- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ભારતમાં 100 મીટરની દોડ સૌથી ઝડપી પૂરી કરવાનો રેકોર્ડ કોણ ધરાવે છે?
- 7 મે
એથ્લેટિક્સ ડે
જ સ્ટ ઈમેજીન...તમને અમદાવાદથી વડોદરા દોડતા જવાનું કહે તો? યસ્સ, બરાબર જ વાંચ્યું છે, બસ-ટ્રેન-કારમાં નહીં પણ ૧૧૦ કિલોમીટર દોડતા જવાનું થાય તો? સામાન્ય રનરની દોડવાની સરેરાશ સ્પીડ ૬થી ૮ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આ સ્પીડમાં તે બ્રેક લેતાં-લેતાં ૧૮થી ૩૦ કલાકમાં અમદાવાદથી વડોદરા પહોંચી શકે. પરંતુ આ રનર સામાન્ય નહીં પણ અસામાન્ય એવો અને ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ યુસૈન બોલ્ટ હોય તો? બોલ્ડની દોડવાની સ્પીડ ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની છે. મતલબ કે, તે આ સ્પીડ સતત જાળવી રાખે તો દોડતાં-દોડતાં મહત્તમ ૩ કલાકમાં પહોંચી જાય. ૭ મેના 'વર્લ્ડ એથ્લેટિક્સ ડે' છે ત્યારે દોડવાના વિવિધ પ્રકાર અને તેની સાથે સંકળાયેલા રસપ્રદ રેકોર્ડની વાત કરીશું...
૧૦૦ મીટરની દોડને સૌથી નાનું અને શુદ્ધ સ્પીડનું માપ ગણવામાં આવે છે. જેમાં કોઇ સ્ટેમિના નહીં પણ ફક્ત ઝડપ ધ્યાનમાં લેવાય છે. આ દોડ સૌથી ઓછા સમયમાં પૂરી કરનારાને 'ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ'નું બિરુદ અપાય છે. જમૈકાનો લેજન્ડ યુસૈન બોલ્ટ ૯.૫૮ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પૂરી કરીને ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થનો રેકોર્ડ ધરાવે છે. ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થનું બિરુદ ૧૯૭૦ના દાયકામાં ૯.૯૫ સેકન્ડ સાથે જીમ હાઇન્સ, ૧૯૮૦ના દાયકામાં ૯.૯૩ સેકન્ડ સાથે કેલ્વિન સ્મિથ, ૧૯૯૦ના દાયકામાં ૯.૭૦ સેકન્ડ સાથે મૌરિસ ગ્રીનને નામે જ્યારે ૨૦૦૯થી યુસૈન બોલ્ટને નામે છે. યુસૈન બોલ્ટ ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ છે તો ફાસ્ટેસ્ટ વુમન ઓન અર્થ કોણ? તો વાત એમ છે કે, આ રેકોર્ડ ફ્લોરેન્સ ગ્રીફિથ જોયનરને નામે છે, તેમણે ૧૯૮૮માં ૧૦.૪૯ સેકન્ડમાં ૧૦૦ મીટરની દોડ પૂરી કરી હતી અને આ રેકોર્ડ ૩૮ વર્ષથી તેમનાં જ નામે છે. અમેરિકાની આ એથ્લિટ બાળપણથી જ ખેંચની સમસ્યા ધરાવતી હોવા છતાં તેણે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં રેકોર્ડ બનાવ્યા હતા. ખેંચની આ બીમારીને કારણે જ વર્ષ ૧૯૯૮માં તેનું મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર માત્ર ૩૮ વર્ષ હતી. હવે એવો સવાલ પણ થાય કે ભારતમાં ૧૦૦ મીટરની દોડ સૌથી ઝડપી પૂરી કરવાનો રેકોર્ડ કોણ ધરાવે છે? વાત એમ છે તે, ભારતમાં સત્તાવાર રીતે આ રેકોર્ડ ગુરવિન્દરસિંહને નામે છે, તેમણે ૧૦.૨૦ સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
દોડવાનો અન્ય એક પ્રકાર છે મેરેથોન. ૧૦૦ મીટર દોડમાં ટોપ સ્પીડનું લક્ષ્ય હોય તો મેરેથોનમાં લાંબો સમય દોડવું એ લક્ષ્ય હોય છે. ટૂંકમાં કહેવામાં આવે તો બોલ્ટ જેવા સ્પ્રિન્ટર ફેરારી છે એટલે કે ઝડપી પણ ફ્યૂઅલ ઝડપથી ખતમ થઇ જાય જ્યારે મેરેથોન રનર ડીઝલ કાર જેવા છે, થોડું ધીમું પણ લાંબું અંતર કાપે. ઓલિમ્પિક મેરેથોન હોય તો તેમાં રનરને ૪૨.૧૯૫ કિલોમીટર દોડવાનું હોય છે.પુરુષોમાં ઓલિમ્પિક મેરેથોનનો રેકોર્ડ ૨૦૧૧થી કેન્યાના એથ્લિટને નામે જ રહ્યો છે. તાજેતરમાં ૨૬ એપ્રિલના કેન્યાના સબાસ્ટિન સાવેએ ૧ કલાક ૫૯ મિનિટ અને ૩૦ સેકન્ડમાં મેરેથોન દોડ પૂરી કરીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. મેરેથોનના રેકોર્ડની નોંધ લેવાનું ૧૯૦૮માં શરૂ થયું અને ત્યારે અમેરિકાના ૨.૫૫ કલાક સાથે જ્હોની હેઇસને નામે આ ઉપલબ્ધિ હતી. ૪૨.૧૯૫થી કિલોમીટરથી વધુ દોડવાને અલ્ટ્રા મેરેથોન કહેવામાં આવે છે. અલ્ટ્રા મેરેથોનમાં ૧૦૦ કિલોમીટરનો રેકોર્ડ એલેક્ઝાન્ડર સોરોકિનને નામે છે. તેમણે વર્ષ ૨૦૨૨માં ૬ કલાક ૫ મિનિટ અને ૩૫ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટરનું અંતર દોડીને પૂરું કર્યું હતું. મતલબ કે, તેમની ઝડપ સરેરાશ ૧૬.૪ કિલોમીટર પ્રતિ કલાકની હતી.
અલ્ટ્રા મેરેથોનના રનર્સ ૧ કલાકમાં ૧૫ કિલોમીટર દોડે છે. એટલે સામાન્ય વ્યક્તિ જેટલું ૨-૩ કલાકમાં ચાલે તેટલું અલ્ટ્રા મેરેથોન રનર ૧ કલાકમાં દોડીને અંતર પૂરું કરે છે.૨૪ કલાક દોડવાની પણ અલ્ટ્રા મેરેથોન થાય છે. જેમાં એક પૂરો દિવસ દોડવાનું થાય છે અને તે દરમિયાન ૧-૨ મિનિટના બ્રેક મળે છે પણ ઘડિયાળ બંધ થતી નથી. એલકઝાન્ડર સોરોકિને વર્ષ ૨૦૨૨માં ૨૪ કલાકની અલ્ટ્રા મેરેથોનમાં ૩૧૯ કિલોમીટર દોડીને પૂરા કર્યા હતા,જે વર્લ્ડ રેકોર્ડ છે. આમ, સોરોકિને અમદાવાદથી વલસાડનું અંતર દોડીને પૂરું કર્યું હતું તેમ કહી શકાય...


