Get The App

ભારતની આ 'પ્રથમ' મહિલાઓ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

Updated: Mar 5th, 2024

GS TEAM

Google News
Google News
ભારતની આ 'પ્રથમ' મહિલાઓ વિશે આપણે કેટલું જાણીએ છીએ? 1 - image

- સેલિબ્રેશન - ચિંતન બુચ

- ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો પથ્થર-છાણાં ફેંકતા હતા 

- ૮ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 

ઓ સથી ભીનાશ લીધી,  બાગથી લીધી મહક. મેરુએ આપી અડગતા,  ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી. બુદબુદાથી અલ્પતા, 

ગંભીરતા મઝધારથી, મેળવ્યો કંકાસ મીઠો,  મોજના સંસારથી. પ્રેમ સારસનો ઉપાડયો પારેવાનો ફડફડાટ, કાગથી ચાતુર્ય લીધું,  કાબરોથી કલબલાટ.

ખંત લીધી કેડીઓથી,  મક્ષિકાથી શ્રમ અથાગ, નીરતી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ. પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું, એકએક દી સર્જકે નારી તણું સર્જન કર્યું. દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી, એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.

- શૂન્ય પાલનપુરી

૮ માર્ચ એટલે  આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો દિવસ! શૂન્ય પાલનપુરીએ સ્ત્રીના સર્જન વિશે સુંદર કવિતા લખી છે. ભગવાને સ્ત્રીનું સર્જન કઈ રીતે કર્યું તેની મનભાવન કલ્પના કવિએ  આપી છે. નારીમુક્તીની ચળવળ શરુ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે - સ્ત્રીને શ્રમ વીભાજનના અન્યાયી ભાગરુપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડયું છે. ઘરની 'લક્ષ્મી'ના નામે એની શબ્દોથી પુજા થાય છેત પણ વાસ્તવમાં એ ઘરની 'દાસી' બની જાય છે. માત્ર માનસિક અકળામણ જ નહીં. શારીરીક થાક અપાવે એટલું 'ઘરકામ' રોજેરોજ નીરન્તર, આજીવન  એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઉઠીને કુવેથી પાણી ભરવા જતી પનીહારીઓના ગીતો રચાતા. કવિઓ તો 'પાણી ભરવા ગ્યા'તા', કરીને પનિહારીના  ગીતો લખે... પણ ક્યારેય વિચાર કર્યો છે કે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કુવે જવું, કુવામાંથી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ 'હાશ' કરીને નીરાંતે આરામ ન કરવાનો હોય - ગામડું હોય તો છાણ- વાસીદું કે દુધ દોહવાનું ચાલું થાય... શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય... અને આ બધા વચ્ચે ચુલો તો સળગી જ જાય! કલાકારો કે મહિલા મોરચાઓએ આ રોજીન્દી જાત નીચોવી દેતી ઘટમાળ સામે બુમરાણો તો ખુબ કરી... પણ ઉકેલ શું આપ્યો? કેવળ ચીત્કાર, સહાનૂભૂતિ કે વધારેમાં વધારે તો બળવાખોરી?

એનીવે'ઝ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે  ભારતની આજે એવી કેટલીક મહિલાઓની વાત કરવાની છે જેમણે તમામ પડકારોને પરાસ્ત કરીને વિવિધ ક્ષેત્રમાં ઐતિહાસિક પગરણ માંડયા છે. ભારતમાં શિક્ષણનું સ્તર ઘણું સુધર્યું છે, ખાસ કરીને મહિલાઓ વિશે, આજના સમયમાં, મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે, પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ૧૮મી સદીમાં ભારતની કોઈપણ મહિલા ડૉક્ટર ઇતિહાસ રચશે.આ  મહિલા એટલે ભારતના સૌપ્રથમ મહિલા તબીબ ડો. આનંદી જોશી તે ભારતના પહેલા મહિલા ડૉક્ટર બન્યા જેમણે અમેરિકાથી ક્વોલિફાઈ કર્યું. અમેરિકાની ધરતી પર પગ મૂકનાર આનંદી જોશી પ્રથમ ભારતીય મહિલા પણ હતા. ૯ વર્ષની ઉંમરમાં આનંદીના લગ્ન  કરવામાં આવ્યા. તેઓ ૧૪ વર્ષના હતા ત્યારે સ્વાસ્થ્ય સેવાઓના અભાવે તેમના દિકરાનો જીવ ગયો. આ ઘટના બાદ તેમણે હતાશામાં ગરકાવ થવાને બદલે અન્ય કોઇ સ્ત્રીએ આરોગ્ય સુવિધાના અભાવે સંતાનને ગુમાવવું પડે નહીં તેના માટે ડોક્ટર બનવા નક્કી કરી લીધું. તેઓ ૧૮૮૭માં ભારતનાં પ્રથમ મહિલા ડોક્ટર બન્યાં હતાં. કમનસિબે ડોક્ટર બન્યા તેના થોડા જ વર્ષમાં એટલે કે  ૨૨ વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થયું હતું. ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા એટલે સાવિત્રીબાઇ ફૂલે. તેઓ વર્ષ ૧૮૪૮માં ભારતનાં પ્રથમ મહિલા શિક્ષક બન્યાં હતાં. પરંતુ આ સિદ્ધિ હાંસલ કરી એ અગાઉ તેમને અનેક પડકારોનો પણ સામનો કર્યો હતો. માત્ર ૯ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. લગ્ન સમયે સાવિત્રીબાઈ ફુલે સંપૂર્ણ રીતે અભણ હતા, બીજી બાજુ તેમના પતિએ ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે યુગમાં જ્યારે તે ભણવાનું સપનું જોતી હતી ત્યારે દલિતો સાથે ઘણો ભેદભાવ હતો. સાવિત્રીબાઇના પિતાનું માનવું હતું કે,  શિક્ષણનો અધિકાર માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ છે અને દલિતો- મહિલાઓએ  શિક્ષણ મેળવવું એ પાપ હતું.  પરંતુ સાવિત્રીબાઇને ભણવું હતું. તેમની શિક્ષણ મેળવવાની આ યાત્રામાં પતિ જ્યોતિબા રાવનો સાથ મળ્યો. સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો પથ્થર-છાણાં ફેંકતા હતા. આમ છતાં તેઓ ડગ્યા નહીં. 

સાવિત્રીબાઈએ તે જમાનામાં છોકરીઓ માટે શાળા ખોલી જ્યારે છોકરીઓને ભણાવવી-ગણાવવી યોગ્ય નહોતું કહેવાતું. સાવિત્રીબાઈએ ૧૯મી સદીમાં અસ્પૃશ્યતા, સતી, બાળલગ્ન અને વિધવા વિવાહ પ્રતિબંધ જેવા દુષણો સામે તેમના પતિ સાથે મળીને  કામ કર્યું હતું.

પુણેની ડેક્કન કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, મુંબઈ વિશ્વવિદ્યાલયની પ્રથમ સ્નાતક, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા, કોઈ પણ બ્રિટિશ વિશ્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ સ્ત્રી અને પ્રથમ ભારતીય, ભારત અને બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા તથા ભારતની પ્રથમ મહિલા વકીલ.... એનું નામ કોર્નેલિયા સોરાબજી. તેમણે ૧૮૯૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબીની, ૧૮૯૯માં અલાહાબાદ હાઈકોર્ટની પ્લીડરની પરીક્ષા પાસ કરી. આમ, કોર્નેલિયા ભારતનાં પ્રથમ મહિલા વકીલ બન્યાં. જોકે મહિલાઓની કાયદાકીય પ્રેક્ટિસ પ્રતિબંધિત કરતો કાયદો ૧૯૨૩માં બદલાયો નહીં ત્યાં સુધી કોર્ર્નેલિયા બેરિસ્ટર બની શક્યા નહીં. 

વર્ષ ૧૯૩૬ માં જ ભારતીય મહિલાએ પ્લેન ઉડાવ્યું હતું. આ મહિલાનું નામ સરલા ઠકરાલ છે અને અચંબિત કરનારી વાત એ છે કે તેમણે પ્લેન સાડી પહેરીને ઉડાવ્યું હતું.આપને જાણીને આશ્ચર્ય થશે કે સરલા ઠકરાલને ૧૦૦૦ કલાકની પ્લેન ઉડાવવાની યાત્રા પૂરી કરીને 'અ' લાઈસન્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીયનો ખિતાબ આપવામાં આવ્યો હતો....

આ પ્રકારે ઈતિહાસ સર્જનારી મહિલાઓ માટે જ કવિતા છે કે, 'તૂ ચલ, તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ, જો તુજ સે લિપટી બેડિયાં સમજ ન ઈન કો વસ્ત્ર તૂ...યે બેડિયાં પિઘાલ કે બના લે ઈનકો શસ્ત્ર તૂ...'