રૂ.25-50 કરોડના લગ્ન કેવા હોય છે? .


- લગ્નની સીઝન શરૂ થઈ..ભારતમાં રૂ.1,60,000 કરોડની વેડિંગ ઇન્ડસ્ટ્રી

- વિવિધા-ભવેન કચ્છી

- શુઝથી માંડી શૂટ ઇટાલીમાંથી સીવાઈને આવે અને કન્યા મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઇનર પાસેથી પ્રસંગ પ્રમાણે ડ્રેસની રેન્જ તૈયાર કરાવે..જ્વેલરીનો પણ ઠાઠ

- ધનકુબેરોના તરંગતુક્કા: મહેમાનો વિન્ટાજ કાર પર અને યુવાનો  હાર્લી ડેવિડસન બાઇક પર બેસીને વરઘોડામાં જોડાય

લ ગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. ભારતમાં લગ્નએ ૨૦ અબજ ડોલર એટલે કે રૂપિયા ૧,૬૦,૦૦૦ કરોડ જેટલા વેડિંગ  ઉદ્યોગનું સ્વરૂપ પકડી લીધું છે. સેલિબ્રિટી, સુપર રીચ કે  ઉધોગપતિઓના સંતાનના લગ્ન કેવા ભવ્ય ભપકા અને જાહોજલાલી સાથે થયા તેની તસ્વીરો, વિડિયો અને અહેવાલ જાણી આપણે પણ નજીકમાં કોઈ પ્રસંગ ન હોય તો પણ કપડાં કે જ્વેલરીનું નાનું અમથું શોપિંગ કરી લેતા હોઈએ છીએ. જેઓને ત્યાં નજીકના મહિનાઓમાં લગ્ન પ્રસંગ હોય તેઓ આવા અહેવાલ અને તસ્વીરો જોઈને તેમના પ્રસંગનું બજેટ પહોંચી વળાય તેમ ન હોય તો પણ વધારી દેતાં હોય છે.

આપણે રૂપિયા એક કરોડથી ત્રણ કરોડના બજેટ સાથેના લગ્ન માણ્યાં હશે અને તેવા લગ્નની મિત્ર વર્તુળમાં વાતો કરીને આપણા સંપર્ક કેવા છે તેની બડાશ પણ મારતા જ હોઈએ છીએ  પણ દસ કરોડથી પચાસ કરોડના બજેટ  સાથેના લગ્ન ભારતના મેટ્રો શહેરોમાં અને વિશેષ કરીને દક્ષિણ ભારતના શ્રીમંતો, રાજકારણીઓના સંતાનોમાં અને સેલિબ્રિટીઓમાં હવે સહજ બનતા જાય છે.

આપણને થાય કે કઈ રીતે ત્રણ ચાર દિવસના સમયગાળામાં લગ્ન નિમિત્તેના જુદા જુદા ઇવેન્ટનો કુલ ખર્ચ પંદર પચ્ચીસથી માંડી રૂપિયા ૫૦ કરોડ સુધી પહોંચતો હશે.

તો જાણી લો વરરાજા તેમના શૂટ શહેરના જાણીતા દરજી (ટેઈલર) પાસે નથી સીવડાવતા. ઉદાહરણ તરીકે મેટ્રો શહેરોમાં 'કોર્નેલિયાની' બ્રાન્ડનો સ્ટોર છે. આ ઇટાલીની કંપની છે જે વિશ્વભરના સેલિબ્રિટી, શ્રીમંતો કે શાહી પરિવારના ડિઝાઇનર શૂટ સીવી આપે છે. હા, વરરાજાએ તેના મેટ્રો શહેરના સ્ટોરમાં જઈ કંપનીનું કાપડ પસંદ કરવાનુ, માપ પણ નિષ્ણાત ડિઝાઇનર દ્વારા ત્યાં જ લેવાય પણ શૂટ સીવડાવવા માટે કંપનીના ઇટાલી સ્થિત માનુટા શહેરમાં આવેલ હેડક્વાર્ટરમાં મોકલવામાં આવે. ડિલિવરી માટે ત્રણ અઠવાડિયાનો  સમય લાગે. પ્રિ- વેડિંગ પાર્ટી, સંગીતથી માંડી રિસેપ્શનના શૂટ, જેકેટની આખી રેન્જ આ રીતે બનાવી આપે. ફેબ્રિક, કોલર ડિઝાઇન,કફ બધું જ અફલાતૂન. વરરાજા જાણે ખુદ એક બ્રાન્ડ હોય તેમ તેની સિગ્નેચર સાથે ઇટાલીથી સીવાઈને આવે.

હવે વરરાજા અને નવવધુએ તેમના જુદા જુદા ઇવેન્ટના કપડાં અને ટેક્સચરના સેમ્પલ લઈને ક્રિશ્ચિયાં લુઉબૌટીન જેવી વિદેશી ફ્રેન્ચાઇઝીમાં જવાનું જ્યાં દરેક પ્રસંગ પ્રમાણેના શૂઝ, સેન્ડલ, હનીમૂન કેઝયુલના ડિઝાઇનર દ્વારા પગના, આંગળીઓના માપ લેવાય. હોટલના મોટા સ્યુટ (સ્વીટ) જેવડો સ્ટોર અને વોકિંગ એરિયા હોય. કયા કયા શ્રીમંત,સેલિબ્રિટી, રાજા રાણીએ કેવા શૂઝ પહેર્યા હતા તેના સેમ્પલ પણ પડયા હોય. માપ લીધા પછી તે શૂઝ કે સેન્ડલ કંપનીની પેરિસ કે મોનાકો શાખામાં બનવા માટે જાય.

હવે તો વરરાજા અને કન્યા બધી જ તૈયારી સાથે રહીને જ કરે છે જેથી એકરૂપતા જળવાય.

શૂઝ , સેન્ડલનું કામ પૂરું થયું. હવે જેમના લગ્ન છે તે જોડીએ એક્લિનિક ટ્ર્રોઓઉસે જેવી કંપનીની શાખામાં જવાનું ત્યાં તેમના ચહેરા, હાથ પગની ચામડીનું મેક અપ અને માવજતના સંદર્ભમાં સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે અદ્યતન સાધનોથી સ્ક્રીનીંગ થાય. જરૂર પડયે લેસર ટ્રિટમેન્ટ ચાલુ થઈ જાય. ફાઇનલ મેક અપ અગાઉના દોઢ મહિના પહેલાથી આ પ્રક્રિયાની શરૂઆત થાય અને લગ્ન સુધી કંપનીએ આપેલી કીટ બોક્ષના શેડ્સ, લોશન અને અરોમાનો ઉપયોગ કરવાનો રહેશે. ટ્રાવેલ કીટ પણ અલાયદી રહેશે. ડાયેટ નિષ્ણાત કહે તે પ્રમાણે આહાર વિહાર શરૂ કરી દેવાનો.

હવે મનીષ મલ્હોત્રા,  તરુણ તાહિલિયાની, એ.એમ.પી.એમ ફેઇમ પ્રિયંકા મોદી કે કે જે તેના 'ઝીવર' કલેક્શનથી જાણીતા છે તે તેમજ અબુ - સંદીપ, રોહિત બાલ આવા 'ફેટ વેડિંગ'નું અવિભાજ્ય અંગ બની ગયા છે તેઓની ઓફિસમાં, સ્ટુડિયોમાં આંટા ફેરાનો સમય પણ લગ્ન અગાઉના છ મહિના પહેલાથી  શરૂ થઈ ગયો હશે. સુપર કરોડોપતિ વર અને કન્યા પણ  પોશ વેઇટિંગ એરિયામાં બેઠા હશે. આવા ચાર દંપતી બેઠા હોય તો સહેજે કુલ રૂપિયા એક સો કરોડના લગ્નના યજમાનો બેઠા છે તેમ સમજવું.

મનીષ મલ્હોત્રા જેવા આ શ્રીમંત વરરાજા  કે કન્યા જોડે ડિઝાઇનર બાબત ચર્ચા કરતા હોય ત્યાં વચ્ચે વચ્ચે દીપિકા પદુકોણે, અનુષ્કા અને કિયારા કે કરણ જોહર અને સંજય ભણસાલીના તેમની આગામી ફિલ્મના કોસચ્યુમ અંગે ફોન આવે.

બેંગ્લોરથી આવેલી એક શ્રીમંત કન્યા મનીષને કહે છે કે ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં અનુષ્કા શર્માના લગ્ન વખતે તેણે જે ડ્રેસ પહેરેલો અદ્દલ તેવા જ ડિઝાઇનર કપડાં મારે જોઈએ.'

દેશના ટોચના ડિઝાઈનરોનો એક જ સૂર નીકળે છે કે 'અમે કન્યાને સલાહ આપીએ છીએ કે  હવે ખૂબ જ વજનદાર લાલ લહેંગાની એકની એક પેટર્નમાંથી બહાર આવો.' વરરાજા પણ ભરપૂર ડિઝાઇન,એમ્બ્રોઈડરી અને ચમકતી શેરવાનીનો આગ્રહ રાખે છે તેનાથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ. પણ તેઓ  ફિલ્મના પ્રભાવમાંથી બહાર નથી આવતા. પ્રત્યેકનો પોતાનો દેખાવ, કદ અને નિખાર આગવો હોય છે તે પ્રમાણે અમારી પાસે પુષ્કળ અવનવી ડિઝાઇન છે. અભિનેતા કે અભિનેત્રીને શોભે તે બધાને દીપી ન પણ ઉઠે.'

અત્યારે શ્રીમંતોના લગ્નમાં 'ફ્યુઝન' નો ક્રેઝ છે.પર્સિયન અને ટ્રેડિશનલ ઇન્ડિયન મિશ્રિત ડિઝાઇનનું સૂચન કરાય છે. તરુણ કહે છે કે 'જેકેટ સાડી ક્રોપ બ્લાઉઝ, ડ્રેપડ દુપટ્ટા સાથે અર્વાચીન અનારકલી, હેન્ડક્રાફટની પસંદગી પણ વ્યાપક બની છે. લગ્ન પછી હરવા ફરવા માટે સિગારેટ પેન્ટ્સ, ધોતી પેન્ટ, બેકલેસ ગાઉન અને અન્ય પોશાકની રેન્જ છે. મટીરીયલ, ફેબ્રિક, ડિઝાઇન, કપડાં પર ઉપયોગમાં લેવાતી સામગ્રી ઘણી કિંમતી હોય છે.'  પશ્ચિમ અને ભારતીય પરંપરાગત તેમજ શાહી મિશ્રિત કપડાં અને જ્વેલરીની શ્રીમંતો માંગ કરે છે. શાલ, રેપ્સ અને સાફામાં પણ ઝવેરાત મઢેલું જોઈએ. દરેક સાડી સાથે  સોનાના ઘરેણાં, જ્વેલરી, જેમ્સ, રૂબી, ડાયમંડ, સ્ટોન જ્વેલરી, 

એન્ટિક્સ, પર્લની આઈટમ મેચિંગ પ્રમાણે ડિઝાઇનર તૈયાર કરી આપે છે.

હવે તો કાંડા પરની ઘડિયાળ પણ ઓમેગા, જેકેટ ડ્રોઝ, લોંજીનેસ, રાડો, ટીસ્સોટની પ્રીમિયમ એડીશન પહેરવાની હોય છે. જ્વેલરી, શૂઝ,સેન્ડલ,ઘડિયાળનું શોપિંગ કરવા શ્રીમંતો તેમના ડિઝાઈનરોને લઈને ઇટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન અને લંડન બે ત્રણ વખત આવન જાવન કરતા હોય છે.

આ તો કપડાં,જ્વેલરી,શૂઝ વગેરેની ઝલક આપણે લીધી. પણ લગ્નનું હાર્દ સમગ્ર ઇવેન્ટ છે કે જેમાં મહેમાનોને આમંત્રણ પત્રિકા આપવાથી માંડી હોટલ, ડ્રાઈવર સાથેની કાર, એર ટિકિટ, બુકિંગ, પાર્કિંગ જેવી તો સગવડ સાચવવાની છે પણ લગ્ન સમારંભ અને તે અગાઉના ઇવેન્ટ, ભોજનની રેન્જ અને હોસ્પિટાલીટી ચકાચૌંધ કરી નાંખે તેવી યાદગાર હોવી જોઈએ.

'ઓપન' સામયિકમાં કેરલના ધનાઢય બી. રવિ પિલ્લાઈની પુત્રી આરતીના થોડા અઠવાડિયા અગાઉ થયેલ લગ્નનો અહેવાલ વાંચીને અંદાજ આવી શકે કે 'લેવિશ મેરેજ' કેવા હોઇ શકે. આવા પચાસ કરોડના લગ્ન પાર પાડવા માટે સ્ટુડિયો નીલભ જેવી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દક્ષિણ ભારતમાં આઠથી દસ છે.મુંબઈ અને દિલ્હીમાં પણ દસ કરોડથી ઓછી રકમના ઇવેન્ટ અમે લેતા નથી તેવો મિજાજ ધરાવતી કંપનીઓ છે. તેઓએ લગ્ન આયોજન સાથે જોડાયેલ સર્વિસ આપતી  પેટા એજન્સીઓ કે પેટા કંપનીઓ જોડે ટાઈ અપ કરેલું હોય છે.

આરતીના લગ્નમાં વિદેશી મહેમાનો સહિત કુલ ૫૦,૦૦૦ મહેમાનોની આગતા સ્વાગતા અને બ્રેેક ફાસ્ટ બ્રંચથી માંડી ડ્રીંક ,ડિનર માટેનું મેનુ કિંમતી ક્રોકરી,ટેબલ સાથે સર્વ કરવામાં આવ્યું હતું.

ધનકુબેરોને લગ્નનો શમિયાનો, સ્ટેજ, સેટ ફોટામાં કે થિયેટરના સ્ક્રીન પર બતાવો તે ન ચાલે. નરી આંખે અને દિવસના અજવાળામાં અને રાત્રે બધી જ લાઈટ, રોશની , લેસર સાથે કેવો લાગે છે તે રિહર્સલ વ્યુ લેવો હોય છે. નિલભ કપૂર કહે છે કે 'અમારે એક વિશાળ પ્લોટ પર સારા એવા મોંઘા  મટીરીયલનો ઉપયોગ કરીને રીતસર લગ્નનો માહોલ, સ્ટેજ, શણગાર, તે દિવસે લાગે તેવું જ લાઈટિંગ, સિટિંગ એરેંજમેન્ટ ઉભુ કરવું પડે છે. તેમાં કેટલાક સૂચનો પછી તે ઓકે થાય અને પછી તે સેટ તોડી પાડવાનો. અન્ય શ્રીમંત ડિઝાઇન જાણી ન જાય તેની તકેદારી પણ રાખવાની.

લગ્ન માટેનું ઓરીજીનલ સ્ટેજ, શમિયાના અને થીમ પ્રમાણેનો આખો સેટ ઊભો કરવા બોલીવુડના કે સાઉથની ફિલ્મોના નિષ્ણાત સેટ નિર્માતાઓને આ કામ સોંપવાનું હોય છે. જયપુરના કિલ્લા કે રામબાગ પેલેસને કોઈ શાહી લગ્ન હોય તેમ શણગારવો તે જેવો તેવો પડકાર નથી.ઘણી વખત તો એક જ દિવસ માટે મહેલ કે કિલ્લો યજમાનને નિયમ પ્રમાણે ભાડે મળ્યો હોય છે.આથી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સમગ્ર સ્ટેજ,સેટ શણગારના જુદા જુદા ભાગને હેડ ક્વાર્ટરમાં તૈયાર કરીને ટ્રાન્સપોર્ટ દ્વારા જયપુર, ઉદયપુર કે ડેસ્ટીનેશન મેરેજ સ્થળે પહોંચાડે છે અને ત્યાં જઈને એસેમ્બલ કરે છે.

રૂપિયા ૫૦ કરોડના એક લગ્નનું કપડાં, જ્વેલરી, થીમ અને ડેસ્ટીનેશન નક્કી કરવું, આમંત્રણ પત્રિકાની ડિઝાઇન નક્કી કરવી અને તે પછીનું આયોજન પાર પાડવા એક વર્ષ અગાઉથી પ્રોજેક્ટની જેમ કામ શરૂ કરી દેવું પડે છે. એક આવા લગ્ન એટલે એક બોલિવુડની મોંઘા બજેટની ફિલ્મ જેવો આ ધંધો છે. 'સ્વારોવ્સ્કી'એ હવે  વેડિંગ ડેકોરના ધંધામાં પણ ઝંપલાવ્યું છે.મંડપ, સ્ટેજ, ટેબલ, ખુરશી ગાદી, તકિયા, પિલર્સ. ઝુમ્મર બધું જ ક્રિસ્ટલ જડિત અને શાહી તેઓ કરી આપે છે. 

મોટેભાગે ઇવેન્ટ કંપનીઓ તેની સાથે જોડાણ ધરાવે છે. 

ધનકુબેરોના લગ્ન પાર પાડવા ભારે પડકાર સમાન હોય છે. આવા યજમાનો ઇવેન્ટ મેનેજમેન્ટ  કંપનીને ફરમાન કરે  કે 'અમારા મહેમાનોને હાથી પર બેસાડીને પોલો રમત રમાડો. 'કોઈ જાતવાન ઘોડા માંગે. કોઈ  આઠ દસ હેલિકોપ્ટર તૈયાર રાખવાનું કહે. બીએમડબલ્યુ, મર્સિડીઝ કે જગુઆર કાર ૧૦૦-  ૨૦૦ નંગ ખડી કરવાનુ કહે તેને પહોંચી વળાય પણ આ શ્રીમંતો 'વીન્ટાજ કાર'ની જાણે રેલી નીકળી હોય તેમ બેસીને મહેમાનો સાથે વરઘોડો લઈ જઈશું તેવા તરંગ તુક્કા રાતોરાત ઊભા કરે. એક યજમાને અચાનક એવી ઈચ્છા વ્યક્ત કરી કે વરઘોડામાં યુવાનો હાર્લી ડેવિડસન બાઇક પર બેસી આવવા માંગે છે. હેલિકોપ્ટર પર વરરાજાનું લગ્ન સ્થળે  આગમન થાય તેથી વિધિની જગ્યા નજીક હેલિપેડ તૈયાર કરવું પડે. ઘણી વખત યજમાન ગમે તેટલા રૂપિયા થાય પણ આ લાવી  આપો તે લાવી આપો  તેવી માંગ કરે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીથી એમ ન કહી શકાય કે ધસર, બધું રૂપિયાથી ન ખરીદી શકાય. 'મદ્યપાનની બ્રાન્ડ, આટલા વર્ષો જૂની વાઇન કે આ કલાકાર, નૃત્યાંગના, પોપ સિંગર સ્ટેજ પર લાવજો તેવી ફરમાઈશ પણ હોય.

ભારતના ધનકુબેરના લગ્નોમાં જેનિફર લોપેઝ અને રિહાના પણ ચૂપચાપ આવીને પર્ફોમ કરીને ચાલ્યા જાય. બોલીવુડ સ્ટાર તો વર્ષ દરમ્યાન ખાસ કોઈ ફિલ્મ રિલીઝ ન થવાની હોય તો  આ કમાણીથી જ વધુ શ્રીમંત બન્યા છે.

શ્રીલંકા, થાઇલેન્ડ  અને ભારતમાં રાજસ્થાન ૧૦ કરોડથી ૨૫ કરોડની રેન્જના લગ્નમાં પ્રચલિત છે. બેચલર પાર્ટી ટાપુ કે દરિયો હોય તો યોટ (યાચ)માં થાય છે.

મહેમાનોને  બધું સરપ્રાઇઝ લાગવું જોઈએ. જેમ કે અચાનક તેની સાથે ટેબલ શેર કરનાર કોઈ બોલીવુડ કે ટીવીના ટોચના અભિનેતા - અભિનેત્રી કે ક્રિકેટર હોય. સ્ટેજ પર શાહરૂખ ખાન અને રિતિક રોશન, કેટરિના અને જેકલીનની અન્ટ્રી પડે.નોરા  ફતેહીની ડાન્સ આઈટમ રજૂ થાય.કાયલી મીનોગ જેવી પોપ સિંગર હાજર થાય.

 આવા સુપર લક્ઝરી લગ્નની કંકોત્રી ઓરનેટ બોક્સમાં મુકેલ એલસીડી  ટેબના સ્વરૂપે પણ હોઇ શકે. કંકોત્રી જોડે  દેવ દેવી મુદ્રિત ગોલ્ડ કોઈન પણ શુકન તરીકે મૂક્યો હોય તેવું બને. હવે તો કાર્ડ જોડે બાર કોડ કે બાર કોડ સાથેના મહેમાન દીઠ બેલ્ટ હોય જેથી ગેટમાં પ્રવેશ તેના આધારે જ મળી શકે.

અને હા, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ફિલ્મોગ્રાફી, ડ્રોન ફોટોગ્રાફી, સ્પેશિયલ ઈફેક્ટસ,પ્રિ વેડિંગ, પોસ્ટ વેડિંગ હનીમૂન  ફોટોગ્રાફીનું બજેટ ઉમેરો તો બે ત્રણ પ્રાદેશિક ફિલ્મો બની જાય.

સુપર રિચ લગ્નની વાત માંડી છે ત્યારે સ્ટીલના બિઝનેસના માલેતુજાર ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની  પુત્રી વનીશાના લગ્નનો ઉલ્લેખ કરવો જ પડે. મિત્તલે  કુલ ખર્ચ વર્ષ ૨૦૦૪ની સાલમાં છ કરોડ ડોલર કર્યો હતો..અત્યારની રકમ પ્રમાણે રૂ.૪૮૦ કરોડ! પેરિસમાં ૧૦૦૦ આંતરરાષ્ટ્રીય મહેમાનોને રિટર્ન એર ટિકિટ, છ દિવસ ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનું, રિટર્ન ગિફ્ટ, બોલીવુડ, હોલીવુડ  સ્ટાર્સ, પોપ સિંગર , ૧૬મી સદીના કિલ્લા - સ્થાપત્યના સેટ બધું જ હતું.

ચાલો,આવા સુપર રીચ લગ્નની આપણે જે માહિતી મેળવી તે સામાન્ય જ્ઞાન છે તેમ માની આપણે આપણા મસ્ત મજાના રિયલ મોજ,મજા,મસ્તી અને વાસ્તવિક પ્રેમથી નીતરતા લગ્નને આ સીઝનમાં માણીએ..યાદ રહે લગ્નના બજેટને દામ્પત્ય જીવન  સાથે કોઈ સંબંધ નથી.

જ્ઞાન પોસ્ટ

પત્ની: બટન ટાંકવા બેઠા છો પણ સોઇ ખોટા હાથમાં છે.

પતિ: સાચી વાત છે હો, તારા હાથમાં હોવી જોઈએ.

City News

Sports

RECENT NEWS