- લંડનના એક્સલ વોટર ફ્રન્ટમાં સ્વર્ગસ્થ એલ્વિસ પ્રેસ્લીની રોક એન્ડ રોલ સાથે જમાવટ : એ. આઈ. અને હોલોગ્રામ સંગીત અને સ્ટેજ શોની દુનિયા બદલી નાંખશે
- વિવિધા-ભવેન કચ્છી
- કોલ્ડપ્લે અને ટેલર સ્વિફ્ટથી માંડી મોટાભાગના બેન્ડ અને પોપ ગાયકો લાઇટિંગ, સાઉન્ડ અને બેકગ્રાઉન્ડમાં દ્રશ્યો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સર્જે છે
લં ડનના એકસલ વોટર ફ્રન્ટમાં આજથી દર બુધવાર અને રવિવારે નાતાલની રજા સુધી એક અનોખા શોનું આયોજન કરવામાં આવ્યું છે. થીમ બેઝડ આ શોનું નામ Elvis Evolution - the immersive experience' છે.
'કિંગ ઓફ રોક એન્ડ રોલ' તરીકે
લેજેન્ડ મનાતા અમેરિકાના પોપ સિંગર એલ્વિસ પ્રેસ્લીનું ૧૯૭૭માં ૪૨ વર્ષની વયે જ નિધન થયું હતું પણ માઇકલ જેક્સનની જેમ આજે પણ તેના ગીત સંગીત અને સ્ટેજ પર્ફોર્મન્સના વિડીયો ચાહકોમાં ચિરંજીવ છે.
પહેલી નજરે તમને એમ લાગ્યું હશે કે લંડનના વોટર ફ્રન્ટમાં એલ્વિસ પ્રેસ્લીના ગીતોને કોઈ ગાયક સ્ટેજ પર રજુ કરતા હશે પણ જેઓએ પણ આ શોને છેલ્લા અઠવાડિયામાં લોન્ચ થયા બાદ જોયો છે તેઓ હેરત પામી ગયા હતા. બે કલાકના શોમાં આ દર્શકો રાઉન્ડ ટેબલ પર બેઠા હતા અને તેઓની નજર સામે આબેહૂબ એલ્વિસ પ્રેસ્લી ખડો કરાયો હતો. એલ્વિસને સૌપ્રથમ બ્રેક કેવા સંજોગોમાં મળે છે ત્યારથી શરુ કરી તેનો સંઘર્ષ, મેનેજર દ્વારા શોષણ, તેના સ્ટેજ શો અને રહસ્યમય મૃત્યુ સુધીના જીવનના એપિસોડ દર્શકોની નજર સામે ભજવાય છે. જેમાં એલ્વિસ પ્રેસ્લીના ધૂમ મચાવી ચૂકેલ ગીતોને એલ્વિસ પ્રેસ્લી જ ડાન્સ સાથે રજુ કરે છે.
દર્શકો વારંવાર તેઓ જે જુએ છે તે કોઈ ભ્રમ, સ્વપ્ન કે ભૂત નથીને તે ચકાસવા તેમના ગાલ પર હળવી થપ્પડ લગાવે છે તે હદે તેઓની નજર સામે એલ્વિસ પ્રેસ્લી તે જ અદા, તે જ સ્વેગ અને તે જ તરવરાટ સાથે એક પછી એક ગીત રજુ કરે છે. સંગીત પણ ધમાકેદાર અને સ્ટેજ પર બેક ગ્રાઉન્ડમાં અવનવા રંગસભર દ્રશ્યોનું મિશ્રણ પર્ફોર્મન્સને રોમાંચક અને દિલધડક બનાવે છે.
આ કોઈ એલ્વિસ પ્રેસ્લીનો હમશકલ નથી પણ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી તૈયાર કરેલ એલ્વિસ પ્રેસ્લી અને અન્ય સાથી કલાકારોની ઉભી કરાયેલ હોલોગ્રામ ઇમેજ છે. આ રીતના વ્યક્તિ કે સ્થળના નવસર્જનને ‘immersive' કહેવાય છે.
વિશ્વના જે પણ ગાયકો અમર થઇ ગયા છે તેઓએ જાણે પુનર્જન્મ લીધો હોય તેમ તેના આ રીતે શો યોજાતા થયા છે. માઇકલ જેક્સન હજુ પણ હાજરાહજુર હોય તેમ તેના મુનવોકથી માંડી તમામ સ્ટેપ અને તે હયાત હતો તે વખતે ગીત દરમ્યાન જે સેટ ખડા કરાયેલા તે ફરી માઈકલ જેક્સન જ આવીને પર્ફોર્મ કરતો હોય તેમ સ્ટેજ શો થાય. આ પણ હોલોગ્રામ જ હોય છે અને સાઉન્ડ, સેટ્સ અને માઈકલ જેક્સના ગળામાં કંઠ પણ માઇકલ જેક્સનનો જ હોય છે. આ બધી એ.આઈ.ની કમાલ છે. આવા એક શોની ટિકિટ ૬૭થી ૧૦૦ ડોલર જેટલી હોય છે.
વર્તમાન પોપ ગાયક ગાયિકાઓને શોના આયોજનની કમાણીમાં હવે આવા હોલોગ્રામ અને એ. આઈ.થી બનેલા સ્વર્ગસ્થ લેજેન્ડને આયોજકો દ્વારા ધરતી પર ઉતારી તેઓ જ પર્ફોર્મ કરતા હોય તેવા શો હરીફાઈ પુરી પાડે છે.
એક તરફ હયાત ગાયકો, સંગીતકારો અને સેલિબ્રિટી તેઓના ચહેરા, સંવાદ, ખાસ અદા, કંઠ અને કમ્પોઝીશનનો ઉપયોગ એ. આઈ.ની મદદથી અન્ય કોઈ તફડંચી ન કરી શકે તે માટે પર્સનાલિટી રાઈટ કરાવે છે. કસૂરવારને કોર્ટમાં લઇ જાય છે જયારે બીજી તરફ જેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેઓને એ. આઈ.ની ટેક્નોલોજીથી હોલોગ્રામથી સ્ટેજ પર લાવી તેઓની જે આગવી લાક્ષણિકતા હતી તે જ સાથે પર્ફોર્મ કરાવાય છે એટલે સુધી કે દર્શકોની ફરમાઈશ પણ સ્વીકારાય છે. દર્શકોને ૧૦૦ ટકા એવું લાગે છે કે તેઓ એલ્વિસ પ્રેસ્લી, જેક્સન કે આબાની લાઈવ નાઈટ જોઈને આવ્યા.
વર્તમાન પોપ ગાયકોએ આવા હોલોગ્રામથી તૈયાર થતા શોની હરીફાઈથી બચવા એક આબાદ ઉપાય શોધી કાઢયો છે.
હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય ગાયક સોનુ નિગમ ખુલ્લેઆમ કહેતો હોય છે કે મુહમ્મદ રફી તેનો આદર્શ છે અને તેમના જેવા કંઠ માટે જ તેણે બાળપણથી પ્રયત્ન કર્યો છે.
સોનુ નિગમ પામી ગયો હતો કે એ દિવસો દૂર નથી કે મુહમ્મદ રફીને જ કોઈ આયોજક સ્ટેજ પર હોલોગ્રામથી લાવી દેશે. રફી સાહેબ જ શું કામ હોલોગ્રામથી શંકર જયકિશન કે નૌશાદને જ સાજિંદાઓ સાથે સ્ટેજ પર ખડા કરશે અને આ સંગીતકાર મ્યુઝિક કન્ડકટ કરશે અને રફી સાહેબ ગાતા હશે.
સોનુ નિગમે થોડા દિવસો પહેલા અમેરિકાના ડલાસમાં એક શો દરમ્યાન 'કલ હો ના હો'નું ગીત ગાયું અને એક અંતરા પછી બધાના આશ્ચર્ય વચ્ચે સ્ટેજ પર રફી સાહેબ જાણે શાક્ષાત અવતરણ પામ્યા. સોનુ નિગમે તે પછી દર્શકોને કહ્યું કે 'મારાં જીવનનું એક સ્વપ્ન મારાં માટે ભગવાન સમાન રફી સાહેબ જોડે હું ગીત ગાઈ શક્યો હોત તો કેવું તે હતું. તેઓ હયાત હતા ત્યારે તો સ્વાભાવિક છે કે તેવી શક્યતા નહોતી પણ ટેક્નોલોજીએ ભલે આભાસી તો આભાસી પણ આજે આ તક સર્જી છે. મારાં કંઠે ગવાયેલ એક અંતરા પછી હવે ગીતનો બીજો અંતરો રફી સાહેબ ગાશે.'
સ્ટેજ પર રફી સાહેબની હોલગ્રામ ઇમેજ ખડી થઇ. જોરદાર તાળીઓ વચ્ચે રફી સાહેબે અઘરું રાખેલું ગીત પૂરું કર્યું. સોનુ નિગમ જ નહીં દર્શકોની આંખો પણ ભીની હતી. એ. આઈ.ની મદદથી તૈયાર થયેલ કંઠ અદ્દલ રફી જેવો હતો અને રફી સાહેબ પણ સદેહે જાણે સ્ટેજ પર હાજર હતા. હવે એ દિવસો દૂર નથી કે આગામી નવી ફિલ્મમાં સંગીત આર. ડી. બર્મનનું હોય અને યુગલ ગીત રફી- લતા કે મુકેશનો કંઠ પણ એ. આઇ. દ્વારા ફિલ્મમાં ઉપયોગમાં લઇ શકાશે.
'સૈયારા' ફિલ્મના ગીતને ટેક્નોલોજીના જાણકાર કોઈ વ્યક્તિએ એ. આઇ.થી કિશોર કુમારના કંઠે સર્જન કર્યું અને 'મંઝિલ'ના અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જી પર ફિલમાંકન થયેલ 'રીમઝીમ..' પર ગોઠવી દીધું. યુ ટયુબ પર આ રીમેક જોઈ શકાય છે. ૧.૩ કરોડ વ્યુઅર્સ આ એ. આઇ. સર્જિત ટ્રેકને ઇન્સ્ટાગ્રામ પર અને ૧.૬ કરોડ વ્યુઅર્સ યુ ટયુબને મળ્યા હતા.
અનિરુધ જેવા યુવા સંગીતકાર તો કબૂલ છે કે એ. આઈ.નો તે ગીતના કમ્પોઝીશન માટે કે ફિલ્મ સાઉન્ડ ટ્રેક માટે ઉપયોગ કરે છે. એ. આઇ.ને કેવા સૂચનો આપીને શ્રેષ્ઠ કામ કઢાવવું તે પણ એક કળા છે.
એ. આર. રહેમાન પણ એ. આઈ.ની મદદ લેવામાં નાનમ નથી અનુભવતા. સોનુ નિગમે રફી સાહેબની એ. આઈ. વર્ઝન સાથે ગીત ગાઈને તેમની ઈચ્છા પુરી કરી તેમ એ. આર. રહેમાનનું સ્વપ્ન શાહુલ હમિદ અને બામ્બા બાક્યા પાસે ગીત ગવડાવવાની હતી તે પણ પુરી થઇ શકે તેમ નહોતી તેથી આ ગાયક કલાકારોના પરિવારજનોની પરવાનગી લઈને તેમણે એ. આઈ.થી આ બે મહાન ગાયકોનો કંઠ સર્જયો અને તેમનું કંપોઝ કરેલ ગીત રજનીકાંત અભિનિત ફિલ્મ લાલ સલામ માટે તૈયાર કર્યું.
'ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે આંશુમાન અને આદિત્ય કાળવેએ 'ફના' ફિલ્મનું શાનએ ગયેલ 'ચાંદક શિફારીશ' મુહમ્મદ રફી અને કિશોરના કંઠે એ. આઇ. પાસેથી બનાવીને લોન્ચ કર્યું.
આવા તો ઘણા બદલાવ હવે એ. આઇ. ને લીધે મનોરંજનની દુનિયામાં આવશે. જો કે રસપ્રદ ઘટના તો એ બની કે ૨૦૨૩માં ટીક ટોક પર એક અનામી વ્યક્તિએ 'હાર્ટ ઓન માય સ્લીવ' નામનો એક સોન્ગ ટ્રેક બહાર પાડયો. તેમાં એવું જણાવયેલું કે ડ્રેગ અને ધ વીકન્ડ નામના ગયાકોએ તે ગાયુ છે. આ ગીત 'સ્પોટીફાઈ' અને અન્ય મ્યુઝિક એપમાં ટોપ પર રહ્યું. અમુક એવોર્ડ પણ તેને માટે જાહેર થયા. પણ એવોર્ડ લેવા તો કોઈ આવ્યું જ નહીં. કેમ કે ડ્રેક અને ધ વીકન્ડ તો ગાયકના કાલ્પનિક નામ હતા. ખરેખર તો એ. આઈ. દ્વારા તૈયાર થયેલ કંઠથી આ ગીત ગવાયું હતું. ટીક ટોકના કોઈ બેનામી વ્યક્તિએ એ. આઈ. ને અમુક નાની હૃદયસ્પર્શી વાર્તા અને ગીતનો થીમ આપી એ. આઈ. ને જ ગીતકારની જવાબદારી સોંપી હતી. અને હા.. ગીતને સ્વરબદ્ધ પણ એ. આઈ. એ જ કર્યું હતું.
સંગીત સર્જન માટે 'ઓપનએ.આઇ.'નું 'જયુકબોક્સ' નામનું ટૂલ, ગુગલનું 'મ્યુઝિક એલ.એમ.', મેટાનું 'ઓટોક્રાફ્ટ' તેમજ અન્ય કેટલાક ડિજિટલ ટૂલ પ્રચાલિત છે.
માત્ર હિન્દી, અંગ્રેજી કે વિદેશી ભાષા અને સંગીત પૂરતું જ એ. આઈ. દમદાર છે તેવું નથી. પ્રાદેશિક સંગીતમાં પણ ધૂમ મચાવે છે.
પંજાબી પોપ ગાયક સીધુ મુસેવાલની હત્યા થઇ છે તે તો બધા જાણે જ છે પણ તેના ચાહકો તેના ગીતો વગર ખાલીપો અનુભવતા હતા. ત્યારે પંજાબી ગીતકારોની રચનાને લઈને એક એ. આઈ. કંપનીએ સીધુ મુસેવાલનો કંઠ જનરેટ કર્યો. તેના ચાહકો માટે આમ સીધુ મુસેવાલ હવે અમર છે. તેના કંઠમાં ગીતો આવતા જ રહેશે. આ ગીત સ્ટેજ પર રજુ થાય ત્યારે સીધુ મુસેવાલનો હોલોગ્રામ પણ હોય છે. મુસેવાલ તેના ચાહકોની નજર સામે જ પર્ફોર્મ કરે છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે નરેન્દ્ર મોદી થ્રી ડી એનિમેશન ટેક્નોલોજીની મદદથી પાંચ સાત જગ્યાએ સભા એક જ સમયે સંબોધતા હોય તેમ લાગતું હતું. હોલોગ્રામનો આ પ્રાથમિક તબક્કો હતો પણ તે વાતને ૧૧ વર્ષ વીતી ગયા છે. એ. આઈ.નો પ્રવેશ થતા હવે હોલોગ્રામની ઇમેજ અદ્દલ વ્યક્તિ જેવી આવે છે અને તેના જેવા જ હાવભાવ અને અવાજ વધુ સ્પષ્ટ અને શાર્પ બન્યા છે.
ગાયિકા શિબાની કશ્યપે મેટાવર્સ ટેક્નોલોજીને સહારે પ્રયોગ કર્યા છે. હવે એ. આઇ. નિષ્ણાતો રફી, કિશોર કુમાર, લતા, મુકેશથી માંડી જગજીત સિંઘ, કે. કે., ઝૂબીન ગર્ગ જેવા સ્વર્ગસ્થ ગાયકોના એ. આઈ. અવતારનું અવતરણ કરે છે. ફિલ્મમાં તો તેઓના કંઠે ગીતો હશે જ પણ લાઈવ સ્ટેજ શો પણ જોવા મળશે.
એવી પણ શક્યતા છે કે એ. આઈ.થી કોઈ આ બધાથી મિશ્રિત કે સાવ જુદો જ અવાજ એ. આઈ. ટૂલ સર્જશે અને તે ગાયક કે ગાયિકાનું કાલ્પનિક નામ અપાશે.
એ. આઈ. માત્ર ગીત, સંગીત કે કંઠની રીતે જ પ્રદાન નથી આપતા પણ કોલ્ડપ્લે, ટેલર સ્વિફ્ટ, રિહાના અને અન્ય તમામ વૈશ્વિક ટુર કરતા પોપ ગાયકોના શોમાં સ્ટેજ, સેટ્સ, ગીત વખતે સ્ક્રીન પરના શબ્દોને અનુરૂપ દ્રશ્યો, સાઉન્ડ, લાઈટ્સ તેમજ પ્રેક્ષકોના મૂડ, મિજાજ અને વર્તુનાક પર પણ નજર રાખે છે.
એ. આઈ.ના ખરા રંગ, રૂપ અને પરચા તો હજુ આપણે અનુભવ્યા જ નથી. મનોરંજન અને સર્જનાત્મક દુનિયા બદલાઈ જશે.
જ્ઞાન પોસ્ટ :
એ. આઈ. પાસેથી કામ તો છેલ્લે આપણે જ કરાવવાનું છે તેથી આપણી સર્જનાત્મતા અને દ્રષ્ટિની તો અનિવાર્યતા રહેશે જ.


