Get The App

ધાર્મિક સંસ્થામાં નાણા સલામતી માટે મૂકાતા અને થઇ બેંકિગ સિસ્ટમની શરૂઆત!

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ધાર્મિક સંસ્થામાં નાણા સલામતી માટે મૂકાતા અને થઇ બેંકિગ સિસ્ટમની શરૂઆત! 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ભારતીયોના સરેરાશ 4.25 લાખ નાણા ફિક્સ ડિપોઝિટમાં રોકાયેલા છે, ઝિમ્બાબ્વેમાં ફિક્સ ડિપોઝિટ રેટ 110 ટકા છે...!

- 4 ડિસેમ્બર

- ઈન્ટરનેશનલ ડે ઓફ બેંકિંગ

સ દીઓથી કાળા માથાનો માનવી આર્થિક ઉપાર્જન માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે. કોઇ વ્યક્તિ એમ કહે કે તેણે ક્યારેય નાણા પાછળ દોટ નથી લગાવી તો બે જ શક્યતા છે. એક તો એ કે તે ખરા અર્થમાં સંત છે અને બીજું કારણ કે તે સદંતર જૂઠ્ઠું બોલે છે. આ કમાયેલા નાણા-સંપત્તિ સલામત રહે તેના માટે તે સતત નવા પ્રયોગ કરતો રહ્યો છે. વર્ષો અગાઉ ઘર પાસેની જમીનમાં તે સંપત્તિ-નાણાને દાટી દેવામાં આવતા તો કેટલાક ઘરમાં અનાજના ભંડારમાં નાણા છુપાવી રાખતા. સદીઓ અગાઉ રોમન સામ્રાજ્યમાં લોકો ધાર્મિક સ્થાનમાં પોતાના નાણા સાચવવા માટે આપતા. કઇ વ્યક્તિએ, કેટલા નાણા સાચવવા માટે આપ્યા તેનો સુવ્યવસ્થિત હિસાબ પણ રાખવામાં આવતો. રોમનકાળમાં આ શરૂ થયેલી આ વ્યવસ્થા એટલે આજની બેંકિંગ સિસ્ટમનો પાયો. સિયેના એટલે હાલના ઈટાલીમાં ઈ.સ. ૧૪૭૨માં બાન્કા મોન્ટે ડી પાસ્ચી ડી સિયેનાની સ્થાપના થઇ હતી, જેને વિશ્વની સૌથી જૂની બેંક ગણવામાં આવે છે. આપણા દેશની વાત કરવામાં આવે તો  શાહુકાર અને વેપારી દ્વારા લોકોને નાણા ધિરાણ પેટે આપવામાં આવતા તેને એક રીતે બેંકિંગની શરૂઆત ગણી શકાય. અલબત્ત, આધુનિક બેંકિંગ વ્યવસ્થાનો પાયો બ્રિટિશ કાર્યકાળમાં નાખવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૭૭૦માં બેંક  ઓફ હિન્દુસ્તાનને ભારતની પ્રથમ બેંક  માનવામાં આવે છે. આ પછી ૧૮૦૬માં બેંક ઓફ બંગાળ, ૧૮૦૯માં બેંક  ઓફ બોમ્બે, ૧૮૪૩માં બેંક  ઓફ મદ્રાસની સ્થાપના થઇ. આ ચારેય બેંકને ઈ.સ. ૧૯૨૧માં મર્જ કરવામાં આવી અને તેને 'ઈમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા' નામ અપાયું. જે આગળ જતાં ૧૯૫૫માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બની. 

ભારતમાં બંકિંગની વ્યાખ્યા આપવાનો પ્રયાસ સૌપ્રથમ ૧૯૨૬માં હિલ્ટન-યંગ કમિશને કર્યો હતો. તેના અહેવાલ મુજબ 'બેંક' એટલે ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા ઉપાડી શકાય તેવી નાણાકીય થાપણો સ્વીકારતી અને પોતાનાં નામ અને વર્તનમાં 'બેંક'  શબ્દનો ઉપયોગ કરતી હોય તેવી કંપની. આજે રોકાણ માટે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપી સહિતના અનેક વિકલ્પો છે. પરંતુ વર્ષો અગાઉ રોકાણ માટે એકમાત્ર વિકલ્પ એટલે 'ફિક્સ ડિપોઝિટ' . ફિક્સ ડિપોઝિટમાં નાણા હોય એટલે વ્યક્તિ નિશ્ચિત રહેતો. ફિક્સ  ડિપોઝિટ એટલે ઘરમાં પ્રસંગ હોય કે બીમારી ત્યારે તે વ્યક્તિ માટે સંકટ સમયની સાંકળ. આ ફિક્સ ડિપોઝિટ પણ અંગ્રેજોની જ દેન છે. વાત એમ છે કે, ભારતીયો બેંકમાં વધુને વધુ રોકાણ કરવા માટે આકર્ષાય તેના માટે બેંકોમાં ફિક્સ ડિપોઝિટ પ્રથા શરૂ કરાઇ હતી. ૧૯૯૦ના દાયકા સુધી ફિક્સ ડિપોઝિટમાં ૧૩.૫૦ ટકા સુધીનું વ્યાજ મળતું, જે હવે ઘટીને ૭.૫૦ ટકા જેટલું થઇ ગયું છે. એક અંદાજ પ્રમાણે ભારતીયોના સરેરાશ ૪.૨૫ લાખ નાણા ફિક્સ ડિપોઝિટમાં રોકાયેલા છે. બાય ધ વે, ઝિમ્બાબ્વેમાં ફિક્સ ડિપોઝિટનો દર ૧૧૦ ટકા અને તુર્કીમાં ૬૯.૮૯ ટકા જેટલો છે. સેવિંગ્સ બેંકની વાત કરવામાં આવે તો તેનો દર ૧૯૯૨માં ૬ ટકા હતો અને હવે ૩ ટકાથી ઓછો છે. 

આપણે ઘરેણા, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ યોગ્ય રીતે સચવાયેલા રહે તેના માટે લોકરનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. લોકર એટલે કે તાળું લગાવવાની એક વ્યવસ્થા. ૧૮૭૬માં દક્ષિણ કેરોલિનાના હાર્લેસ્ટન ગ્રીન ગોલ્ફ ક્લબમાં સૌપ્રથમ વખત લોકરનો ઉપયોગ લગેજ રાખવા માટે કરાતો હતો. સમય જતાં બેંકોએ લોકરનો ઉપયોગ શરૂ કર્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર, બેન્કો પાસે એ અધિકાર હોય છેકે તે લોકર ધારકોને મીડિયમ રિસ્ક અને હાયર રિસ્ક કેટેગરીમાં વહેંચી શકે. તેવામાં જો મીડિયમ રિસ્ક કેટેગરીવાળા ગ્રાહક ત્રણ વર્ષથી વધારે સમયથી અને હાયર રિસ્ક કેટેગરીવાળા ૧ વર્ષથી વધારે સમય સુધી લોકરને ઓપરેટ નથી કરતા તો બેન્ક તેમને લોકર ઓપરેટ કરવા અથવા સરેન્ડર કરીને બેન્કને પરત સોંપવા માટે કહીં શકાય છે. જો ગ્રાહક સમયસય લોકરનું ભાડું ભરે છે તો પણ બેન્ક આ પગલું ઉઠાવી શકે છે. ઉપરાંત લોકર ઓપરેટ ન કરવાના કારણે ગ્રાહક પાસે લેખીતમાં પણ જવાબ માગી શકાય છે. જો ગ્રાહક તેનો જવાબ ન આપે અને લોકર ઓપરેટ ન કરે તો બેન્ક લોકરને કેન્સલ પણ કરી શકે છે. તેવામાં લોકર તોડીને જોવાના અધિકાર પણ છે.જો લોકર ધારક પોતાના લોકર માટે નોમિની નિયુક્ત કરે છે તો બેન્કના લોકર ધારકની મોત બાદ એ નોમિનીને લોકર એક્સેસ કરવા અને તેનો સામાન લઇ જવાના અધિકાર હશે....

***

ચોથી ડિસેમ્બરે 'ઈન્ટરનેશનલ ડે ઓફ બેન્કિંગ'  છે ત્યારે રોકાણ અંગે 'રિચ ડેડ, પૂઅર ડેડ' પુસ્તકમાંથી રોકાણ અંગે આત્મસાત્ કરવા જેટલા કેટલાક અવતરણો.

શ્રીમંતો માત્ર  પગાર પર આધાર રાખવાને બદલે આવક પેદા કરતી અસ્ક્યામતો બનાવવા, હસ્તગત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. 

શાળાઓ નાણાકીય સાક્ષરતા શીખવતી નથી. જેના કારણે ઘણા લોકો નાણાનું સંચાલન કરવા અને સારા નાણાકીય નિર્ણય લેવા તૈયાર નથી. 

પડકારોથી દૂર ન ભાગો પરંતુ તેને એક અવસર તરીકે જુઓ અને બદલો. મિડલ ક્લાસ ફેમિલી શરૂઆતથી જ પોતાના બાળકોને શીખવે છે કે આ વસ્તુઓ આપણે અફોર્ડ નથી કરી શકતા. જેથી બાળકોને બાળપણથી લાગે છે કે એવી ઘણી વસ્તુઓ છે જે આપણી પહોંચની બહાર છે.જો તમે પોતે જ કોઇ વસ્તુઓને કહો છો કે આપણે આ અફોર્ડ નથી કરી શકતા તો તમારી સંભાવના ખતમ થઇ જાય છે અને તેના વિશે વિચારવાનું પણ છોડી દો છો. પરંતુ જ્યારે તમે એવું વિચારો છો કે તેને કઇ રીતે અફોર્ડ કરું તો તમારો મગજ પોતાને ફોર્સ કરવા લાગે છે. નવા નવા રસ્તાઓ શોધવા લાગે છે. 

  મિડલ ક્લાસ ફેમિલીમાં બાળકોને રિસ્ક લેવાથી હંમેશા નિરાશ કરવામાં આવે છે. જો વાત પૈસાની છે, ત્યારે તો કહેવામાં આવે છે કે બિલકુલ રિસ્ક ન લો.જો તમે વેલ્થ ક્રિએટ કરવા માંગો છો, તો કેલક્યુલેટેડ રિસ્ક લેવું જોઇએ. ધીમે ધીમે તમે રિસ્ક મેનેજમેન્ટ શીખી જશો.