- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમને ભણાવવામાં ખોટું કંઇ જ નથી.શિક્ષકે બદલાતા સમય પ્રમાણે બદલાવવું જ પડશે.
- 5 સપ્ટેમ્બર
- શિક્ષક દિવસ
'સા ધારણ શિક્ષક માત્ર વાતો કરે છે, સારો શિક્ષક સમજણ આપે છે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે...' બ્રિટનના મશહૂર ચિંતક વિલિયમ વોર્ડનું આ સુંદર અવતરણ છે. ગુરૂને આપણી સંસ્કૃતિમાં ઇશ્વર સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે.ઈતિહાસ ગવાહ છે કે, ગુરૂએ વ્યક્તિઘડતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે.ગુરૂમાંથી, માસ્ટર, સાહેબ, ટીચર, મેડમ, સર, મિસ એમ સમયાંતરે શિક્ષકોના નામ બદલાતા રહે છે. પરંતુ. મહિમા અને કાર્ય યથાવત્ રહેલો છે. હજુ આજે પણ શિક્ષકના હાથમાં જ સમાજની ધુરા રહેલી છે.
આજથી ૪ હજાર વર્ષ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું બીજારોપણ થયું હતું.ગીતાજીમાં શ્રી કૃષ્ણએ જ્ઞાનને પવિત્ર ઘોષિત કરતા કહ્યું છે કે, 'વિદ્યા જેવું બીજું કોઇ નેત્ર નથી.' વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે. જેના દ્વારા માનવશિશુ સર્વ પ્રકારે વિકસીત થઇને સમાજમાં યોગ્ય-ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે. વિનોબા ભાવેના મતે 'શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન, કરૂણાવાન હોવો જોઇએ. શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાાાવાન જ્ઞાની હોય, કરૂણાવાન માતા હોય છે જ્યારે શિક્ષકોમાં આ ત્રણેય ગુણ હોવા અનિવાર્ય છે.
કાકાસાહેબ કાલેલકરે શિક્ષકોના સંદર્ભમાં સરસ વાત કરી છે કે, 'કોઇ પણ શિક્ષણસંસ્થામાં મોટામાં મોટો અધિકાર તો વિદ્યાર્થીઓને ભણાવવાની છૂટ, તેમના પર અસર પાડવાની તક એ જ છે. તે જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી બીજા અધિકારો મળે કે ન મળે એની દરકાર સાચા શિક્ષકોને ન હોય. શિક્ષકોએ એ પણ ન ભૂલવું જોઇએ કે દરેક દિવસ એ પોતાની લાયકાત વધારવાની એક અસાધારણ તક છે. ભણાવવામાં એક દિવસને માટે આપણે જો બેદરકાર કે નિરૂત્સાહ થઇએ, વેઠ ઉતારીએ તો આપણી ઉન્નતીનો એક દિવસ આપણે ખોયો ગણવો જોઇએ.'
વિદ્યાર્થીઓ પથદર્શક બની નવી દિશા ચીંધનારા, નવી પદ્ધતિથી શિક્ષણ આપનારા અને ભણવાનું વધુ રસપ્રદ બનાવનારા શિક્ષકોને 'ગ્લોબલ ટીચર એવોર્ડ' આપવાની શરૂઆત ૨૦૧૫ના વર્ષથી થઇ છે. જેમાં શિક્ષકને એવોર્ડની સાથે ૧ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૮.૮૧ કરોડ)નો પુરસ્કાર આપવામાં આવે છે. ભારતમાંથી આ એવોર્ડ જીતનારા એકમાત્ર શિક્ષક એટલે રણજીતસિંહ દિસાલે, તેમને ૨૦૨૦ના વર્ષમાં આ એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ માટે તેમની પસંદગી કેવી રીતે થઇ તેની હવે વાત કરીએ. રણજીતસિંહ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના અને આઇટી એન્જિનિયર બનવાનું તેમનું સ્વપ્ન. પરંતુ પિતાની સલાહથી તેમણે શિક્ષણક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું. સરકારી શાળાના શિક્ષક તરીકે તેમણે મહારાષ્ટ્રના ખોબા જેવા ગામ પારિતેવાડીની પ્રાથમિક સ્કૂલમાં નોકરી મળી. નોકરીના પ્રથમ દિવસે જ સ્કૂલમાં પગ મૂક્યો તો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ નહીં પણ ગાય-ભેંસ રાખવામાં આવી હતી. માત્ર બે ટકા બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવતા હતા અને તેમના માટે ભણવાની વ્યવસ્થા ખુલ્લામાં હતી. માતા-પિતા પણ પોતાના બાળકોને ભણાવવા માટે ખાસ રસ દાખવતા નહોતા. આ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે બાળકો કરતાં પહેલા માતા-પિતાઓને મળવાનું શરૂ કર્યું અને દરેકને શિક્ષણના ફાયદા સમજાવતા. માતા-પિતા શિક્ષણની મહત્તા સમજવા લાગ્યા એટલે તેમણે બાળકોને કઇ અલગ અને રસાળ શૈલીમાં અભ્યાસ કરાવવો તેનું મિશન હાથમાં લીધું. તેમણે પાઠયપુસ્તક કરતાં પ્રેક્ટિકલ રીતે સમજાવવાનું શરૂ કર્યું. માની લ્યો કે, એક બીજમાંથી વૃક્ષ કઇ રીતેે બને છે તેના પાઠ ભણાવવા કરતાં તેના વિડીયો આ બાળકોને બતાવતા. બાળકોને વિડીયોમાં એટલો રસ પડવા લાગ્યો કે તેમણે રણજીતસિંહને વિનંતી કરી કે તેઓ તેમના મોબાઇલમાં ઘરે બેસીને પણ વિડીયો જોઇ શકે તેવી કોઇ વ્યવસ્થા કરવામાં આવે. વિદ્યાર્થીઓની આ વિનંતી પરથી રણજીતસિંહને વિચાર આવ્યો કે, બાળકોના પાઠયપુસ્તકમાં જે-તે પ્રકરણની સાથે ક્યુઆર કોડ મૂકવામાં આવે તો કેવું રહેશે? આ ક્યુઆર કોડ કેવી રીતે બનાવવા તે રણજીતસિંહ ઓનલાઇન પહેલા પોતે શીખ્યા. બાળકોને ક્યુઆર કોડથી અભ્યાસ કરવાની આ શૈલી ખૂબ જ રસપ્રદ લાગી. જેના અંગે રણજીતસિંહ કહે છે કે, 'આજના સમયના બાળકોને આજની શૈલી પ્રમાણે જ ભણાવવું પડે. હું જેમ અભ્યાસ કરતો તેમ આ બાળકોને ભણાવું તો તેઓ કંટાળશે. હવે આજના સમયમાં દરેક ઘરમાં કમસેકમ એક મોબાઇલ છે એટલે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમને ભણાવવામાં ખોટું કંઇ જ નથી.શિક્ષકે બદલાતા સમય પ્રમાણે બદલાવવું જ પડશે.' તેમના ક્યુઆર કોડના પ્રોજેક્ટની મહારાષ્ટ્ર સરકારે નોંધ લીધી અને અન્ય
૩૦૦ સ્કૂલોમાં આ પદ્ધતિ શરૂ કરાવી હતી. 'ગ્લોબલ ટીચર એવોર્ડ' તરીકે એવોર્ડ સાથે તેમને ૧ મિલિયન ડોલરનો જે પુરસ્કાર મળ્યો એ રકમ તેમની સાથે એવોર્ડ માટેના દાવેદાર શિક્ષકોમાં સરખે ભાગે વહેંચવાનો નિર્ણય લીધો. આ અંગે તેમણે કહ્યું કે, 'વિશ્વમાં મહત્તમ લોકો સુધી શિક્ષણ પહોંચે તેના આ યજ્ઞામાં મારી સાથે મારા જેવા અન્ય શિક્ષકો પણ છે. તેઓ પણ આ ઈનામી રકમનો ઉપયોગ મહત્તમ બાળકોમાં શિક્ષણ પહોંચાડવામાં કરશે તો છેવટે વિશ્વને જ લાંબા ગાળે ફાયદો થશે. '


