'આરોગ્યસુવિધાના અભાવે મારી જેમ અન્ય કોઇ માતા તેનું સંતાન ગુમાવે નહીં...'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- આનંદી ગોપાલ જોશી : વિષમ સંજોગોનો સામનો કરી ભારતનાં પ્રથમ મહિલા ડૉક્ટર કઇ રીતે બન્યાં તેની વાત
- ડૉક્ટર્સ ડે
૧૮ ૮૦નું વર્ષ. ન્યૂ જર્સી ખાતે થિયોડિશિયા કારપેન્ટર નામનાં મહિલા પોતાની ડેન્ટિસ્ટની ક્લિનિકમાં બેઠાં હતાં અને પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઇ રહ્યાં હતાં. સમય પસાર કરવા તેમણે ત્યાં પડેલું એક અખબાર વાંચવાનું શરૂ કર્યું. અખબારના ખૂણામાં તેમની નજર અટકી ગઇ. જેમાં અમેરિકાના ખ્યાતનામ મિશનરી રોયલ વાઇલ્ડરને સંબોધીને ચિઠ્ઠી લખાયેલી હતી. આ ચિઠ્ઠીમાં ભારતની એક યુવતીએ અમેરિકા આવીને અભ્યાસ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આ વાંચ્યા બાદ થિયોડિશિયાએ તે યુવતીને પત્ર લખ્યો કે, 'મારા ઘરે આવ. અહીં જ અભ્યાસ કર...' થિયોડિશિયાને એ વાતનો સહેજપણ અંદાજ નહીં હોય કે તે ભારતના ઈતિહાસમાં ખૂબ જ મોટો અધ્યાય લખવામાં મહત્ત્વનું યોગદાન આપવા જઇ રહી છે. આ યુવતીનું નામ હતું આનંદી ગોપાલરાવ જોશી. પુણેમાં જન્મેલી આનંદીને માતા-પિતાએ યમુના નામ આપ્યું. તેઓ માત્ર ૯ વર્ષનાં હતાં ત્યારે તેમના લગ્ન કરાવી દેવાયાં. લગ્ન બાદ રિવાજ પ્રમાણે તેમને નવું નામ મળ્યું આનંદી. પતિ ગોપાલ રાવ આનંદી કરતાં ૨૦ વર્ષ મોટી વયના હતા. ૧૪ વર્ષની ઉંમરે આનંદીએ બાળકને જન્મ આપ્યો. પરંતુ વિધિની વક્રતા જુઓ કે, માત્ર ૧૦ દિવસમાં જ બાળકનું અવસાન થઇ ગયું. ઢીંગલીથી રમવાની ઉંમર હોય ત્યારે આનંદીને તેના બાળકને ગુમાવી દેવાની પીડાનો સામનો કરવો પડયો. તેના માટે તો નાની ઉંમરે જાણે આભ તૂટી પડયું. આનંદીના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો આરોગ્યસુવિધા સારી હોત તો તેનું બાળક આજે તેની સાથે જ હોત. પતિ ગોપાલરાવે આનંદીને કહ્યું કે, 'આપણને એવી પીડાનો સામનો કરવો પડી રહ્યો છે કે જેનો ઘાવ છેલ્લા શ્વાસ સુધી ભરાશે નહીં. પરંતુ અન્ય લોકો જ પરિવર્તન લાવે તેવું શું કામ ઈચ્છે છે? તું જ પરિવર્તન લાવ. ' ગોપાલરાવે આનંદીને અભ્યાસ શરૂ કરાવ્યો. એ વખતે એટલે કે ૧૮૮૦માં આ ખૂબ જ મોટી વાત હતી. સ્ત્રી અભ્યાસ કરે તેને સમાજમાં સ્વીકારાતું નહીં. અધૂરામાં પૂરું ગોપાલરાવે આનંદીને વિદેશમાં ભણાવવાનું નક્કી કર્યું. એ સમયમાં કોઇ વ્યક્તિ વિદેશ જાય તો તેને સમાજથી બહાર કરી દેવાતી. પરંતુ ગોપાલરાવે કોઇ પરવા કર્યા વિના આનંદીને કંઇક બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. આજના સમયમાં પણ એવા સમાચાર અવાર-નવાર સાંભળવા મળે છે કે ભોજન નહીં બનાવતા એક મહિલાને તેના પતિએ માર માર્યો. પરંતુ ગોપાલરાવ તે સમયમાં આનંદીને એટલે મારતા કે તે અભ્યાસ માટે પૂરતો સમય ફાળવી રહ્યાં નહોતાં. બાળપણમાં પણ આનંદીને પિતા તરફથી ભણવા માટે પ્રોત્સાહન મળતું પરંતુ તે જ્યારે પણ ભણવા માટે બેસતાં ત્યારે માતા સોટીથી માર મારતા અને કોલસાનો ડામ આપતા.
ગોપાલરાવે આનંદીને અમેરિકા મોકલવા માટે કોઇ જ કસર બાકી રાખી નહીં. ચર્ચની સહાયતાથી આનંગી અમેરિકા જાય તેના પણ પ્રયાસ કર્યા અને જેના કારણે રોયલ વાઇલ્ડરને પત્ર લખ્યો હતો. પરંતુ ચર્ચે શરત મૂકી કે આનંદી ક્રિશ્ચિયન ધર્મ અંગિકાર કરશે તો જ તેને ભણવા માટે સહાયતા અપાશે. આનંદીએ આ પ્રસ્તાવને બીજી જ ક્ષણે ફગાવી કાઢ્યો. હવે થિયોડિશિયાને આ પત્ર વાંચવા મળ્યો અને તેમણે આનંદીને અમેરિકા અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું. આનંદીએ જવાબમાં લખ્યું કે, 'અમે ભારતીય અનેક નાની-મોટી બીમારીનો સામનો કરી રહ્યા છીએ. આ બીમારી મોટું સ્વરૂપ ધારણ કરે નહીં ત્યાં સુધી અમે તેને ગંભીરતાથી લેતા પણ નથી. અનેક લોકો યુવાનીમાં એ બીમારીને કારણે જીવ ગુમાવે છે જેનું કારણ તેમનું અજ્ઞાાન કે રૂઢિચુસ્ત માનસિક્તા હોય છે. ' ૧૮૮૩માં જ્યારે આનંદીનું વિદેશ જવાનું નક્કી થયું ત્યારે સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે તે ધર્મભ્રષ્ટ કરી રહી છે. આનંદીને માત્ર ભારતમાં જ નહીં અમેરિકામાં પણ વિરોધનો સામનો કરવો પડયો. અમેરિકાના લોકોને જાણ થઇ કે આનંદી અભ્યાસ માટે આવે છે ત્યારે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેમનું ધર્માંતરણ કરવું જ જોઇએ. ૭ એપ્રિલ ૧૮૮૩ના અમેરિકા જવા માટે તેઓ રવાના થયાં હતાં અને વધુ નાણાની વ્યવસ્થા થઇ શકે માટે પિતાએ લગ્ન વખતે આપેલા ઘરેણાં પણ વેંચી દીધા હતા. આમ છતાં નાણા ખૂટયા તો તેમણે ફંડ એકત્ર કર્યું. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વિમેન્સ મેડિકલ કોલેજમાં બે વર્ષનો કોર્સ શરૂ કર્યો. કાતિલ ઠંડી છતાં સાડી પહેરતાં, શાકાહારી ભોજન જ લેતાં. પોતાના થીસીસમાં પણ સંસ્કૃતના શ્લોકનો ઉપયોગ કરતાં. વિદેશમાંથી એમડીની ડિગ્રી મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા. ૧૮૮૬માં જાપાનની કેઇ ઓકામી અને સિરિયાની તબત ઈસ્લામબૂલી સાથે તેઓ ગ્રેજ્યુએટ થયાં. આ ત્રણેય મહિલાઓ પોત-પોતાના દેશથી પશ્ચિમી મેડિસિનમાં ડિગ્રી મેળવનારા સૌપ્રથમ હતાં. લોકમાન્ય બાલગંગાધર તિલક અને ઇંગ્લેન્ડનાં રાણી ક્વિન વિક્ટોરિયાએ પણ આનંદીની પ્રશંસા કરી. કોલ્હાપુરના ગવર્નરે તેમને પત્ર લખ્યો કે, 'તમે અહીં આવીને આલ્બર્ટ એડવર્ડ
કોલેજના લેડિઝ વૉર્ડની દેખરેખ રાખો. તમને લેડી ડૉક્ટરની પદવી અપાશે. ' પરંતુ અમેરિકાની ઠંડીને કારણે આનંદીનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું. તેમને ટીબી હોવાનું નિદાન થયું અને કોઇ દવા કારગર નીવડી શકી નહીં. ૨૬ ફેબુ્રઆરી ૧૮૮૭ના તેમનું માત્ર ૨૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
આ પ્રકારે ઈતિહાસ સર્જનારી મહિલાઓ માટે જ કવિતા છે કે, 'તૂ ચલ, તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ, જો તુજ સે લિપટી બેડિયાં સમજ ન ઈન કો વસ્ત્ર તૂ...યે બેડિયાં પિઘાલ કે બના લે ઈનકો શસ્ત્ર તૂ...'