હાથી પણ પોતાના બાળકોના અંતિમ સંસ્કાર કરે છે....!

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
હાથી પણ પોતાના બાળકોના અંતિમ સંસ્કાર કરે છે....! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 12 ઓગસ્ટ 

- વિશ્વ હાથી દિવસ

- હાથીના મગજનું વજન અંદાજે પાંચ કિલો જેટલું હોય છે અને તેઓ વર્ષો સુધી કંઇ પણ ભૂલતા નથી

પાં ચ હજાર કિલોથી વધુ વજન, ૧૩ ફીટની ઊંચાઇ, દરરોજનો ખોરાક ૧૫૦ કિલો...જંગલનો રાજા નહીં પણ પ્રભાવ એવો કે જ્યાંથી પસાર થાય ત્યાં પ્રાણી હોય કે માનવી થોડી ક્ષણ માટે જોતાં જ રહી જાય...સદીઓ અગાઉ તેનો ઉપયોગ યુદ્ધમાં થતો જ્યારે આજે પણ  શાહી યાત્રા તેની હાજરી વિના અધૂરી ગણાય છે.. આમ, સ્વભાવે શાંત પરંતુ ભૂલથી પણ કોઇ છંછેડવાની ભૂલ કરે તો તેનું આવી જ બને...

યસ્સ, આપણે અહીં માતંગ, સારંગ, વારણ, હસ્તી, શુંડાલ, કુંજર તરીકે પણ ઓળખાતા એવા હાથીની વાત કરી રહ્યા છીએ. આગામી ૧૨ ઓગસ્ટના 'વિશ્વ હાથી દિવસ' તરીકે કરવામાં આવે છે ત્યારે આપણે હાથી દ્વારા તેમના સંતોનાની અંતિમ વિધિ કરવામાં આવે છે, હાથી એકમેકને તેમના નામથી પણ બોલાવે છે જેવા વિવિધ રસપ્રદ મુદ્દે આપણે વાત કરીશું. 

આફ્રિકન અને એશિયન એમ હાથીના બે મુખ્ય પ્રકાર છે. ભારતીય હાથીની પીઠ ગોળાકાર હોય છે, જ્યારે આફ્રિકન હાથીની પીઠ અંતર્ગોળ. ભારતીય હાથીના કર્ણપલ્લવ નાના અને ત્રિકોણાકાર હોય છે અને તેના કપાળમાં બે ઉભાર જોવા મળે છે. આફ્રિકન હાથીનું કપાળ ગોળાઈવાળું છે. ભારવાહક પશુ તરીકે ભારતીય હાથીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. તેમને સહેલાઈથી કેળવી શકાય છે. તેથી લશ્કરમાં, સરકસમાં કે જંગલોમાં ભારે લાકડાંના વહન માટે તે અતિ ઉપયોગી સાબિત થયેલ છે. આફ્રિકન હાથીની પ્રકૃતિ ઉગ્ર હોવાથી તેમને કેળવી શકાતા નથી.સદીઓ હાથીનો ઉપયોગ જલ્લાદ તરીકે કરવામાં આવતો. કરચોરો, દેશદ્રોહી, રાજાના દુશ્મનને હાથીના પગ નીચે કચડવાની સજા થતી.ઈ.સ. ૧૮૧૪માં બરોડા ખાતે પણ ગુનેગારને હાથીના પગ તળે કચડીને સજા કરાઇ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. 

કોઇ વ્યક્તિની યાદશક્તિ ખૂબ જ સારી હોય તો આપણે વારંવાર એક શબ્દ પ્રયોગ કરતાં હોઇએ છીએ કે, 'એમની યાદશક્તિ હાથી જેવી છે હોં...' આમ, કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે હાથીના મગજનું વજન અંદાજે પાંચ કિલો જેટલું હોય છે અને તેઓ વર્ષો સુધી કંઇ પણ ભૂલતા નથી. આ યાદશક્તિનો ઉપયોગ તેઓ ખોરાક-પાણીના સ્ત્રોત-જોખમી જગ્યા યાદ રાખવા માટે કરે છે. આ જ કારણથી હાથીને જંગલનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણવામાં આવે છે.  આપણે અન્ય એક કહેવતનો વારંવાર ઉપયોગ કરતાં હોઇએ છીએ કે 'હાથીના ચાવવાના જૂદા ને દેખાડવાના ય જૂદા.' આ પાછળનો હેતુ એ છે કે હાથીના દંતૂશળ એ તેના ઉપરના જડબામાં આવેલા બીજા છેદક દાંતોનું રૂપાંતર છે. તેની રચનામાં મુખ્યત્વે ડેન્ટાઇન રહેલું છે. બહારની બાજુએ આવેલું ઇનેમલ શરૂઆતમાં જોવા મળે છે. દંતૂશળનો ઉપયોગ સ્વબચાવ અને ખોરાક ગ્રહણ કરવા માટે તે કરે છે. દંતૂશળ જીવનપર્યંત વધતા રહે છે. આથી તેની લંબાઈના આધારે હાથીની ઉંમર જાણી શકાય છે. નર કરતાં માદાના દંતૂશળ નાના હોય છે. આફ્રિકન હાથીના દંતૂશળો સૌથી લાંબા જોવા મળે છે. હાથી દિવસના ૨૨ કલાક ફક્ત ખોરાક ચાવવામાં પસાર કરે છે. અન્ય એક જાણીતી કહેવત છે કે,  'હાથી જીવતો લાખનો, મૂઓ સવા લાખનો', મતલબ કે, જીવતા હાથી કરતાં વધારે કિંમત મરેલા હાથીની હોય છે. હાથી દાંતનું કરોડો રૂપિયામાં વેચાણ થાય છે. આપણે ત્યાં હાથી ઘરમાં પાળવાની પરવાનગી નથી. પરંતુ એક હાથી ખરીદવા જાવ તો તમારે રૂપિયા ૫૦ લાખથી વધુ ખર્ચવા 

પડે છે. 

હાથી સમૂહમાં જોવા મળે છે. પોતાની સીમાના રક્ષણની જવાબદારી આ પ્રાણીઓમાં જોવા મળતી નથી; કારણ કે તેઓ નિર્ભીક પ્રાણીઓ છે. પુખ્ત હાથણી સમગ્ર ટોળીનું સંચાલન કરતી જોવા મળે છે. હાથીમાં ચોક્કસ પ્રજનનકાળ હોતો નથી. ૧૨ વર્ષની ઉંમરે હાથીનું બચ્ચું (મદનિયું) પ્રજનનશક્તિ ધરાવે છે. ઋતુમાં આવેલી હાથણી સાથે નર હાથી સમાગમ કરે છે. હાથણીનો ગર્ભાવધિકાળ ૨૨ મહિના જેટલો લાંબો હોય છે. હાથી બાળપણમાં જ અવસાન થઇ જાય તો વયસ્ક હાથીઓ દ્વારા તેમના અંતિમ સંસ્કાર થતાં હોવાનું પણ એક અભ્યાસમાં સામે આવ્યું છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ ખાતે એક આવો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં હાથીના બચ્ચાનો મૃતદેહ જમીનમાં દટાયેલો હતો. આ મૃતક બચ્ચાના પગ ઉપરની તરફ હતા. પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું કે, ઈન્ફેક્શનને લીધે તેનું મોત થયું હતું અને જેના કારણે જે અવસ્થામાં તેનો મૃતદેહ હતો તેમાં નીચે પડવાથી મૃત્યુ થયું હશે તે સંભાવના પર પૂર્ણવિરામ મૂકાયું હતું. આ સ્થિતિમાં એવી માન્યતા દ્રઢ બની છે કે હાથીનું બાળપણમાં મૃત્યુ થઇ જાય તો તેને જમીનમાં દફનાવીને હાથીઓ દ્વારા જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અગાઉ આફ્રિકામાં પણ આ પ્રકારે દટાયેલા બાળ હાથીના મૃતદેહ મળી આવેલા હતા. પશ્ચિમ બંગાળમાં બાળ મૃતદેહ મળ્યો તેના થોડા દિવસ અગાઉ મોડી રાત્રે સ્થાનિકોએ હાથીઓના રડવાનો અવાજ પણ સાંભળ્યો હતો. થોડા વખત અગાઉ એવો પણ વીડિયો વાયરલ થયો હતો, જેમાં હાથણી તેના બાળકના મૃતદેહને  આંખોમં આંસુ સાથે ઘસડતાં લઇ જતાં જોવા મળી હતી. આ કિસ્સા દર્શાવે છે કે, હાથીઓ માનવ કરતાં (હવેના સમયમાં માનવ કરતાં પણ વધુ) સંવેદનશીલ હોય છે. હાથીઓ ઈમોશ્નલ હોવાની સાથે ઈન્ટેલિજન્ટ પણ હોય છે. ડોલ્ફિન, પોપટની જેમ હાથીઓ પણ ખાસ અવાજ દ્વારા પોતાના સાથીઓને બોલાવતા હોય છે. ન્યૂયોર્કની કાર્નેલ યુનિવસટીના માઇકલ પાર્દો ૩૬ વર્ષના સંશોધન બાદ તારણ પર આવ્યા કે, 'જ્યારે ખોરાક-પાણી કે મુશ્કેલ સ્થિતિ જોવા મળે ત્યારે તેઓ પોતાના સાથીને  ખાસ અવાજ દ્વારા બોલાવતા હતા. ' 

આપણી કહેવતો હોય કે ગુજરાતી બાળ ગીતો તેમાં કોઇ પ્રાણીનો ઉલ્લેખ સંભવત: સૌથી વધુ હોય તો તે હાથી છે. હાથી અંગેની વાત 'ચલ ચલ મેરે હાથી, ઓ મેરે સાથી...' ગીત વિના અધૂરી ગણાશે. જેમાં શબ્દો છે तू यारों का यार है, कितना वफादार है, जूठा है सारा जहां, सच्चा तेरा प्यार है, तू पगला, ना बदला, सारी दुनिया गयी है बदल, चल चल चल चल....


Google NewsGoogle News