કેરળની 'સાહિત્ય સર્કિટ': ચાલો, સર્જકોની સૃષ્ટિમાં વિહરીએ....
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- લિટરેચર સર્કિટમાં મલયાલમ ભાષાના દિગ્ગજ લેખકોના ઘર કે તેમની સાથેના સંસ્મરણો સંકળાયેલા હોય તેવા સ્થળે પ્રવાસીઓને લઇ જવાય છે
- 9 ઓગસ્ટ
- બૂક લવર્સ ડે
'આ જે આપણે દુનિયાના ચોકમાં ઉભા છીએ. ચારેકોર વિચારોનો મારો ચાલી રહ્યો છે. સારા વિચારોનો તેમ કુવિચારોનો પણ. આ બધાની વચ્ચે આપણા વિચારો મુજબ આપણે કામ કરતાં રહેવાનું છે અને આપણાં વિચારને પરિશુદ્ધ કરતાં કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં અધ્યન વગર તો આપણે માર ખાઇશું, અનેક વિષયોનું અધ્યયન આપણે કરવાનું છે. શંકરાચાર્યે એક નાનકડા શ્લોકમાં અધ્યયનનું ગણિત બતાવ્યું છે: જેટલું અધ્યયન કરીએ, તેનાથી સો ગણું મનન કરવાનું છે. જુઓને-આપણને જમતાં કેટલીવાર લાગે છે? અડધો કલાક. તેમ અધ્યયન માટે રોજ એક કલાક પૂરતો છે. નહિ તો બહુ ખાઇ લીધું ને પચાવ્યું નહીં, તો જે હાલત શરીરની થાય છે તેવી જ બુદ્ધિની થશે.
- વિનોબા ભાવે
***
હેરિટેજ સર્કિટ, ડેઝર્ટ સર્કિટ, કોસ્ટલ સર્કિટ, ઈકો સર્કિટ, ક્રિષ્ના સર્કિટ, બૌદ્ધ સર્કિટ, સુફી સર્કિટ, રામાયણ સર્કિટ, વાઇલ્ડ લાઇફ સર્કિટ... પ્રવાસનમાં આ પ્રકારની વિવિધ સર્કિટના નામ સાંભળ્યા હશે અથવા તો માણ્યા પણ હશે. સરળ શબ્દોમાં સમજીએ તો ગુજરાતમાંથી બુદ્ધિસ્ટ સર્કિટમાં જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ,ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ,ભરૂચનો કડિયા ડુંગર,કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓ અને મેશ્વો નદીના કિનારે વિકસેલ પ્રાચીન દેવની મોરી મળીને કુલ તેર સ્થળોનો સમાવેશ થાય છે. હવે આ પ્રકારની સર્કિટ વચ્ચે 'લિટરેચર સર્કિટ' એવું નામ પડે તો? યસ્સ, કેરળમાં પુસ્તક પ્રેમીઓ માટે 'લિટરેચર સર્કિટ'ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રકારની ટૂરિઝમ સર્કિટ શરૂ કરનારું કેરળ સા ૈપ્રથમ રાજ્ય છે. 'ધ માલાબાર લિટરરી ટૂરિઝમ સર્કિટ'માં મલયાલમ ભાષાના દિગ્ગજ લેખકોના ઘર કે તેમની સાથેના સંસ્મરણો સંકળાયેલા હોય તેવા સ્થળની પ્રવાસીઓને મુલાકાત કરાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 'સિટી ઓફ લિટરેચર'નામ આપવામાં આવ્યું છે તેવા કોઝિકોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોઝિકોડમાં ૫૫૦ જેટલી લાયબ્રેરીઓ આવેલી છે અને ત્યાં યોજાતા કેરળ લિટરેચર ફેસ્ટિવલે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરી દીધો છે. આ ઉપરાંત લેખકો-કવિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. 'લિટરેચર સર્કિટ'માં મલયાલમ ભાષાના મહાન કવિ થુંચાથુ એથુથચમના તિરુર ખાતે આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત કરાવાય છે. આ પ્રકારે વિવિધ લેખકો-કવિઓના ઘરની મુલાકાત સાથે તેમની સર્જનયાત્રા વિશે પણ મુલાકાતીઓને માહિતગાર કરાય છે. આ ઉપરાંત હવે કેરળમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહેલા 'થિયેટર રીડિંગ' પણ મુલાકાતે લઇ જવાય છે. 'થિયેટર રીડિંગ' માં ૫-૬ લોકો ગૂ્રપ મંચ પર બિરાજે છે અને તેઓ તેનું લોકો સામે રસાળ શૈલીમાં પઠન કરે છે. નાના બાળકોથી લઇને વૃદ્ધો થિયેર રીડિંગમાં વાચક તેમજ શ્રોતા તરીકે પણ જોવા મળે છે. કેરળની આ 'લિટરેચર સર્કિટ'નો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન વિકસાવવા કરતાં ભવિષ્યની પેઢીને મહાન સર્જકોની દૂનિયાથી પરિચય કરાવવાનો છે. જેના કારણે ચોમાસા બાદ મહત્તમ વિદ્યાર્થીઓને 'લિટરેચર સર્કિટ'ને લઇ જવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
હવે જસ્ટ ઈમેજીન, આપણે ત્યાં પણ 'લિટરેચર સર્કિટ' શરૂ કરવામાં આવે તો? જેમાં ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલા, કનૈયાલાલ મુન્શીના જન્મસ્થાન ભરૂચ, ચંદ્રકાંત બક્ષીના પાલનપુર, તારક મહેતાના અમદાવાદ, અમૃત ઘાયલના સરધારની મુલાકાત કરાવામાં આવે તો ખૂબ જ ઝડપથી ઘટી રહી તે તેવી પુસ્તકપ્રેમીઓની પ્રજાતિ ધન્ય-ધન્ય થઇ જાય. પરંતુ સવાલ એ છે કે, આપણે આ મહાન લેખકો-કવિના જન્મસ્થાન કે સંસ્મરણો સંકળાયેલા હોય તેવા સ્થળોની જાળવણી કરીન હશે કે કેમ? ખાલી 'વાંચશે ગુજરાત' સૂત્ર આપવું પૂરતું નથી પણ મોબાઇલની સ્ક્રીન છોડી લોકો થોડો સમય પણ પુસ્તક તરફ આપે તે દિશામાં એક નક્કર પગલાંની પણ જરૂર છે. આ મામલે કેરળને આદર્શ ગણી શકાય. 'આ પણી મોટાભાગની પ્રજા ગાય જેવી છે, જે લીલું ઘાસ ખાતાં-ખાતાં કચરો પણ ચાવી જાય છે.' ગુજરાતી વાચકોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારની ટકોર કરી હતી. ઝવેરચંદ મેઘાણી દ્વારા આ અભિપ્રાય ઉચ્ચાર્યાને વર્ષો વીતી ચૂક્યા હોવા છતાં પણ પરિસ્થિતિમાં સહેજપણ ફરક આવ્યો નથી. બલ્કે, આજની પરિસ્થિતિમાં આ મંતવ્ય વધારે સાચું લાગે છે. આપણી પ્રજાના અનેક અનિષ્ટોનું મૂળ વિચાર શૂન્યતામાં જ મળી આવશે. વાચનના સમગ્ર અભાવથી અને ઘણીવાર પૌષ્ટિક વાચનના અભાવથી આવી વિચારશૂન્યતા પેદા થતી હોય છે. કહેવામાં આવે છે કે, ઉત્તમ સાહિત્ય હૃદયની વેદનાને તેજસ્વી કરે છે. ખ્યાતનામ લેખક મહેન્દ્ર મેઘાણીએ આ મુદ્દે સરસ વાત કરી છે કે, 'બારણાની તિરાડોમાંથી ફૂલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે તેમ ઉત્તમ વાચન ચીત્તમાં પ્રવેશીને આનંદલહરીથી વાચકને
ડોલાવે છે.' 'સ્વ. નાનાલાલ જોષીને એકવાર પ્રભાવક લેખો વિશે પૂછવામાં આવ્યું તો તેમનો ઉત્તર હતો, 'ઈવાન તુર્ગનેવ જ્યારે પોએમ્સ ઓફ પ્રોઝ લખે છે, હું વંદું છું એમને. ટોલ્સટોય જ્યારે ત્રણ ડગલાં જમીન માપતાં હાંફી જાય છે, પાસે વાડ નજીકથી હું નિહાળું છે તેને. દોસ્તોવસ્કી જ્યારે ગેમ્બલિંગમાં હારીને, હતાશ થઇને હાથ ખંખેરે છે, હું તાકી રહું છું એને. મારા દેશની કથા પાથેર પાંચાલ વાંચતી વખતે આંખ ભીની થાય ત્યારે નમન કરી લઉં છું વિભૂતિબાબુને. જેમ્સ બાલ્ડવિન જ્યારે ગોરા લોકોના ઓડિયન્સને કહે છે, આજે તો જે છે તે, બટ ધેર વિલ બી ફાયર નેક્સ્ટ ટાઇમ ત્યારે તાળીઓના ગડગડાટમાં મારા હાથ પણ સાબદાં બને છે તાળી પાડવા. મને ગમે છે તે આ-ગાય દ મોપાસાંનો નેકલેસ, ઓ હેન્રીની વારતાનું છેલ્લું પાંદડું, પ્રેમચંદની કફનથી ઢાંકેલ નહીં પણ ખોલેલી કથા. ચેખવનો અંકલ વાન્યા. જેફ લંડનનો બરફમાં વરૂઓ વચ્ચે માત્ર તાપણું કરીને એકલો છોડી દેવાતો વૃદ્ધ. લેબેનોનના પહાડોમાં ને વૃક્ષો વચ્ચે ઘૂમતો ખલીલ જિબ્રાન જ્યારે કહે છે કે વી લેફ્ટ ધ સી ટુ સી ધ ગ્રેટર સી ત્યારે હું પણ મારી નાની નાવને તૈયાર કરીને ઊભો હોઉં છું. માર્ગારેટ મીડ જ્યારે આદિમાનવની વાત માંડે છે, હું પાસે બેસીને એની કથા સાંભળતો હોઉં છું. પહેલાં મેં દોસ્તી બાંધી દોસ્તોવસ્કીથી, એથી આપમેળે જ બાઇબલ પાસે પહોંચાયું...' વિશ્વસાહિત્યમાંથી નાનાલાલે ચીંધી બતાવેલા આ રસસ્થાનો અને મર્મસ્થાનો રસરૂચિના પરિચાયક બની રહે છે.
***
પુસ્તકો આમ તો પથ્થર જેવા જડ છે પણ પથ્થરમાંથી મૂત કે શિલ્પ ઘડાઇ શકે છે. પુસ્તકો માણસોને ઘડે છે. રામનામની મુદ્રા અંકિત થતાં જ પથ્થરો પાણીમાં સેતુ બન્યા હતા. આ તો પુસ્તકો. તેનાં પાને પાને, પંક્તિએ પંક્તિએ, શબ્દે શબ્દે, શબ્દો વચ્ચેના અવકાશમાં મનુષ્યોએ જ કંડારેલા મનુષ્ય-જીવનના આલેખો છે.તેના દ્વારા સેતુ કેમ ન રચાય? એ સેતુ વાટે જ માણસ કશાક શિખર ભણી જઇ શકે....
કદીક પેગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં :
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવાં કિતાબોમાં.
ચઢી ઇતિહાસમાં ચૈતન્યની ભરતી અને ઓટો :
ઊંચી-નીચી અહીં અંકાઇ છે માઝા કિતાબોમાં !
હજારો વર્ષ પહેલાંના પ્રબળ ઉદ્ ગાર સફરી થૈ,
વટાવી કાળના વગડા પધાર્યા છે કિતાબોમાં !
જહર પી અમૃતે છલક્યાં મીરાં જેવાં કંઇક કંઠો,
શરાબી જામથીયે કેફી મયખાનું કિતાબોમાં !
અરે આ શબ્દ - જ્યાં જ્યાં એ ગયા, ઇતિહાસને સર્જ્યો,
પ્રજા ઊઠી, પલટિયો કાળ - સૂતાં છે કિતાબોમાં !
કબાટેથી કબાટે ગ્રંથઘરમાં બ્હાર ઘૂમતો હુંશકીશ થોડોય ઊતરી અક્ષરે અંદર કિતાબોમાં?
હૃદયની કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી-
જ્યહીં હર પૃ નોંધો મૂકવા જેવી કિતાબોમાં?
-ઉશનસ્