Get The App

'કેમ છો..'ની જગ્યાએ 'Are you dead?'

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
'કેમ છો..'ની જગ્યાએ  'Are you dead?' 1 - image

- ચીનમાં દર પાંચ ઘરમાંથી એક ઘરમાં વ્યક્તિ સાવ એકલી રહે છે અને પોતે હજુ મૃત્યુ નથી પામી તેવી હાજરી રોજ એપ પર પુરાવે છે! : ભારતમાં પણ સાવધાનીના સુર જેવું વાતાવરણ

- વિવિધા-ભવેન કચ્છી

- સંયુક્ત કુટુંબો લગભગ વિખેરાઈ ચુક્યા છે અને સંતાનો અન્ય શહેર કે વિદેશમાં સ્થાયી થતા જાય છે..  યુવા પેઢી વ્યસ્ત અને વયસ્કો એકલા પડતા જાય છે

૭૨  વર્ષીય  જીન યિંગ બેઇજીંગમાં રહે છે.રોજ સવારે ઉઠતા સાથે જ તે  એક એપ ખોલે છે અને જાણે કંપનીનો કોઈ કર્મચારી તેની ઓફિસમાં કામ પર ચઢતા અગાઉ કેમેરા સામે ઉભા રહીને બાયોમેટ્રિક હાજરી પુરાવતો હોય તેમ એપમાં એક ક્લિક કરીને તેની હાજરી પુરાવે છે.પણ આ હાજરી નોકરીએ તે આવી ગયા છે તેના માટેની નથી પણ જીન યિંગ એપને  આ રીતે ક્લિક કરીને એમ જણાવે છે કે 'હું આજે પણ જીવતો છું અને સવાર પડતા ઉઠી ગયો છું.' જીન યિંગ જ નહીં ચીનમાં તેના જેવા ૨૦ કરોડ વયસ્કો છે જેમાંના મોટાભાગના આવી એપનો ઉપયોગ કરે છે. 

ભાગદોડની જિંદગી

આવા વયસ્કો  સાવ  એકલા અટુલા રહે છે. રોજેરોજ ભાગતી જતી દુનિયાના નાગરિકો અને તેથી પણ વિશેષ તેમના પરિવાર ,સમાજ કોઈને તેમના આવા વડીલો જોડે કોઈ સંપર્ક નથી કહો ને, કે તેમનું અસ્તિત્વ છે કે કેમ તેની પણ પરવા નથી. આવા વડીલો રાત્રે સ્માર્ટ ફોનને ઓશિકા પાસે રાખીને જ સુઈ જાય છે અને સવાર પડતા આજે પણ તેઓ હયાત છે તે મેસેજ ભારે આનંદ અનુભવતા એપ પર ક્લિક કરે છે. જો કે આ એપનું નામ ડરામણું અને ૨૧મી સદીના માનવ જગતને આંચકો આપતું છે.વિકાસ માટેની  દોટની વરવી વાસ્તવિકતા સામે દર્પણ ધરતું છે. જી હા,એપનું નામ છે ધછિી અર્ે ગીચગ.' (શું તમે મૃત્યુ પામ્યા છો?) એકલી રહેતી વ્યક્તિએ રોજ સવારે 'ર્શ' સામે ક્લિક કરવાનું હોય છે. હવે તો આ પ્રકારની બીજી કેટલીક એપ પણ બજારમાં ઉપલબ્ધ છે.

સમાજ સામે લાલબત્તી

એપના ગ્રાહકે ઈમરજન્સીનાં સમયે કઈ વ્યક્તિનો સંપર્ક કરવો તે ખાનામાં તેના આપ્તજનનું નામ અને નંબર લખવાનો હોય છે. બે ત્રણ આવી વ્યક્તિના નામ પણ લખી શકાય છે. જો એપનો ગ્રાહક બે દિવસ સુધી ક્લિક ન કરે તે સાથે જ તે ગ્રાહકે કે જે ઈમરજન્સી નંબર આપ્યો હોય છે ત્યાં એપની સીસ્ટમ વડે આપોઆપ ફોન થાય છે અને મેસેજ પાઠવે છે કે તમારા પરીચિત વડીલ હયાતીના પુરાવા સમાન ક્લિક નથી કરી રહ્યા.આવા ઈમરજન્સી નંબરમાં  હોસ્પિટલનો નંબર પણ હોય છે.જેથી જરૂર પડયે સારવાર પણ આપી 

શકાય છે.

ચીનમાં છેલ્લા વર્ષમાં અખબારોમાં એવા સમાચારનું પ્રમાણ વધી ગયું હતું જેમાં ઘરની બહાર દુર્ગંધ મારતી હોઈ પાડોશીઓ પોલીસને જાણ કરતા હોય અને તે ઘરની અંદર આઠેક દિવસ જુનો મૃતદેહ પડી રહ્યો હોય.આથી જ એક યુવાનને વિચાર આવ્યો કે એકલી રહેતી વ્યક્તિની આવી હાલત ન થાય અને તે સન્માન સાથે વિદાય લે કે પછી તેને શક્ય છે ઈમરજન્સી સારવાર મળી શકે તે હેતુથી સ્ટાર્ટ અપના ભાગ રૂપે એપ બનાવીએ અને તેમાંથી જન્મ થયો 'આર યુ ડેડ?એપનો.

ભારતમાં પણ ચિંતા

ચીનમાં ૨૦૦૪માં ૮ ટકા ઘર એવા હતા કે જેમાં એક જ વ્યક્તિ રહેતી હોય આજે આ ટકાવારી ૨૦ ટકા થઇ ગઈ છે.એટલે કે દર પાંચ ઘરમાંથી એક ઘરમાં એક જ વ્યક્તિ રહે છે.

ભારતમાં હજુ ચીન જેવી સ્થિતિ નિર્માણ નથી પામી પણ અગાઉના વર્ષોની તુલનામાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ભયજનક તો જણાય જ છે.હાલ ભારતમાં વસ્તીના પાંચ ટકા લોકો એવા છે જેઓ એકલા રહે છે.

ચીનની જેમ ભારતમાં પણ ધુ્રજાવી દેતી  ઘટનાઓ પ્રસારણ માધ્યમોમાં વધતી માત્રામાં દેખા દે છે કે એકલી રહેતી વ્યક્તિનો સડી ગયેલ મૃતદેહ ૧૨- ૧૫ દિવસ પછી ઘરમાંથી મળી આવ્યો.તેવી જ રીતે એકલી પડી ગયેલી વ્યક્તિમાં આત્મહત્યાનું પ્રમાણ પણ ચિંતા ઉપજાવે તેવું છે. આપણે આવા મૃત્યુઆંકથી જ એકલા પડી ગયેલા માનવીઓની સ્થિતિ શા માટે માપવી. એકલવાયુ જીવન જીવતા લોકો ડીપ્રેશન કે અન્ય બીમારીથી પીડાય છે અને તેઓ ભલે જીવી રહ્યા હોય પણ   જે જીવન માણવાનું છે, હેતુપૂર્વકનું પ્રદાન આપવું છે તેનાથી તેઓ વંચિત રહી જાય છે તે રીતે પણ માનવ જગતે સંવેદના જગાડવાની જરૂર છે.

અને હા .. એકલા રહેતા લાખો લોકો કરતા પણ વધારે તો એવા લોકો પણ છે જેઓ ભીડભાડ વચ્ચે રહે છે અને પરિવારજનો સાથે જ હોય છે છતાં પણ તેમની હાજરી, લાગણી અને અપેક્ષાની સહેજ પણ દરકાર રાખ્યા વગર આજુબાજુનું વર્તુળ જીવતું હોઈ તેઓ એકલતા અનુભવતા હોય છે.

સ્વકેન્દ્રી સંસ્કાર

ભારતમાં એકલા રહેતી વ્યક્તિઓના આંકડા વધી રહ્યા છે તેના કારણો સમાજે જ ઉભા કરેલા છે. અગાઉ સંયુક્ત કુટુંબમાં વ્યક્તિ રહેતી હતી. પતિ કે પત્નીનું નિધન થાય કે પછી સંતાનો અન્ય શહેર કે વિદેશમાં રહેવા ચાલ્યા જાય અને ઉપેક્ષા કરે તો તે વ્યક્તિ સંયુક્ત પરિવારમાં સચવાઈ જતી અને ક્યારેય તેણે ખાલીપો નહોતો લાગતો પણ હવે સંયુક્ત પરિવારો જુજ રહ્યા છે.પતિ પત્ની નોકરી ધંધા અર્થે માતા પિતાનું મુખ્ય ઘર છોડીને અન્ય શહેર કે વિદેશ જતા થયા છે. તેમાંના ઘણા એવા સ્વાર્થી અને સ્વકેન્દ્રી બની જાય છે કે  વખત જતા માતા પિતા જોડેનો સંપર્ક ઓછો કરી દે છે. તો બીજી તરફ કમનસીબે માતા પિતા જ તેમની પુત્રી માટે એવા ઘેર જ રિશ્તો પસંદ કરવાનો આગ્રહ રાખે છે કે તેની પુત્રી પર સાસુ -સસરા કે પરિવારના અન્ય કોઈ સાથે રહેતા હોય તેવું ઘર પસંદ નથી કરતા. મોહાંધમાં તેઓ એમ નથી વિચારતા કે  અનિશ્ચિત જીવનમાં માત્ર પતિ સાથે રહેતી તેમની પુત્રી ભવિષ્યમાં એકલી પડી શકે છે. તેવી જ રીતે માતાપિતાની પરવા ન કરતો પુત્ર પણ ભવિષ્યમાં એકલો પડવાનો જ છે. 'મુઝ બીતી તુજ બીતશે ..' કહેવત સૌએ યાદ રાખવા જેવી છે.

સન્માનની સુરક્ષા

જીંદગી મેડીકલેઈમ કે મૃત્યુ પછી મળવાપાત્ર અને છૂટાછેડા બાદ મળતી રકમ માત્રથી નથી બનતું. જીવનમાં તે સુરક્ષા પણ જરૂરી છે પણ કોઈ નોંધ જ ન લેતું હોય તેવા આત્મ સન્માન(વીનાનુ) તો મોટો શબ્દ કહેવાય પણ માણસને  જે અસ્તિત્વનો એહસાસ હોવો જોઈએ તેને જ આપ્તજનો અને સમાજે ઠોકર લગાવી હોય તેવી ઠેંસ સાથે જીવવું અને ચીરવિદાય  લેવી તે પીડા હાથમાં પૈસા હોય તેના કરતા વધુ અસહ્ય હોય છે.

સંતાનોને વડીલોની હાજરી ખુંચે તેવા કે તેઓનું અપમાન કરાય  તેવા  સંસ્કારો આપો તે પછી મોટા થઈને  તેઓના પણ તેવા જ હાલ થશે. ભરયુવાની અને કમાણીના જોમમાં પરિવાર અને સમાજની પરવા ન કરનાર  સામેથી જ તે ફેબ્રિક તોડી ચુક્યો હોઈ તે જયારે નિવૃત જીવન વિતાવે છે ત્યારે તેનાથી સમાજ વિમુખ થઇ ગયો હોય છે.

સંતાનોની દોટ

એકલા પડી ગયેલ  વ્યક્તિઓની વધતી સંખ્યા  એક કારણ આભારની લાગણીવિહોણા સંતાનો પણ છે. અન્ય શહેર કે વિદેશમાં માતા પિતાએ જ દેવુ કરીને ભણાવ્યા હોય છે અને પછી મોટા શહેર કે વિદેશમાં જ તેઓ નોકરી વ્યવસાય માટે સ્થાયી થઇ જાય છે અને ક્રમશઃ માતા પિતા જોડેનો સંપર્ક કાપી નાંખે છે કે પછી વર્તન જ એવું કરવા માંડે છે કે સન્માન જાળવવા માતા પિતા જ સંબંધ કાપી નાંખે છે.ઘણા સંતાનોને માતા પિતા માટે આદર પ્રેમ હોય છે પણ સંતાન જ તેની નોકરી અને ધંધામાં એવી હદે પ્રગતિ કરે છે કે તેને માટે જોબના પડકારો અને હરીફાઈમાં ટકવું જ ધ્યેય રહે છે. માતા પિતા કે ઘેર પત્ની અને સંતાનો માટે પણ તેની પાસે સમય નથી.સતત પ્રવાસ અને મીટીંગમાં જ ગળાડૂબ રહેવું પડે છે.આવા માતા પિતા તેમના વ્યસ્ત સંતાનને ઘેર રહેવા કરતા પોતાનાં મૂળ શહેર કે ઘરમાં રહેવું પસંદ કરે છે. પતિ કે પત્ની મૃત્યુ પામે તો પણ તે તેમના સંતાનને ઘેર જવાનું પસંદ નથી કરતા અને હવે તો આટલા વર્ષોમાં અંતર પણ વધી ગયું  હોય છે.એવા સંતાનો પણ છે જેઓ માતા પિતાને પુષ્કળ પ્રેમ કરતા હોય છે અને સાથે જ રાખવા માંગતા હોય છે પણ માતા પિતા પોતાની રીતે એકલા જ રહેવું પસંદ કરે છે. તેઓને સ્વમાની હોવાનો અતિરેક એટલી હદે હોય છે કે ધરાર એકલા જ રહે છે.બે માંથી એક પાત્રનું નિધન થાય તો પણ તેઓ તેમની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે. 

સંબંધોની શ્રુંખલા

આવા વડીલો એક પછી એક સંપર્ક ગુમાવતા જાય છે કેમ કે દરેક સંબંધને જાળવી રાખવમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારની ચેનલ કામ કરતી હોય છે.તે ચેનલ તૂટી જાય પછી પણ સંબંધ જળવાયેલ રહે તે જરૂરી છે.ઉદાહરણ તરીકે માતાના નિધન પછી નાનીના પક્ષનો અને પિતાના નિધન પછી પિતરાઈ ભાઈઓ અને કાકા વગેરે સાથે સંબંધ જીવંત રાખવો જોઈએ પણ આ બધી કડીઓ તુટતી જાય છે ત્યારે આગળ જતા સામાજિક સાંકળ વિખેરાઈ જાય છે.એવું કહેવાય છે કે એક વખત કોઈપણ કારણ  ન હોય તો પણ સંબંધોના ફોલો અપમાંથી બહાર નીકળી જાવ તો પછી દસ ડગલા દુર રહેતી વ્યક્તિ જોડે પણ વર્ષે એક વખત મળવાની નોબત આવે કેમ કે આપણી પ્રાધાન્યતામાંથી તેઓ બહાર નીકળી ચુક્યા હોય છે.

સોશિયલ મીડિયા ઉપયોગી

ભારતમાં સોશિયલ મીડિયા પર  એકલી રહેતી ૭૦ વર્ષ સુધીની વયસ્ક વ્યક્તિઓ પ્રવૃત્ત છે અને તેમના પરિવાર કે સમવયસ્કોના વોટ્સ એપ ગુ્રપમાં સામેલ છે.  તે પછીની વયમાં તે પ્રમાણ ઘણું ઓછું છે અને ત્યારે જ એકલા પડી જવાની શરૂઆત થાય છે. ગુ્રપમાં સામેલ  ઘણી વ્યક્તિઓ 'ગુડ મોર્નિંગ', ભગવાનના ફોટા વગેરે પોસ્ટ કરીને હાજરી પુરાવે છે. પણ કેટલાક ગુ્રપમાં તો છે પણ કોઈ મેસેજ મુકીને ભાગ નથી લેતા હોતા. ગુ્રપમાં એડમીને  આવા સભ્યને રોજ એકાદ વખત સીધી કે આડકતરી રીતે હાજરી પુરવા ધ્યાન દોરવું જોઈએ.

અન્ય કારણો

ચીનમાં એકલતાનું પ્રમાણ વધી રહ્યું છે તેનું એક કારણ વસ્તી પર સરકારના નિયંત્રણનું પણ બહાર આવ્યું છે. એક પણ સંતાન નહીં કરવાનો ટ્રેન્ડ પણ જવાબદાર છે. આગામી વર્ષોમાં ભારતમાં પણ વયસ્કો અને તેમના પડકારો વધવાના છે કેમ કે ભારતમાં પણ સંતાન ન કરવા, લગ્ન સંસ્થામાં ન માનવું અને લીવ ઇનમાં રહેવું ,સંતાનોનું અન્ય શહેર કે વિદેશમાં રહેવા ચાલ્યા જવું વગેરે કારણો ઝડપથી  વિસ્તરી 

રહ્યા છે.

હવે આપણે એવું કરી શકીએ કે પાડોશમાં એકલી રહેતી વ્યક્તિ અંગે જાણકારી રાખીએ. એક બે દિવસે તેઓને ટહુકો કરતા રહીએ. દૂધ કે અખબાર આપતી વ્યક્તિને એમ લાગે કે દૂધ કે અખબાર બે દિવસથી એમ જ પડયા છે તો પાડોશ કે સોસાયટીના મેનેજમેન્ટનું ધ્યાન દોરવું જોઈએ.

હવે તો એવી કેટલીક સામાજિક સંસ્થાઓ અને યુવા જૂથ પણ છે જેઓ વયસ્કો માટે પ્રવૃત્તિ કરે છે.તેમના વિસ્તારની એકલી રહેતી વ્યક્તિઓને કોઈને કોઈ રીતે ઇવેન્ટમાં સાંકળે છે.ભારતમાં 'સાથીશિફ્ટ'નામની એપ આ માટે કાર્યરત છે.એકલતાને સમાજ સાથે જોડવા કે તેઓ પર નજર રહે તે માટે અત્યારથી જ નેટવર્ક ઉભું કરવું પડશે કેમ કે ચીન અને પશ્ચિમનો ટ્રેન્ડ ભારતમાં પણ ફરી વળ્યો છે. પશ્ચિમના દેશોમાં તો ૧૮ વર્ષ પછી સંતાનો ગામમાં અને ગામમાં પણ માતા પિતાથી જુદા રહેવા ચાલ્યા જાય છે.ત્યાં  ડે કેર કે નર્સિંગ સેન્ટરની દુનિયા છે.પણ ઘણા એકલા પડી ગયેલા વયસ્કો સમૂહ જીવન પસંદ નથી કરતા અને એકલા જ રહે છે.

આપણે એપ બનાવવી જ ન પડે અને એપ બનાવીએ તો પણ તેનું નામ 'આર યુ ડેડ' જેવું રાખવા કરતા 'કેમ છો. મજામાં ને' તેવું કંઇક રાખીએ.

જ્ઞાન પોસ્ટ 

'વય વધતી જાય તે પર્વત પર સર કરવા  જેવું છે.થોડો શ્વાસ ચઢે પણ દ્રશ્ય વધુ સ્પષ્ટ બનતું જાય.'

- ઇન્ગ્રીડ બર્ગમેન