ભારતના નેતાઓ 26 જાન્યુઆરીએ આઝાદી મળે તેમ ઈચ્છતા હતા

Updated: Jan 24th, 2023


વિવિધા- ભવેન કચ્છી

અંગ્રેજોએ આબાદ ચાલ ચાલી ભારતની મુરાદ સફળ ન થવા દીધી

ડો. બાબાસાહેબે જેમ બને તેમ ઝડપથી દેશમાં પ્રવર્તતી અસમાનતા દૂર કરવાની ચેતવણી આપી હતી

૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નાં દિવસે ભારત આઝાદ થયું તે સાથે ડા. બાબાસાહેબ આંબેડકર દેશના પ્રથમ કાયદા અને ન્યાયમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. ૨૯ ઓગસ્ટે તેમને દેશના બંધારણ ઘડવા માટેની કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ હતી.

દેશના ૨૮૪ તજજ્ઞાોની ટીમ

દેશના ૨૮૪ જેટલા તજજ્ઞાોની બંધારણ ઘડવા માટેની સમિતિ બનાવાઈ હતી. ડા. બાબાસાહેબ આંબેડકરે ૬૦ જેટલા દેશોના બંધારણનો ગહન અભ્યાસ આ માટે કર્યો હતો. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ૯૦૦૦૦ શબ્દોનું બંધારણ તૈયાર થઇ ગયું હતું. પ્રત્યેક વર્ષે ૨૬ નવેમ્બર આથી જ બંધારણ દિન તરીકે ઉજવવાનું મોદી સરકારે ૨૦૧૫થી શરૂ કર્યું છે.

૨૬ જાન્યુઆરીએ આઝાદીની ઈચ્છા

ઘણાને ખબર નહીં હોય કે ૨૬મી જાન્યુઆરીએ જ પ્રજાસત્તાક દિન કેમ છે. તેની પાછળ જે પ્રસંગ છે તે એ ઐતિહાસિક તથ્યનો પુરાવો છે કે ભારતની આઝાદી માટે શહીદોએ બલિદાન જરૂર આપ્યા. ગાંધીજીની નેતાગીરી અને પ્રભાવ હેઠળ આઝાદીનું  અહિંસક આંદોલન પણ ચાલ્યું પણ ખરેખર અંગ્રેજોએ  તેમની ઈચ્છા સુધી ભારત પર રાજ કર્યું હતું. નેતાઓએ આઝાદી અપાવી તેમ કહેવું ભ્રામક છે. બીજા વિશ્વ યુધ્ધમાં બ્રિટને તાકાત બતાવી પણ આર્થિક રીતે દેશને કારમો ફટકો પહોંચ્યો હતો. બ્રિટન વારાફરતી તેમના હાથ નીચેના દેશને છોડી રહ્યું હતું. તેઓને બ્રિટનમાં રહી અડધા વિશ્વના ગુલામ દેશો પર રાજ ચલાવવું હવે પરવડે તેમ પણ નહોતું.

ખરેખર બ્રિટને ૧૯૪૮ની મધ્યે ભારતને આઝાદ કરવાની રૂપરેખા તૈયાર કરી હતી. આઝાદી માટે અહિંસક આંદોલન ચલાવતા ગાંધીજી સહિતના નેતાઓએ ૨૬ જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે ભારત આઝાદ થાય તે તારીખ અંગ્રેજો પાસે માંગી હતી કેમ કે ગાંધીજી અને નેતાઓએ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ 'પૂર્ણ સ્વરાજ'ના નારા સાથે આઝાદીની લડત વધુ વેગીલી બનાવવાનો દેશવ્યાપી કોલ આપ્યો હતો. પણ અંગ્રેજો પામી ગયા હતા કે 'જો ૨૬ જાન્યુઆરીએ ભારતને આઝાદી આપીશું  તો ઇતિહાસમાં એવું પુરવાર થાય કે 'પૂર્ણ સ્વરાજ'ની લડત સફળ થઈ જેને લીધે અમે ભારતને આઝાદ કરવા મજબૂર બન્યા હોઈશું. અને દેશ આઝાદ કરવાનો જશ ગાંધીજી અને નેતાઓ જોડે જોડાઈ જશે.'

અંગ્રેજોને હવે ૧૯૪૮ની જગ્યાએ ૧૯૪૭માં ભારતને આઝાદ કરવાનુ કારણ પણ મળી ગયું હતું કેમ કે  ભારતમાં ૧૯૪૭થી જ કોમી તોફાન અને પાકિસ્તાન અલગ રાષ્ટ્રની માંગ પ્રબળ બનતાં ભારત ભડકે બળતું હતું. બ્રિટનથી ભારત પરના અધિકારીઓ પર મેસેજ આવ્યો કે બળતા ઘર જેવા ભારતને હજુ એક વર્ષ સુધી આપણા તાબામાં રાખવું પોષાય તેમ નથી. આમ ૧૯૪૭નું વર્ષ  ભારતને આઝાદી આપવાનુ નક્કી થયું.

બ્રિટનની ચાલાકી

આઝાદી દિન જોડે ૨૬ જાન્યુઆરી જોડાય તેવી ભારતના નેતાઓની મુરાદ પર તો બ્રિટિશરોએ પાણી ફેરવી દીધું પણ તેઓની ખંધી ચાલાકી એવી હતી બ્રિટનનો યાદગાર દિવસ ભારતની આઝાદી દિન સાથે જોડી દેવો જેથી ઇતિહાસ કહે કે બ્રિટને તેની ઈચ્છા પ્રમાણે ભારત છોડયું છે.આથી જ બ્રિટને તેઓની ૧૫ ઓગસ્ટે મેળવેલી સિધ્ધિ જોડી દીધી. 

લોર્ડ માઉન્ટબેટનનો ખેલ

બીજા વિશ્વ યુધ્ધમાં જાપાન બ્રિટન સહિતના સાથી દેશોના દળોની સામે પરાજીત થયું અને તેઓએ શરણાગતિ સ્વીકારી. બીજા વિશ્વ યુધ્ધનો આ સાથે અંત આવ્યો. બ્રિટન અને સાથી દેશોનો હાથ ઉપર રહ્યો. તે ઐતિહાસિક તારીખ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ હતી અને ભારતના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન તે વખતે વિશ્વ યુધ્ધમાં સાઉથ - ઇસ્ટ એશિયાના કમાંડર હતા. તેમના દળ સમક્ષ જ જાપાને હથિયાર હેઠા મુક્યા હતા. લોર્ડ માઉન્ટબેટને આબાદ ખેલ પાડી દીધો. બ્રિટનના ટોચના વડાઓની પરવાનગી લઈને  ૧૫ ઓગસ્ટની જોડે ભારતની આઝાદી જોડી દીધી. બ્રિટને તેના બીજા વિશ્વ યુધ્ધના વિજયની બીજી વર્ષગાંઠની ઉજવણી સાથે ભારતને ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ના રોજ આઝાદ કરવાનુ નક્કી કર્યું.

ભારતના નેતાઓએ 

મન મનાવ્યું

આઝાદી દિન જોડે જોડીને તો ગાંધીજી અને નેતાઓ ૨૬મી જાન્યુઆરીને યાદગારના બનાવી શક્યા હવે જ્યારે ડો.બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ ભારતનું બંધારણ નવેમ્બરમાં જ તૈયાર તૈયાર થઈ ચુક્યું હતું ત્યારે એવું કહેવાય છે કે નહેરુ અને અન્ય નેતાઓ ૨૬મી જાન્યુઆરી સુધી થોભ્યા કેમ કે ૨૬, જાન્યુઆરી, ૧૯૩૦ના 'પૂર્ણ સ્વરાજધના શપથ દિનને તે રીતે તો ઇતિહાસમાં સ્થાન આપી શકાય. આમ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ ભારતનો પ્રજાસત્તાક દિન તરીકે નક્કી થયો. ખરેખર ભારતના નેતાઓ ૨૬ જાન્યુઆરીએ આઝાદી દિન તરીકે ઈચ્છતા હતા પણ પ્રજાસતાક દિન તરીકે ૨૬ જાન્યુઆરી જાહેર કરીને મન મનાવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણને લોંચ કર્યા પછી જ કેટલાક યાદગાર નિવેદનો કર્યા હતા તેના પર પણ નજર ફેરવો અને ચિંતન કરો.

ડો.બાબાસાહેબની 

ચિંતા અને ચેતવણી

ડો.બાબાસાહેબે કહેલું કેધ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસથી આપણે વિરોધાભાસી કે વિસંગતતાના માહોલમાં પ્રવેશ કરીશું. રાજકારણનાં જગતમાં સમાનતા પ્રવર્તતી હશે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમાનતાના સિધ્ધાંતો લાગુ નહીં પડતા હોય. આપણે ક્યાં સુધી આવા વિરોધાભાસી વાતાવરણમાં જીવતા રહીશું ? ક્યાં સુધી સામાજિક અને આર્થિક સમાનતા જ સર્જવાની તકને નકારતા રહીશું ? જો આપણે આવી જ સ્થિતિ જારી રાખીશું તો રાજકીય લોકશાહી સિસ્ટમને જોખમ કે આપત્તિમાં મુકવાની દિશામાં આગળ વધીશું તે ભય છે. આપણે દેશમાં પ્રવર્તતી અસમાનતાને જેમ બને તેમ ઝડપથી નાબુદ નહીં કરીએ તો જેઓ પણ અસમાનતાનો ભોગ બનેલા છે તેઓ અમે બંધારણ સભાએ જે મહેનત કરી લોકશાહી જાળવતુ બંધારણ બનાવ્યું છે તેના ફૂરચા ઉડાવી દેશે.'

'હું માનું છું  બંધારણ..'

'હું માનું છું કે અમે બનાવેલું બંધારણ વ્યવહારૂ, સમતોલ અને દિર્ઘકાલીન અસરકારક રીતે અમલમાં રહી જ શકે તેવું છે. આ બંધારણ પરિવર્તનશીલ પણ છે અને દેશને શાંતિ કે યુધ્ધ બંને સમયમાં ટટ્ટાર રાખી શકવા સક્ષમ છે. હા, હું એટલું કહી શકીશ કે નવુ બંધારણ નિષ્ફળ નીવડે તો તેનું કારણ એ નહીં હોય કે આપણું બંધારણ બરાબર રીતે નહતું ઘડાયું પણ માણસમાં તેને પાલન કરવાની વૃત્તિ ન્હોતી. તેનામાં છળ કપટ રહેલું હશે.'

'શું ભારત એક રાષ્ટ્ર 

કહી શકાય?'

'ભલે આ ભારત દેશનું બંધારણ કહેવાતુ હોય પણ વિશ્વમાં ભારતીયોનો કોઈ દેશ હોય તેમ હું નથી માનતો. હજુ તેવા ભારતનું નિર્માણ કરવાનું આપણે બાકી છે. જો આપણે એવું માનતા હોઈએ કે આપણે એક રાષ્ટ્ર છીએ તો તે આપણો ભ્રમ હોઈ શકે. જે દેશ હજારો જાતિઓમાં વહેંચાયેલો હોય તેને એક રાષ્ટ્ર કઇ રીતે કહી શકાય ? જેટલું આપણે ઝડપથી સમજીશું કે આપણે સામાજિક કે માનસિક રીતે એક રાષ્ટ્ર નથી તેટલું આપણા માટે સારૂ રહેશે.'

'ભારતને આઝાદી મળી તે અભૂતપૂર્વ આનંદની વાત છે. પણ એ ન ભૂલવું જોઇએ કે આઝાદી મળ્યા પછી આપણા પર બહુ મોટી જવાબદારી આવી પડી છે. હવે દેશમાં જે પણ કંઇક ખરાબ થઇ રહ્યું છે તે માટે બ્રિટિશરોને જવાબદાર નહીં ઠેરવી શકાય. આપણે જ તે માટે જવાબદારી લેવી પડશે. સમય જે ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે તે જોતા કંઇક ખોટુ થવાનો ભય વધતો જ જવાનો.'

'બંધારણ ઘડવાના અમારા બે મુખ્ય હેતુ રહ્યા છે (૧) દેશમાં લોકશાહી પધ્ધતિની રાજકીય સિસ્ટમ જળવાઈ રહે અને (૨) જે પણ સરકારની સત્તા આવે તેઓ નાગરિકોની પાસે આર્થિક લોકશાહી જળવાઈ રહે તે માટે અને તે રીતે શાસન કરે.

આઠ દેશોની પ્રેરણા

ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે ઘનિષ્ઠ અને તલસ્પર્શી અભ્યાસ કરીને આઠ જેટલા અગ્રણી દેશોના બંધારણમાંથી પણ પ્રેરણા મેળવી હતી જેમ કે

યુનાઇટેડ સ્ટેટ્સ :બંધારણનું આમુખ, સુપ્રીમ કોર્ટ, બંધારણનું લેખીત સ્વરૂપ, નાગરિકોના મૂળભૂત અધિકારો

સોવિયેત યુનિયન :નાગરિકોની મૂળભૂત ફરજો, પંચવર્ષીય યોજના

યુનાઇટેડ કિંગડમ :ભારતનું ચૂંટણી કમિશનનું માળખુ અને માર્ગદર્શિકા, સંસદની ચૂંટણી, લોકસભાના  સ્પિકરની પ્રથા.

કેનેડા :કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો ફેડરેશન સીસ્ટમ

જાપાન :સુપ્રીમ કોર્ટની કાર્યપધ્ધતિ અને કાયદા

જર્મની :કટોકટી લાદવામાં આવે તો નાગરિકોના મૂળભૂત અધિકારો રદ થઇ જાયૉ

ઓસ્ટ્રેલિયા :કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરની કામગીરી માટેના ખાતાઓની ફાળવણી, શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સુરક્ષા વગેરે

ફ્રાંસ :જુદી જુદી સ્વતંત્રતા, સમાનતા, ભાતૃત્વ

90,000 શબ્દોનું બંધારણ 

90,000 શબ્દોનું બંધારણ અંગ્રેજી અને હિન્દીમાં હાથથી 'કેલિગ્રાફ' લેખન શૈલથી લખાયુ છે.

સંસદ ભવનમાં તેની મૂળ કોપી હેલિયમથી ભરેલા કેસમાં રાખવામાં આવી છે.

ભારતનું બંધારણ વિદ્ધનું સૌથી લાંબુ લખાયેલું હોય તેવું છે. માત્ર ૯૪ જ એમેન્ડમેન્ટ હોઈ શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે.

૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણના આખરી દસ્તાવેજ પર તમામ ૨૮૪ સભ્યોએ સહી કરી હતી. જેમાં ૧૫ મહિલાઓ હતી.

બંધારણમાં ૪૪૮ આર્ટિકલ્સ ૨૫ વિભાગોમાં વહેંચાયેલા છે. ૧૨ શેડયુલ્સ, પાંચ એમેન્ડાઇસિસ સમાવિષ્ટ છે. આવા ઉત્કૃષ્ટ બંધારણની રામાયણ, ગીતાની જેમ પૂજા થવી જોઇએ


    Sports

    RECENT NEWS