- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 02 ઓક્ટોબર
- વિશ્વ અહિંસા દિવસ
- સત્યના સાધક ગાંધીજી અને સાદગીના પર્યાય એવા લાલબહાદુર શાસ્ત્રીનું જીવન મહદ્અંશે સમાન હતું. ગાંધીજીના વિચારોને શાસ્ત્રીજીએ સત્તાના સર્વોચ્ચપદે રહીને પણ જીવ્યા હતા
આ પણી ઉપર ચોર ઉપદ્રવ કરે છે તેમાંથી બચવા માટે તેમને દંડયા. તે ક્ષણે ભાગ્યા તો ખરા, પણ બીજી જગ્યાએ ધાડ પાડી. આ બીજી જગ્યા પણ આપણી જ છે. ચોરનો ઉપદ્રવ તો વધતો ગયો, કેમકે તેણે ચોરીને પોતાનું કર્તવ્ય માન્યું છે. આપણે તેનો ઉપદ્રવ સહન કર્યે જઇએ તેથી બસ નથી , તેમાંથી કાયરતા પેદા થાય. હિંસા અને કાયરતાપૂર્વક પલાયનનો જ વિકલ્પ મારી સમક્ષ હોય તો હું હિંસા પર પસંદગી ઉતારીશ. પરંતુ અહિંસા હંમેશાં નીડરતાની ચરમસીમાએ જ રહેશે....સત્ય-અહિંસાનો માર્ગ જેટલો સીધો એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતા પણ સત્ય, અહિંસાની દોરી વધારે પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ, પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય. આ અહિંસા આજે આપણે જે સ્થુળ વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇને ન જ મારવું એ તો છે જ. આ ઉપરાંત કુવિચાર, ઉતાવળ-મિથ્યા ભાષણ-દ્વેષ-કોઇનું બુરું ઇચ્છવું તે પણ હિંસા જ છે. જે જગતને જોઇએ તેના પર કબ્જો રાખવો એ પણ હિંસા છે.... હું સ્વપ્નદ્રષ્ટા નથી. હું ખૂદને એક સ્વપ્નને વ્યાવહારિક આદર્શવાદી માનું છું. અહિંસાનો ધર્મ ફક્ત ઋષિ-સંતો માટે નથી, તે સામાન્ય લોકો માટે પણ છે. જે પણ ઋષિઓએ હિંસાની વચ્ચે અહિંસાની શોધ કરી છે તેઓ ન્યૂટન કરતા પણ વારે પ્રતિભાશાળી હતા. તેઓ વેલિંગ્ટનથી પણ કદાવર યોદ્ધા હતા.''
સત્યનો ચહેરો અને અહિંસા નામના મંદિરના મહંત એવા મહાત્મા ગાંધીના આ શબ્દો છે. દર વર્ષે બીજી ઓક્ટોબરે આવતી મહાત્મા ગાંધીની જન્મજયંતિ આપણે 'વિશ્વ અહિંસા દિવસ' તરીકે ઉજવીએ છીએ. બીજી ઓક્ટોબરે જ આપણે દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાીની જન્મજયંતિ પણ ઉજવીએ છીએ. સત્યના સાધક ગાંધીજી અને સાદગીના પર્યાય એવા લાલબહાદુર શાસ્ત્રીનું જીવન મહદ્અંશે સમાન હતું. ગાંધીજીના વિચારોને શાીજીએ સત્તાના સર્વોચ્ચપદે રહીને પણ જીવ્યા હતા. ૨ ઓક્ટોબર ૧૯૦૪ના વારાણસી પાસે આવેલા મુગલસરાય કે જે હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર તરીકે ઓળખાય છે ત્યાં તેમનો જન્મ થયેલો. તેઓ ૯ જૂન ૧૯૬૪થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા. વડાપ્રધાન તરીકેના આ ટૂંકા ગાળામાં પણ તેમણે ખાદ્ય સુરક્ષા-ખેતીમાં આત્મનિર્ભરતાના પગલા ભરવા, દૂધ ઉત્પાદનમાં વધારો લાવવા માટે શ્વેત ક્રાંતિને પ્રોત્સાહન આપવું તેમજ ૧૯૬૫માં પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને દ્રષ્ટાંતરૂપ નેતૃત્વ પૂરું પાડયું હતું. લાલબહાદુર શાીના અંગત જીવનમાંથી દરેકે અને રાજકીય જીવનમાંથી દરેક નેતાએ શા માટે ધડો લેવો જોઇએ તેવા કેટલાક કિસ્સાની વાત કરીએ...
૧૩ મે ૧૯૫૨ના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કેબિનેટમાં તેઓને રેલવે મંત્રી બનાવાયા હતા. ૨ સપ્ટેમ્બર ૧૯૫૬ના મહેબૂબનગર ટ્રેન અકસ્માતમાં ૧૨૫ જેટલાના મોત થયા હતા. આ દુર્ઘટના પોતાની નૈતિક જવાબદારી ગણાવીને લાલબહાદુર શાસ્ત્રીએ રેલવેમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. પરંતુ જવાહરલાલ નહેરુએ તેને સ્વીકારવાથી ઈન્કાર કર્યો હતો. આ ઘટનાના અઢી મહિના બાદ અરિયાલુરમાં ટ્રેન અકસ્માત થયો અને તેના અઢી કલાકમાં જ લાલબહાદુર શાસ્ત્રીનું રાજીનામું જવાહરલાલ નહેરુના ટેબલ પર પહોંચી ગયું હતું. આજે આ પ્રકારની ઘટના તો અવારનવાર થાય છે પણ રાજીનામું આપવાને સ્થાને નેતા-ઉચ્ચ અધિકારીઓ પ્યાદા જેવા નાના કર્મચારીને માથે દોષ નાખી દે છે જ્યારે સરકાર તપાસ સમિતિ બનાવવાની જાહેરાત કરીને કોઇ કામગીરી કર્યાનો દેખાડો કરી લે છે. તેઓ પરિવહન મંત્રી હતા ત્યારે તેમના તેમના કાર્યકાળ દરમિયાન પહેલીવાર મહિલા કંડક્ટરોની નિમણૂંક કરવામાં આવી. તેમણે જ અનિયંત્રિત ભીડને વિખેરવા માટે પોલીસને લાકડીઓની જગ્યાએ પાણીના જેટના ઉપયોગનું સૂચન કર્યું હતું.
૧૯૬૫માં તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાને યુદ્ધ છેડી દીધું. એ વખતે પણ અત્યારની જેમ અમેરિકા પાકિસ્તાનને પંપાળતું હતું. બન્યું એમ કે, કૈરો જઈ રહેલા શાસ્ત્રીને અમેરિકાના રાજદૂત ચેસ્ટર બોલ્સે અમેરિકન રાષ્ટ્રપતિ લિંડન જૉન્સનનું અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, શાસ્ત્રી આ અંગે કોઈ નિર્ણય લઈ શકે એ પહેલાં જ જાન્સને પોતાનું આમંત્રણ પાછું ખેંચી લીધું. આવું પાકિસ્તાનના ફિલ્ડમાર્શલ અયૂબનું અમેરિકા પર દબાણના કારણે બન્યું હતું. તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ ભારત સાથે નવાં સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ વચ્ચે ન આવવું જોઈએ. લાલબહાદુર શાસ્ત્રીએ આ અપમાન માટે જાન્સનને ક્યારેય માફ નહોતા કર્યા.
થોડા મહિના બાદ તેઓ કનેડા જઈ રહ્યા હતા ત્યારે જૉન્સને તેમણે વચ્ચે વાશિંગટનમાં રોકાવવાનું આમંત્રણ આપ્યું પરંતુ શાસ્ત્રીજીએ તેનો અસ્વીકાર કર્યો હતો.
૧૯૬૫ના યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જૉન્સને શાસ્ત્રીને ધમકી આપી હતી કે જો તેમણે પાકિસ્તાન સાથેનું યુદ્ધ બંધ ન કર્યું તો ભારતને પી. એલ. ૪૮૦ અંતર્ગત જે લાલ ઘઉં મોકલાવાઈ રહ્યા છે, તે અટકાવી દેવાશે. ભારત ઘઉં ઉત્પાદનમાં આત્મનિર્ભર નહોતું. સ્વાભિમાની એવા શાસ્ત્રીને આ દબાણની ઊંડી અસર કરી ગઇ. તેમણે દેશવાસીઓને કહ્યું કે આપણે એક અઠવાડિયા સુધી એક ટંકનું ભોજન નહીં કરીએ. આવું કરવાથી અમેરિકાથી આવનાર ઘઉંની ખોટ પુરાઈ જશે.
પરંતુ આ અપીલ દેશને કરતાં પહેલા તેમણે પોતાની પત્ની લલિતાને કહ્યું કે, 'શું આપ એવું કરી શકો કે આજે સાંજે આપણે ત્યાં ભોજન ન બને. હું કાલે દેશવાસીઓને એક ટંકનું ભોજન ન કરવાની અપીલ કરવા જઈ રહ્યો છું.હું જોવા માગું છું કે મારાં બાળકો ભૂખ્યાં રહી શકે છે કે નહીં.' જ્યારે તેમણે જોયું કે તેમના બાળકો ભૂખ્યા રહી શકે છે એ પછી તેમણે દેશવાસીઓને આવું કરવા અપીલ કરી હતી.
તેમના અંગત સચિવ રહેલા સી. પી. શ્રીવાસ્તવ તેમની જીવનકથા 'લાલ બહાદુર શાસ્ત્રી ઃ અ લાઇફ ઑફ ટ્થ ઇન પાલિટિક્સ'માં લખે છે, 'ક્યારેક અમારી મીટિંગ ચાલી રહી હોય તો વચ્ચે ઉભા થઇ જતા અને જ્યાં જરૂર ન હોય ત્યાં લાઇટ-પંખો બંધ કરી દેતા. સાર્વજનિક ઘનની કોઇપણ પ્રકારે બરબાદી થાય એ તેમને મંજૂર નહોતું.'
સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી હેઠળ તેમને ૫૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી. એકવાર, તેમણે પત્નીને પૂછયું કે ઘરનો ખર્ચ કેટલો છે. પત્નીએ કહ્યુ ૪૦ રૂપિયા. આ પછી, તેમણે પોતે આર્થિક સહાય ઘટાડવાની માંગ કરી. લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને ઉપયોગ માટે એક સરકારી શેવરોલે ઇંપાલા કાર આપવામાં આવી હતી. એકવાર તેમના પુત્રે ડ્રાઇવર પાસેથી કારની ચાવી લીધી અને મિત્રો સાથે ડ્રાઇવ પર નીકળી ગયા. બીજા દિવસે લાલબહાદુર શાસ્ત્રીને તેની જાણ થઇ. તેમણે પુત્રને તો ઠપકો આપ્યો સાથે ડ્રાઇવરને બોલાવ્યો અને પૂછયું કે, 'કાર ગઇકાલે રાત્રે કેટલા કિલોમીટર ચાલી છે? ' ડ્રાઇવરે લોગ બૂક જોઇને જવાબ આપ્યો, '૧૪ કિલોમીટર, સાહેબ...' લાલ બહાદુર શાસ્ત્રીએ તાકીદે તેમના અંગત સચિવને બોલાવ્યા અને આદેશ કર્યો કે, '૧૪ કિલોમીટર માટે જેટલા પણ પૈસા થતા હોય તે સરકારી ખાતામાં જમા કરાવી દેવામાં આવે...'
લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના પરિવારના સભ્યોએ તેમને કાર ખરીદવાનું કહ્યું. તેને ફિયાટ કાર ખરીદવા માટે ૧૨,૦૦૦ રૂપિયાની જરૂર હતી, પરંતુ તેની પાસે માત્ર ૭,૦૦૦ રૂપિયા હતા. ઘટતી રકમ માટે તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી ૫૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. આ કાર તેમણે ૧૯૬૫માં ખરીદી હતી અને તેના એક વર્ષ બાદ જ તેમનું અવસાન થયું હતું. આ કારની લોન તેમના પત્નીએ પેન્શનમાંથી ચૂકવી હતી. દેશમાં 'શ્વેતક્રાંતિ'ના પ્રણેતા મનાતા ડા. વર્ગીસ કુરિયને તેમની આત્મકથા 'આઈ ટુ હૅડ અ ડ્રીમ'માં ગુજરાતની 'શ્વેતકાંતિ'ને ભારત ભરની 'શ્વેતક્રાંતિ' બનાવવાની શાસ્ત્રીજીની દૂરદ્રષ્ટિ અને અડગ નિર્ધાર વિશે વાત કરી છે. વર્ગીસ કુરિયને પોતાની આત્મકથામાં લાલ બહાદુર શાસ્ત્રીની આણંદ મુલાકાત વિશે લખ્યું છે.
ખેડા દૂધઉત્પાદક સંઘ દ્વારા ૧૯૬૪માં આણંદથી આશરે ૮ કિલોમિટર દૂર આવેલા કંજરી ખાતે પશુદાણનું નવું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. જેના ઉદ્ધાટન માટે શાસ્ત્રીજીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ. આ પ્લાન્ટ દેશનો પહેલો આવો પ્લાન્ટ હતો. ૩૧ ઓક્ટોબરના પ્લાન્ટનું ઉદ્ધાટન હતુ. પણ શાસ્ત્રીજી એક દિવસ પહેલા ગુજરાત આવી ગયા હતા એટલું જ નહીં પરંતુ તેમણે રાત ખેડા જિલ્લાના સાવ સામાન્ય ખેડૂત સાથે વિતાવી હતી. આણંદથી થોડે દૂર આવેલા અજરપુરા ગામમાં રમણભાઈ પુંજાભાઈ પટેલને ત્યાં શાસ્ત્રીજી અને મુખ્યમંત્રી બળવંતરાય મહેતા રોકાયા હતા. છેક છેલ્લી ઘડી સુધી ખુદ ખેડૂતને પણ જાણ નહોતી કરવામાં આવી કે, ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તેમને ત્યાં રોકાવાના છે. ૩૦૦ની વસતીના એ ગામમાં એ દિવસે દેશના વડાપ્રઘાન સાવ સામાન્ય માણસની જેમ રોકાયા હતા. અને ખેડૂતના મનની વાતો જાણી હતી.
ટૂંકમાં કહેવામાં આવે તો 'શાસ્ત્રીના મૃત્યુ સમયે તેમના જીવનની કિતાબ એકદમ સાફ હતી. ન તેઓ પૈસા મૂકીને ગયા હતા, ના કોઈ ઘર કે જમીન.'


