Get The App

1 એપ્રિલ : માત્ર એપ્રિલ ફૂલ નહીં, ટેકનોલોજી-આર્થિક બાબતો માટે પણ ઐતિહાસિક

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
1 એપ્રિલ : માત્ર એપ્રિલ ફૂલ નહીં, ટેકનોલોજી-આર્થિક બાબતો માટે પણ ઐતિહાસિક 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- જીવનમાં કશું વ્યર્થ નથી જતું, દરેક અનુભવ કંઇક શીખવાડે છે

કો ઇ વ્યક્તિ મૂર્ખ બનાવી જાય, મજાક ઉડાવે તો તે પચાવવું આપણા માટે આસાન હોતું નથી. લેકિન... કિંતુ... પરંતુ... વર્ષના ૩૬૫ દિવસમાંથી એક દિવસ એવો પણ છે જ્યારે કોઇ આપણી મજાક ઉડાવીને જતું રહે તો આપણે પણ તેનો લુત્ફ ઉઠાવી લેતા હોઇએ છીએ. આ દિવસ એટલે ૧ એપ્રિલ.હવે ૧ એપ્રિલે જ શા માટે મજાક ઉડાડવાની પરંપરા છે તેના અંગે વિવિધ લોકવાયકાઓ છે. પરંતુ આજના સમય પ્રમાણે પરંપરાનું કારણ શોધવું હોય તો એમ કહી શકાય કે, માર્ચ એન્ડિંગનો હિસાબના બે છેડા ભેગા કરવાનો થાક ઉતારવા અને હસીને હળવાફૂલ થવા માટે ૧ એપ્રિલે એકમેકની મજાક ઉડાડવામાં આવે છે. કોઇ કોમનમેન તો એમ પણ બળાપો ઠાલવતો હોય છે કે, ૩૧ માર્ચે ટેક્સ ભરીને તે મૂર્ખ બન્યો હોવાથી ૧ એપ્રિલે તેની ઉજવણી કરવામાં આવે છે. એનીવે ૧ એપ્રિલ માત્ર એપ્રિલ ફૂલ માટે જ નહીં અન્ય કેટલીક ઐતિહાસિક ઘટના માટે પણ યાદગાર છે અને આજે તેની વાત કરીએ...

જી-મેઇલનો પ્રારંભ 

૧ એપ્રિલ ૨૦૦૪ના પોલ બુકાઇટ દ્વારા જી-મેઇલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ગૂગલ દ્વારા જી મેઇલનો શુભારંભ કરવાની જાહેરાતને પણ લોકોએ શરૂઆતમાં મજાકમાં ખપાવી દીધી હતી! કેમકે, એ વખતે જી મેઇલ દ્વારા વર્ષ ૨૦૦૪માં જે ફિચર્સ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તે અનેકને અશક્ય લાગતી હતી. વિશ્વની સૌથી મોટી ઈ-મેઇલ સર્વિસ એવી જી-મેઇલમાં ૧૮૦ કરોડ યુઝર્સ છે અને દરરોજ ૧૨૧ ઈ-મેઇલ તેના પરથી કરવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં ૧૦૦ કરોડ ઈન્સ્ટોલેશન ધરાવતી પણ જી-મેઇલ સૌપ્રથમ એપ બની હતી.ભારતમાં ૮૨ ટકા લોકો ઈ-મેઇલ કરવા માટે જી મેઇલના માધ્યમનો ઉપયગો કરે છે. જી મેઇલના સૌથી વધુ એક્ટિવ યુઝર્સમાં પણ અમેરિકાને પાછળ મૂકી ભારત હવે મોખરાના સ્થાને છે.

હેપ્પી બર્થ ડે એપલ

એપલનો કોઇ પણ ફોન આવે તેને ખરીદવા માટે લાઇન અચૂક જોવા મળે છે. સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજ્નિયાક અને રોનાલ્ડ વેનની ત્રિપુટી દ્વારા ૧ એપ્રિલ ૧૯૭૬ના કેલિફોર્નિયામાં આ કંપનીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એપલ આઇ ફોનનો આજે વિશ્વભરમાં ૧૪૬ કરોડ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ભારતની વાત કરવામાં આવે તો તેનો માર્કેટ શેર ૨૩ થી ૨૬ ટકા છે. એપલની વાત સ્ટીવ જોબ્સના ઉલ્લેખ વિના અધૂરી જ ગણાય. સ્ટિવ જોબ્સે માત્ર છપ્પન વર્ષની જિંદગીમાં છ ઇન્ડસ્ટ્રીમાં ધરખમ ક્રાંતિ આણી : પર્સનલ કમ્પ્યુટર્સ, એનિમેટેડ મુવિઝ, મ્યુઝિક, મોબાઇલ ફોન, ટેબ્લેટ કમ્પ્યુટર્સ અને ડિજિટલ પબ્લિશિંગ. કમ્પ્યૂટર્સ અને મોબાઇલ ફોન્સ માટેનાં અવનવાં લાખ્ખો એપ્લિકેશન્સ (એપ્સ) વડે કરોડોની કમાણી કરી શકાય એવું દુનિયાને સ્ટિવ જોબ્સે શીખવ્યું. સ્ટીવ જોબ્સે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલી સ્પીચ દરેક ક્ષેત્રની વ્યક્તિને સાંભળવા જેવી છે. જેમાં તેઓ કહે છે કે ૧. તમને જે પસંદ હોય એ જ કરો, બીજાની જિંદગી વેંઢારવામાં આપણા જીવનનો મર્યાદિત સમય ગુમાવશો નહીં. ૨. દૂરનું વિચારો અને આ દુનિયામાં એક છાપ છોડી જાઓ. ૩.ગૂંચવાડા દૂર કરીને કરીને જીવન સરળ બનાવો, ૪. જીવનમાં કશું વ્યર્થ નથી જતું, દરેક અનુભવ કંઇક શીખવાડે છે, ૫. તમારી વાતને અસરકારક રીતે રજૂ કરો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જન્મ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ થઈ હતી.આ બેંકની સ્થાપના એક ખાનગી જોઇન્ટ સ્ટોક કંપની તરીકે રૂ. ૧૦૦ની કિંમતના ૫ લાખ શેર સાથે, રૂ. ૫ કરોડની મૂડીથી થઈ હતી. શેરનો મોટાભાગનો જથ્થો ખાનગી શેરધારકો પાસે હતો. ભારતની તત્કાલીન કેન્દ્ર સરકારનું રોકાણ ફક્ત રૂ. ૨,૨૨,૦૦૦ હતું. કેન્દ્ર સરકારને એક ગવર્નર અને બે નાયબ ગવર્નરોની નિમણૂક કરવાની અને ડિવિડન્ડનો દર નિયત કરવાની સત્તા આપવામાં આવી હતી. ૧૯૪૯માં રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનામાં ડો.  બી.આર. આંબેડકરે મહત્વની ભૂમિકા અદા કરેલી. ૧૯૨૩માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા હતા, તેના માટે તેમણે ભારતીય રૂપિયાની સ્થિતિ વિશે આ થિસિસ તૈયાર કર્યું હતું.  'ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ' નામના આ થિસિસને આધારે જે નિર્ણયો લેવાયા તેના કારણે જ આખરે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી.

ડો. કેશવ હેડગેવારનો જન્મ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને હિંદુ રાષ્ટ્રની વિચારધારાના પ્રખર સમર્થક એવા ડો. કેશવ બલિરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ ૧૮૮૯માં નાગપુરમાં થયો હતો. સમાજનું સંગઠન કરનારાઓએ પોતાના વ્યવહારમાં નાની નાની વાતો અંગે સૌથી વધુ સાવધ રહેવું જોઈએ તેવો તેમનો આગ્રહ હતો એટલું જ નહીં, સ્વયં પોતે આ દ્રષ્ટિએ ઉદાહરણ પૂરું પાડયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ નિયત સમયે જ થાય એવી પ્રણાલિકા તેમણે ઊભી કરી અને તેનું પાલન કર્યું.૧૯૨૫ના વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનો પાયો નાખ્યો હતો. સમાજના દોષો-અવગુણોને પોતાના સમજી તેને દૂર કરવા માટે સતત પ્રયાસો કર્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રચંડ શિસ્તબદ્ધ અને રાષ્ટ્રવાદી સંગઠન બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.