...અને પાકિસ્તાની જનરલે કહ્યું, 'ભારતીય એરફોર્સને કારણે અમારો પરાજય થયો...'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 8 ઓક્ટોબર
- ભારતીય વાયુસેના દિવસ
- ભારતીય એરફોર્સની વર્તમાન તાકાત
કુલ એરક્રાફ્ટ ૨૨૧૦ (વિશ્વમાં રેન્ક: ૦૪), ફાઇટર્સ ૫૭૭ (વિશ્વમાં રેન્ક : ૦૪), અટૈક ટાઇપ્સ ૧૩૦ (વિશ્વમાં રેન્ક: ૦૪), હેલિકોપ્ટર્સ ૮૦૭ (વિશ્વમાં રેન્ક: ૦૪), ટ્રાન્સપોટર્સ ૨૫૪ (વિશ્વમાં રેન્ક:૦૪), સ્પેશિયલ મિશન ૭૩ (વિશ્વમાં રેન્ક: ૦૫), ટ્રેનર્સ ૩૫૩ (વિશ્વમાં રેન્ક: ૦૬), ટેન્કર ફ્લિટ: ૦૬ (વિશ્વમાં રેન્ક: ૬), અટેક હેલિકોપ્ટર્સ ૩૬ (વિશ્વમાં રેન્ક: ૧૭)
લા ઇટ બ્લ્યૂ રંગનો અડધી બાંયનો ટેરીકોટ શર્ટ, ખભામાં રેન્ક દર્શાવતી સિલ્કની પટ્ટી, બ્લ્યૂ ગ્રે રંગનું ટેરીકોટ ટ્રાઉઝર્સ, બ્લ્યૂ ગ્રે રંગનો નાયલોન બેલ્ટ, માથા ઉપર બેજ દર્શાવતી બ્લ્યૂ રંગની કેપ...આંખોમાં નીડરતા અને હૃદયના પ્રત્યેક ધબકારમાં દેશ માટે કંઇક કરી છૂટવાનું જનૂન....ભારતીય વાયુસેનાના જવાનનું શાબ્દિક ચિત્ર છે..૮ ઓક્ટોબર ૧૯૩૨ના 'ભારતીય વાયુસેના'ની સ્થાપના કરવામાં આવી હતી. આ નિમિત્તે દર વર્ષે ૮ ઓક્ટોબરની ઉજવણી 'ઇન્ડિયન એરફોર્સ ડ' તરીકે કરવામાં આવે છે. ૧.૭૦ લાખથી વધુ જવાનોનું દળ, ૨૧૮૬ એરક્રાફ્ટ સાથે વિશ્વના સૌથી વિશાળ એરફોર્સમાં ચોથું સ્થાન ધરાવે છે.
અલબત્ત, ભારતમાં એરફોર્સનો પ્રારંભ અંગ્રેજોની ગરજથી થયો હતો. વાત એમ બની કે, ૧૯૩૧ સુધી હિટલર જર્મનીનો સૌથી શક્તિશાળી નેતા બની ચૂક્યો હો. તેના આપખુદશાહી નિર્ણયોથી બીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે છેડાશે તેવા સંકેત મળવા લાગ્યા હતા. જેના કારણે વિશ્વભરના શાસકો પોતાની સલામતી વઘુ મજબૂત કરવા માટે એરફોર્સને વધુને વધુ શક્તિશાળી બનાવવામાં પ્રયત્નશીલ હતી. બ્રિટિશ સરકારને પણ ભારતમાં પોતાની કંપનીઓ અને પોર્ટ્સના રક્ષણ માટે એરફોર્સની જરૂરિયાત સર્જાઇ. ૮ ઓક્ટોબર ૧૯૩૨ના બ્રિટનની સહાયક વાયુસેના તરીકે દેશમાં ઇન્ડિયન એરફોર્સની રચના કરવામાં આવી હતી. એ જ વર્ષે એરફોર્સ માટે નવો કાયદો ઘડાયો અને તેને ભારતીય વાયુ સેના અધિનિયમ-૧૯૩૨ નામ અપાયું. ૧ એપ્રિલ ૧૯૩૩ના પ્રથમ વખત ભારતીય વાયુસેનાના ૪ વેસ્ટલેન્ડ વૈપિટી આઇઆઇએ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર ફ્લાઇટ લેફ્ટન્ટ સેસિલ બુચીની આગેવાનીમાં પાયલટ જે.એન. ટંડન, હરિશચન્દ્ર સિરકાર, સુબ્રતો મુખર્જી, ભૂવેન્દ્રસિંહ , અમરજીતસિંહ અલગ-અલગ વિમાનમાં સવાર હતા. ૧૯૩૬માં વજીરિસ્તાન શહેર (હાલમાં પશ્ચિમ પાકિસ્તાન સ્થિત) અંગ્રેજો સામે આંદોલનનું એપિસેન્ટર બની ગયું હતું. પશ્તુન રાષ્ટ્રવાદી મિર્ઝાલી ખાન સ્થાનિકોમાં ખૂબ જ લોકપ્રિય અને મુખ્ય આંદોલનકારી હતા. તેઓ પોતાના સાથીઓ સાથે મળીને અંગ્રેજો સામે આંદોલન કરી રહ્યા હતા. અનેક પ્રયાસો છતાં અંગ્રેજોને મિર્ઝાલી ખાનને પકડવામાં કે તેમનું આંદોલન ઠંડું પાડવામાં સફળતા મળી નહીં. જેનાથી પરેશાન થઇને અંગ્રેજોએ ૨૫ નવેમ્બર ૧૯૩૬ના એરફોર્સના માધ્યમથી ઓપરેશન શરૂ કરવા આદેશ આપ્યો હતો. ભારતીય એરફોર્સનું આ સૌપ્રથમ મિશન હતું. બીજા વિશ્વ યુદ્ધ વખતે ઓગસ્ટ ૧૯૪૦માં ઇન્ડિયન એરફોર્સના ૨૪ પાયલટને તાલીમ લેવા માટે બ્રિટન મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૨માં ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટે બર્મના અરાકાનમાં બનેલી જાપાની સેનાની છાવણીમાં બોમ્બ વરસાવ્યા હતા. બર્મા ઉપરાંત આફ્રિકા-યુરોપમાં પણ નાઝી સેના માટે સામે લડવા માટે ઇન્ડિયન એરફોર્સની ટૂકડીને મોકલાઇ હતી.
મિશન ગમે તેટલું અશક્ય કેમ ના હોય ભારતીય વાયુસેના માટે તેને પાર પાડવું જાણે ડાબા હાથનો ખેલ છે. આજે ભારતીય વાયુસેના દ્વારા પાર પાડવામાં આવેલા અનેક પૈકીના ચુનંદા મિશનની વાત કરીએ...
૧૯૪૮: ભારત-પાકિસ્તાન યુદ્ધ
૨૬ ઓક્ટોબર ૧૯૪૮ના રાજા હરિસિંહના હસ્તાક્ષરની શાહી હજુ સુકાઇ પણ નહોતી ત્યાં બારામુલ્લાની ધરતી રક્તથી લાલ થવા લાગી હતી. પાકિસ્તાને બારામુલ્લા પર કબ્જો જમાવી દીધો હતો અને એ જ સવારે મહારાજા હરિસિંહ શ્રીનગરથી જમ્મુ જવા માટે રવાના થઇ ગયા હતા. કૂટનીતિ અને રાજનીતિની ભૂમિકા પૂરી થઇ હતી અને હવે આગળનું કામ સેનાનું હતું. ૧૯૪૭-૪૮ના ભારત-પાકિસ્તાનના યુદ્ધને એક લાઇનમાં જ દર્શાવાય છે કે ભારતની સેના પહોંચી, યુદ્ધ થયું અને આપણો વિજય થયો. પરંતુ ભારતીય સેનાના શૌર્યની ગાથા રજૂ કરવા આ પૂરતું નથી. અંદાજે ૧૪ મહિના ચાલેલું આ યુદ્ધ એટલા ચઢાવ-ઉતારથી પસાર થયું કે એકાદ નાનકડી ભૂલમાં કાશ્મીર આપણને ગુમાવવું પડત. ૧૯૪૭માં શ્રીનગરના રંગરેટ એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ ડેકોટાનું આગમન થયું હતું જેમાંથી શીખ બટાલિયનના સૈનિકો ઉતર્યા હતા. આ સાથે જ ૨૭ ઓક્ટોબર ૧૯૪૭ના ભારતીય સેનાએ પ્રથમવાર કાશ્મીરની ધરતી ઉપર પગ મૂક્યો હતો. પાકિસ્તાનને કાશ્મીર પર કબ્જાનું આશાનું કિરણ દેખાઇ જ રહ્યું હતું ત્યાં ભારતીય સેનાએ તેમના ઈરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું. એર માર્શલ રણધીર સિંહ, વિંગ કમાન્ડર એચ.એન.ચેટર્જી, ફ્લાઇટ લેફ્ટન્ટ એન.કે. શિતોલે, ફ્લાઇટ લેફ્ટન્ટ રોશન સુરી અને ફ્લાઇંગ ઓફિસર જે.જે. બાઉચેના નેતૃત્વ હેઠળ ભારતીય એરફોર્સની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની પુરવાર થઇ હતી.
૧૯૬૨: ગોવા, દમણ,
દીવની મુક્તિ
ડિસેમ્બર ૧૯૬૧માં આર્મી-નેવી અને એરફોર્સે માત્ર ત્રણ દિવસમાં ગોવા, દમણ, દીવને પોર્ટુગિઝ શાસનથી મુક્ત કરાવી દીધું હતું.
સ્વતંત્રતા બાદ જ પોર્ટુગિઝોને ગોવા છોડવા માટે આદેશ આપી દેવાયો હતો. પરંતુ પોર્ટુગિઝોએ તેનો ઈન્કાર કરતાં તત્કાલીન મુખ્યમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ આ મામલો યુનાઇટેડ નેશન્સમાં ઉઠાવ્યો હતો. પરંતુ યુનાઇટેડ નેશન્સે પણ હાથ ઉંચા કરી દીધા. જેના પગલે ભારતે નાછૂટકે આક્રમણનો માર્ગ અપનાવ્યો. એરફોર્સે ગોવાના ડેબોલિમ એરપોર્ટ અને બમ્બોલિમમ ખાતેના રેડિયો સ્ટેશનને બોમ્બથી ઉડાવી દીધા હતા. ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના ગોવા, દીવ, દમણમાં તિરંગો લહેરાયો હતો. એર માર્શલ પિન્ટો ડો રોઝારિયો, વિંગ કમાન્ડર એન.બી. મેનને આ મિશનમાં એરફોર્સનું સુકાન સંભાળ્યું હતું.
૧૯૬૫: ભારત-પાકિસ્તાન યુદ્ધ
૫ ઓગસ્ટ ૧૯૬૫ના પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર કબ્જો મેળવવા ઓપરેશન જિબ્રાલ્ટરનો પ્રારંભ કર્યો હતો. જેમાં અંદાજે ૩૦ હજાર સૈનિક ભારતમાં ઘુસી ગયા હતા. ભારત માટે ઇન્ડિયન એરફોર્સને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી સોંપાઇ. ૧ સપ્ટેમ્બરે એરફોર્સના માર્શલ અને ચીફ ઓફ એર સ્ટાફ અર્જન સિંહે પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇકનો આદેશ આપ્યો હતો. પઠાણકોટ બેઝથી ૧૨ વેમ્પાયર એરક્રાફ્ટ અને ૧૪ મિસ્ટ્રે બોમ્બર્સ એરક્રાફ્ટે છંબ સેક્ટરથી ઉડાન ભરી હતી. આ એરક્રફાટ્સે પાકિસ્તાનના ૧૦ પૈટન ટેંક્સ, ૨ એન્ટિ એરક્રાફ્ટ ગન અને ૩૦-૪૦ ગાડીઓના ફૂરચાં બોલાવી દીધા હતા. ૩ સપ્ટેમ્બરના સ્કવાડ્રન લીડર ટ્રેવોન કિલોરે પાકિસ્તાની સાબરે જેટ એફ-૮૬એફને છંબ સેક્ટકરમાં ધ્વસ્ત કર્યું હતું. આ મિશનને એરફોર્સના ચાર એરક્રાફ્ટસ દ્વારા પાર પડાયું હતું. આખરે ૨૩ સપ્ટેમ્બરના પાકિસ્તાને ભારત સામે શરણાગતી સ્વીકારી લીધી. પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ સારા એરક્રાફ્ટ હતા. પરંતુ ભારતીયોના શોર્ય સામે તેણે ઘૂંટણ ટેકવી દીધા હતા.
૧૯૭૧: ભારત-પાકિસ્તાન યુદ્ધ
૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન (બાંગલાદેશ)ના લોકોએ પોતાના અલગ દેશની માગને બુલંદ કરી દીધી હતી. આ બાબત નિર્ણાયક વળાંકે આવતાં જ ભારત અને પાકિસ્તાન સામ-સામે આવી ગયા. ૩ ડિસેમ્બર ૧૯૭૧ના સાંજે ભારતીય વાયુસેનાના જવાનોની શિફ્ટમાં ફેરફાર ચાલી રહ્યો હતો ત્યારે જ પાકિસ્તાની એરફોર્સે એકસાથે ભારતના તમામ એર બેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના જનરલ ટિક્કા ખાને ઓપરેશન ચંગેઝ ખાન દ્વારા સમગ્ર ભારતના પાયા હચમચાવી દેવાનું આયોજન ઘડયું હતું. અચાનર થયેલા આ હુમલા માટે ભારત તૈયાર નહોતું. આમ છતાં રાત્રે ૯ સુધી ઇન્ડિયન એરફોર્સના ૩૫માં સ્ક્વોડ્રન અને ૧૦૬ સ્ક્વોડ્રને કેનબેરા ફાઇટર જેટથી પાકિસ્તાનમાં ઘુસીને તેના તેજગાંવ, કુર્મીટોલા સહિત ૮ એરબેઝને ધ્વસ્ત કરી નાખ્યા હતા. ભારતના આ હુમલાઓ બાદ પાકિસ્તાને શરણાગતી સ્વીકારી લીધી. ૯૩ હજાર પાકિસ્તાની સૈનિકોના સરંડર બાદ ભારતીય એરફોર્સ એક જવાને પાકિસ્તાની લેફ્ટન્ટ જનરલ એકે નિયાઝીને પૂછયું કે, 'તમે સરંડર શા માટે કર્યું?' જવાબમાં નિયાઝીએ તે એરફોર્સ અધિકારીના યુનિફોર્મમાં લાગેલા વિંગ્સની તરફ ઇશારો કરીને કહ્યું કે, 'ભારતીય એરફોર્સને કારણે અમારો પરાજય થયો છે. ?'
૧૯૯૯: કારગિલ યુદ્ધ
૩ જુલાઇ ૧૯૯૯ના ભારતીય સેનાને ૧૭૪૧૦ ફીટ ઊંચાઇથી કારગિલ સ્થિત ટાઇગર હિલ્સથી દુશ્મનોને તગેડવાની જવાબદારી મળી હતી.૧૮ ગ્રેનેડિયર્સ અને ૮ શીખ રેજીમેન્ટ આ મિશન માટે આગળ વધ્યા. પરંતુ ટાઇગર હિલ્સના શિખરેથી પાકિસ્તાની સૈનિક સતત ગોળીઓ વરસાવી રહ્યા હતા. અનાજ, દારૂ- ગોળાની અછત વચ્ચે ભારતીય આર્મી ચાર દિવસ સુધી મજબૂત લડત આપી. અંતે ભારતે એરફોર્સ ઉતારવાનો નિર્ણય લીધો. ભારતીય એરફોર્સ પાસે ૧૯૮૫માં ફ્રાન્સ પાસેથી ખરીદેલા મિરાઝ ૨૦૦૦ એરક્રાફ્ટ હતા. પરંતુ તેની સાથે મળેલા ૬૦ હજાર લેઝર ગાઇડેડ પોડ્સ અને બોમ્બ ભારત હજુ બચાવીને રાખવા માગતું હતું. તેમાં ઉપયોગમાં લેવાનારા બોમ્બ આપવાની અમેરિકા અને બ્રિટને ઇન્કાર કર્યો હતો. આખરે ૨૪ જૂનની સવારે બે મિરાઝ-૨૦૦૦ ફાઇટર જેટથી દેશી બોમ્બ દ્વારા ટાઇગર હિલ પર કબ્જો જમાવવા મોકલાયા હતા. ભારતનો આ જુગાડ સફળ રહ્યો અને પાકિસ્તાની ઘુસણખોરોની છાવણી ધ્વસ્ત થઇ હતી. આ હુમલાને ઓપ આપવામાં એરમાર્શલ રઘુનાથ નામ્બિયાકર અને એર ચીફ માર્શલ એ.વાય. ટિપનિસની ભૂમિકા મહત્વની હતી.
ઓપરેશન મેઘદૂત : ઓપરેશન અબાબીલના માઘ્યમથી પાકિસ્તાન ૧૭ એપ્રિલ ૧૯૮૪ સુધી સિયાચિન ઉપર કબ્જો જમાવવા યોજના ઘડી રહ્યું હતું. જેની જાણકારી મળતાં જ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ સેનાને સિયાચિન ઉપર કબ્જો જમાવવાની કામગીરી શરૂ કરવા મંજૂરી આપી દીધી. આ પછી ૧૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ ૧૯૮૪ સુધી લેફ્ટન્ટ જનરલ પ્રેમનાથ હૂણની આગેવાનીમાં ઓપરેશન મેઘદૂત ચલાવવા યોજના ઘડાઇ હતી.૧૩ એપ્રિલના સમગ્ર દેશ બૈશાખીનો તહેવાર ઉજવી રહ્યો હતો ત્યારે ભારતીય સેનાએ સિયાચિનના બે મુખ્ય પાસ સિયા-લા અને બિલાફોંડ સહિત ૩ હજાર વર્ગ કિલોમીટર ઉપર કબ્જો જમાવી દીધો હતો.