પડેલો માતૃત્વનો એ પ્રથમ મંજુલ સ્વર આમ જુઓ તો કાનની 'સૂરમયી દીક્ષા' છે.બાળક ભલે ગમે તેટલું રડતું હોય પણ માતાના મોંઢે હાલરડું સાંભળે ત્યારે નિર્ભેળ આનંદ તેના ચહેરા પર છલકાય છે. હાલરડું સાંભળતી વખતે બાળક પોતાના માતાના ખોળામાં જાણે સમાધિની અવસ્થામાં સૂઇ જાય છે. આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં ઈલેક્ટ્રોનિક ઘોડિયાથી બાળકને ભલે ઊંઘાડી શકાય પણ માતાના હાલરડામાં રહેલી મીઠાશને વિશ્વના સર્વોત્તમ ગાયક-સંગીતકાર પણ વિશેષ મમતામય નહીં બનાવી શકે.હાલરડાં એ બાળકનાં ભાવવિશ્વને કંડારે છે. આ એક એવી બારીક ગોલ્ડન મીનાકારી છે જેની છાપ કોઈ પણ શિશુ પર જીવનપર્યંત રહે છે.બાળવયના ઉત્તમ સમયમાં હાલરડાં ગાતી કે વાર્તા કહેતી દરેક માતા એક સાહિત્યકાર જ છે. માતાની જેમ જ સર્જક પણ બાળકના સંસ્કારમાં મહત્વનો ભાગ ભજવે છે. હાલરડું એ બાળક માટે કવિતાનો 'ક' છે. બાળકના કાને પડતી પ્રથમ કવિતા એટલે હાલરડું. જેને શબ્દો કરતા લય અને તાલ સાથે વધુ નિસ્બત છે. જેના પ્રભાવથી એ નિરાંતવી ઊંઘ માણે છે. જો કે હાલરડાંના શબ્દો બાળકના કાનમાં તો પડે છે જ જેના લીધે જાણ્યે-અજાણ્યે તેનો શબ્દભંડોળ વિકસે છે અને પોતાની ભાષા શીખવાની એની ક્ષમતા પણ વિકસે છે. રોજ રીપીટ થતા હાલરડાંનાં શબ્દો અને ભાવ બાળકને યાદ પણ રહી જાય છે જેની આજુબાજુ તેનું એક ભાવવિશ્વ ઊભું થાય છે.આજના સમયના માતા-પિતાને હાલરડાંનું મહત્વ ખબર જ નહીં હોય.બાળક રડવા લાગે તો તેના હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવે છે અને હાલરડું સંભળાવવાનું થાય તો પણ યુ ટયુબમાં શરૂ કરી દે છે. હકીકતમાં તો હાલરડાંને યુ ટયુબમાં વગાડવાથી કંઇ બાળક સૂઈ ના જાય. હાલરડું માતાએ પોતે જ ગાવું પડે.આપણા સાહિત્યમાં હાલરડાંઓની રચના તો અનેક કવિઓએ કરી પરંતુ જે હાલરડાંઓની ઉત્તમ રચનાથી આપણું સાહિત્ય છલકાયેલું તે હાલરડાંઓનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનાં પદોમાં રહેલું છે.
બાળક અવતરે ત્યારે હાલરડારૂપે ગાતી નારી તેનું બાળક તયા વરદાનરૂપે અવતર્યું તેની વાત કરતાં ગાય છે કે,
'તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો આવ્યાં ત્યારે અમર થઈને રો'મા'દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ મા'દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ...'
ઘરમાં જ્યારે મોટી બહેન હોય ત્યારે ભાઇને સુવાડવા માટેના પણ હાલરડાં રચાયેલા છે, 'ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ...' દરેક માતા તેના બાળકમાં બાળ કૃષ્ણ જોતી હોય છે. જે લાગણીને દર્શાવતું હાલરડું છે કે, 'પોઢોને બાલુડા કાના દોરડી હું તાણું, ક્યો તો કાના શીરાપૂરી, કાના માખણ-રોટલી જમો રે...' આપણા હાલરડાના વિશ્વમાં સૃષ્ટિને પણ સહજ રીતે વર્ણવાઇ છે, 'હાલ વાલને હકલી, ભાઇને ઘોડીએ રમે ચકલી, ચકલીઓ તો ઊડી ગઇ, ભાઈના દુખડાં લેતી ગઇ...' હાલરડામાં વીર રસને પણ વણી શકાય તેવી વાત મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ બખૂબી દર્શાવી છે. જેમાં તેઓ કહે છે કે, આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે ,બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું નાદવે , માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી... પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ - કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે... ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ - રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા... પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર - કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે... લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડય - તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !... આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ - તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે.. આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર - તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે... આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ - તે દી તારી વીરપથારી, પાથરશે વીશભુજાળી... શિવાજીન...'
ટૂંકમાં કહેવામાં આવે તો, સર્વમાં એક જ લહેકો : એક જ પોઢણ-સ્વર : કેમ કે માતૃત્વ એક જ છે. જાતિના ભેદો એને કદી રૂંધી શકશે નહિ. બાળક સર્વત્ર એક જ અને ભેદરહિત છે. જગતની નિર્દોષમાં નિર્દોષ કૃતિ તે બાળક છે. જગતનું મહાપુણ્ય તે એનું લાલનપાલન છે. પારણું અને હાલરડું એ લાલનનાં નિર્દોષ સાધનો છે.


