- સેલિબ્રેશન-ચિંતન બુચ
- અલ્ફ્રેડના મૃત્યુ બાદ વસિયત જ્યારે ખોલવામાં આવી ત્યારે ભારે ઉહાપોહ મચી ગયો
- 10 ડિસેમ્બર
- નોબલ એવોર્ડ્સ ડે
૧૦ ઓક્ટોબર, ૨૦૨૫. વિશ્વમાં સત્તાના પાવરહાઉસ એવા વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશા અને ગુસ્સા સાથે ફરી રહ્યા હતા. તેમનો સ્ટાફ પણ સતત ફોન ઉપર વિવિધ લોકોનો સંપર્ક કરી રહ્યા હતા. વ્હાઇટ હાઉસમાં ઉપસ્થિત દરેકના ચહેરા પર માત્ર રઘવાટ, ઉચાટ, અકળામણના જ ભાવ હતા. આખરે શું હતું આ પાછળનું કારણ? વાત એમ હતી કે વિવિધ યુદ્ધ 'અટકાવવા' માટે ટ્રમ્પને નોબલનો શાંતિ પુરસ્કાર મળશે તેવી ખૂબ જ આશા હતી. પરંતુ તેમનું આ સ્વપ્ન તોડીને વેનેઝુએલાનાં મારિયા કોરિના મચાડોની નોબલ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.
શું છે આ નોબલ પુરસ્કાર ? શા માટે તેને પ્રતિષ્ઠિત ગણાય છે ? તેને કોના દ્વારા આપવામાં આવે છે ?૧૦ ડિસેમ્બરના 'નોબલ એવોર્ડ્સ' છે ત્યારે તેના વિશે વાત કરીએ. નોબલ પુરસ્કાર જેમના નામે અપાય છે તેવા અલ્ફ્રેડ નોબલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના સ્વીડનના સ્ટોકહોમ ખાતે થયો હતો. તેઓ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર રશિયામાં સ્થાયી થયો હતો. તેમના પિતા દારૂ-ગોળાની ફેક્ટરી ચલાવતા હતા. ખૂબ જ ઓછા સમયમાં તેમનો વ્યવસાય સફળતાના શિખરો સર કરવા લાગ્યો અને તેમને ત્યાંથી દારૂ-ગોળા ખરીદનારામાં રશિયાના રાજાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ ધીરે-ધીરે દારૂ-ગોળાની માંગ ઓછી થવા લાગી અને તેના પિતા ફેક્ટ્રીને બંધ કરીને સ્વીડન પરત ફર્યા. ફેક્ટ્રીમાં ભલે તાળું લગાવવું પડયું હોય પણ પુત્ર અલ્ફ્રેડના મનમાં દારૂ-ગોળા પ્રત્યે લગાવના બીજ રોપાઇ ગયા હતા. અલ્ફ્રેડ નોબલે કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ સસ્તી અને સુરક્ષિત વિસ્ફોટક સામગ્રી કેવી રીતે બનાવી શકાય તેનું રીસર્ચ તેઓ કરવા લાગ્યા. રીસર્ચ દરમિયાન લેબમાં એક દુર્ઘટનામાં તેમના ભાઇનું અવસાન થયું. પરંતુ તેના થોડા જ સમયમાં નોબલને ડાઇનામાઇટ બનાવવામાં સફળતા મળી ચૂકી હતી. ડાઇનામાઇટ બાદ ૧૮૭૫માં અલ્ફ્રેડે જિલેટિનની શોધ કરી. આ પછી તેમનો વ્યવસાય સતત વિસ્તરતો ગયો અને યુરોપના દેશોમાં તેમના ૯૦થી વધુ કારખાના હતા. હવે આવ્યું ૧૮૮૮નું વર્ષ. અલ્ફ્રેડના એક ભાઇ લુડવિગનું મૃત્યુ થયું. પરંતુ કેટલાક અખબારમાં લુડવિગને સ્થાને મૃતક તરીકે અલ્ફ્રેડનું નામ લખાયું.
એક ફ્રેન્ચ અખબારે લખ્યું કે, 'મોતના સોદાગરનું મૃત્યુ થયું છે. ડો. અલ્ફ્રેડ નોબલ કે જેમણે એકસાથ વધુને વધુ લોકોને મારવા માટે વિવિધ શોધ કરી હતી તેનું ગઇકાલે રાતના મૃત્યુ થયું છે. ' અલ્ફ્રેડને આ સમાચાર વાંચીને આંચકો લાગ્યો. તેને દુ:ખ થયું કે મૃત્યુ બાદ તેને ઈતિહાસ 'મોતના સોદાગર' તરીકે જ યાદ રાખશે? આ પછી તેમણે વિસ્ફોટક સામગ્રીને સ્થાને અન્ય ચીજવસ્તુઓ પર રીસર્ચ શરૂ કર્યું. ૧૮૯૬માં તેમનું અવસાન થયું એ વખતે તેમના નામે ૩૫૫ પેટન્ટ હતી. આજના સમયના હિસાબે અંદાજે રૂપિયા ૧૭૦૦ કરોડની સંપત્તિ હતી. મૃત્યુના ૧ વર્ષ અગાઉ જ તેમણે વસિયત લખી હતી. જેમાં લખ્યું હતું કે તેમની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો એક ફંડની સ્થાપના માટે કરવામાં આવે. આ ફંડથી મળનારા વ્યાજથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, લિટરેચર, શાંતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારાને એવોર્ડ આપવામાં આવે. આ એવોર્ડ્સમાં છઠ્ઠી કેટેગરી ઈકોનોમિક્સ ક્ષેત્રની વર્ષ ૧૯૬૮માં ઉમેરવામાં આવી હતી. જે સંસ્થા દ્વારા વિજેતા પસંદ કરાશે તેનું નામ પણ વસિયતમાં હતું. અલ્ફ્રેડના મૃત્યુ બાદ વસિયત જ્યારે ખોલવામાં આવી ત્યારે ભારે ઉહાપોહ મચી ગયો. પરિવારમાં તો નારાજગી હતી જ અને જે ટ્રસ્ટને જવાબદારી સોંપવાની વાત લખી હતી તેને પણ હાથ ઊંચા કરી દીધા હતા. અનેક પ્રયાસો બાદ આખરે ૧૯૦૧માં નોબલ પ્રાઇઝની શરૂઆત થઇ હતી. એક રીતે અખબારમાં મૃતક તરીકેનું ખોટું નામ નોબલ એવોર્ડ્સની શરૂઆત થવા પાછળ ટનગ પોઇન્ટ બની રહ્યું.
હવે આ નોબલ પ્રાઇઝ માટે પસંદગી કેવી રીતે થાય છે તેની વાત કરીએ. નોબલ પુરસ્કાર માટે સૌપ્રથમ નોમિનેશન ફોર્મ ભરવામાં આવે છે. કોઇ પણ વ્યક્તિ નોમિનેટ કરી શકતી નથી. એકેડમિક્સ, યુનિવસટીના પ્રોફેસર્સ, વૈજ્ઞાનિક, અગાઉના નોબલ વિજેતા કે એવા લોકો જેમને એવોર્ડ આપનારી કમિટિ યોગ્ય માને છે તે નોમિનેટ કરી શકે છે. જેમને પણ નોમિનેટ કરવામાં આવે છે તેમના નામ ૫૦ વર્ષ સુધી જાહેર કરાતા નથી. નોમિનેશન બાદ સમિતિઓ દ્વારા તે નામ અંગે વિચારણા થાય છે અને ત્યારબાદ ઈન્ટરનલ વોટિંગથી વિજેતાની પસંદગી કરાય છે. અત્યારસુધી ૯૮૧ લોકો અને સંસ્થાઓને નોબલ મળ્યા છે. એક પ્રાઇઝ મહત્તમ ૩ લોકો અને સંસ્થાઓ વચ્ચે અપાઇ શકે છે. તેની ઈનામી રોકડ રકમ પણ વહેંચવામાં આવે છે. વિજેતાઓને એક સટફિકેટ, એક ગોલ્ડ મેડલ અને અંદાજે રૂપિયા ૮ કરોડની રકમ મળે છે. નોબલ પુરસ્કાર પ્રતિષ્ઠિત ગણાય છે પરંતુ તે વિવાદમાં પણ રહે છે. વિશેષ કરીને નોબલ શાંતિ પુરસ્કારથી અનેક વાર વિવાદ સર્જાયા છે. અલ્ફ્રેડ નોબલની વસિયત પ્રમાણે શાંતિ પુરસ્કાર એવી વ્યક્તિને અપાવો જોઇએ જેણે દેશો વચ્ચે ભાઇચારો વધારવા, સૈનિકોની સંખ્યા ઘટાડવા અને શાંતિ સ્થપાય તેના માટે કામગીરી કરી હોય. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિન્જરનો કાર્યકાળ તેમની યુદ્ધખોર નીતિ અને માનવ અધિકારના ઉલ્લંઘનને કારણે લોહીથી ખરડાયેલો બની રહ્યો હતો. આમછતાં તેમને નોબલ શાંતિ પુરસ્કારથી 'નવાજવા'માં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર વિશ્વને અહિંસાનો મહામૂલો સંદેશો આપનારા મહાત્મા ગાંધીને ૧૯૩૭, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૪૭ અને ૧૯૪૮ એમ પાંચ વખત નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા. પરંતુ નોબલ પુરસ્કારના કમનસિબ કે એકપણ વખત મહાત્મા ગાંધીની તેના માટે પસંદગી થઇ નહીં.
આ જ રીતે સોવિયટ યુનિયનના આપખુદશાહી જોસેફ સ્ટાલિનને બે વખત શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા. યુદ્ધ વિરામનો ભંગ, આતંકી હુમલો કરવાના આક્ષેપો છતાં ૧૯૯૪માં યાસિર અરાફાતને નોબલ પીસ પ્રાઇઝ માટે પસંદ કરાતા વિવાદ થયો હતો.
હવે ભારતની વાત કરવામાં આવે તો ૧૯૧૩માં રવિન્દ્રનાથ ટૈગોરને સાહિત્યના ક્ષેત્રમાં નોબલ અપાયો હતો. તેમણે ૧૯૧૦માં બંગાળી કાવ્ય સંગ્રહ 'ગીતાંજલિ' લખ્યું હતું. ૧૯૧૨માં ટૈગોરે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ અનુવાદને એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ૧૯૩૦માં ફિઝિક્સમાં ચંદ્રશેખર વેંકટ રમન,૧૯૬૮માં મેડિસિન ક્ષેત્રે હરગોવિંદ ખુરાનાને નોબલ મળ્યો હતો. ૧૯૭૯માં પ્રથમવાર કોઇ ભારતીયને શાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો હતો, તેમનું નામ હતું અગનેસ ગોંજા બોયાજિજૂ, વિશ્વ તેમને મધર ટેરેસાના નામથી ઓળખે છે. ૧૯૮૩માં ફિઝિક્સના ક્ષેત્રમાં સુબ્રમણ્યમ ચંદ્રશેખરને , ૧૯૯૮માં અર્થશામાં અમર્ત્ય સેનને , ૨૦૦૯માં કેમિસ્ટ્રીમાં વેંકટરમન રામકૃષ્ણનને, ૨૦૧૪માં શાંતિ માટે કૈલાસ સત્યાર્થીને, ૨૦૧૯માં અર્થશાસ્ત્રમાં અભિજિત બેનર્જીને નોબલથી સન્માનિત કરાયા હતા.


