- ઓસ્ટ્રેલિયામાં નોંધાયો વિશ્વનો પ્રથમ કિસ્સો જે જોઈને તબીબી જગત દંગ થઈ ગયું
- વિવિધા-ભવેન કચ્છી
- પોલ કોનિંગહામ બધાને ખાસ ચેતવે છે કે AI પર આંધળો વિશ્વાસ ન મુકશો. તબીબો અને ટેક્નોક્રેટની સલાહ વગર એક ડગલું પણ આગળ ન વધશો
- નજીકના ભવિષ્યમાં દરેક દર્દીને તેના માટે લેબોરેટરી અલાયદી કસ્ટમાઈઝ્ડ રસી બનાવી આપશે
ક હેવાય છે કે પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે તે અશક્યને પણ શક્ય બનાવી દે છે. પરંતુ જ્યારે આ પ્રેમ સાથે 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' (AI) જેવી આધુનિક ટેકનોલોજી ભળે, ત્યારે ચમત્કાર સર્જાય છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં બનેલી એક ઘટનાએ તબીબી જગતને ચોંકાવી દીધું છે. એક વ્યક્તિ, જેની પાસે મેડિકલની કોઈ ડિગ્રી નથી, તેણે માત્ર AI ના સહારે પોતાના પાલતુ શ્વાનને મરણ પથારીએથી બેઠો કર્યો. આ કિસ્સો માત્ર એક પ્રાણીના જીવ બચાવવાની વાત નથી, પણ ભવિષ્યમાં AI માનવજાત માટે કેવી રીતે આશીર્વાદરૂપ બની શકે છે તેની એક ઝલક છે.
ભાવનાત્મક સફર
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા ટેક એન્ટરપ્રેન્યોર પોલ કોનિંગહામ પાસે 'રોઝી' નામની એક વહાલી શ્વાન છે. ૨૦૨૪ માં રોઝીને 'માસ્ટ સેલ કેન્સર' (Mast Cell Cancer) જેવી ગંભીર બીમારીનું નિદાન થયું. આ કેન્સર એટલું આક્રમક હતું કે પરંપરાગત કીમોથેરાપી અને સર્જરી છતાં રોઝીની હાલત સુધરી રહી નહોતી. ડોક્ટરોએ હાથ હેઠા મૂકી દીધા હતા અને કહ્યું હતું કે રોઝી પાસે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે.
કઈ રીતે સારવાર
પોલ પોતે ડેટા સાયન્ટિસ્ટ છે પરંતુ કેન્સર કે બાયોલોજી વિશે તેમને કોઈ ખાસ જ્ઞાન નહોતું. તેમણે હાર માનવાને બદલે AI ટૂલ ChatGPT અને Google DeepMind ના AlphaFold નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
જીનોમિક સિકવશિન્ગ: પોલે ChatGPT પાસે એક પ્લાન માંગ્યો. AIએ તેને રોઝીના DNA અને કેન્સરગ્રસ્ત ગાંઠ (Tumor) નું સિક્વન્સિંગ કરવાની સલાહ આપી. ડેટા એનાલિસિસ : પોલે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સની મદદથી રોઝીના DNA નો ડેટા મેળવ્યો. આ ગીગાબાઇટ્સ જેટલા વિશાળ ડેટાને સમજવો સામાન્ય માણસ માટે અશક્ય હતો, પરંતુ AI એ આ ડેટાનું પૃથ્થકરણ કરી તેમાંથી કેન્સર પેદા કરનારા 'મ્યુટેશન્સ' શોધી કાઢયા.?
કસ્ટમ વેક્સિનની ડિઝાઇન : ChatGPTની મદદથી પોલે એક પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનની ફોર્મ્યુલા તૈયાર કરી. આ એક એવી રસી હતી જે ખાસ કરીને રોઝીના જ કેન્સર સેલ્સને ઓળખીને તેના પર હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.?
વાસ્તવિક અમલીકરણ : પોલની આ ડિઝાઇન એટલી સચોટ હતી કે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા. ન્યુ સાઉથવેલ્સ યુનિવર્સિટીના પ્રોફેસરોની દેખરેખ હેઠળ આ રસી બનાવવામાં આવી અને રોઝીને આપવામાં આવી.
પરિણામ : જે રોઝી ચાલી પણ શકતી નહોતી અને ડોક્ટરોએ જેને થોડા દિવસોની જ મહેમાન છે તેમ જાહેર કર્યું હતું તે રોઝી રસીના થોડા જ ડોઝ પછી દોડતી થઈ ગઈ. તેની ગાંઠોમાં ૭૫% જેટલો ઘટાડો જોવા મળ્યો. આ ઘટનાને વિશ્વની પ્રથમ' AI દ્વારા તૈયાર કરાયેલ પર્સનલાઇઝ્ડ ડોગ કેન્સર વેક્સિન' માનવામાં આવે છે.
જો કે પોલ કોનિંગહામ બધાને ખાસ ચેતવે છે કે AI પર આંધળો વિશ્વાસ ન મુકશો. તબીબો અને ટેક્નોક્રેટની સલાહ વગર એક ડગલું પણ આગળ ન વધશો
માનવ જગત માટે ભગવાન
માત્ર રોઝી જ નહીં, પણ AI એ માનવ સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.જે પૃથ્વી પરના ભગવાન જેવા ચમત્કાર લાગે તેવા કાર્યો કરી બતાવશે.
દુર્લભ રોગોનું નિદાન
અમેરિકામાં એક બાળક વર્ષોથી એક અજ્ઞાત બીમારીથી પીડાતું હતું. ૧૭ થી વધુ ડોક્ટરો તેને તપાસી ચૂક્યા હતા પણ નિદાન થતું નહોતું. બાળકની માતાએ તેના તમામ મેડિકલ રિપોર્ટ્સ ChatGPT માં અપલોડ કર્યા. AI એ Tethered Cord Syndrome' નામની બીમારીની શક્યતા દર્શાવી. જ્યારે ડોક્ટરોએ આ દિશામાં તપાસ કરી, ત્યારે ખબર પડી કે AI સાચું હતું. આજે તે બાળક સ્વસ્થ છે.
નવી દવાઓની શોધ
ગૂગલના AlphaFold એ વિજ્ઞાન જગતમાં નોબેલ પ્રાઇઝ જેવી સિદ્ધિ મેળવી છે. તેણે માનવ શરીરમાં રહેલા લાખો પ્રોટીનના આકારની સચોટ આગાહી કરી છે. આ કામ કરવામાં વૈજ્ઞાનિકોને વર્ષો લાગતા હતા, જે AI એ મિનિટોમાં કરી બતાવ્યું. આનાથી કેન્સર, અલ્ઝાઈમર અને મલેરિયા જેવી બીમારીઓ માટે નવી દવાઓ અને રસી શોધવી ઝડપી બનશે.AI એ હવે ૨૦ કરોડથી વધુ પ્રોટીનના આકારની આગાહી કરી દીધી છે.
અંધજનોને આંખ
'Be My Eyes' જેવી એપમાં હવે AI ઉમેરવામાં આવ્યું છે. દ્રષ્ટિહીન વ્યક્તિ જ્યારે પોતાના ફોનનો કેમેરો કોઈ વસ્તુ પર રાખે, ત્યારે AI તેને વિગતવાર સમજાવે છે કે તેની સામે શું છે 'પછી તે દવાના પેકેટ પરની એક્સપાયરી ડેટ હોય કે રેસ્ટોરન્ટનું મેનૂ.
પેરાલિસિસમાં આશાનું કિરણ : સ્વિટ્ઝર્લેન્ડમાં એક વ્યક્તિ જે ૧૨ વર્ષથી લકવાગ્રસ્ત હતી, તે AI ના કારણે ફરીથી ચાલી શકી. AIએ તેના મગજના તરંગોને વાંચીને તેને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સમાં ફેરવ્યા, જે સીધા તેના કરોડરજ્જુને મળ્યા. આ 'ડિજિટલ બ્રિજ' એ AI ની દેણ છે.
શિક્ષણમાં ક્રાંતિ
AI શિક્ષણના ક્ષેત્રમાં લોકશાહીકરણ લાવી રહ્યું છે :
અંગત ટયૂશન : દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય છે. AI આધારિત એપ્સ બાળકની નબળાઈ સમજીને તેને અનુરૂપ ભણાવે છે. હવે ગામડાના બાળક પાસે પણ વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ જેવી સુવિધા છે.
ભાષાનો વૈભવ : AI હવે રીઅલ-ટાઇમ ટ્રાન્સલેશન કરી શકે છે. કોઈ ગુજરાતી ખેડૂત જાપાનના કૃષિ નિષ્ણાત સાથે પોતાની માતૃભાષામાં વાત કરી શકે તે દિવસો હવે દૂર નથી. કૃષિ જ નહીં કોઈપણ ક્ષેત્રનો ભાષા વિનિયોગ શક્ય છે. વિશ્વની કોઇણ ભાષાના પુસ્તકો, ફિલ્મો, શ્રેણી, પદ્ય તમે ઈચ્છો તે ભાષામાં તત્કાળ અનુવાદ કરશે.
કુહાડીનો અવાજ
ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં AI શસ્ત્ર બની રહ્યું છે. બ્રાઝિલના એમેઝોન જંગલોમાં એવા સેન્સર લગાવાયા છે જે કુહાડી કે કરવતનો અવાજ સાંભળતા જ AI દ્વારા વન વિભાગને એલર્ટ મોકલે છે. સમુદ્રમાં ક્યાં પ્લાસ્ટિકનો જથ્થો વધુ છે, તે સેટેલાઈટ અને AI દ્વારા જાણી શકાય છે, જેથી તેની સફાઈ સરળ બને.
કૃષિ ક્ષેત્રે ક્રાંતિ
ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં AI ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. સેટેલાઈટ ઈમેજરી અને AI દ્વારા કે મોબાઈલથી પાકનો ફોટો પાડી પાકમાં કયો રોગ લાગ્યો છે અથવા ક્યારે પાણીની જરૂર છે, તેની સચોટ માહિતી મોબાઈલ પર મળી શકે છે, જેનાથી પાકનું નુકસાન અટકે છે.
AIની યાત્રા
1956 : ડાર્ટમાઉથ કોન્ફરન્સ :
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શબ્દનો જન્મ ૧૯૫૬ માં અમેરિકાની ડાર્ટમાઉથ કોલેજ ખાતે યોજાયેલી એક કોન્ફરન્સમાં થયો હતો. જોન મેકકાર્થી , જેને આજે આપણે 'AI ના પિતા' તરીકે ઓળખીએ છીએ, તેમણે આ શબ્દ આપ્યો હતો. તે સમયે વૈજ્ઞાનિકોને લાગતું હતું કે મનુષ્યની બુદ્ધિ જેવી જ મશીન લર્નિંગ ક્ષમતા વિકસાવવી એ માત્ર થોડા વર્ષોનો ખેલ છે.
'AI વિન્ટર'નો ગાળો
શરૂઆતના ઉત્સાહ પછી, ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકામાં સંશોધન અટકી પડયું. કારણ કે તે સમયના કોમ્પ્યુટર્સ એટલા પાવરફુલ નહોતા અને ડેટાની અછત હતી. આ સમયગાળાને 'AI વિન્ટર' કહેવામાં આવે છે, જેમાં રોકાણકારો અને સરકારે આ ટેકનોલોજીમાં વિશ્વાસ ગુમાવ્યો હતો.
ડેટા અને પાવરનો ઉદય
૧૯૯૭ માં IBM ના Deep Blue નામના સુપરકોમ્પ્યુટરે ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવ્યા, જે એક ઐતિહાસિક વળાંક હતો. ૨૦૧૦ ની આસપાસ 'ડીપ લર્નિંગ' અને 'બિગ ડેટા'ના કારણે AI ને નવી પાંખો મળી. ફેસબુકના ફેસ રેકગ્નિશન અને ગૂગલના સર્ચ એલ્ગોરિધમમાં AI નો ઉપયોગ શરૂ થયો.
જનરેટિવ AIનો યુગ
૨૦૨૦ પછીનો સમયગાળો AI ના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ગણાશે, કારણ કે અહીંથી AI માત્ર ડેટા એનાલિસિસ કરવાનું સાધન મટીને 'સર્દક' બન્યું. ગુગલના વૈજ્ઞાનિકોએ 'ટ્રાન્સફોર્મર' આર્કિટેક્ચર વિકસાવ્યું, જેના કારણે મશીનો ભાષાને મનુષ્યની જેમ સમજવા લાગ્યા. નવેમ્બર ૨૦૨૨ માં ChatGPT (OpenAI દ્વારા) લોન્ચ થયું અને આખી દુનિયા બદલાઈ ગઈ.
જનરેટિવ AIની એન્ટ્રી
અત્યાર સુધીનું AI માત્ર 'તફાવત' કરી શકતું હતું (દા.ત. આ બિલાડી છે કે કૂતરો). પણ Generative AI નવો કન્ટેન્ટ 'બનાવી' શકે છે. તે કવિતા લખી શકે છે, સોફ્ટવેર કોડ લખી શકે છે, સંગીત બનાવી શકે છે અને પોલ કોનિંગહામના કિસ્સામાં જોયું તેમ, તે કેન્સરની રસી માટે નવા મોલેક્યુલ્સ પણ ડિઝાઇન કરી શકે છે.
મલ્ટી-મોડલ ક્ષમતા
૨૦૨૪ થી ૨૦૨૬ સુધીમાં AI હવે માત્ર ટેક્સ્ટ પૂરતું મર્યાદિત નથી રહ્યું. તે ફોટા જોઈ શકે છે, અવાજ સાંભળી શકે છે અને વિડિયો પણ બનાવી શકે છે. આ જ કારણ છે કે ડોક્ટરો હવે MRI રિપોર્ટ્સ કે ક્ષ-કિરણો AI ને બતાવીને ગણતરીની સેકન્ડોમાં રોગનું સચોટ નિદાન કરી શકે છે.
પડકારો અને નૈતિકતા
ટેકનોલોજી ગમે તેટલી સારી હોય, તેની બીજી બાજુ પણ હોય છે. AI ના મેડિકલ ઉપયોગમાં કેટલીક સાવચેતી રાખવી અનિવાર્ય છે : ?
નિષ્ણાતની સલાહ : પોલે પોતે સ્વીકાર્યું છે કે તેણે વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ જ રસીનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય લોકોએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ટ્રીટમેન્ટ લેવી જોખમી હોઈ શકે છે.એ. આઈ. ને ઘણી વખત એવો ભ્રમ હોય છે કે તે જે કોઈપણ માહિતી આપે છે તે સાચી છે પણ નિષ્ણાતોની સલાહ કે તેઓને સાથે રાખ્યા વગર એ. આઈ. નો હંમેશા ભરોસો ન રાખવો. જો AI ને શીખવવા માટે વપરાતો ડેટા પક્ષપાતી હોય, તો AI ના નિર્ણયો પણ પક્ષપાતી હોઈ શકે છે.
ડેટા પ્રાઇવસી : દર્દીનો અંગત મેડિકલ ડેટા કેટલો સુરક્ષિત છે, તે એક મોટો પ્રશ્ન છે.?
માનવીય સ્પર્શ : મશીન ભલે સચોટ નિદાન કરે, પણ ડોક્ટરનો સહાનુભૂતિભર્યો વ્યવહાર AI ક્યારેય ન લાવી શકે. AI હવે પ્રયોગશાળાની બહાર નીકળીને આપણા ઘરોમાં પહોંચી ગયું છે. તે માત્ર એક સોફ્ટવેર નથી, પણ માનવ મગજનું એવું વિસ્તરણ છે જે આપણી મર્યાદાઓને ઓળંગીને આપણને બચાવવા માટે સક્ષમ છે.
જ્ઞાન પોસ્ટ
ક્યારેય માનવ સંવેદના, પ્રેમ અને અંત:સ્ફુરણાની જગ્યા નહીં લઈ શકે. તે માત્ર એક સાધન છે. જેમ પિયાનો સંગીતકાર વગર સંગીત રેલી શકતો નથી, તેમ AI માનવ બુદ્ધિ વગર અધૂરું છે. પોલ પાસે AI હતું, પણ રોઝીને બચાવવાની જીદ અને પ્રેમ તો તેનો પોતાનો જ હતો.


