- ભૂલી જવા જેવા ભૂતકાળને કાળસંદુકમાં ફેંકી દો : વિસ્મૃતિ પણ એક ગુણ છે
- વિવિધા-ભવેન કચ્છી
- નવું વર્ષ તમામ પૃથ્વીવાસીઓનો એક સાથે જન્મદિન હોય તેમ તેને ઉજવવો જોઈએ.
- જેમ ચેક બુકનો એક એક ચેક ફાડતા આપણે કેટલું વિચારીએ છીએ તેમ નવું વર્ષ ૩૬૫ પાનાંની ચેક બુક છે. પ્રત્યેક દિવસ વસૂલ થાય તે રીતે આપણે વિતાવવાનો છે.
સવારે બગીચામાં બાંકડા પર બેસવા આવતા સરખી વયના મિત્રોની વાત છે.
એક વડીલ કાયમ મૂડ વગરના રહે. ઉદાસીન ચહેરો અને જીવન પ્રત્યે ફરિયાદ સિવાય બીજો કોઈ વિષય જ ન હોય. તેમને આ માટેનું કારણ પૂછયું તો કહે
'મારી પીડા,મારા અન્યાયની તમને શું વાત કરું. આ તો હું છું કે તેને જીરવી શક્યો. બીજો હોત તો મારા બાપા જોડે ક્યારનો સંબંધ તોડી ચૂક્યો હોત.' આટલું સાંભળી તેમને અન્ય તેમની વયના જ વડીલ મિત્રએ પૂછયું કે 'એવું તો તમારા જીવનમાં શું બન્યું કે આ હદે આઘાત અનુભવો છો.'
ભીની આંખો સાથે વડીલ બોલ્યા કે 'અમે ચાર ભાઈ બહેન. હું ત્રીજા નંબરનો.મારા પિતા ખબર નહીં કેમ મને જ કંઇક કરું તો ઠપકો આપે. મારા સૂચનને હંમેશા અપમાનજનક શબ્દો સાથે અવગણે જ્યારે મારા મોટા ભાઈ જોડે વર્તન સાલસભર્યું રાખે. કોઈ મંતવ્ય લેવું હોય તો મોટા ભાઈ કે બહેનનું લે પણ મારી હાજરી અને મારા સન્માનની તો ક્યાં કોઈને પડી જ હોય.' આમ જણાવી વડીલે તો તેમની જોડે કેવો અન્યાય થયો,તેમની નોંધ નહોતી લેવાતી તેવી બધી વાત ઉમેરી અને ફરી ગળામાં ડૂમો ભરાઈ જતા કહ્યું કે 'પિતાજીનું આવું વર્તન હું હજુ પણ સાખી નથી શકતો.'
આ વડીલ ડિપ્રેશનમાં વધુ સરકીને ગમે તેવું પગલું ભરી શકે તે હદે માનસિક બીમાર લાગ્યા. કેમ કે અગાઉ પણ તેમના પિતાના તેની સાથેના તેમને લાગતા ઓરમાયા વર્તનની વાત જ તેમણે છેડી હતી.
તેમની બાજુમાં બેઠેલ મિત્ર કે જે આ વાત સાંભળતા હતા તેને આ વડીલની માનસિક સ્થિતિ માટે હમદર્દી જાગી. તેમણે વડીલને સાંત્વના આપી કે 'તમારી વ્યથાને હું સમજી શકું છું. પિતાજી કયા કારણોથી તમારી સાથે આવું વર્તન કરે છે તે મને પણ જાણવાની ઈચ્છા છે અને હું તમારા પિતાજીને મળવા માંગુ છું. તમારી પીડા તેમને જણાવીશ. શક્ય છે કે તેમની સ્પષ્ટતાથી તમારા મનનું સમાધાન થાય. અને કંઈ નહીં તો કમ સે કમ તમારા પિતાજીને ખબર તો પડે કે તેમની ઉછેર પધ્ધતિ યોગ્ય નથી.'
પેલા વડીલ વધુ હતાશ થતાં બોલ્યા 'ના મિત્ર હવે તો એ પણ શક્ય નથી. મારા પિતાજીનો તો સ્વર્ગવાસ થઈ ચૂક્યો છે.'
મિત્રને એકદમ થોડી આશા બંધાઈ હોય તેમ તે ચમકી ગયા. તેમણે પૂછયું 'લો ત્યારે ..પિતાજીના ગયા પછી શું આ એકની એક રેકર્ડ જે મળે તેની સામે વગાડો છો. તમારા મન, ચિત્ત, દિમાગમાં આ રેકર્ડ ફેરવતા રહીને માનસિક બીમાર જેમ ક્યાં સુધી જીવન વ્યતીત કરશો.'
મિત્રએ તે પછી પ્રશ્ન કર્યો કે 'તમારા પિતાજી ક્યારે ગુજરી ગયા?'
વડીલે રોતલ ચહેરે જવાબ આપ્યો કે '૩૦ - ૩૦ વર્ષથી આ ઘા સહન કરતા એક એક દિવસ વિતાવું છું. મારા પિતાજીના નિધન થયે ૩૦ વર્ષ થઈ ગયાં.'
મિત્રએ થોડો કડક ટોન રાખીને વડીલને કહ્યું કે 'મને એમ કે તમારી જોડે વર્ષોથી આ રીતનું વર્તન થતું હશે અને તે કારણે મને તમારા માટે સહાનુભૂતિ પણ થતી હતી.પણ આજે તમે મને વિચારતા કરી દીધો કે ત્રણ દાયકા પછી પણ તમે કેવી કડવી યાદોનો સંગ્રહ કરીને તમારું જીવન આ રીતે બરબાદ કર્યું અને હજુ બાકીની જિંદગી આ રીતે જીવવા માંગો છો.'
મિત્રએ વડીલને સમજાવ્યા કે 'તમારા પિતાએ તમને હજુ નાની વયના જાણીને તે વખતે તમે ચિંતા ન કરો એટલે કોઈ પ્રશ્ન કે ચર્ચામાં સામેલ નહીં કરવાનું વલણ અપનાવ્યું હોય તેવું બને. શક્ય છે તમે જે સલાહ સૂચનો આપતા હતા તેનો અમલ કરવો એવો યોગ્ય ન પણ હોય. જૂના જમાનાના વડીલ તો પરિવારમાં તેમનો પ્રભાવ અને ધાક રહે તે રીતે જ વર્તન કરતા.સંતાને તો પિતાજીએ તેમના માટે શું શું કર્યું તેની યાદોથી મોટા થઈને ધન્યતા અનુભવવી જોઈએ. તમારે આવી કોઈ સુખદ કે તમારા પિતા માટે આંખો ભીની થાય તેવી યાદો નથી? '
તે પછી મિત્રએ વણમાંગ્યો ઉપદેશ આપતા વડીલને કહ્યું કે '..અને માની લો કે તમારા પિતા તમારી જોડે પક્ષપાત રાખીને કડક પણ હતા તો પણ એ વાતને ત્રીસ વર્ષ થયાં ..આટલા વર્ષો પછી પણ કોઈના તમારા માટે અનુકૂળ ન હોય તેવા વર્તન કે વાણીને આ હદે દિલ પર લઈને તમે જીવ્યા.. તમારી મનોસ્થિતિ અને વિચાર પધ્ધતિ પર દયા આવે છે. તમે જ તમારા પોતાને સજા આપતું જીવન જીવો છો. વર્તમાનમાં રહો.ભૂલી જવા જેવા ભૂતકાળને કાળસંદુકમાં ફેંકી દો. કોઈએ અણછાજતું વર્તન કર્યું હોય તો ક્ષમા આપી શકાય. આવું વર્તન તે સામી વ્યક્તિના સંસ્કારની ઉણપ માની લો.જાગ્યા ત્યારથી સવાર. જીવનના જે પણ વર્ષો બાકી છે તેને આજે તમે હયાત છો તેમ ઈશ્વરનો આભાર માનીને માણો. કંઇક હેતુપૂર્ણ કરો.'
વડીલે હાથમાં હાથ પકડી લગભગ રડી પડતા કહ્યું કે 'ત્રીસ વર્ષ જૂની વાતને હું આજ સુધી કાંટાની જેમ પગમાં રાખીને જીવ્યો તે મારી મોટી ભૂલ કહેવાય. મારે શા માટે કોઈના પણ મારા માટેના મંતવ્યને આ હદે મહત્વ આપવાની જરૂર હતી.. અને તમે કહ્યું એમ પિતાજીએ અમારા માટે શું શું કર્યું તે યાદો પણ ફિલ્મની પટ્ટીની જેમ ફરી વળી અને તેના આંસુ સાથે મારા ઘા પણ ધોવાઈ ગયા.. ભાઈ...આભાર ..તમારો.'
આપણે લેખમાં જે વડીલની વાત કરી તેવી જ રીતે આજે સમાજના કેટલાયે ચઢી ગયેલા મોં સાથેના આત્માઓ ભટકે છે જેઓ કોઈએ વર્ષો પહેલા કંઇક કીધું હોય કે અમુક વર્તન કર્યું હોય તે હૃદયમાં શૂળની જેમ ભોંકીને જીવન જીવે છે. ઘણી વખત તો સામી વ્યકિતએ પ્રકૃતિ કે મજાક કરતાં ન આવડે છતાં તેવી ટેવ હોય તેને લીધે કહ્યું હોય. તે વ્યક્તિ પણ ભૂલી ચૂકી હોય છે પણ આપણે તેને હાડોહાડ લઈ લીધું હોય છે. કદાચ તે વ્યક્તિ જોડે સંબંધ ન રાખીએ તો પણ તે ન ગમેલી વાત કે વર્તન સતત ખટકે છે. 'મને કહી કેમ જાય? ક્યારે થયું તો કહેશે કે દસેક વર્ષ પહેલાં અને ઘણા કિસ્સામાં તો જેને માટે ફરિયાદ હોય તેનું મૃત્યુ પણ થઈ ચૂકયું હોય છે અને તે જ કારણે તેના સમગ્ર પરિવારને ઝેરી નજરે જોતા હોઈએ છીએ.
કોઈનું વર્તન તે તેનું પોતીકું વર્તન હશે. તે તેના ઉછેર કે પ્રકૃતિનું પ્રતિબિંબ છે. તે વ્યક્તિ તો જાણે કંઈ કર્યું ન હોય તેમ મસ્તીથી ફરતી હશે પણ તેના આવા વર્તનની સજા આપણે સાવ ખોટી રીતના સંવેદનશીલ બનીને આપણને જ આપતા હોઈએ છીએ તે એક આત્મઘાત જ કહી શકાય.. કોણ સાચું કોણ ખોટું તે ભૂલી જઈને,માફ કરીને આગળ આપણા પોતાના સ્વાર્થ માટે મજાનું જીવન જીવવું તેમ સંતો કહે છે. જો આપણા વર્તનથી કોઈની લાગણી દુભાઈ હોય તો એટલું આત્મ નિરીક્ષણ તો હોવું જ જોઈએ કે 'હા હું પણ અમુક અંશે વળતી પ્રતિક્રિયામાં યોગ્ય નહોતો.'
આગામી દિવસોમાં ઈસુના નવા વર્ષનો પ્રારંભ થાય છે. દર વર્ષે આજના દિવસે આપણે નવા વર્ષને કેવી રીતે વીતાવીશું તેના સંકલ્પ કરતા હોઈએ છીએ. સંકલ્પોનું મોટાભાગે તો બાળમરણ જ થઈ જતું હોય છે. ભલે તમને ખબર હોય કે સંકલ્પો પ્રમાણે જીવન જીવી નથી શકાતું તો પણ સંકલ્પની યાદી તો બનાવજો જ કેમ કે તે બહાને પણ તમને તમારામાં શું સુધારો લાવવાની જરૂર છે તેનો એહસાસ તો થશે. તમારા અર્ધજાગ્રત મનમાં તમારા તમામ સંકલ્પો હજુ પણ નોંધાયેલા છે.તમે જોઈ શકતા હશો કે તમારા જીવનમાં તે અગાઉના સંકલ્પો ફરી કોઈ કોઈ વખત પ્રવેશ કરતા જ હશે.
એક વૈશ્વિક સર્વે પ્રમાણે મોટે ભાગે ૭૦ ટકા નાગરિકો નિયમિત કસરત કે ફીટનેસ માટેના સંકલ્પ લે છે.તે પછી ભૌતિક જીવનમાં પ્રગતિં થાય તેવા સંકલ્પો હોય છે.પણ માનસિકતા અને વિચારવાની પધ્ધતિ બદલવાનો સંકલ્પ બહુ ઓછાં લેતા હોય છે. તમે કઈ દ્રષ્ટિથી કોઈ વ્યક્તિ કે પ્રસંગને જુઓ છો,અનુભવો છો તે જ સુખ કે દુ:ખનું મૂળ છે. ખરેખર એવા સંકલ્પ લેવા જોઈએ જે ખરી હૃદયની ખુશી આપે.
જેમ ચેક બુકનો એક એક ચેક ફાડતા આપણે કેટલું વિચારીએ છીએ તેમ નવું વર્ષ ૩૬૫ પાનાંની ચેક બુક છે. પ્રત્યેક દિવસ (એક દિવસ એટલે એક ચેક) વસૂલ થાય તેમ વિતાવવાનો છે. જો તમે સાત્વિક રીતે કોઈ કર્મ કરતા હો તો બીજાની નજર માટે કે બીજા આપણને કઈ નજરે જુએ છે તેની સહેજ પણ પરવા કરવાની જરૂર નથી.
તો ચાલો નવા વર્ષના એક એક દિવસને કર્મ સાથે પરિશ્રમ કરતા રહીને proactive બનીને માણીએ. મોટાભાગના લોકો reactive જીવન જીવતા હોય છે. નવું વર્ષ તે પૃથ્વીવાસીઓનો એકસાથે આવતો જન્મદિન છે તેમ માની તેની ઉજવણી અને સત્કાર કરવો જોઈએ.
ચાલો... સાથે મળીને ગીત ગાઈએ... 'જિંદગી હંસને ગાને કે લિયે હૈ દો પલ... ઉસે ખોના નહીં ખો કે રોના નહીં.. પ્યારે તું ગમ ન કર.'
જ્ઞાન પોસ્ટ
જો અગાઉના વર્ષોની જેમ જ વધુ એક વર્ષ જીવન જીવવાનું હોય તો તે આંકડાથી વિશેષ કંઈ નથી.


