Get The App

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર....

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.... 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- વાત વટની હોય કે શક્તિપ્રદર્શનની ઘોડો હંમેશાં તેના કેન્દ્ર સ્થાને રહ્યો છે 

- 11 જુલાઈ

- વિશ્વ ઘોડા દિવસ 

વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ

તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો

બાવીસ નામ વાણી બોહત કવિ પિંગળ કીરત કહી

ગ્રંથ આદ દેખે મતાં સબળ નામ સારાં સહી

તેજી તુરંગ તોખાર વાહ વાજી બેગાલ ધુરજ ભિડજ ગર્ન્ધવા અસવ અરવી અસિ ચંચળ

તારપ તુરી સજીવ બાજી કેકાંણ વિડંગહ હરિ હિમ્મ બ્રહાસ બલહ જંગમ વાતંડહ

સાકુર અપત્તિ વીતી સિંધવ એરાકી ઉપમ ઘણા

કર જોડ કવિત પિંગલ કહૈ તીસ નામ ઘોડા તણા

- પિંગળશીભાઈ ગઢવી

ચા રણી સાહિત્યમાં દર્શાવવામાં આવેલા ઘોડાના આ વિવિધ નામ છે. મનુષ્યનો સૌથી પુરાણો મિત્ર એટલે ઘોડો. 'અશ્વમેઘ' નું નામ સાંભળ્યું જ હશે, પ્રાચીન સમયમાં રાજા-મહારાજા એક યજ્ઞા કરાવતા હતા. આ યજ્ઞામાં એક સુંદર, લાંબા અને મજબૂત ઘોડાને ખૂબ શણગાર સાથે સજાવીને ખૂલ્લો મૂકી દેવામાં આવતો. આ ઘોડાની પાછળ રાજાની પૂરી સેના ચાલતી-ચાલતી જતી. ઘોડા વર્ષ દરમિયાન જેટલા દેશ-પ્રદેશમાં ફરી આવતો તે તમામ રાજાના થઇ જતા. આ રીતે રાજા  'ચક્રવર્તી' થઇ જતો. મતલબ કે, હવે તેની પાસે જીતવા માટે કંઇ જ બચ્યું નથી. અલબત્ત, કોઇ રાજાને યજ્ઞા કરનારા રાજાને પડકારવો હોય તો તેણે યજ્ઞાના તે ઘોડાને રોકવો પડતો. ઘોડો રોકવાનો મતલબ થતો-યુદ્ધ. રામાયણ, મહાભારત અને પુરાણોમાં અશ્વમેઘ યજ્ઞાના અનેક જાણીતા કિસ્સા છે. ઈસવીસન પૂર્વે બીજી સદીમાં પુષ્યમિત્ર શુંગે અશ્વમેઘ યજ્ઞા કર્યો ત્યારે તેમની સાથે યોગ સૂત્રના રચયિતા પતંજલિ પણ ઉપસ્થિત હતા. ચોથી સદીમાં ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્તે તેમજ દક્ષિણ ભારતના કેટલાક રાજાઓએ પણ આ પ્રકારનો યજ્ઞા કર્યો હતો. આ તમામના કેન્દ્રમાં એક જ બાબત હતી-પાવર એટલે કે શક્તિ. આ શક્તિનું ચિહ્ન હતું ઘોડો. આ પછીના સમયગાળામાં પણ 'પાવર' હાંસલ કરવા માટે યુદ્ધ ખેલાતા. ક્યારેક ઘોડાની પીઠ પર સવાર થઇને તો ક્યારેક ઘોડા પર બંદૂક રાખીને. બંદૂકનું ટ્રિગર પણ 'ઘોડા' તરીકે જ ઓળખાય છે. રાજાના શાનની સવારી, બગ્ગી ખેંચનારો ઘોડો જ હોય છે. મતલબ કે, વાત વટની હોય કે શક્તિપ્રદર્શનની ઘોડો હંમેશાં તેના કેન્દ્ર સ્થાને રહ્યો છે. આજે પણ શક્તિના માપદંડ તરીકે 'હોર્સપાવર' ધ્યાને લેવામાં આવે છે. આ હોર્સપાવર કઇ રીતે અસ્તિત્વમાં આવ્યો તે પાછળની વાત રસપ્રદ છે અને તે જાણવા ૧૮મી સદીમાં જવું પડશે. 

સ્કોટલેન્ડમાં એક મહાન વૈજ્ઞાનિક થઇ ગયા, જેમ્સ વૉટ.  આજે પણ બલ્બ-ટયુબલાઇટ ખરીદતાં અગાઉ આપણે તેમનું નામ લઇએ છીએ, ૧૫ વૉટનો બલ્બ...૨૦ વૉટનો બલ્બ. જેમ્સ વૉટના નામે જ પાવર માપવાનું માધ્યમ બન્યું વૉટ. જેવી રીતે લંબાઇ માપવા મીટર, સમય માપવા સેકન્ડ છે તેમ પાવરને વૉટમાં દર્શાવાય છે. પરંતુ લાંબા સમય સુધી પાવરની યુનિટ એચપી હતી. એચપી મતલબ હોર્સ પાવર, જેમ્સ વૉટે જ વિશ્વના સૌપ્રથમ સ્ટિમ એન્જિન. આ સ્ટિમ એન્જિનની તાકાતને ગણવી કઇ રીતે તેનો પ્રશ્ન ઊભો થયો. એ વખતે એન્જિનની શક્તિ દર્શાવવા માટે ઘોડાની તાકાત સાથે તેની સરખામણી કરવામાં આવી. પરંતુ હવે પેટાપ્રશ્ન એ ઊભો થયો કે આખરે ઘોડામાં તાકાત કેટલી હોય છે? ઘોડાની તાકાતનો અંદાજ મેળવવા એક યુક્તિ અપનાવાઇ. એક ઘોડાને એક ખાસ પ્રકારની સિસ્ટમના માધ્યમથી અમુક વજન ઉપાડવાની કામગીરી સોંપાઇ. તે વજન અને તેને ઊંચકવામાં લાગેલા સમયને નોંધવામાં આવ્યો. પરંતુ દરેક ઘોડાની ક્ષમતા એકસમાન જ હોય તે શક્ય નથી.  જેના કારણે અનેક ઘોડા ઉપર તેમની વજન વહન કરવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો. આખરે, એવું તારણ આવ્યું કે એક ઘોડો અંદાજે ૨૫૦ કિલો વજન ૧ સેકન્ડમાં ૧ ફૂટની ઊંચાઇ સુધી ખેંચી શકે છે. આ જ છે ૧ હોર્સ પાવર. તેને વૉટમાં બદલવામાં આવે તો ફોર્મ્યુલા આવે છે, ૧લ્લઁ=૭૪૫૦૭ઉચાાજ. જમીનથી પાણી ખેંચતી મોટરમાં પણ તેની કેપેસિટી વૉટ કે હોર્સપાવરમાં દર્શાવાય છે. આમ, તાકાતના સિમ્બોલ તરીકે જેને પસંદ કરવામાં આવ્યો તે ઘોડો છે. 

કાઠિયાવાડી, મારવાડી, મણિપુરી, ભૂતાની, સ્પિતિ અને ચુમરવી એ ઘોડાના કેટલાક મુખ્ય પ્રકાર છે. આ પૈકી કાઠિયાવાડના અશ્વોએ અદભૂત પરાક્રમો બતાવ્યાની ઘણી લોક કથાઓ લોકસાહિત્યમાં વેરાયેલી છે. પરંતુ કાઠિયાવાડી ઘોડાનો અદભૂત વારસો મહદ્ અંશે આજે પણ સચવાયેલો છે. કાઠી ઘોડાનો ઈતિહાસ એટલો રસપ્રદ કેમ છે તેનો ઉલ્લેખ એક ઐતિહાસિક સાથે જોડાયેલો છે.  

આટકોટના દાદા ખાચરનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. ઈ.સ ૧૭૯૨-૯૩માં દાદાખાચરે મોરબીના લશ્કર સાથે ચોટીલામાં લડતા લડતા જીવ ગુમાવ્યો. આ વાતનો સંદેશો ૫૫ કિલોમીટર અંતર કાપી આટકોટ જઈને દાદાખાચરની કાઠી ઘોડીએ આપ્યો. આવા તો અનેક પરાક્રમો છે કાઠિવાડી ઘોડાના. સૌરાષ્ટ્રની રસધાર-૩માં ઝવેરચંદ મેઘાણીએ ઉલ્લેખ કર્યો છે કે, 

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,

(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? બેમાંથી એક માર્ગે  કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવાત કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે. 

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,

સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સર્જયા છે, કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરૂષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.

આ જ રીતે કાદુ મકરાણીની લીલુડી અને જૂનાગઢના રાજા રા'નવઘણના અશ્વપ્રેમની આંખો ભીની થઈ જાય અને છાતી ગજગજ ફૂલે એવી તો અનેક શૌર્યકથાઓ ઈતિહાસમાં કંડારાયેલી છે. એટલું જ નહિ, પણ વફાદાર, વિશ્વાસુ, સહનશીલ અને માલિક માટે પ્રાણ ન્યોછાવર કરનાર મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક હોય કે ચોટીલાના ધણી સેલાર ખાચરની ચાંગ નામની જાતવંત ઘોડી હોય, રજવાડાંઓના સૈન્યમાં ખમીરવંતા ઘોડાઓનું આગવું સ્થાન રહેતું હતું. આજે પણ ઘોડાને વટનું પ્રતિક તો ગણવામાં જ આવે છે. અલબત્ત, ક્રોસ-બ્રીડિંગ થવાને કારણે ઘોડાની અનેક શુદ્ધ નસલના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.