- સેલિબ્રેશન-ચિંતન બુચ
- જે પ્રૉજેક્ટ હાથ પર લીધો હોય તે ઓછા ખર્ચે, ચોકસાઈ સાથે નિશ્ચિત સમયમાં પૂરો થાય તેવા આયોજનમાં પણ વિશ્વસ્વરૈયા નિષ્ણાત હતા
- 15 સપ્ટેમ્બર
- એન્જિનિયર દિવસ
ગુ જરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને જેના પગલે ૨૦૬માંથી ૮૦થી વધુ જળાશયો છલકાઇ ગયા છે. આ છલકાઇ ગયેલા જળાશયોમાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમનો પણ સમાવેશ થાય છે. આજી ડેમ અને ભારતીય એન્જિનિયરિંગના પિતામહ એવા સર મોક્ષાગુંદન વિશ્વેશ્વરૈયાનું પણ કનેક્શન છે. વાત એમ છે કે, ડેમની સાઈટ નક્કી કરવા વિશ્વેશ્વરૈયા રાજકોટ આવ્યા હતા અને તેમનું માર્ગદર્શન મેળવાયું હતું. આ ડેમ પહેલા લાલપરી અને રાંદરડા ટ્વિન લેઈક અસ્તિત્વમાં હતા અને રાજકોટ માટે તે પાણીનો મુખ્ય સંગ્રહ હતા, આઝાદી પછી ઉચ્છંગરાય ઢેબરની સરકારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ડેમ માટે નિર્ણય લીધો ત્યારે તત્કાલીન સ્ટેટ એન્જિનિયર ત્રંબક સંઘવીએ વિશ્વસ્વરૈયાનું માર્ગદર્શન મેળવીને ત્યારે થોરાળા ગામ પાસે બે ડુંગરની વચ્ચે આવેલી અને લાલપરીમાં જ્યાંથી નદીનો પ્રવાહ આવતો હતો તે સાઈટ પસંદ કરી હતી. આજી ડેમમાં સંગ્રહિત થનાર પાણીનું બાષ્પીભવન (ઈવોપરેશન લોસ) ઓછો થાય તે માટે વિશ્વસરૈયાના માર્ગદર્શન હેઠળના ઈજનેરોએ આજીને અન્ય ડેમોની જેમ રકાબી જેવો બનાવવાને બદલે કપ જેવો એટલે કે ઉંડાઈ વધુ રહે તેવો બનાવ્યો હતો. આજે પણ આજીમાં બાષ્પીભવનનું પ્રમાણ સાપેક્ષમાં ઓછુ છે. આજે એમ. વિશ્વેશ્વરૈયાની વાત એટલા માટે કેમકે દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરે આવતી તેમની જન્મજયંતિ 'એન્જિનિયર ડે' તરીકે ઉજવવામાં આવે છે.સર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૧૮૬૧ના રોજ કર્નાટક રાજ્યના મુદેનહલ્લી ગામમાં એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર ૧૫ વર્ષના હતા. પરિવારમાં આર્થિક તંગીનો સામનો કરવો પડયો છતાં તેઓ સંજોગો સામે ઝૂકયા નહીં અને અભ્યાસ પ્રત્યેના જુસ્સાથી તેઓએ તાત્કાલિક નોકરી કરીને અને તેની સાથે રાત્રે અભ્યાસ કરીને પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું.તેમણે પૂણેના કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની વિચારશક્તિ, આયોજનકૌશલ્ય અને નવીનતાની ક્ષમતા અદભુત હતી. મુંબઈમાં સિવિલ ઇજનેરી ખાતામાં નોકરી મળી હતી અને સુપરિન્ટેન્ડિન્ગ એન્જિનિયરની પદવી સુધી પહોંચી ત્યાંથી નિવૃત્ત થયા હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સિંધના સક્કર બરેજ ઉપર તેમજ નાશિક, ધૂલિયા અને પુણે જિલ્લામાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સિંચાઈમાં જે બ્લાક-પદ્ધતિ દાખલ કરી હતી તે આજે પણ સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આદર્શ તરીકે સ્વીકારાય છે. તેમની બ્લૉક-પદ્ધતિથી સિંચાઈમાં પાણીનો બગાડ થતો હતો તે સારા પ્રમાણમાં ઘટયો છે.
નિવૃત્ત થયા બાદ તેઓ મૈસૂર રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે તેઓ જોડાયા અને આ પછી દીવાનની જગ્યા પર પસંદ થયા હતા. આ દરમિયાન તેમણે કૃષ્ણરાજ સાગર ડેમ તેમજ તેની પાસેનો આજે પણ ખૂબ જ પ્રસિદ્ધ એવા વૃંદાવન ગાર્ડન સ્થાપ્યા હતા. કર્ણાટકના ઔદ્યોગિક વિકાસ માટે મૈસૂર પેપર મિલ, સિમેંટ ફક્ટરી તેમજ આજે પણ જે જાણીતો છે તે ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યો હતો. તેમણે તેમના કૌશલ્યથી હૈદરાબાદ રાજ્યને તેની પૂસી નદીમાં અવારનવાર આવતા પૂરથી ઘણું નુકસાન થતું હતું. વિશ્વેશ્વરૈયાએ પૂર-નિયમન માટે ડમ, ચેક-ડમો વગેરેની ડિઝાઇન કરી હૈદરાબાદને લાંબા ગાળાના ધોરણે પૂરના વિનાશમાંથી જે રીતે ઉગારી લીધું. ખાસિયત માત્ર પ્લાનિંગ અને એન્જિનિયરિંગ ડિઝાઇનમાં નિપુણતા પૂરતી સીમિત ન રહેતાં પોતે જે પ્રૉજેક્ટ હાથ પર લીધો હોય તે ઓછા ખર્ચે, ચોકસાઈ સાથે નિશ્ચિત સમયમાં પૂરો થાય તેવા આયોજનમાં પણ જોવા મળતું. વિશ્વેશ્વરૈયાની દ્રઢ માન્યતા હતી કે આર્થિક મુક્તિ માટે ઔદ્યોગિકીકરણની જરૂર છે અને સારા આયોજન દ્વારા જ આ શક્ય બને છે. તેઓ કહેતા કે, 'ભારતદેશ માટે જરૂરી છે કે તે લાંબા સમયથી રહેલી બેપરવાઈ, ઊણપો અને ખામીઓનો ત્યાગ કરી કાર્ય માટે નવી ભૂમિકા તૈયાર કરે, જેના વડે તેનું આગવું અસ્તિત્વ ટકાવી શકે અને આર્થિક મુક્તિ મેળવી શકે. વ્યક્તિગત લાભો અને વ્યક્તિગત નફાનું સ્થાન ત્યાગ, સેવા અને શ્રમ લે. આમ થાય તો આ શક્ય બને. આ શક્ય બને તેવી નૂતન ભારતની ઝંખના છે.'
ખૂબ જ ઓછા મહાનુભાવોએ બ્રિટિશ સરકાર દ્વારા નાઇટહૂડ અને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પ્રાપ્ત કર્યો છે, જેમાં વિશ્વેશ્વરૈયાનો પણ સમાવેશ થાય છે.
૧૯૧૫માં તેમણે તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા નાઇટહૂડ અને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.૧૨ એપ્રિલ ૧૯૬૨ના ૧૦૧ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. આજે છાસવારે બ્રિજ તૂટવા, રોડ તૂટવાની ઘટના સામે આવે છે ત્યારે વર્તમાન અને ભાવિ ઈજનેરોએ વિશ્વેશ્વરૈયા પાસેથી દીર્ઘદ્રષ્ટિ, પ્રમાણિક્તા, કાર્યનિષ્ઠા જેવા ગુણો આત્મસાત્ કરવાની જરૂર છે અને તો જ ખરા અર્થમાં ઈજનેર દિવસ ઉજવ્યો ગણાશે...


