Get The App

વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતની એક જ!

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વની ટોચની 100 બ્રાન્ડમાં ભારતની એક જ! 1 - image


- ભારત ભલે વિશ્વમાં ત્રીજા ક્રમની આર્થિક તાકાત ધરાવતો દેશ બને પણ જ્યાં સુધી વિશ્વ બજારમાં ભારતની બ્રાન્ડ નહીં હોય ત્યાં સુધી તેને વિકસિત દેશ તરીકે નહીં જોવાય : રઘુરામ રાજન

- વિવિધા-ભવેન કચ્છી

- સ્માર્ટ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, કાર,ડિજિટલ સોશિયલ નેટવર્ક ,ફેશન,ફાર્મા અને એ.આઇ.માં અત્યારની સ્થિતિ જોતા બીજા 25 વર્ષ સુધી તો ભારત વૈશ્વિક પ્રોડક્ટ લોન્ચ કરી શકે તેવું નથી લાગતું.

વિ શ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં ભારતની એક જ બ્રાન્ડ ટાટા સ્થાન મેળવી શકી છે. ટાટાએ પણ તેની પોતાની કોઈ આગવી પ્રોડક્ટ કે બ્રાન્ડ થકી આ યાદીમાં પ્રવેશ નથી કર્યો પણ  જેગુઆર કાર અને ટેટેલે ચા કંપની જેવી મલ્ટી નેશનલ બ્રાન્ડ ખરીદીને ભારત માટે આશ્વાસન સમાન જગ્યા પ્રાપ્ત કરી છે.

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર રઘુરામ રાજન તેના વક્તવ્યમાં ચિંતા વ્યક્ત કરતા કહેતા હોય છે કે ભારત ભલે જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થાને પાછળ પાડીને આગામી મહિનાઓમાં અમેરિકા અને ચીન પછીનો ત્રીજો ક્રમ વિશ્વમાં મેળવી લે પણ જ્યાં સુધી ભારતની પોતાની કેટલીક  બ્રાન્ડ ટોચની વૈશ્વિક યાદીમાં સ્થાન નહીં મેળવે ત્યાં સુધી તેને ખરા અર્થમાં કોઈ આર્થિક તાકાત કે વિકસિત દેશ તરીકે નહીં જુએ.

એક પણ કાર નહીં

રઘુરામ રાજનની વાતમાં દમ છે. તમે અમેરિકા જાવ કે યુરોપ કે પછી એશિયાના દેશોમાં ભારતની એકપણ કોઈપણ સેક્ટરમાં જોવા નથી મળતી. ઉદાહરણ તરીકે નિકાસની રીતે ઊંચા ટેરીફથી  કાર માર્કેટ સંરક્ષિત છે. ભારત આઝાદ થયાને પણ ૭૮ વર્ષ પૂરા થશે છતાં ભારત એક કાર એવી નથી બનાવી શક્યું કે વિશ્વ બજારમાં પ્રવેશી શકે. વિશ્વના દેશોમાં ટોયોટા, ફોર્ડ, હોન્ડા, કિયારા, મઝદા, શેવરોલે, ફોક્સવેગન, હ્યુન્ડાઈ, કિયા, સુઝુકી, સ્કોડા, જી.એમ.સી. વગેરે અને મોંઘી કારમાં મર્સિડીઝ, બી.એમ.ડબલ્યુ, ઔડી, ટેસ્લા, જગુઆર, લક્ષસ, પોર્શ, બુગાટી, લેમ્બ્રોઘીની જેવી કારની રેન્જ છે.અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા, જર્મની, ચેક રિપબ્લિક અને બ્રિટનની કાર મહત્તમ છે પણ ભારત તેની પોતાની કોઈ કાર બ્રાન્ડ વિશ્વમાં નથી ધરાવતું. આપણે અમેરિકા અને યુરોપના રસ્તા પર ફરીએ ત્યારે આ બધા દેશોની કાર જ એક પછી એક ૧૨૦ કિલો મીટરની ઝડપે પસાર થતી હોય ત્યારે રંજ થાય કે કેમ આપણી એક પણ કાર નહીં.

વધુ દુ:ખની વાત એ છે કે આપણે લગભગ ક્યારેય આપણી કારને વિશ્વના રસ્તા પર જોઈ શકીશું કે કેમ તે ચિંતા પણ થાય છે કેમ હવે ઉપરોક્ત તમામ કંપનીઓએ ઇલેક્ટ્રિક કાર,હાઈબ્રિડ કારના મોડેલ પણ દોડતા કરી દીધા છે અને ઇલેક્ટ્રિક કારના બજારમાં તો ચીન અમેરિકા અને જાપાનને પણ પાછળ પાડી દે તેવા મોડેલ ધરાવે છે. ઇલેક્ટ્રિક  કારની દસ બ્રાન્ડ ચીન ધરાવે છે જે અમેરિકા,જાપાનની આવી કાર કરતા ઘણી સસ્તી તેમજ ફાસ્ટ બેટરી ચાર્જર સાથેની છે. અમેરિકા અને કેટલાક દેશો તો એ હદે ડરી ગયા છે કે તેઓ ચીનની કારને તેઓના બજારમાં પ્રવેશ જ નથી આપતા.ભારત હાલ સંપૂર્ણ રીતે પોતાની કઈ શકાય તેવી કારના સંશોધનમાં જ નથી. તેથી દસ પંદર વર્ષ તો કોઈ આવી વૈશ્વિક કારની સંભાવના નથી.

ટેકનો કંપનીઓમાં પણ શૂન્ય

ભારતના કમ્પ્યુટર અને સોફ્ટવેર, નેટવર્કિંગ અને એ.આઇ. એન્જિનિયરોથી જ અમેરિકાની ટોચની ટેકનોલોજી કંપની ચાલે છે. ભારતીય વિધાર્થીઓ જે હદે છવાઇ ગયા છે તે જોઈને અમેરિકાના ટ્રમ્પે માઈક્રોસોફ્ટ,ગૂગલ અને એપલ જેવી કંપનીઓને રીતસરની ધમકી પણ આપી દીધી છે કે ભારત અને ચીનના એન્જિનિયરોની ભરતી કરશો તો કડક નિયંત્રણો લાદીશું. અમેરિકાની મહત્તમ ટેકનોલોજી કંપનીના સી.ઇ.ઓ.પણ ભારતીય છે. આવી ટેલેન્ટ હોવા છતાં ભારત પોતાની કોઈ ઉપકરણ( ગેજેટ્સ) કે ઓનલાઇન સેવા બ્રાન્ડ જ નથી વિકસાવી શક્યું. એપલ,માઈક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, મેટા, ડેલ,એચ.પી., આઇ.બી.એમ.,સિસ્કો સહિત ટોચની પચાસ ટેકનો કંપનીઓ અમેરિકાની છે.ચીને તેની પોતાની 'વેઇબો' કંપની વિકસાવી છે.ચીનમાં ગૂગલ,મેટા કે અમેરિકાની કંપનીઓને પ્રવેશ નથી.

અમેરિકા પર એપલ ફોન છે. સાઉથ કોરિયાનો સેમસંગ , ચીનના ઓપ્પો, રેડમી, શીઓમી, વિવો, જાપાનનો સોની એરિક્સન અને ગૂગલનો પણ ફોન છે.ભારત એક આંતરાષ્ટ્રીય બજારમાં સ્થાન મેળવી શકે તેવો સ્માર્ટ ફોન પણ બનાવી નથી શક્યું.

જેવી રીતે ઓટોમોબાઇલ કારની જગ્યાએ ઇલેક્ટ્રિક કાર આવી અને તેમાં પણ વહેલા જાગ્યા નહીં અને હવે કોઈ સંભાવના નથી તે જ રીતે સ્માર્ટ ફોન આગામી પાંચથી દસ વર્ષમાં આઉટડેટેડ થઈ જશે તેમ માની અમેરિકાની મેટા, ગૂગલ, એપલ અને ચીનની લેનોવો સહિતની દસ કંપનીઓએ અત્યારથી સ્માર્ટ ફોનને રિપ્લેસ કરવાના છે તેવા સ્માર્ટ ચશ્માની પ્રથમ વર્ઝન બહાર પાડી દીધી છે અને જંગી ફંડ સાથે અત્યારથી જ ત્રીજી ચોથી વર્ઝનના સ્માર્ટ ચશ્માના સંશોધનો ધમધમી રહ્યા છે. ભારતે હજુ સ્માર્ટ ફોનમાં એકડો નથી ઘૂંટયો ત્યાં સ્માર્ટ ચશ્માની તો કલ્પના જ અશક્ય છે.

ફાર્મા કંપનીઓની નાદુરસ્ત તબિયત

ભારતની ફાર્મા કંપની  ટોચની  ૧૦૦ વૈશ્વિક બ્રાન્ડના સ્થાન નથી ધરાવતી.હા, વિદેશમાં તેઓની હાજરી છે તેમ કહી શકાય પણ દવાની મૂળ ફોર્મ્યુલા, ઘટકો, તત્ત્વો બધા પહેલા વિદેશમાં શોધાયા છે. તે પછી તે ફોર્મ્યુલામાં વધતો ઓછો ફેરફાર કરીને ભારતની ફાર્મા કંપનીઓ બલ્ક ઉત્પાદન કરે છે અને વિકસી રહેલ અને અલ્પ વિકસિત દેશોમાં તેની નિકાસ કરે છે.ભારતની કોઈ કંપનીની દવા ટોચના દેશોના  ડોક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે તેવી કોઈ બ્રાન્ડ નથી.યાદ રહે અહીં બ્રાન્ડ ઉપરાંત જે તે દવા, રસીની શોધ, દવાના બંધારણના તત્ત્વોનો શોધ - સંશોધનની વાત પર ભાર મૂક્યો છે. અમેરિકા, યુરોપે શોધેલ દવા અને તત્ત્વોની દવા ભારતની ફાર્મા કંપની તેના નામે કે પોતીકી બ્રાન્ડથી હક્કો મેળવીને વેચે છે પણ ભારત પોતે આગવી ફોર્મ્યુલા સાથેની દવા શોધે અને તે વિશ્વની ફાર્મા કંપની અપનાવે તેવું જૂજ જોવા મળ્યું છે. કેડિલાના સંશોધનોની વૈશ્વિક નોંધ જરૂર લેવાઈ છે.

એ.આઇ.માં પણ આઉટ

ભારત તેની જીમેઇલ જેવી મેઇલ સર્વિસ પણ ઉભુ નથી કરી શક્યું કે ટિકટોક, રેડિટ,ઈન્સ્ટાગ્રામ જેવી એપ. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કંઈક કાઠુ કાઢે તેમ કેમ વિચારી શકાય.અમેરિકા અને ચીન વચ્ચે એ.આઈ.માં છવાઈ જવા તીવ્ર સ્પર્ધા જામી છે.એવું કહેવાય છે કે ચીને પંદર વર્ષ પહેલાથી ભૂગર્ભમાં આવા સંશોધનો આરંભી દીધા હતા. ચીન તેની એ.આઇ.ની દુનિયાથી વિશ્વ પર રાજ કરવાની નેમ ધરાવે છે.અમેરિકાની ગૂગલ, મેટા,એપલ જેવી કંપનીઓએ સંપૂર્ણ ધ્યાન એ.આઇ.પર કેન્દ્રિત કર્યું છે અને એ.આઇ. ના  કંપનીઓ એકબીજાના જીનિયસોને કલ્પના ન કરી હોય તેવું પેકેજ ઓફર કરીને ખેંચી લે તેવી ગળાકાપ સ્પર્ધા જામી છે.ભારત એ.આઇ.માં બહુ તો કેટલાક સ્ટાર્ટ અપ ધરાવે છે પણ ચેટજીપીટી, ઓપન આઈ,જેમિની જેવા કોઈ પ્લેટફોર્મ ધરાવે અને વિશ્વમાં આગવી પહેચાન ઊભી કરે તેવી કોઈ શક્યતા નથી.

આવી સ્થિતિ કેમ?

 વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં (ખરેખર તો ૫૦૦માં પણ નહીં) ભારતની ટાટા સિવાય એકપણ બ્રાન્ડ કેમ નહીં?

સૌથી મહત્ત્વનું કારણ એ કે આપણી શિક્ષણ વ્યવસ્થા માર્ક અને ડિગ્રી લક્ષી છે. સંશોધનના ચમકારા તો કેટલાક યુવા ભેજા બતાવે છે પણ તેઓને યોગ્ય વાતાવરણ નથી મળતું. તેમાં પણ સંશોધન કરનાર જો ઉચ્ચ ડિગ્રી, પી.એચડી., કે પેકેજ ન ધરાવતો હોય તો સમાજમાં તેની કોઈ નોંધ નથી લેવાતી.મોટે ભાગે તો ઊંચા પગારે નોકરી કરવી કે  ધંધો કરીને પૈસા રળવા તે જ લક્ષ્ય હોય છે તેથી સંશોધનમાં વર્ષો વિતાવવા તેને વર્ષો બગાડવા તરીકે જોવાય છે.ભારત અન્ય દેશો બ્રાન્ડ જમાવે પછી તેની ફ્રેન્ચાઇઝી લઈને તિજોરી ભરે છે.ભારતની આઇ.આઈ.ટી. પણ બદલાતા વિશ્વ જોડે સંશોધનની રીતે તાલ મેળવવામાં ઘણું ઢીલું અને ધીમું જણાય છે.જે કેટલાક જીનિયસ તૈયાર થાય છે તેઓને ભારત સરકાર કે ટોચની કંપનીઓ ભારતમાં રાખવા ખાસ રસ નથી બતાવતી.તેઓ શા માટે અમેરિકા જવાનું પસંદ કરે છે તેની બ્રેઇન સ્ટ્રોમિંગ ચર્ચા પણ આવી યુવા પેઢી જોડે નથી છેડાતી આ કારણે બ્રેઇન ડ્રેઇન સહન કરવું પડે છે.જુગાડથી કમાણી થઈ જાય છે તેને આપણે સ્માર્ટનેસમાં ખપાવીએ છીએ.ભારતની કંપનીઓ મોટેભાગે તેમનું સમગ્ર ધ્યાન ભારતના વિશાળ ગ્રાહકને તેમની પ્રોડક્ટ ખેંચવા તરફ જ કેન્દ્રિત રાખે છે.આંતરિક હરીફાઈ જ કેન્દ્ર સ્થાને છે.

એક કારણ એવું પણ છે કે ભારતના પ્રોડક્ટ નિષ્ણાતો પોતે ભારતમાં જે રીતે પ્રોડક્ટ બનાવે છે તે જ વિશ્વ બજારમાં મૂકે છે અને માર ખાય છે.ખરેખર તો વિશ્વના ગ્રાહકોને નજરમાં રાખીને વૈશ્વિક પ્રોડક્ટ કે બ્રાન્ડ બનાવવી જોઈએ પણ તેવી દ્રષ્ટિ કેળવાઈ નથી.ભારતના કમ્પ્યુટર એન્જિનિયરો અમેરિકા, કેનેડા, યુરોપ કે ઓસ્ટ્રેલિયામાં છવાઈ ગયા છે પણ તે બધા નોકરી કરી શકાય અને ડોલરમાં કમાણી કરનારા છે. તેઓએ સંશોધન વૃત્તિ કે તેવી ફાવટ ધરાવતા નથી. તેઓ સંશોધનમાં કંઇ જ કમાણી કે સફળતા ન પણ મળે તો પણ ભેખ ધરીને લેબમાં રહેવું તેવું ઝૂનુન, ધગશ કે તપસ્યા કરનારા નથી.

ભારત સરકાર અને શિક્ષણ, ઉદ્યોગ, નાણાં, આઇ.ટી.ના કેન્દ્ર સરકારના ખાતા કે નીતિ આયોગ આશ્ચર્યજનક રીતે ઇલેક્ટ્રિક કાર,ગેજેટ્સ, એ.આઇ. અને કન્ઝયુમર બ્રાન્ડ ક્ષેત્રે ભારતમાં હજુ એકડો પણ નથી ઘૂંટાયો તે અંગે ચિંતા સુદ્ધા નથી કરતા.

યુનિકોર્ન છે તો પણ ..

એક અબજ ડોલર કે વધુ વર્થ ધરાવતી કંપનીઓને યુનિકોર્ન કંપનીઓ કહેવાય છે.ભારત વિશ્વમાં આવી કંપનીઓની રીતે અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે છે. યુનિકોર્ન કંપનીઓ સ્ટાર્ટ અપ પણ કહી શકાય.આ એવી કંપનીઓ છે જેઓએ પોતાની આગવી પ્રોડક્ટ કે સર્વિસ માટેના બજાર મેળવવાના ચમકારા બતાવ્યા છે.પણ આવી યુનિકોર્ન કંપનીઓ તેમના શોધ સંશોધન કે પ્રોડક્ટમાં ટકી રહેવા કરતા અન્ય વિદેશી મોટી કંપનીઓ તેઓને કદ કરતા ક્યાંય વધુ રકમ આપીને ખરીદે કે મહત્તમ હિસ્સો મેળવે તે જ લક્ષ્ય રાખે છે તેથી આગળ જતા આ શોધ સંશોધન ખરીદનાર કંપની તેમાં તેનું બજેટ ઉમેરીને પોતાના નામે કરી લેશે.

એક ચિંતા એ પણ કરાઈ હતી કે જે પણ સ્ટાર્ટ અપ છે તેમાંની મોટાભાગની ડિલિવરી કંપનીઓની કે ઓનલાઇન શોપિંગ પૂરું પાડતી છે. ટેકનોલોજી જગતમાં નવા જૂની કરે તેવી કંપની જૂજ છે.

ભારત આ જ કારણે વિશ્વમાં ત્રીજું અર્થતંત્ર બને તો પણ તેનો કોઈ પ્રભાવ નહીં પાડી શકે. વડાપ્રધાન મોદી વૈશ્વિક બ્રાન્ડ આપવાનું લક્ષ્ય નવી પેઢીને કેમ નથી આપતા તેનું આશ્ચર્ય છે.

જ્ઞાન પોસ્ટ  

વિશ્વની ટોપ બ્રાન્ડ : એપલ,માઈક્રોસોફ્ટ,ગૂગલ, એમેઝોન, વોલમાર્ટ, સેમસંગ, ટિક ટોક, ફેસબુક, એન્વિડિયા, સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઈના,ઈન્સ્ટાગ્રામ,મેકડોનાલ્ડ, ઓરેકલ, વિઝા : ટોપ ૧૦૦માંથી ૮૨ બ્રાન્ડ અમેરિકાની છે.

Tags :