- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'નભ: સ્પૃશં દીપત્મ્ ગીતાજીના અગિયારમા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે
- 8 ઓક્ટોબર
- ભારતીય એરફોર્સ દિવસ
'ભા રતીય એરફોર્સનું નામ સાંભળતાં જ દુશ્મનોના હાજા ગગડી જાય છે અને તેમાં મારું પણ યોગદાન રહ્યું છે. કારગિલ યુદ્ધ વખતે મેં પર્વતોમાં બેઠેલા પાકિસ્તાનીઓનો ખાતમો બોલાવ્યો હતો. મેં જ વિંગ કમાન્ડર અભિનંદન સાથે મળીને પાકિસ્તાની એફ-૧૬ વિમાનને નિશાન બનાવ્યું હતું. મારી ટેક્નોલોજીનો એવો ખોફ હતો કે ઈઝરાયેલ જેવા દેશે ઈરાકમાંથી મારી ચોરી કરાવી હતી. ક્રેશ જેવી ઘટનાથી મને ફ્લાઇંગ કોફિન પણ કહેવાયું. કેમકે, વધતી ઉંમર છતાં મારી ઉડાન ચાલુ રહી. હવે હું થાક્યો છું અને આરામ કરવા જઇ રહ્યો છું....' તાજેતરમાં ભારતીય એરફોર્સમાંથી 'નિવૃત્તિ' અપાઇ તેવું મિગ-૨૧ને જો વાચા હોત તો તેણે ફેરવેલ સ્પીચમાં આવા જ શબ્દો કહ્યા હોત...મિગ-૨૧ બાઇસનને ૧૯૬૩માં ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરાયું. તે ભારતનું પ્રથમ સુપરસોનિક એટલે કે ૨૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ધરાવતું ફાઇટર જેટ હતું.
મિગ-૨૧ જેમાં સામેલ હતું તેવા ભારતીય એરફોર્સ માટે ૮ ઓક્ટોબર સિમાચિહ્નરૂપ છે. આ દિવસે જ ૧૯૩૨ના વર્ષમાં બ્રિટનની સહાયક વાયુસેના તરીકે દેશમાં ઇન્ડિયન એરફોર્સની રચના કરવામાં આવી હતી.ભારતમાં એરફોર્સનો પ્રારંભ અંગ્રેજોની ગરજથી થયો હતો. વાત એમ બની કે, ૧૯૩૧ સુધી હિટલર જર્મનીનો સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યો હતો. તેના આપખુદશાહી નિર્ણયોથી બીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે છેડાશે તેવા સંકેત મળવા લાગ્યા હતા. જેના કારણે વિશ્વભરના શાસકો પોતાની સલામતી વધુ મજબૂત કરવા માટે એરફોર્સને વધુને વધુ શક્તિશાળી બનાવવામાં પ્રયત્નશીલ હતી. બ્રિટિશ સરકારને પણ ભારતમાં પોતાની કંપનીઓ અને પોર્ટ્સના રક્ષણ માટે એરફોર્સની જરૂરિયાત સર્જાઇ અને પછી જન્મ થયો ભારતીય એરફોર્સનો. ૧ એપ્રિલ ૧૯૩૩ના પ્રથમ વખત ભારતીય વાયુસેનાના ૪ વેસ્ટલેન્ડ વૈપિટી આઇઆઇએ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર ફ્લાઇટ લેફ્ટન્ટ સેસિલ બુચીની આગેવાનીમાં પાયલટ જે.એન. ટંડન, હરિશચન્દ્ર સિરકાર, સુબ્રતો મુખર્જી, ભૂવેન્દ્રસિંહ , અમરજીતસિંહ અલગ-અલગ વિમાનમાં સવાર હતા. ૧૯૩૬માં વજીરિસ્તાન શહેર (હાલમાં પશ્ચિમ પાકિસ્તાન સ્થિત) અંગ્રેજો સામે આંદોલનનું એપિસેન્ટર બની ગયું હતું. પશ્તુન રાષ્ટ્રવાદી મિર્ઝાલી ખાન સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય અને મુખ્ય આંદોલનકારી હતા. તેઓ પોતાના સાથીઓ સાથે મળીને અંગ્રેજો સામે આંદોલન કરી રહ્યા હતા. અનેક પ્રયાસો છતાં અંગ્રેજોને મિર્ઝાલી ખાનને પકડવામાં કે તેમનું આંદોલન ઠંડું પાડવામાં સફળતા મળી નહીં. જેનાથી પરેશાન થઇને અંગ્રેજોએ ૨૫ નવેમ્બર ૧૯૩૬ના એરફોર્સના માધ્યમથી ઓપરેશન શરૂ કરવા આદેશ આપ્યો હતો. ભારતીય એરફોર્સનું આ સૌપ્રથમ મિશન હતું. બીજા વિશ્વ યુદ્ધ વખતે ઓગસ્ટ ૧૯૪૦માં ઇન્ડિયન એરફોર્સના ૨૪ પાયલટને તાલીમ લેવા માટે બ્રિટન મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૨માં ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટે બર્મના અરાકાનમાં બનેલી જાપાની સેનાની છાવણીમાં બોમ્બ વરસાવ્યા હતા. બર્મા ઉપરાંત આફ્રિકા-યુરોપમાં પણ નાઝી સેના માટે સામે લડવા માટે ઇન્ડિયન એરફોર્સની ટૂકડીને મોકલાઇ હતી.
આઝાદી પહેલા એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. એરફોર્સને આર્મીના કમાંડથી સ્વતંત્ર બનાવવાનું શ્રેય ઇન્ડિયન એરફોર્સના પહેલા કમાંડર ઇન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તેઓ ભારતીય વાયુસેનાના પહેલા ચીફ એર માર્સલ હતા. તેઓ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૨૨ ફેબુ્રઆરી ૧૯૫૦ સુધી આ પદ પર હતા. ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય 'નભ: સ્પૃશં દીપત્મ્ ગીતાજીના ૧૧માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. જે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ઉપદેશનો એક અંશ છે.
૨૬ ઓક્ટોબર ૧૯૪૮ના રાજા હરિસિંહના હસ્તાક્ષરની શાહી હજુ સુકાઇ પણ નહોતી ત્યાં બારામુલ્લાની ધરતી રક્તથી લાલ થવા લાગી હતી. પાકિસ્તાને બારામુલ્લા પર કબ્જો જમાવી દીધો હતો અને એ જ સવારે મહારાજા હરિસિંહ શ્રીનગરથી જમ્મુ જવા માટે રવાના થઇ ગયા હતા. કૂટનીતિ અને રાજનીતિની ભૂમિકા પૂરી થઇ હતી અને હવે આગળનું કામ સેનાનું હતું. ૧૯૪૭-૪૮ના ભારત-પાકિસ્તાનના યુદ્ધને એક લાઇનમાં જ દર્શાવાય છે કે ભારતની સેના પહોંચી, યુદ્ધ થયું અને આપણો વિજય થયો. પરંતુ ભારતીય સેનાના શૌર્યની ગાથા રજૂ કરવા આ પૂરતું નથી. અંદાજે ૧૪ મહિના ચાલેલું આ યુદ્ધ એટલા ચઢાવ-ઉતારથી પસાર થયું કે એકાદ નાનકડી ભૂલમાં કાશ્મીર આપણને ગુમાવવું પડત. ૧૯૪૭માં શ્રીનગરના રંગરેટ એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ ડેકોટાનું આગમન થયું હતું જેમાંથી
શીખ બટાલિયનના સૈનિકો ઉતર્યા હતા. આ સાથે જ ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના ભારતીય સેનાએ પ્રથમવાર કાશ્મીરની ધરતી ઉપર પગ મૂક્યો હતો. પાકિસ્તાનને કાશ્મીર પર કબ્જાનું આશાનું કિરણ દેખાઇ જ રહ્યું હતું ત્યાં ભારતીય સેનાએ તેમના ઈરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું. એર માર્શલ રણધીર સિંહ, વિંગ કમાન્ડર એચ.એન.ચેટર્જી, ફ્લાઇટ લેફ્ટન્ટ એન.કે. શિતોલે, ફ્લાઇટ લેફ્ટન્ટ રોશન સુરી અને ફ્લાઇંગ ઓફિસર જે.જે. બાઉચેના નેતૃત્વ હેઠળ ભારતીય એરફોર્સની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની પુરવાર થઇ હતી.
આપણે વેકેશનમાં દીવ, દમણ, ગોવા ફરવા જવાનું આયોજન કરતા હોઇએ છીએ. પરંતુ ભારતીય એરફોર્સે શૌર્ય ન દાખવ્યું હોત તો આપણે આ સ્થળે ફરવા જવા વિઝા લેવા પડત. વાત એમ બની કે, સ્વતંત્રતા બાદ જ પોર્ટુગિઝોને ગોવા છોડવા માટે આદેશ આપી દેવાયો હતો. પરંતુ પોર્ટુગિઝોએ તેનો ઈન્કાર કરતાં તત્કાલીન મુખ્યમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૬૨માં આ મામલો યુનાઇટેડ નેશન્સમાં ઉઠાવ્યો હતો. પરંતુ યુનાઇટેડ નેશન્સે પણ હાથ ઉંચા કરી દીધા. જેના પગલે ભારતે નાછૂટકે આક્રમણનો માર્ગ અપનાવ્યો. એરફોર્સે ગોવાના ડેબોલિમ એરપોર્ટ અને બમ્બોલિમમ ખાતેના રેડિયો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દીધા હતા. ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના ગોવા, દીવ, દમણમાં તિરંગો લહેરાયો હતો. એર માર્શલ પિન્ટો ડો રોઝારિયો, વિંગ કમાન્ડર એન.બી. મેનને આ મિશનમાં એરફોર્સનું સુકાન સંભાળ્યું હતું.
આ જ રીતે ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૭૫, ૧૯૯૯ના યુદ્ધ હોય કે થોડા મહિના અગાઉનું 'ઓપરેશન સિંદૂર' દરેકમાં ભારતીય એરફોર્સે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં વિદેશમાં કટોકટીની સ્થિતિમાં ભારતીયો ફસાયા હોય ત્યારે પણ એરફોર્સને સૌપ્રથમ યાદ કરવામાં આવે છે... ભારતીય એરફોર્સ અને તેની વીરતાને શત્ શત્ નમન....


