Get The App

આપણે આત્મશ્રદ્ધા ખોઇ બેઠાં છીએ,જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક જ છે....

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
આપણે આત્મશ્રદ્ધા ખોઇ બેઠાં છીએ,જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક જ છે.... 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- માણસ બીજાને પૈસા માટે છેતરે તો તમે કહો છો કે એ મૂર્ખ અને ધુતારો છે. તો જે માણસ બીજાને આધ્યાત્મિકતાને નામે છેતરવા ઈચ્છે તો, તેની દુષ્ટતા કેટલી વધારે મોટી છે? 

- 12 જાન્યુઆરી

- નેશનલ યુથ ડે 

૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોની આર્ટ ઈન્સ્ટિટયુટમાં એક સભાનું આયોજન કરાયું હતું. પગ મૂકવા પણ જગ્યા નહીં તેવા આ હોલમાં આઇજેક હેડલેન્ડ નામના વક્તાનું 'રિલિજન ઈન બીજિંગ' વિષય પર ભાષણ હતું. તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરવા જ જઇ રહ્યા હતા ત્યાં શ્રોતાઓનો ગણગણાટ વધવા લાગ્યો અને તાળીઓનો ગડગડાટ થયો. કારણકે, સ્વામી વિવેકાનંદ પણ આ વક્તવ્ય સાંભળવા આવ્યા હતા. ૯ દિવસ અગાઉ જ તેમણે 'મારા અમેરિકન ભાઇઓ, બહેનો' કહીને વિખ્યાત ભાષણની શરૂઆત કરી હતી અને દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે વક્તવ્ય આપવાનો તેમનો વારો નહોતો પણ આઇજેક હેડલેન્ડનું ભાષણ સાંભળવા માટે આવ્યા હતા. આઇજેક હેડલેન્ડ અને અન્ય શ્રોતાના આગ્રહથી સ્વામી વિવેકાનંદે પણ વક્તવ્ય આપ્યું હતું. જેના અંશ એવા હતા કે, 'ભુખ્યા વ્યક્તિને ધર્મ આપવો તેનું અપમાન છે. તેને તત્વમિમાંસા સમજવા તેમનું અપમાન છે. અનેક ક્રિશ્ચિયનો  અન્યને મિશનરીમાં મોકલવા ખૂબ આતુર હોય છે. જેથી તેઓ તેમની આત્માને બચાવી શકે. પરંતુ તમે સૌપ્રથમ તેમનું શરીર શા માટે બચાવતા નથી. હજારો લોકો ભૂખે મરે છે છતાં તમે કંઇ કર્યું નથી. તમે સમજતા નથી કે ભારતને ધર્મની જરૂર નથી, ભારતમાં પહેલેથી જ ઘણા ધર્મ છે. તેમને જરૂર છે રોટલીની, જેના માટે તેઓ પોકાર કરે છે. તેઓ રોટલી માંગે છે અને આપણે તેમને પથ્થર આપીએ છીએ...'

૧૩૩  વર્ષ અગાઉ સ્વામી વિવેકાનંદે કરેલી વાત અને તેમના અવતરણો આજે પણ સમકાલિન જ લાગે.  ૯/૧૧. આ તારીખ વાંચતાં જ એક ડર પેદા થવા લાગે છે. ન્યૂયોર્કમાં બે ઊંચી ઈમારતો અને તેની સાથે ટકરાતા બે વિમાન, ઓસામા બિન લાદેન, જ્યોર્જ બૂશ જાણે સ્મૃતિપટલમાંથી પસાર થવા લાગે છે. આપણે ડર એટલા માટે અનુભવીએ છીએ કેમકે આ તારીખ માટે આપણો દ્રષ્ટિકોણ જ ખોટો છે. ૯/૧૧ નું નામ પડતાં વિસ્ફોટનો અવાજ એ હદે આપણા કાને અથડાય છે કે એ જ તારીખના વિશ્વશાંતિ અને હિંદુ ધર્મની સનાતન સંસ્કૃતિનો સંદેશો પશ્ચિમની ધરતી પર રજૂ કરનારા  સ્વામી વિવેકાનંદની અમૃતવાણી આપણે સંભળાતી નથી. ૧૨ જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે ત્યારે તેમણે વિવિધ લેખો, વાર્તાલાપો, પત્રો, પ્રવચનો દ્વારા રજૂ કરેલી અમૃતવાણીના સમુદ્રમાં ડૂબકી લગાવીએ...

અત્યારે આપણને આપણા દેશમાં શેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાક બળની જરૂર છે. હું જ વિશ્વત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમો ફગાવી દઇને પોતાના પગ પર ખડો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો હશે? 

તમારાં બાળકોને બચપણથી સશક્ત બનાવો. તેમને દુર્બળતા શીખવશો નહીં. અનુાન શીખવશો નહીં. પરંતુ તેમને તાકાતવાન બનાવો. તેમને પોતાના પગ પર ખડા રહી શકે તેવા હિંમતવાન, સર્વવિજયી, બધું સહન કરી શકે તેવાં બનાવો. સૌપ્રથમ તેમને આત્માના મહિમા વિશે શીખવા દો. એ વસ્તુ તમને એકલા વેદાંતમાં જ સાંપડશે, બીજે ક્યાંય નહીં સાંપડે.

જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમ વધારેને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડયું હોય છે. વ્યાવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે. 

ભલે તમને તમારા પુરાણના તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય, ભલે તમને પરદેશીઓએ  અવારનવાર તમારામાં ઘુસાડેલા બધાય દેવતાઓમાં શ્રદ્ધા હોય, પણ જો તમને તમારા પોતાનામાં શ્રધ્ધા નહીં હોય તો તમારે માટે મુક્તિ નથી. તમારામાં પોતાનામાં શ્રદ્ધા રાખો, આપણે અત્યારે એની જરૂર છે. આપણાં ભોંયે રગદોળતાં શરીરોને પગથી કચડવાનું પસંદ કરનારા ગમે તે મુઠ્ઠીભર પરદેશીઓ તેત્રીસ કરોડ લોકો પર છેલ્લાં એક હજાર વર્ષ થયાં રાજ કરતાં આવ્યા છે, તેનું કારણ શું છે? કારણ એ જ કે તેમને પોતાનામાં શ્રદ્ધા હતી, આપણને તે નહોતી. પશ્ચિમમાં હું જઇને શું શીખ્યો ? મેં ત્યાં એ જોયું કે યુરોપ-અમેરિકા બેઉનાં રાષ્ટ્રીય હૃદયમાં માણસોની આત્મશ્રદ્ધાની ગજબનાક શક્તિ રહેલી છે. આપણે આત્મશ્રદ્ધા ખોઇ બેઠાં છીએ. પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિક્તા કહેતા, નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક જ છે. 

ઉપનિષદોની મહત્તા છતાં, આપણે ષિઓના વંશજો તરીકેની બડાઇ મારતા હોવા છતાં, બીજી ઘણી પ્રજાઓની સરખામણીમાં, મારે તમને કહેવું જોઇએ કે આપણે દુર્બળ છીએ. ઓછામાં ઓછા આપણાં એક  તૃતિયાંશ દુ:ખોનું મૂળ આપણી શારીરિક નબળાઇ છે. આપણે આળસુ છીએ, આપણે કામ કામ કરી શકતા નથી. સૌપહેલા આપણા નવયુવકો તાકાતવાન બનવા જોઇએ. ધર્મ પાછળથી આવશે, મારા યુવક મિત્રો! સુદ્રઢ બનો, મારી તમને એ સલાહ છે. 

ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે, કારણકે હું તમને ચાહું છું. તમારા બાવડાં-સ્નાયુ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શકશો. મગજ અને સ્નાયુઓનો એકીસાથે વિકાસ થવો જોઇએ. લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણમાં પડે. 

અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઇની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો બીજું આપણને સહાય કરવાનું નથી. 

આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઇ સામનો કરી ન શકે, વિશ્વના રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરજસ્ત ઈચ્છાશક્તિની આપણને જરૂર છે. 

દેહમાં કશી તાકાત વિનાના, હૃદયમાં કોઇ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થોના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં ઉત્સાહ પ્રગટાવીને મારે પ્રાણ પૂરવા છે.  આ કાર્ય માટે મેં મારું જીવન અર્પણ કર્યું છે. 

આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે-માનવસ્વભાવ ઉપર કાયમી એ આક્ષેપ છે : ઓ સિંહો !તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્મા છો, તમારા ઉપર આશિષ ઉતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી, ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે, ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.

આપણે એકએક જીવને ઘોષણા કરી સંભળાવીએ છીએ -ઉઠો, જાગો અને અટક્યા વગર ધ્યેયે પહોંચો. આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો. વાસ્તવિક રીતે કોઇ દુર્બળ નથી. આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞા છે. માટે ઉભા થાઓ, તમારા હક રજૂ કરો, તેને નકારો નહીં. આપણી પ્રજામાં સુસ્તીનો અતિરેક, દુર્બળતાનો અતિરેક, નબળાઇની ભૂરકીનો અતિરેક થઇ ગયો હતો અને અત્યારેય છે.  અરે ઓ, આધુનિક હિંદુઓ! તમે ભૂરકીને ખંખેરી નાખો. એમાંથી નીકળવાના રસ્તો તમારા પોતાના ધર્મગ્રંથોમાંથી સાંપડયો છે. 

જો માણસ દિનરાત એવો વિચાર કર્યા કરે કે હું દુ:ખી છું, દીન છું, હું કંઇ નથી, તો તેવો જ થઇ જાય. જો તમે કહો કે, 'હું છું, હું છું' તો તમે બળવાન બનશો અને જો તમે બોલો કે 'હું કંઇ નથી' તો તમે શૂન્ય થઇ જવાના. આ એક બહુ મુદ્દાની હકીકત છે જે તમારે યાદ રાખવી. 

આપણા પૂર્વજોના અંતરમાં આ આત્મશ્રદ્ધા હતી. આ આત્મશ્રદ્ધાની પ્રેરક શક્તિએ તેમને સંસ્કૃતિની કૂચકદમમાં આગળને આગળ ધપાવ્યા. જેમાં અધ:પતનની શરૂઆત જ્યારથી આપણી પ્રજાએ આ આત્મશ્રદ્ધા ખોઇ ત્યારથી થઇ છે. આત્મશ્રદ્ધા ખોવી એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ખોવી.

જો કોઇ માણસ બીજાને પૈસા માટે છેતરે તો તમે કહો છો કે એ મૂર્ખ અને ધુતારો છે. તો જે માણસ બીજાને આધ્યાત્મિકતાને નામે છેતરવા ઈચ્છે તો, તેની દુષ્ટતા કેટલી વધારે મોટી છે? એ તો હદ ઉપરાંત દુષ્ટ છે. સત્યની કસોટી માત્ર એક જ છે કે એ તમને શક્તિશાળી અને વહેમથી પર બનાવે. સબળ બનો, સર્વ વહેમોથી પર જાઓ અને મુક્ત બનો!

વેદોમાં એક શબ્દ વારંવાર આવે છે, 'નિર્ભયતા'. કોઇપણ જાતનો ડર ન રાખો. ભય એ નબળાઇની નિશાની છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના વ્યક્તિએ પોતાનું કર્તવ્ય બજાવવું જોઇએ.  તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માટે માની લેવું? 'અમે નિર્બળ છીએ, અમે નિર્બળ છીએ' એમ કહ્યા કરવાથી આપણે નિર્બળ બનતા જઇએ છીએ. સુધતા જતા નથી. ધારો કે, આપણે દીવો ઓલવી નાખીએ, બારી બંધ કરીએ અને બૂમો પાડીએ કે, 'ઓરડામાં અંધારું છે, અંધારું છે' તો? એ મૂર્ખતાનો વિચાર તો કરો ! જો હું અંધારામાં હોઉં, તો મારે દીવો સળગાવવો જોઇએ. છતાં માનવનો સ્વભાવ કેવો વિચિત્ર છે ! પોતાના જીવન પાછળ સમષ્ટિમન રહેલું છે એવું ભાન જો કે સર્વદા હોવા છતાં લોકો શેતાનનો, અંધકારનો અને અસત્યનો જ વિચાર વધુ કરે છે! તમે તેમને સત્ય બતાવો તો પણ તેઓ તે જોતા નથી. લોકોને અંધારું જ વધુ ગમે છે. 

વેદાન્તે પૂછેલો એક માત્ર મહાન પ્રશ્ન આ જ છે, લોકોને આટલો બધો ભય શા માટે છે? ઉત્તર એ છે કે તેમણે પોતાની જાતને નિરાધાર અને પરાવલંબી કરી મૂકી છે. આપણે એવા બધા આળસુ છીએ કે આપણે માટે  આપણે પોતે કંઇ જ કરવા ઈચ્છતા નથી. આપણને એક વ્યક્તિરૂપ ઈશ્વર, એક તારણહાર કે આપણને બધુંય કરી દે એવો એક પયગંબર જોઇએ જ છે. 

જે જ્ઞાની થવા ઈચ્છતો હોય, તેણે જે પહેલી વસ્તુ છોડવાની છે તેનો ભય. ભય આપણો એક મોટામાં મોટો શત્રુ છે. બીજું, તમે પોતે કોઇ વસ્તુને જાણો નહીં ત્યાં સુધી તમારે તેને માનવી નહીં. જ્ઞાનીનું ધ્યાન બે પ્રકારનું હોય છે, ૧) આપણે જે નથી તેનો વિચાર દ્વારા અસ્વીકાર અને ત્યાગ કરવો. ૨) આપણે જે ખરેખર છીએ તે એક જ સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ આત્મા ઉપર ભાર મૂકવો. સાચા બુદ્ધીવાદીએ આગળ વધીને પોતાની તર્કશક્તિની દૂરમાં દૂરની સીમા સુધી તર્કને નિર્ભયતાથી અનુસરવું જોઇએ. 

જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહીં. જગતને મારે આટલું જ કહેવાનું છે. 'સબળ' બનો. તમે પ્રેતો અને ભૂતોની વાતો કરો છો. આપણે જ જીવતાં જાગતાં ભૂતો છીએ. બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા  મૃત્યનું ચિહ્ન છે. જો મૃત્યુ અનિવાર્ય છે, તો લાકડાં કે પથ્થરની માફક જીવવા કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી? પડયા પડયા કટાઇ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઇ શકે તે કરતાં કરતાં ઘસાઇ મરવું વધુ સારું!