Get The App

સરહદ પર રેડ અને મેદાન પર ગ્રીન સિગ્નલ! .

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સરહદ પર રેડ અને મેદાન પર ગ્રીન સિગ્નલ!                    . 1 - image


- અમેરિકા અને સોવિયેત યુનિયન સહિત 80 દેશો ભૂતકાળમાં ઓલિમ્પિકનો બહિષ્કાર કરી ચૂક્યા છે જ્યારે ભારતની સરકાર પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ જાહેર નથી કરી શકતું 

- વિવિધા-ભવેન કચ્છી

કે ન્દ્ર સરકારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે એશિયા કપમાં રમવાની પરવાનગી આપી તે પછી દેશભરના બહુમતી ચાહકોએ સરકારના આ નિર્ણય સામે આઘાત સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.જાણે બહુ મોટી જાહેરાત કરતા હોય તેમ કેન્દ્ર સરકારે નિવેદન કર્યું છે કે 'ભારત પાકિસ્તાન સામે દ્વિપક્ષીય એટલે કે બંને એકલા જ રમવાના હોય તેવી શ્રેણી નહીં યોજે પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી આપે છે.'

ક્રિકેટ ચાહકો જાણે છે કે આમાં સરકારે કંઈ નવી ધાડ નથી મારી. કેમ કે આવી રીતે દ્વિપક્ષીય શ્રેણી તો ભારત છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી ભારત પાકિસ્તાન સામે રમતું નથી.

દેશના નાગરિકો નિરાશ

ભારતના નાગરિકોનો પહેલગામ પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા પછી હજુ રોષ શાંત નથી થયો.ભારતીય સેનાએ પણ પહલગામની ઘટના પછી ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓ અને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો.ભારતે પાકિસ્તાન જોડેના રાજદ્વારી સંબંધો,વેપાર પર પ્રતિબંધ જાહેર કરી દીધો.એટલું જ નહીં ' પાણી અને લોહી સાથે વહી ન શકે' તેવી કાવ્યાત્મક શૈલી સાથે સિંધુ જળ વિવાદ પણ સ્થગિત કરી દીધો છે.ભારતે આંતરાષ્ટ્રીય દબાણની શેહમાં આવ્યા વગર પાકિસ્તાન સામેના કઠોર નિર્ણયો લીધા છે.ભારતના નાગરિકો આનાથી સંતોષ અને ગૌરવ અનુભવે છે.પણ દુ:ખ અને કમનસીબીની વાત એ છે કે  'ક્રિકેટ અને લોહી સાથે વહી શકે' તેવી સરકારની નીતિથી નાગરિકો હતાશા સાથે નિરાશા અનુભવે છે. દેશ વિદેશમાં વસતા ગુજરાતી નાગરિકોની વાત કરીએ તો 'ગુજરાત સમાચાર' અખબારે હાથ ધરેલ ડિજિટલ ઓપિનિયન પોલમાં ૮૦ ટકાથી વધુ વાચકોનો એવો મત પ્રવર્તે છે  કે 'ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ.' જુદા જુદા પ્લેટફોર્મમાં દેશવ્યાપી આવા જે પણ પોલ થયા છે તેમાં લગભગ આ જ આંક આવ્યા છે. ભૂતકાળમાં ભૂતપૂર્વ ક્રિકેટરો એવું કહેતા હતા કે 'રમત અને રાજકારણને સાથે ન જોડવા જોઈએ. ક્રિકેટ બંને દેશોને નજીક લાવી શકે છે.પણ હવે ભૂતપૂર્વ ક્રિકેટરો જ નીડરતાથી બહાર આવ્યા છે. તેઓ માને છે કે 'પાકિસ્તાનને બહુ તક આપી પણ તેઓ સુધરવા જ નથી માંગતા.તેઓને જ ભારત જોડે સંબંધ જાળવવાની પરવા નથી.ભારતે પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ હવે રમવું ન જોઈએ.'

સનીનો નીડર અભિપ્રાય

ગાવસ્કરે તો એટલે સુધી કહી દીધું કે  'ભારત પાકિસ્તાન સામે એશિયા કપમાં રમે તેમાં ચાહકોએ ક્રિકેટરો પર રોષ ન ઉતારવો જોઈએ. કેમ કે તેઓ તો ભારતીય ક્રિકેટ બોર્ડને આધીન છે.તેવી જ રીતે પાકિસ્તાન જોડેના ક્રિકેટ સંબધો અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ આખરે તો  કેન્દ્ર સરકારના  નિર્ણયને અનુસરે છે. કેન્ર સરકાર જ પરવાનગી આપે તો ભારતીય ટીમને રમવું જ પડે.' કેન્દ્ર સરકારે ક્રિકેટ રમવાની મંજૂરી આપી તેના થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતનો પરમાણુ બોમ્બથી સફાયો કરવાની શેખી મારી હતી.

સેનાનું મંતવ્ય લો

કેન્દ્ર સરકારે ભારતના ૧૪૬ કરોડની વસ્તી પૈકી માત્ર ભારતીય સેનાનું જ મંતવ્ય લેવાની જરૂર હતી કે પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચને મંજૂરી આપવી જોઈએ કે કેમ. 

ભારતીય સેનાના મનોબળ પર હતાશા ફરી વળે તેવો આ નિર્ણય કહી શકાય. 'હવે પછીના કેટલાક વર્ષો અમે પાકિસ્તાનની વર્તણૂંક જોઈશું અને પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં  ભાગ લેવાની મંજૂરી  આપવી કે કેમ તેનું મૂલ્યાંકન કરીશું પણ પહેલગામનો હુમલો અને મુનીરનું નિવેદન તાજું જ હોઈ એશિયા કપમાં ભાગ નહીં લઈએ.' તેમ જો કેન્દ્ર સરકારે જાહેરાત કરી હોત તો પાકિસ્તાન હતપ્રભ થઈ ગયું હોત. કેમ કે ભારત તેઓ સામે ક્રિકેટ રમે છે તેમાં પાકિસ્તાનનો અહંમ સંતોષાય છે. કદાચ જળ સંધિ રદ કરો તેના કરતાં તમામ સ્તરે ક્રિકેટ સંબંધોનો છેદ ઉડાડી દેવાથી તેઓની દુખતી નસ દબાશે. ભારત સરકારે બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવાની પરવાનગી આપી તેનું એક કારણ એ હોઈ શકે છે કે ભારત વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬માં ઓલિમ્પિકનું યજમાન બનવા માંગે છે. ભારત સર્વગ્રાહી અને રમતને રાજકારણથી દૂર રાખતો દેશ છે તેવી વૈશ્વિક છબી ધારણ કરવી જરૂરી છે.

પાક.સામે કુણું વલણ

આઇ.સી.સી.એ આશ્ચર્યજનક રીતે બ્રોડકાસ્ટિંગ સ્પોર્ટસ ચેનલ , ડિજિટલ પ્લેટફોર્મ અને અન્ય ક્રિકેટ બોર્ડની કમાણીના હિતોની ચિંતા કરીને પાકિસ્તાન તટસ્થ દેશમાં રમે તે માંગણી સ્વીકારી. ખરેખર તો આઇ.સી.સી.એ પાકિસ્તાનને સ્પષ્ટ સંભળાવી દેવાની જરૂર હતી કે પાકિસ્તાનની જેમ ભારત આતંકી હુમલામાં સાથ નથી આપતું. ભારતમાં સલામતીની ચિંતા છે જ નહીં. તે પછી ભારતે જ તેના ફાળે આવતી  યજમાન તરીકેની બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટના હક્કો જાળવી રાખવા જોઈએ અને પાકિસ્તાન ભારતમાં રમવા ન આવે તો તે નિર્ણય તો આપણને ગમે જ.

અત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે કે જાણે ભારત પણ પાકિસ્તાન પર આતંકી હુમલો પડદા પાછળ રહીને કરાવતું  હોય અને તેઓ એશિયા કપનું યજમાન હોવા છતાં તટસ્થ દેશ યુ.એ.ઇ.માં રમવા સંમત થયા છે.

આ જ કારણે ગત રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ ભારત પર ટોણો લગાવતા તુમાખી બતાવી છે કે 'ભવિષ્યમાં પણ પાકિસ્તાન ઝૂકશે નહીં અને ભારત જે વર્તન કે શરત પાકિસ્તાન જોડે રાખશે તે જ અમારી ભારત જોડેની વળતી શરત રહેશે.'

આઇ.સી.સી.અને ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તે રીતે તો ખુલ્લું પાડવું જ જોઈએ કે ભારત જે કારણોસર પાકિસ્તાન જોડે ક્રિકેટ રમવાની ના પાડે છે તે જ કારણો પાકિસ્તાન ન આપી શકે. અત્યારે તો એવી સ્થિતિ જણાય છે કે ભારત અને પાકિસ્તાન પરસ્પર સમાન કારણોસર એકબીજા સામે ક્રિકેટ નથી રમતા.જ્યારે ખરેખર ભારત તો પાકિસ્તાન સામે કોઈ પ્રેરિત હુમલા નથી કરતું.ઓપરેશન સિંદૂર વગેરે તો જવાબી લશ્કરી કાર્યવાહી છે.

ખુમારી બતાવી ન શક્યા

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન જોડેની મેચ નહીં રમી ભલે  ટુર્નામેન્ટમાં આગળ જતા ટ્રોફીથી દૂર રહેવું પડે પણ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરીને બહુરાષ્ટ્રીય ્ટુર્નામેન્ટમાં રમવું જોઈએ.આઇ.સી.સી. આવા સંજોગોમાં જે દંડાત્મક પગલા લે તેનો સ્વીકાર કરવો જોઈએ. વિશ્વના અન્ય ક્રિકેટિંગ દેશો પણ ભારતને નિરુપદ્રવી દેશ માને છે.

જો આ શક્ય ન હોય તો ભારતે અમુક વર્ષો સુધી આઇ.સી.સી.ની બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પછી ભલે ને તે વન ડે કે ટી ૨૦નો વર્લ્ડ કપ હોય તેમાં ભાગ જ ન લેવો જોઈએ. ભારતના ક્રિકેટ થકી જ વિશ્વના ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટરોની તિજોરી ભરાતી હોય છે. ભારત આવો બહિષ્કાર કરે તે સાથે જ પાકિસ્તાન કે જે ક્રિકેટમાં પણ દેવાળિયો દેશ છે તે મૃત:પ્રાય થઈ જાય. ભારતીય ક્રિકેટ બોર્ડ એક બે ટુર્નામેન્ટમાં ભાગ જ નહીં લઈને તેનો સોફ્ટ પાવર બતાવવો જ જોઈએ. આઇ.સી.સી.ના કોઈપણ હોદ્દાનો મોહ રાખવાની પણ જરૂર નથી.

ઓલિમ્પિકમાં બહિષ્કાર

૧૯૫૬ની ઓસ્ટ્રેેલિયાના મેલબોર્નમાં રમાયેલી ઓલિમ્પિકમાં ચીન, સ્વિટ્ઝર્લેન્ડ , સ્પેન,નેધરલેન્ડ ,ઈજીપ્ત સહિત ૧૨ દેશોએ બહિષ્કાર કરીને ભાગ નહોતો લીધો.૧૯૬૪માં જાપાનની ટોકિયો ઓલિમ્પિકમાં ચીન, ઈન્ડોનેશિયા અને નોર્થ કોરિયાએ રાજકીય કારણોસર ભાગ નહોતો લીધો.૧૯૭૬ની મોન્ટ્રીયલ (કેનેડા) ઓલિમ્પિકનો ૩૬ દેશોએ બહિષ્કાર કર્યો હતો.

સૌથી મોટી આવી ઘટના હોય તો ૧૯૮૦ની મોસ્કોમાં યોજાયેલ ઓલિમ્પિકમાં અમેરિકા સહિત ૬૭ દેશોએ સોવિયેત યુનિયન સામે ધરી રચીને ભાગ નહોતો લીધો.તે પછી વારો અમેરિકાની વિરુદ્ધના અને સોવિયેત યુનિયન તરફી દેશોના શક્તિ પ્રદર્શનનો હતો.લોસ એન્જલસમાં  (અમેરિકા)યોજાયેલ ૧૯૮૪ની ઓલિમ્પિકમાં સોવિયેત યુનિયન સહિત ૧૯ દેશોએ બહિષ્કાર કર્યો હતો. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પણ અમુક ઉપદ્રવી અને વિશ્વ શાંતિ જોખમમાં મૂકતા દેશોને ઓલિમ્પિકમાં ભાગ લેવાની પરવાનગી નથી આપતું.ઘણા ખેલાડીઓ જે તે આવા પ્રતિબંધિત દેશના પ્રતિનિધિ તરીકે નહીં પણ આઇ.ઓ.સી.ના ધ્વજ હેઠળ ઉતારવામાં આવે છે. ફૂટબોલ જગતમાં પણ અમુક દેશો તેના રાજકીય દુશ્મન મનાતા દેશ સામે મેચ નથી રમતા. આમ આઇ.સી.સી.એ પણ આક્રમક વલણ દાખવી પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને જો તેમ શક્ય ન હોય તો ભારતીય ક્રિકેટ બોર્ડે જ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવો જોઈએ. ઓલિમ્પિકમાં જો ભાગ નહીં લઈને અમેરિકા કે સોવિયેત યુનિયનથી માંડી ટચૂકડા દેશો બહિષ્કારની હિંમત ભૂતકાળમાં બતાવી શક્યા હોય તો ભારતીય ક્રિકેટ બોર્ડે પણ આવી ખુમારીના દર્શન વિશ્વને કરાવવા જોઈએ. 

Tags :