Get The App

'ભલે ધીરજના ફળ મીઠાં પણ અમારે નથી ખાવા'

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
'ભલે ધીરજના ફળ મીઠાં પણ અમારે નથી ખાવા' 1 - image

- કાલથી શરુ થતા નવા વર્ષમાં  અધીરાઈ, ઉતાવળ અને તેના લીધે થતા તનાવથી બચવાનો સંકલ્પ કરીએ : અત્યારે તો માનવ જગતનું માનસ એવું છે કે..

- વિવિધા-ભવેન કચ્છી

- ટેકનોલોજીએ બધું ઘેર બેઠા અને ઓનલાઇન કરી આપ્યું હોઇ કોઈ કામ માટે થોડો વધુ સમય લાગે તો પણ આપણે પિત્તો ગુમાવતા હોઈએ છીએ

- 'જસ્ટ ક્લિક અવે', 'રેપિડ' અને ફાસ્ટ ટ્રેકની દુનિયાએ નવો માનસિક પડકાર સર્જ્યો છે

આ વતીકાલથી વર્ષ ૨૦૨૬માં માનવજગત પ્રવેશ કરશે. આમ જોઈએ તો આગામી વર્ષમાં ખાસ કંઈ બદલાવાનું નથી. હા, આપણે આપણામાં બદલાવ જરૂર લાવી શકીએ. આપણે વર્ષ  ૨૦૨૬ને ધીરજ ધારણ કરવાનું વર્ષ જાહેર કરી બિનજરૂરી અધીરાઈ, ઉતાવળ અને તેના કારણે સર્જાતા તનાવથી દૂર રહેવાનો સંકલ્પ કરી શકીએ.ધીમા તાપે બનતું ભોજન અને તેનો સ્વાદ, સોડમ તેમજ આરોગ્ય પર પડતી સવળી અસર આપણે ગુમાવી ચુક્યા છીએ.આપણી  બોલવાની ઝડપ અને વ્યગ્રતા પણ વધી ગઈ છે. એક ગીત પૂરું સાંભળવા કરતા એકાદ અંતરો સાંભળી બીજા અને તે પછી ત્રીજા ગીત પર જમ્પ લગાવીએ છીએ. આપણે કોઈની વાત બરાબર ત્રણ મિનિટથી વધુ સાંભળીએ તો તે પછી બેધ્યાન થઇ જઈએ છીએ.

આપણને લાંબુ સાંભળવું,જોવું કે વાચન કરવાનું હવે ગમતું નથી. શોર્ટ ફોર્મેટની જ બોલબાલા છે. ફાસ્ટ ફૂડ આવ્યું ત્યારે એવો અણસાર પણ નહોતો આવ્યો કે જીવનના તમામ ક્ષેત્રે 'ફાસ્ટ'  સપાટો બોલાવશે. ઘણા વાચકો હવે લેખકોને સલાહ આપતા થઇ ગયા છે કે 'ટૂંકું લખો તો તમારા વાચકો ટકી જશે. અમે તો કોલમ  કે અખબારી રીપોર્ટ વાચતા અગાઉ તેની સાઈઝ જોઈ લઈએ છીએ. લાંબુ લાગે તો ઉપરછલ્લી નજર ફેરવી લઈએ કે હેડીંગ જોઈને મુકી દઈએ.

પુસ્તક મેળામાં પુસ્તકની ખરીદી કરતા પણ એ જ માપદંડ રહે કે પુસ્તક  દળદાર અને વજનદાર ન હોવું જોઈએ.' વિદ્યાર્થી પણ અપેક્ષિત ૨૧ પ્રશ્નો કે સ્યોર સજેશન અને છેલ્લા બે ત્રણ વર્ષના પ્રશ્નપત્રોનાં જવાબ ગોખીને માસ્ટર ડીગ્રી સુધી પહોંચી જાય છે. 'ફાસ્ટ ટ્રેકથી ફાસ્ટ ટેગ'નો જમાનો છે. ટેકનોલોજીએ જો સૌથી મોટુ માનવ જગતને નુકશાન કર્યું હોય તો તે આપણે તમામ સ્તરે ધીરજ ગુમાવી તે છે. આપણે મહેનત નથી કરવી. ઊંડાણમાં જવું જ નથી . બધું જ ઉપરછલ્લું જોવા મળે છે.

આટલા બધા અખબારો, ન્યુઝ ચેનલો અને ઓનલાઈન  સાઈટ્સ હોવા છતાં મહત્વના અને આપણને સીધા સ્પર્શતા પ્રશ્નો બાબત પણ આપણી જાણકારી નથી. આપણે બધું ટૂંકમાં પતાવવાની આદતના શિકાર થયા છીએ. 

ટેકનોલોજીએ આપણને બધા જ વ્યવહારો અને માહિતી જગત આંગળીના ટેરવે કે હથેળીમાં સ્માર્ટ ફોનના માધ્યમથી આપી દીધું છે. 'જસ્ટ ક્લિક અવે' તે માનવ જગતનો શાંતિ મંત્ર છે. ઓનલાઈન ફોર્મેટ નિયત શબ્દ મર્યાદામાં જ હોય. બ્લોગ પણ ત્રણ ચાર ફકરામાં વિષય અને વિચારના બધા પાસા આવરી લે છે. માહિતી અને પ્રસારણની આ ટેકનોલોજી માને છે કે  જેને જે તે વિષય કે જાણકારી માટે ઊંડાણમાં જવું હશે તે તેમાં ડૂબકી લગાવી તેના પુસ્તકો, સંદર્ભ અને સર્ચમાં ખુપીને તેમના સોર્સનો ઉપયોગ કરી લેશે પણ સામાન્ય શ્રોતા કે વાચકને માહિતગાર  કે વિચારતા કરવા માટે  શક્ય ત્યાં સુધી ટૂંકું રાખવું. 

 અંગ્રેજી પ્રકાશનોમાં તો કોલમ કે સ્ટોરી અમુકથી વધુ શબ્દોની મર્યાદામાં જ લખવી તે પ્રણાલી દાયકાથી પણ જૂની છે. 

અગાઉ બેંકમાં પૈસા ઉપાડવા, લાઈટ-ફોન - ગેસનું બીલ ભરવા કે રેશન કાર્ડ પર કેરોસીન, અનાજ લેવા માટે લાઈનમાં કલાકો સુધી સહજતાથી ઉભા રહી શકાતું હતું  હવે પાંચ દસ મિનીટ લાઈનમાં ઉભા રહેવું પડે તો બ્લડ પ્રેશર વધી જાય છે કારણકે આપણે જાણીએ છીએ કે આ કામ હવે ઘેર બેઠા ઓનલાઈન  થઇ શકે છે. તેમાં પણ મોબાઈલ ફોન યુગમાં જન્મેલ પેઢી તો મુવી જોવા પણ પંદર-વીસ જણાની લાઈન હોય તો અકળાઈ જાય છે.

તેઓને શું ખબર કે તેમના પપ્પા અને દાદા એક કિલોમીટર લાંબી લાઈનમાં અંગ્રેજોના નહીં પણ થિયેટર પરના લાલાના ડંડા ખાઈને ફિલ્મોની ટીકીટ લેતા હતા. બાઈક અને કાર ચાલકને માટે  તો ખબર નહીં એક એક સેકંડ જાણે સોના જેવી કિંમતી હશે. ગ્રીન લાઈટ શરુ થવાની તૈયારી હોય ત્યારથી જ હોર્ન વગાડવાનું શરુ કરી દેશે. વગર કારણે આગળના ચાલકને ઝડપથી ચલાવવાનું દબાણ કરશે. આવા અધીરા ચાલકો પછીથી મોજથી ચાની કીટલી પર ચુસ્કી લેશે.

સ્માર્ટ ફોન પર ક્લિક કરતા તેઓના બધા કામ પતી જતા હોય છે. વિડીયો ગેમ રમતા સ્પિડનો રોમાંચ જ અનુભવ્યો હોય છે. કેટલાયે વર્ચ્યુઅલ કોઠા ભેદ્યા હોય છે હવે વાસ્તવિક જીવનમાં ઝડપ નથી મેળવી શકાતી તેની હતાશા હોર્નનો કાગારોળ મચાવી કે કોઈ ચાલકને લાફો મારી ઉતારાય છે.

બીજું બધું તો જવા દો લગ્નના માંડવે પણ ગોર મહારાજને સૌથી પહેલી એ સુચના હોય છે કે 'વિધિ ઝડપથી પતાવાજો.' નવદંપતી માટે જીવનપથને મંગલમય બનાવવાનું અદ્ભૂત જ્ઞાન હિંદુ ધર્મમાં જ છે પણ આપણે જ નવી પેઢીને તેના દર્શનથી વંચિત રાખીએ છીએ. હવે તો 'અમે આ બધામાં નથી માનતા' તેમ કહેવાથી મોડર્ન બની જતા હોઈએ છીએ. જ્યાં ખરેખર સમય આપવાની જરૂર છે તેનો જ છેદ ઉડતો જાય  છે.

જ્ઞાન મેળવવા તો તપશ્ચર્યા કરવી પડે પણ આપણને ક્રેશ કોર્સની જ તલાશ હોય છે. 'ફાસ્ટ' જેવો જ બીજો એક લોભામણો શબ્દ 'રેપીડ' છે. રેપીડ કોચિંગ, રેપીડ લેન્ગવેજ કોર્સની દુનિયા છે. કોઈને રાહ નથી જોવી. મહેનત નથી કરવી. ડૂબકી નથી લગાવવી. કિનારે ઉભા રહીને જે મળે તેને મોતી માની લેવાના. સમુદ્રમાં ઊંડે જવાની તસ્દી શું કામ લેવી. 

વિશ્વમાં મોટાભાગના ગુના શોર્ટ કટથી સંપત્તિ મેળવવાના મોહમાં થતા હોય છે. આપણે ભોજન પણ ચાવી ચાવીને નથી કરી શકતા. વીસ મિનિટથી ઘટી હવે સરેરાશ ૧૦ મીનીટમાં તેને પૂરું કરીએ છીએ. પાણી પીવાનો પણ સમય નથી અને એક જ શ્વાસે તેને ઉતારી દઈએ છીએ.

આપણો વિજાતીય આવેગ અને ચરમસીમા પણ ફાસ્ટ ટ્રેક જેવો મિનિટોમાંથી ક્ષણિક થઇ ગયો. તમામ ઇન્દ્રિયોની સંવેદના માણવાનું તો દુર પણ અધીરાઈ અને ફાસ્ટ કલ્ચરની બદૌલત આપણે જે તે સમયે તે ઘટના જોડે તેમાં મન અને ચિત્તથી સામેલ જ નથી હોતા. ઓશો કહેતા કે 'આપણે પ્રત્યેક પળને સભાનતાથી મહેસુસ કરવી જોઈએ. પાણી પીતા હોઈએ તો તેનો જીભને સ્પર્શ, તે ગળાના અંદરના ભાગથી પેટમાં જાય અને મસ્તિષ્કમાં તૃપ્તિનો એહસાસ થાય તેનો અનુભવ કરવો જોઈએ. ખુલ્લા પગે ઘાસ પર ચાલતા લિલ્લાછમ્મ ઘાસનો પગની પાની સાથેનો સ્પર્શ થતો હોય તેને અનુભવ્યો છે ?'

વારંવાર વોટ્સ એપ કે ફેસબુક ચેક કરવાની આદતને લીધે આપણા દિમાગમાં સતત તે જોવાનો એલાર્મ વાગતો હોય છે જે આપણી એકાગ્રતા અને ધીરજને મૃતપ્રાય બનાવી ચુક્યા છે. આપણે ઇન્દ્રિયોની સાથે હોતા જ નથી. કોઈ સારી રીતે માંડીને વાત કરતુ હોય તો બે મિનિટથી વધુ આપણે સાંભળી નથી શકતા.વર્ગ ખંડમાં ૪૫ મિનિટની જગ્યાએ વિદ્યાર્થીઓ એક લેક્ચરમાં ૨૦ મિનિટથી વધુ એકાગ્ર નથી રહી શકતા.

અગાઉ રામ કથા અને ભાગવત વ્યાસપીઠ પરથી બે સેશન ચાલતા અને ભાવકગણ સત્સંગથી તૃપ્ત નહોતો થતો હવે તે એક સેશનના થઇ ગયા છે. એ પણ આપણા પૂજ્ય  મોરારી બાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જેવા કથાકાર છે એટલે બાકી એક સ્થળે એકાગ્રતા તો શું શાંત ચિત્તે બેસી પણ નથી શકતા.

દર્દીનો તબીબી સર્જરી વખતે સૌથી પહેલો પ્રશ્ન એ હોય છે કે 'સર્જરી કેટલા સમયમાં પુરી થશે.'

ટેસ્ટ ક્રિકેટ અસ્તિત્વ માટે ઝઝૂમી  રહ્યું છે તેનું કારણ તેનું પાંચ દિવસનું ફોર્મેટ અને ધીમી બેટિંગ છે. પાંચમાંથી એક દિવસનું વન ડે ક્રિકેટ થયું અને હવે તેની લોકપ્રિયતા પણ ઓસરી છે અને ટી- ૨૦ છવાઈ ગયું. આનું મૂળ કારણ પણ હવે પરિણામ માટે રાહ જોવી કે ધૈર્ય ભરી બેટિંગમાં ચાહકોને રસ નથી. હવે ટી- ૨૦ કરતા પણ ઓછા સમયમાં મેચ પુરી થાય તેમ ટી-૧૦ અને 'હન્ડ્રેડ બોલ્સ' પ્રચલિત બનતા જાય છે. કદાચ પાંચ પાંચ ઓવરની ટુર્નામેન્ટ પણ વધુ આવકાર પામશે.

ચેસ જેવી વ્યૂહાત્મક રમત કે જે કલાકો સુધી ચાલે તેમાં પણ રેપિડ અને બ્લીટઝ ફોર્મેટ આવી ગયું છે. ટેનિસની રમત ત્રણ કે પાંચ સેટની જગ્યાએ ટાઈ બ્રેકરની જેમ ૨૫ પોઇન્ટની રમવાની શરૂઆત થઇ ચુકી છે.

'ટુ મિનિટ્સ' નુડલ્સ, ઇન્સ્ટન્ટ ફૂડ, સુપ બધું જ પ્રાપ્ય હોઇ ભોજન બનાવવા માટે પણ સમય આપવો પડે તો  આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. રેસ્ટોરન્ટમાં નાન કે રોટી આવતા થોડી વાર લાગે તેમાં આપણે પિત્તો ગુમાવી દેતા હોઈએ છીએ.

બાળકને કિશોર અને પુખ્ત બનવાની ઉતાવળ છે. આઠ દસ વર્ષની બાળકી અરીસા સામે મમ્મીની  ઊંચી હિલના સેન્ડલ અને લિપસ્ટિક સહિતનો મેક અપ કરતા જ રમતી હોય છે.

કોણ સૌથી ઝડપી તેની જ સ્પર્ધા હોય છે કોણ સૌથી ધીમું રહે છે તેવી કોઈને રમત નથી.

હોમ ડિલિવરી કંપનીનું અસ્તિત્વ ઝડપી સેવાની રેસમાં તે કેટલી આગળ ટકી રહે છે તેના પર જ નિર્ભર છે.

જ્ઞાન પોસ્ટ 

ટેકનોલોજીને કારણે માનવીનો જે સમય બચે છે તેનો તે કોઈ સકારાત્મક કે રચનાત્મક ઉપયોગ નથી કરતો! બસ વહેલો પહોંચી જાય છે  કે તેને ચીજવસ્તુ કે સેવા વહેલી મળી જાય છે એટલુ જ.