- રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પસંદગી સમિતિના ચેરમેન અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરના બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યો
- વિવિધા-ભવેન કચ્છી
- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો પણ અગરકર અને ગંભીર સામે રોષ વ્યક્ત કરતા પોસ્ટર હાથમાં પકડીને મેચ જોતા હતા : મીમ્સ સાથે પણ સોશિયલ મીડિયા પર મજાક
પ સંદગી સમિતિના ચેરમેન અજિત અગરકર અને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી કરો તેવા બેનર હાથમાં પકડીને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ચાહકોએ રોહિત શર્મા અને કોહલીની અફલાતુન બેટિંગ માણી હતી. ક્રિકેટ ચાહકો છેલ્લા મહિનામાં અગરકર અને ગૌતમ ગંભીરનો ખુલ્લેઆમ ગંદો ખિલવાડ જોઈ ભારે રોષ અનુભવી રહ્યા છે. જરા આ બંને મહાનુભાવોના મનસ્વી અને મેલી મુરાદ ધરાવતા નિર્ણયને મુલવીએ.
કેપ્ટન્સી છીનવાઈ
હજુ ગત માર્ચમાં તો રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારત ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું છે. રોહિત શર્માએ 'પ્લેયર ઓફ ધ ફાઇનલ' બનતી બેટિંગ કરી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત તે પહેલા ટી - ૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. એમ તો ૨૦૨૩ના વન ડેના વર્લ્ડ કપમાં સળંગ દસ મેચ જીતીને ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. તે વર્લ્ડ કપમાં ભારતની આ એકમાત્ર હાર હતી.
આ ત્રણ આઈ. સી. સી. ટુર્નામેન્ટનો તે વખતનો રેકોર્ડ એવો હતો કે ભારત ૨૫ મેચ રમ્યું હતું તેમાંથી ૨૩ મેચ જીત્યું એક જ મેચ હાર્યું હતું અને એક મેચનું પરિણામ નહોતું આવ્યું. આ એક અસાધરણ રેકોર્ડ હતો.કોહલીએ તો કોહલી જ રમી શકે તેવી મેજીકલ ઇનિંગ સાથે ભારતને કેટલીક મહત્વની મેચમાં જીત અપાવી હતી.
તે રીતે જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફી પછી સાત મહિના પછી રમાનાર ઓસ્ટ્રેેલિયા સામેની ત્રણ વન ડે માટેની ટીમ જાહેર થાય તેમાં કેપ્ટન રોહિત શર્મા જ હોય અને કોહલી તો અનિવાર્ય જ મનાતો હતો. આ એક સહજ અને ઓટોમેટિક પસંદગી મનાતી હતી.
ચાહકોને આશંકા
આ તરફ રોહિત શર્મા અને કોહલી પામી ગયા હતા કે તેઓ જોડે રમત રમાઈ શકે છે. તેથી રોહિત શર્માએ જાહેરમાં નિવેદન કરી દીધું હતું કે 'અમે વન ડેનો વર્લ્ડ કપ જીતવા માટેનું સ્વપ્ન સાકાર કરવા ૨૦૨૭ના હવે પછીના વર્લ્ડ કપ સુધી રમવા સજ્જ રહીશું.' કોહલીએ પણ તેમાં સુર પુરાવ્યો હતો. ક્રિકેટ ચાહકો જાણે જ છે કે રોહિત શર્મા અને કોહલી જોડે પસંદગીકારો અને હેડ કોચ ગંભીરે સંવાદ નહોતો સાધ્યો અને આવા લેજેન્ડ ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાંથી માનભેર મેદાન પર વિદાય લઇ શકે તેવો અવસર નહોતો સાંપડયો..રોહિત શર્મા અને કોહલીએ ભગ્ન હૃદય સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે વન ડે ક્રિકેટના ફોર્મેટમાં પણ કઈંક આવું જ થશે તેવી ચાહકોને અને રોહિત શર્મા તેમજ કોહલીને આશંકા હતી.
યુવા ટીમનું ઘડતર
ભારતે ગિલની કેપ્ટન્સી હેઠળ ઇંગ્લેન્ડમાં ૨- ૨થી ટેસ્ટ શ્રેણી સન્માન સાથે પૂર્ણ કરી અને શ્રેણીમાં ૭૭૪ રન ગિલે નોંધવાતા ભારતને જાણે હવે રોહિત શર્મા અને કોહલીના સ્થાને નવો પોસ્ટર બોય મળ્યો તેવી હવા જામી.
ભારતે તે પછી એશિયા કપમાં પાકિસ્તાનને ફાઇનલ સહીત ત્રણ મુકાબલામાં હરાવીને ટાઇટલ જીત્યું. ક્રિકેટ ચાહકો પણ ગેલમાં આવી ગયા હતા. પાકિસ્તાનને ત્રણ મેચ હરાવી તેમાં ઓપરેશન સિંદૂર જેવી દેશદાઝ પણ ઉમેરાઈ. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટને લાગ્યુ કે ચાહકો ઉજવણીના ઉન્માદ હેઠળ છે તેથી તેઓ માટે ઈચ્છા મુજબનો મનસ્વી નિર્ણય લેવાની તક છે.ભારતનું ક્રિકેટ હવે યુવા પેઢીના હાથમાં સલામત છે અને ૨૦૨૭ના વર્લ્ડ કપ માટેની ટીમનું ઘડતર કરીએ તેવું 'નેરેટીવ્સ' ઉભું કરવું પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ માટે આસાન બન્યું.
હવે એવી હવા ઉભી થઇ કે ભારત પાસે યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેઓને ટીમમાં સમાવી નથી શકાતા. રોહિત શર્મા ૨૦૨૭ના વર્લ્ડ કપ વખતે ૪૦ વર્ષનો અને કોહલી ૩૯ વર્ષનો હશે. તેઓ બે વર્ષ પછી ટીમમાં જ નહીં હોય તો અત્યારે તેઓને રમાડવા તેના કરતા જે યુવા ખેલાડીઓ બેતાબીથી ઇંતેજાર કરી રહ્યા છે તેઓને જ આંતરષ્ટ્રીય વન ડે ક્રિકેટ રમવાની તક આપવી જોઈએ. જો કે રોહિત શર્મા અને કોહલીને પડતા મૂકી શકાય તેમ નહોતા કેમ કે તેઓનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર ફોર્મ હતું.
વમળો સર્જાયા
આમ છતાં પસંદગી સમિતિ અને હેડ કોચ એવા સવાલો સર્જવામાં સફળ થયાં કે 'શું ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડેની શ્રેણી માટેની ટીમમાં રોહિત શર્મા અને કોહલી ટીમમાં સ્થાન મેળવી શકશે?'
આવા સર્જાયેલા વમળ વચ્ચે અજિત અગરકર અને ગંભીરે ટેસ્ટ ટીમના કેપ્ટન ગિલને વન ડે ટીમનો પણ કેપ્ટન જાહેર કર્યો. રોહિત શર્મા ટી ૨૦ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી કેપ્ટન તરીકે જીત્યો છતાં તેના હાથમાંથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ. ગિલ જેવા ભારતના ભાવિ અત્યંત પ્રભાવી બેટ્સમેનની ઈચ્છા નહીં હોય તો પણ રોહિત શર્માનું પત્તુ કાપવા તેની બેવડી જવાબદારી નિભાવવાની તૈયારી નહીં હોવા છતાં તેને પરાણે કેપ્ટન્સી સોંપી દેવાઈ છે તેમ પણ નિવૃત્ત ક્રિકેટ વિવેચકોએ નિવેદન કર્યા. ગિલ ટી ૨૦ ફોર્મેટનો તો વાઇસ કેપ્ટન પણ છે. એવું મનાય છે કે ૨૦૨૬ના ટી ૨૦ વર્લ્ડ કપ પછી ગિલને ટી ૨૦નો પણ કેપ્ટન બનાવી દેવાશે. હેડ કોચ ગંભીરને પંત, કે. એલ. રાહુલ કે અન્ય કોઈ પર વિશ્વાસ નથી. હેડ કોચ ગિલની ચાહના પણ હોઇ તેને કઈં પણ જવાબદારી અપાય તો ચાહકો તે સ્વીકારશે તેમ ગંભીર જાણતો હોઇ તેને આગળ કરે છે અને તેના લીધે રોહિત શર્મા કે કોહલીને અન્યાય કરાય છે તે વિવાદ ચગશે નહીં તેની ગંભીરને ખાતરી હશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં રોહિત શર્મા અને કોહલીનો ટીમમાં સમાવેશ થશે કે નહીં તે ચર્ચા હવે જામી. રોહિત શર્માના હાથમાંથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ તે તો ભુલાઈ જ ગયું.
ટીમમાં સમાવેશ
અગરકર અને ગંભીર જાણે ઉપકાર કરતા હોય તેમ તેઓએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી માટેની ટીમમાં રોહિત શર્મા અને કોહલીનો સમાવેશ કર્યો.
અગરકરે એવી કોમેન્ટ કરી કે ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને કોહલી હશે જ તેવી ખાતરી અમે ન આપી શકીએ. તેઓના ફોર્મ અને ફીટનેસ પર નજર રહેશે.
રોહિત શર્મા અને કોહલીના આત્મસન્માન પર એ રીતે તો ઠેંસ પહોંચી જ ગઈ હતી કે તેઓ તેમની પ્રતિષ્ઠાના જોરે સ્થાન પામે છે બાકી અમને તમારી જરૂર નથી તેમ મેસેજ અપાઈ ચુક્યો છે.હવે એમ પણ ચર્ચાવા માંડયું કે ઓસ્ટ્રેલિયા સામે નિષ્ફળ જાય તે સાથે જ તે પછી નવેમ્બર - ડિસેમ્બરમાં રમાનાર સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટેની જાહેર થનાર ટીમમાંથી તેઓની સીફ્તતાથી બાદબાકી કરી દેવાશે.
અગરકરનો બચાવ
જ્યારે અગરકર અને ગંભીરનું રોહિત શર્મા અને કોહલી માટેનું મેલું વલણ ખુલ્લું પડતું ગયું ત્યારે અગરકરે કોમેન્ટ કરવી પડી કે 'રોહિત શર્મા અને કોહલીના ફોર્મ પર અમે સતત ડોળો માંડીને તેઓને નહીં મુલવીએ તેઓ કેટલા ઊંચા દરજજાના ખેલાડી છે તે ક્રિકેટ વિશ્વ જાણે છે.' ખબર નહીં કેમ પણ છેક ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય ક્રિકેટ ચાહકોને પણ એવી પ્રબળ શંકા છે કે ગૌતમ ગંભીર અને અગરકર રોહિત શર્મા અને કોહલીની કારકિર્દી પર એવી રીતે કાતર ફેરવવા માંગે છે કે તેઓ માનભેર નિવૃત્તિ ન પામે. શક્ય છે ગૌતમ ગંભીર અને કોહલી વચ્ચે આઈ. પી. એલ.ના અરસાથી જે સબંધ કથળેલા છે તેનું દુનિયાને બતાડવા પૂરતું જ સમાધાન થયું હોય. ગંભીરે કોહલીના ચાહકો દ્વારા કેટલીયે વખત હુરિયો સહન કરવો પડયો છે. કોહલી અને ગંભીરને છુટા પાડવા પડે તે હદે તેઓ બાખડી ચુક્યા છે. બંને શોર્ટ ટેમ્પર છે. તેઓના મૂડ સ્વિંગ થતા રહેતા હોય છે. ગૌતમ ગંભીરને ધોની જેવી પ્રતિભા સામે પણ અહંમનો ટકરાવ થતો રહે છે. આવા મિજાજના ગૌતમ ગંભીરની પાસે કોહલી અને રોહિત શર્માની કારકિર્દી માટેની કાતર હાથમાં આવે તેને તો તે કેટલી મોટી ઉપલબ્ધી માને. જે પણ કારણ હોય પણ પસંદગી સમિતિનો ચેરમેન અગરકર ગૌતમ ગંભીરના વશમાં હોય તેમ લાગે છે. પસંદગી સમિતિના જુદા જુદા ઝોનના સભ્યો તો હાંસીયામા જ ધકેલાઈ ગયા છે.
બી.સી.સી.આઈ. મૌન
આશ્ચર્યની વાત એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ આ હદે અગરકર અને ગંભીરને બેરોકટોક કેમ સત્તા આપી રહી છે. બોર્ડની સૂચના અને સંમતિ સાથે આ બધું થતું હોય તો શરમજનક કહેવાય. ગૌતમ ગંભીર પારદર્શક નથી તે તો ક્રિકેટ જગત જાણે જ છે. ગંભીર હેડ કોચ બન્યો પછી ભારત ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ઇતિહાસમાં પહેલી વખત અને તે પણ ૦- ૩થી ટેસ્ટ શ્રેણી હાર્યું. તે પછી ઓસ્ટ્રેલિયામાં ૧- ૩થી ટેસ્ટ શ્રેણી હાર્યું. ઇંગ્લેન્ડમાં જીતવાનું હતું ત્યારે ૨-૨થી ટેસ્ટ શ્રેણી ડ્રો કરી તે પછી તો મેદાન પર એવી ઉજવણી કરી કે ભારત જાણે વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હોય.
બાંગલા દેશ અને અફઘાનિસ્તાન સામે પણ હારી જાય તેવી નબળી વેસ્ટ ઇન્ડિઝની ટીમને ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે પરાજય આપ્યો તેમાં તો ફુલાઈ ગયા. હા, એશિયા કપમાં વિજય તે સફળતા કહી શકાય. હવે ઓસ્ટ્રેલિયા સામે પણ ગંભીરના હેડ કોચ અને નવનિયુક્ત કેપ્ટન ગિલના નેજા હેઠળ ભારત ૧-૨થી વન ડે શ્રેણી હાર્યું છે.
ગિલ પર દબાણ
ગિલના ખભાનો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે તેના બોજ નીચે તે દબાઈ જશે તો ભારત એક બે દાયકામાં માંડ મળે તેવો બેટ્સમેન ગુમાવશે તેવો ભય રહે છે.
ગિલની ૨૫ વર્ષની વય જોતા તે કોઈ સિનિયરના હાથ નીચે વાઇસ કેપ્ટન રહીને ઘડતર પામ્યો હોત તો સારું રહેત.
હવે રોહિત શર્મા અને કોહલીએ જે શાન સાથે પડકાર ઝીલીને ઓસ્ટ્રેેલિયા સામે આખરી વન ડેમાં વિજયી ભાગીદારી નોંધાવી છે અને તેના કરતા પણ વિશેષ રોહિત શર્માએ તો પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યો છે તે પછી એક જૂજ વર્ગના ચહેરા પર જાણે માતમ ફરી વળ્યો હોય તેવા રડમશ થઇ ગયા છે.
રોહિત શર્મા અને કોહલી પણ કહેતા હશે કે 'રોક શકો તો રો -કો'.. ગેમ ઇઝ ઓન..
જ્ઞાન પોસ્ટ
રમતનું તો નિશ્ચિત કેલેન્ડર કે સીઝન હોય છે. રમતનું રાજકારણ બારેમાસ ચાલતું હોય છે.


