- સેલિબ્રેશન-ચિંતન બુચ
- જે સ્થળે હોલિકા દહન થયું હતું. તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે. તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે. તેના ઉપરથી વરતારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે. તે નક્કી કરવામાં આવે છે .
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠયાને
ઝૂમે છે આખુ ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડયા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે...
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે...
- મેઘબિંદુ
પ્ર કૃતિ અને માનવો એક થઈને, આનંદ અને ઉલ્લાસના એક રંગે રંગાઈને સાથે મળીને જેને ઉજવે છે એવો આપણો એક ઉત્સવ છે વસંતોત્સવના ભાગ રૂપે આવતો હોળીનો, ધુળેટીનો ઉત્સવ -રંગોત્સવ.દુશ્મનને પણ પ્રેમના રંગે રંગીને ગળે લગાડવાનો તહેવાર એટલે જ આ મધુમાસનો મદનોત્સવ. ઠંડી ઠંડી શિયાળાની ઋતુની વિદાય પછી ગેબી ગગનથી ઉતરીને, રંગે નીતરતો, ડાળે હીંચકતો, મઘમઘતો ઋતુઓનો રાજા વસંત આવીને ધરતી ઉપર ચોમેર પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે અને એના સ્વાગતમાં વનશ્રી સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતમાં આવતો તહેવાર હોળી એ એક દિવસની ઉજવણી નથી, એ પ્રેમ, લાગણી અને જીવનના રંગોથી છલકાતી આખી મોસમ છે.ગુજરાતમાં કેટલાક સ્થળો એવા છે જ્યાં નોખી-અનોખી રીતે ધૂળેટીનું પર્વ ઉજવાય છે.
જૂનાગઢના ધંધુસર ગામે 'રા' ઉત્સવ ઉજવવાની અનોખી પરંપરા ચાલી આવે છે. એવી માન્યતા છે કે, જેમને સંતાન પ્રાપ્તિ ન હોય તેઓ જો 'રા'ની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે અને બાળકને 'રા' ના દર્શન કરાવાય છે. ગામના જ લોકો 'રા' બને છે અને ગર્દભ પર બેસાડીને તેનું ફૂલેકું નીકળે છે. માનતા પૂરી થઈ હોય તેવા માતાપિતા સંતાનોને 'રા'ના દર્શન કરાવે છે. ગામની મહિલાઓ ફુલેકું નીકળે ત્યારે 'રા'ને વધાવે છે અને તેને ભેટ આપે છે. ફૂલેકાંમાં 'રા'ને આપવામાં આવતી ભેટ ગામમાં સેવાકાર્યમાં વપરાય છે.
સામાન્ય રીતે દેશભરમાં હોળીના દિવસ એટલે ફાગણસુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે પણ ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામમાં કંઈક જુદી જ પરંપરા છે. અહીંયા ધૂળેટીના દિવસે સવારે હોળી પ્રગટાવવામાં આવે છે. દિવાળી કરતા પણ હોળી વધારે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી અને જેના કારણે સમાજમાં કહેવત છે કે, દિવાળી અઠે-કઠે પણ હોળી તો માદરે વતને જ. અહીંયા સ્થાનિક પરંપરા પ્રમાણે મહિલાઓ દ્વારા હાથમાં લાકડીઓ લઈને પરંપરાગત નાચગાન સાથે સરઘસ કાઢવામાં આવે છે. ધૂળેટીના દિવસે વરઘોડો નાચતોગાતો હોળીના સ્થળ સુધી આવે છે. પરંપરાગત રીતે લાકડીઓ હોળીની આસપાસ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ હોલિકાદહન કરવામાં આવે છે. હોલિકાદહન થયા બાદ બારે મુવાડાના લોકો પોતાના સમુદાય પાસે મે જાય છે અને બધા ઢોલે રમે છે.હોળીની ઉજવણી શરૂ કરતાં અગાઉ ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે.લોકો અલગ-અલગ ગૂ્રપ બનાવી સમૂહમાં મહિલાઓ સહીત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીતો ગાઈ ઘેર રમતા રમે છે ત્યાર બાદ ગણતરીની દસજ મિનિટમાં સ્તંભ ની આજુબાજુમાં લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે. ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાનો સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે.હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. જે બાદ આજના દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું. તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે. તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે. તેના ઉપરથી વરતારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે. તે નક્કી કરવામાં આવે છે .
સુરતના ઓલપાડ તાલુકાના તાલુકાના સરસ ગામેહોલિકા દહન બાદ તેના અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી અકબંધ છે. નવાઈની વાત એ છે કે વયસ્કો જ નહીં, બાળકો અને વૃદ્ધો પણ ધગધગતા અંગારા પર પગ મુકીને સહજતાથી આગળ વધે છે અને કહે છે કે કોઈને નાની સરખી તકલીફ પણ નથી થતી. હોળીના અવસરે આ રીતે અંગારા પર ચાલવાથી આશીર્વાદ મળતા હોવાનીઅને મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.મહેસાણાના વિસનગરની કે જ્યાં ધૂળેટીના પર્વે જાણે કોઈ યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને યુદ્ધ ખેલાય છે. ટામેટા અને રીંગણાથી વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારથી જ લોકો એકઠા થઈ
જાય છે અને બે જૂથમાં વહેંચાયેલા લોકો એકબીજા પર શાકભાજીનો મારો ચલાવી દે છે. કહેવાય છે કે, વિસનગરના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વસતા લોકો બે જૂથમાં વહેંચાઈ જાય છે અને એકબીજા પર ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરે છે. મંડી બજારના ચોકમાં મુકાયેલ ખજૂર ભરેલો ઘડો મેળવવા બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાય છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ વિજેતા જૂથ ઘરે-ઘરે ફરીને ખજૂર ઉઘરાવે છે અને પછી શહેરીજનોમાં તેની વહેંચણી કરે છે. ગાંધીનગર નજીક આવેલા પોર - ખોરજ ગામમાં રંગોથી નહીં પણ રંગીન મીજાજથી ધૂળેટી ઉજવવામાં આવે છે. જેમાં ગામના ૨૦૦ જેટલા યુવાનો મુખ્ય રામ-રાવણનું રૂપ ધારણ કરે છે આ સાથે મહાકાળી માતા, હનુમાનજી સહિત અન્ય દેવી દેવતાઓ તથા આજના યુગના નેતા-અભિનેતા અને કાર્ટુન કેરેક્ટર્સની વેશભૂષા કરવામાં આવે છે એટલુ જ નહીં, ગામમાં વેશભૂષા કરીને આ યુવાનો ફરે છે ૪૦૦ વર્ષથી ઉજવાતી આ 'જેર'ની પરંપરાને મોટી સંખ્યામાં ગ્રામજનો નીહાળવા આવે છે. ડાંગમાં ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટા તહેવાર તે હોળી પર્વનો છે. અહીં ફાગણ સુદ આઠમથી હોળીનાં તહેવારનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાગણ સુદ પૂનમે હોળી હોય. ડાંગી લોકો આ દિવસને 'શિમગા' ઉત્સવ તરીકે ઓળખે છે અને આજે પણ પરંપરાગત રીતે ઉજવણી કરે છે. વિસનગરની સ્થાપના થઈ ત્યારથી જ અહીં 'ખાસડા યુદ્ધ' ની પરંપરા અકબંધ છે. પરંતુ, સમયની સાથે હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે. કહે છે કે પહેલાના સમયે લોકો જૂના ઝઘડા અને મતભેદ ભૂલી આ 'ખાસડા ધૂળેટી' માટે એકઠા થતા. માન્યતા અનુસાર જેને ખાસડું એટલે કે જુત્તુ વાગે છે તેનું આખું વર્ષ સારું જાય છે.
ડાંગમાં ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટા તહેવાર તે હોળી પર્વનો છે. અહીં ફાગણ સુદ આઠમથી હોળીનાં તહેવારનું વાતાવરણ જોવા મળે છે. ડાંગી લોકો આ દિવસને 'શિમગા' ઉત્સવ તરીકે ઓળખે છે અને આજે પણ પરંપરાગત રીતે ઉજવણી કરે છે. શિમગા' શબ્દ પ્રયોગ ડાંગી બોલીમાં પ્રયોજવામાં આવે છે. શિમગા એ હોળીનું બીજુ નામ છે. રામાયણ કાળના જનકરાજનું પંચધાતુનું કંગન ચમત્કારિક મનાય છે. જેની પુજા વિધિ બાદ જ ગામમાં કોઈપણ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગ પાંચમ સુધી ડાંગ જિલ્લાનાં ગામોમાં હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમાં જ ડાંગીજનો જોવા મળે છે. આ ઉત્સવ અંતર્ગત સાંજના સમયે ગામની મહિલાઓ પરંપરાગત ગીતો ગાતા ગાતા રાજાને તેમના ઘરે લેવા જાય છે. રાજા ધનરાજસિંહ સૂર્યવંશી પોતાની પ્રજા વચ્ચે હોળી મનાવવા પહોંચે છે. જ્યાં પૂજા કરી હોળી પ્રગટાવી લોકો પોતાની બાધા પણ પુરી કરે છે, સાથે જ વર્ષ દરમિયાન જન્મેલા નાના બાળકોને તેમના મામા હોળી પાસે લઈ જાય છે અને તેના વાળ ઉતારતા હોય છે.
સિદ્ધપુરમાં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયથી કાચ દ્વારા સૂર્યના કિરણોને છાણા ઉપર ઝીલીને અગ્નિ પ્રગટાવવાની પરંપરા ચાલે છે. છેલ્લા ૧૧૦ વર્ષથી અહીંયાના જોષીઓની ખડકીમાં બિલોરી કાચ દ્વારા છાણા ઉપર અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ તેને વાજતે ગાજતે શહેરની વિવિધ શેરીઓ, પોળ અને સોસાયટીઓમાં લઇ જવામાં આવે છે અને તેના દ્વારા હોળી પ્રગટાવાય છે. કચ્છના અંજારમાં બે સદીથી વધારે જૂની પરંપરાથી હોળી અને પૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે. તેમાં ઈસાકચંદ્ર ઉર્ફે ઈસાકડા અને ઈસાકડીના લગ્ન કરવાની અનોખી પરંપરા છે. શહેરીજનો દ્વારા મંડપમાં ઈસાકની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ એકબીજાને મીઠાઈ ખવડાવીને વધામણા કરવામાં આવે છે. બનાસકાંઠાના રામસણ ગામે લોકો દ્વારા હોળીની ખૂબ જ સાદાઈથી ઉજવણી થાય છે. અહીંયા છેલ્લાં ૨૧૦ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવી જ નથી. અહીંયા માન્યતા એવી છે કે, અહીંયા બે સદી પહેલાં એક વખત ત હોળી પ્રગટાવવામાં આવી હતી. તે દરમિયાન ગામના કેટલાક મકાનોમાં અચાનક આગ લાગી ગઈ હતી. લોકોમાં માન્યતા છે કે, તે સમયે ગામના રાજા દ્વારા સાધુસંતોનું અપમાન કરાયું હતું. સાધુઓએ રાજાને શ્રાપ આપ્યો હતો કે, હોળીના દિવસે ગામમાં આગ લાગશે. તેને પગલે હોળી પ્રગટાવવામાં લોકોને ભય લાગે છે.
(શિર્ષક પંક્તિ : રાજેન્દ્ર શુક્લ)


