- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 7 નવેમ્બર
- કેન્સર અવેરનેસ ડે
- આ ગેસથી પ્રભાવિત થયેલા સૈનિકોની તપાસ થઈ, ત્યારે જાણવા મળ્યું કે તેમનામાં રક્ત ઉત્પન્ન કરતી કોશિકાઓમાં ઘટાડો થયો હતો
ઈ. સ. પૂર્વે ૪૬૦-૩૭૦માં ગ્રીસમાં હિપ્પોક્રેટ્સ નામના તબીબ હતા. ચિકિત્સા વિજ્ઞાાનના પિતામહ એવા હિપ્પોક્રેટ્સ પાસે નોન અલ્સર ફોર્મિંગ ટયુમર અને અલ્સર ફોર્મિંગ ટયુમરના દર્દીઓ આવતા. હિપ્પોક્રેટ્સના ધ્યાનમાં આવ્યું કે આ ગાંઠનો આકાર કરચલાને વધુ મળતો આવે છે. ગ્રીસમાં કરચલાને 'કેસનોસ' તેમજ 'કેસનોમા' તરીકે ઓળખવામાં આવે છે. આમ, એ વખતે ગ્રીસમાં અત્યારના કેન્સર જેવી બિમારીને કેસનોસ તરીકે ઓળખવામાં આવતી. ઈ.સ. પૂર્વે ૨૮-૫૦માં રોમના સેલ્સસ નામના તબીબે આ કેસનોસનો લેટિન ભાષામાં અનુવાદ કરીને નામ આપ્યું 'કેન્સર'. દર વર્ષે ૭ નવેમ્બરની ઉજવણી 'કેન્સર જાગૃતિ દિવસ' તરીકે કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તાજેતરના અહેવાલ પ્રમાણે દર વર્ષે વિશ્વભરમાં આશરે ૨ કરોડ નવા કેન્સર કેસ નોંધાય છે, જેમાંથી લગભગ ૧ કરોડ લોકોનાં મૃત્યુ થાય છે. કેન્સર સામેના જંગમાં વિજય માટે સકારાત્મક મિજાજ અને સમયસરની સારવાર મહત્વની ભૂમિકા અદા કરે છે. કેન્સરની સારવામાં મહત્વનું નામ એટલે કિમોથેરાપી. યુદ્ધની વિભિષિકામાંથી માત્ર ભગવદ્ ગીતા કે બુદ્ધ જ નહીં પણ કેન્સર સામેના યુદ્ધમાં બ્રહ્માસ્ત્ર એવું કિમોથેરાપી પણ મળે છે. કેવી રીતે? ચાલો, તેના માટે કિમોથેરાપીના ઈતિહાસ પર નજર કરીએ.
કિમોથેરાપીની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી. વર્ષ ૧૯૪૦ દરમિયાન વૈજ્ઞાનિકો 'મસ્ટર્ડ ગેસ' નામના ઝેરી રસાયણનું સૈન્યમાં ઉપયોગ કરતા હતા. જ્યારે આ ગેસથી પ્રભાવિત થયેલા સૈનિકોની તપાસ થઈ, ત્યારે જાણવા મળ્યું કે તેમનામાં રક્ત ઉત્પન્ન કરતી કોશિકાઓમાં ઘટાડો થયો હતો. આ અવલોકન પરથી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જો આ રસાયણ કેન્સરની અસામાન્ય રીતે વધતી કોશિકાઓને નષ્ટ કરી શકે, તો તેનો ઉપયોગ સારવારમાં થઈ શકે છે.
આ પ્રયોગો પ્રથમ વખત અમેરિકામાં ડૉ. ગુડમેન અને ડૉ. ગિલમન દ્વારા કરવામાં આવ્યા હતા. તેમણે 'નાઈટ્રોજન મસ્ટર્ડ' નામના સંયોજનથી પ્રથમ કેન્સર દર્દી પર પરીક્ષણ કર્યું અને પરિણામ સફળ રહ્યું. આ રીતે કિમોથેરાપીની શરૂઆત થઈ. એટલે કહી શકાય કે યુદ્ધના ઝેરમાંથી માનવતાને જીવનદાયી ઉપચાર મળ્યો. કિમોથેરાપી દવાઓ શરીરમાં જઈને ઝડપથી વહેંચાતી કેન્સર કોશિકાઓને નષ્ટ કરે છે. ઘણી વખત તે સ્વસ્થ કોશિકાઓને પણ અસર કરે છે, જેના કારણે વાળ ઝડવાં, ઉલટી, થાક જેવી આડઅસરો જોવા મળે છે. પરંતુ સમય સાથે દવાઓમાં સુધારા થતાં હવે નવી પેઢીની કિમોથેરાપી વધારે અસરકારક અને સહનશીલ બની છે.
ભારતમાં કિમોથેરાપીનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં થયો, જ્યારે મુંબઈમાં સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલએ પહેલી વખત આ ઉપચાર શરૂ કર્યો હતો. ત્યારથી આ ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઈ છે. આજે અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, પુણે, હૈદરાબાદ જેવા શહેરોમાં આધુનિક કેન્સર સંશોધન કેન્દ્રો છે જ્યાં નવી પેઢીની કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી ઉપલબ્ધ છે.
ભારતમાં દર વર્ષે લગભગ ૧૬ થી ૧૮ લાખ નવા કેન્સરના કેસ નોંધાય છે અને અંદાજે ૮ થી ૯ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. આશરે ૪૦થી ૪૫ ટકા દર્દીઓને તેમની સારવારના ભાગરૂપે કિમોથેરાપી આપવામાં આવે છે. દેશભરમાં હજારો ઑન્કોલોજી વિભાગો દરરોજ હજારો દર્દીઓને કેમોથેરાપી આપી રહ્યા છે. કેમોથેરાપી વિજ્ઞાનની અદ્ભુત શોધ છે, પરંતુ તે માત્ર દવા નથી 'તે માનવીની જીવવાની ઈચ્છા અને લડવાની શક્તિનું પ્રતિક છે. વૈજ્ઞાનિકો હવે 'ટારગેટ થેરાપી' અને 'પર્સનલાઇઝ્ડ મેડિસિન' જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે, જેમાં દરેક દર્દીના કેન્સર પ્રકારને અનુરૂપ દવા તૈયાર થાય છે.
ઓપરેશન પહેલા કેન્સરની ગાંઠને નાની કરવા અને ઓપરેશન સફળતાપૂર્વક કરવા માટે, ઓપરેશન પછી કેન્સરને ફરી થતા અટકાવવાના પ્રયાસ રૂપે, રેડિએશન (શેક) સાથે ગાંઠને ઓગાળી દેવા અથવા ઓપરેશન લાયક બનાવવા માટે, લાસ્ટ સ્ટેજના કેન્સર માં દર્દીની તકલીફ દૂર કરવા અને આયુષ્ય વધારવા માટે એમ ચાર રીતે કિમોથેરાપી આપવામાં આવે છે. કિમોથેરાપી આમ જોઈએ તો ખુબ સરળ વસ્તુ લાગે. કીમોની દવા બોટલમાં ભેળવીને દર્દીની નસમાં ચઢાવવાનું કામ ેટ્રેઈન્ડ નર્સ કરતી હોય છે. પણ કીમોની કઈ દવા, કેટલા માપમાં, ક્યારે, કઈ રીતે આપવી, અને કીમોની દવા પહેલા ને પછી કઈ અન્ય દવાઓ આપવી જેથી કીમોની અસરકારકતા વધુ અને આડ અસર ઓછી થાય તે ફક્ત ને ફક્ત નિષ્ણાંત મેડિકલ ઓન્કોલોજીસ્ટનું કામ છે. મેડિકલ ઓન્કોલોજીસ્ટ એ કીમોથેરાપી, હોર્મોન થેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનો થેરાપી આપવાના નિષ્ણાંત ડોક્ટર હોય છે
કેન્સરના નિદાન માટે હાલ જે માધ્યમનો ઉપયોગ થયો છે તે પણ વર્ષો પુરાણો ઈતિહાસ ધરાવે છે. જેમકે, જર્મનીના સર્જન આલ્બર્ટ સેલ્મને સૌપ્રથમ ૧૯૧૩માં મેમોગ્રાફીનો વિચાર રજૂ કર્યો હતો. ઈ.સ. ૧૯૨૮માં ગ્રીસના જ્યોર્જ પેપાનિકોલાઉ દ્વારા 'પેપ સ્મીયર'ની શોધ કરવામાં આવી હતી.
એક કિવંદતિ છે કે,જીવનને ઉત્સવની માફક ઉજવનારા નચિકેતને લેવા માટે યમરાજ આવ્યા હતા. મૃત્યુ નજીક હોવા છતાં નચિકેતના ચહેરા પર કોઇ જ ડર નહીં જોતાં યમરાજને આશ્ચર્ય થયું. આ સમયે નચિકેતે યમરાજને કહ્યું કે, 'તારા અસ્તિત્વનો નકાર કરવો એ જ તારું સન્માન છે, તને હાર આપવી સહજ છે. ઋષી જેવા આત્મજ્ઞાાની જ નહીં પણ મારા જેવા સામાન્ય મનુષ્ય પણ તને હરાવી શકે છે. ' નચિકેતની આ દ્રઢતાની જોઇને યમરાજને પણ પાછીપાની કરવી પડી હતી. બસ, આપણી વચ્ચે કેટલાક લોકો 'નચિકેત' જેવા જ હોય છે. કેન્સરનું નિદાન થાય ત્યારે તેઓ ના કેવળ યમરાજ સાથે જાણે વાર્તાલાપ કરે છે બલ્કે તેને પોતાના મક્કમ મનોબળ વડે જીવનનો ઉત્સવ ઉજવવા માટે વધુ સમય પણ માગી લે છે. કેન્સરને મક્કમ મનોબળથી હરાવનારા આવા પ્રત્યેક 'નચિકેત'ને સલામ.


