Get The App

'2030 પછી સ્માર્ટ ફોનના વળતાં પાણી'

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
'2030 પછી સ્માર્ટ ફોનના વળતાં પાણી' 1 - image

- માર્ક ઝકરબર્ગની જાહેરાતથી ટેકનો જગતમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની સ્પર્ધાનો પ્રારંભ

- વિવિધા-ભવેન કચ્છી

- સ્માર્ટ ફોનનું સ્થાન સ્માર્ટ ચશ્મા લેશે : વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો સંગમ જોઈને માનવ જગત દંગ થઈ જશે

- બીલ ગેટ્સે આગાહી કરી છે કે માનવીઓ કાંડામાં ચીપ ઈમ્પ્લાન્ટ કરશે અને ધાર્યું કામ પાર પાડશ

મે ટા કંપનીના સી.ઇ.ઓ. માર્ક ઝકરબર્ગે થોડા દિવસો પહેલા એક પોડકાસ્ટિંગમાં એવી જાહેરાત કરીને વિશ્વના નાગરિકો અને ટેકનો જગતને ચોંકાવી દીધું છે કે 'જેમ ટેકનોલોજીની ક્રાંતિને લીધે ઇલેક્ટ્રોનિક ઉપકરણો (ગેજેટ્સ)માં સતત બદલાવ આવતો રહે છે તેમ સ્માર્ટ ફોનનો પણ હવે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. વર્ષ ૨૦૩૦ અને તે પછી ખૂબ જ ઝડપથી ગણતરીના વર્ષોમાં વિશ્વમાંથી સ્માર્ટ ફોન નામશેષ થઈ જશે અને તેનું સ્થાન એવા સ્માર્ટ ચશ્મા લેશે જે સ્માર્ટ ફોનના તો તમામ કાર્ય કરશે જ પણ તેમાં માનવ જગત હેરત  પામી જશે તે રીતે તે આ બધી સેવા પૂરી પાડશે આ ઉપરાંત તે જાણે આખું વિશ્વ નજર સામે ખડું કરી દેશે.'

50 લાખ ચશ્માની નજીક

ઝકરબર્ગે કહ્યું કે વર્ષ ૨૦૨૭ સુધીમાં જુદી જુદી કંપનીના આવા ૫૦ લાખ ચશ્મા વિશ્વમાં વેચાઈ ચૂક્યા હશે અને તે પછીના ત્રણથી પાંચ વર્ષમાં વિશ્વભરમાં ક્રમશ: સ્માર્ટ ફોનનું સ્થાન ખૂબ જ ત્વરિત ગતિથી આવા ચશ્માા લેવા માંડશે. ઝકરબર્ગે મેટા કંપનીના શોમાં ચશ્માનું નિદર્શન કરતા કહ્યું કે 'અત્યાર સુધી આપણે વર્ચ્યુઅલ રિયાલિટી યુગમાં જીવતા હતા પણ હવે ઓગમેન્ટેડ રિયાલિટી એટલે કે જે  વાસ્તવિક અને જેવું છે તેવું નજર સામે જોઈએ તે કદમાં ખડું કરી શકશે.'

ટોચની ટેકનો કંપનીઓ તો  અત્યારથી નજીકના ભાવિ વિશ્વને પારખીને પહેરી શકાય તેવા અને માણસને હાથમાં કોઈ ગેજેટ્સ રાખવાની જરૂર ન પડે તેવા ઉપકરણો શોધી ચૂકી છે. 

 સિલીકોન વેલીમાં તો એપલ કંપનીના  'વિઝન પ્રો' નામ ધરાવતા  પ્રથમ વર્ઝનના ચશ્માનું ટેક્નોલોજીના નિષ્ણાતો અને મીડિયા સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને બધા દંગ થઈ ગયા હતા. 

તેવી જ રીતે મેટા, એપલ અને ગૂગલ પણ બજાર સર કરવાની રેસમાં છે. સેમસંગ અને અન્ય ચાઇનીઝ કંપનીઓ પણ હરીફાઈમાં ઉતારવાની છે. ચીનની લેનોવો કંપનીએ પણ આવા ચશ્માની પ્રથમ આવૃત્તિ લોન્ચ કરી છે.

મેટાને દસ અબજનું ફંડ

ઝકરબર્ગ, સુંદર પિચાઈ અને બીલ ગેટ્સ પણ જાહેરમાં મીડિયાને કહી ચૂક્યા છે કે સ્માર્ટ ફોનનું સ્થાન ચશ્મા લેશે તે પછી આવી કંપનીઓમાં રોકાણ ખૂબ જ મોટા પાયે કરનારી પાર્ટી પણ નફો કમાવવા તિજોરી ખુલ્લી કરીને બેઠી છે. મેટા કંપનીને તેના ચશ્મા વિકસાવવા ૧૦ અબજ ડોલરનું ફંડિંગ મળ્યું છે.

મેટા કંપનીએ ચશ્મા અને ગોગલ બનાવતી જગવિખ્યાત કંપની 'રે બેન'  જોડે હાથ મિલાવ્યા છે. મેટા તેઓના ચશ્માની બંને દાંડીમાં ચીપ અને અન્ય સર્કિટ મૂકશે.તેવી જ રીતે ઇન્ટરફેસ અને ડિજિટલ વિઝન નજર સામે લાવે તેવા ચશ્માના  ગ્લાસ પૂરા પાડશે. રે બન કંપની જુદી જુદી ફ્રેમના ચશ્મા કે ગોગલ તૈયાર કરશે.

મેટા 'સુપરનોવા' નામ સાથેના મોડેલ પર પણ કામ પૂર્ણ કરી ચૂકી છે જે મેદાન મારી જશે તેમ મનાય છે.આ ચશ્મામાં બિલ્ટ ઈન કેમેરા , સ્પીકર્સ અને એ.આઇ. ની મદદથી કાર્યરત ફીચર્સ હશે. આ મોડેલમાં ઓક્લેસ કંપનીના સ્ફાએરા સ્પોર્ટ્સ ગ્લાસનો ઉપયોગ રે બન કંપની કરશે.

'સુપરનોવા' મોડલના ચશ્માના આશ્ચર્યથી માંડ વિશ્વના નાગરિકો ટેવાયા હશે ત્યાં વધુ અપડેટ મોડેલ 'હાયપરનોવા' બહાર પડશે.

પ્રથમ વર્ઝનના ચશ્માની કિંમત ૩૦૦ ડોલર છે જ્યારે 'હાયપરનોવા' મોડલની પ્રારંભિક કિંમત ૧૦૦૦ ડોલર અંદાજવામાં આવી છે.

જો કે અમેરિકા,જાપાન અને સાઉથ કોરિયા ઉપરાંત ચીનની કંપનીઓ પણ સમાંતર ધોરણે બજારમાં પ્રવેશવાની તૈયારી કરી ચૂકી હોઇ દર વખતે બને છે તેમ હરીફાઈમાં ટકવા કંપનીઓને ચશ્માના ભાવ ઘટાડવા જ પડશે .

પ્રોજેક્ટ આર્ટમીસ

એમ તો મેટા કંપની 'ઓરિયોન' મોડેલથી ત્રીજી પેઢીના આવા ઉપકરણ બહાર પાડવા માટેનું સંશોધન જારી કરી ચૂકી છે.મેટાએ આવા પહેરી શકાય તેવા ઉપકરણોનું બજાર મેળવવાના અલાયદા પ્રોજેક્ટનું નામ 'આર્ટમીસ' આપ્યું છે.આ બધી કંપનીઓ માત્ર સ્માર્ટ ચશ્મા જ નથી મૂકી રહ્યા પણ જેઓને ચશ્મા અગવડભર્યા લાગતા હોય તે માટે થોડા મર્યાદિત ફીચર્સ સાથે  કાંડા પર  સ્માર્ટ બ્રેસલેટ અને  સ્માર્ટ ફોન પેન્ડન્ટમાં સમાય જાય અને તેને  ગળામાં ચેઇન સાથે પહેરી શકાય તેવા વિકલ્પ  પણ બજારમાં મૂકવાનો નિર્ણય લીધો  છે. આ ઉપરાંતમાં કાનમાં ખોસી શકાય તેવા વાયરલેસ  ઇયર બડ્સમાં જ સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચના અતિ આધુનિક મોડેલ પણ સ્માર્ટ ફોનની જગ્યાએ ઉપયોગમાં લેવાતા હશે.

મૂળ આશય આખો દિવસ સ્માર્ટ ફોન હાથમાં કે ખિસ્સામાં  રાખીને માનવ જગત કંટાળી ગયું હોય તેમ આ કંપનીઓને લાગ્યું અને તેઓએ બંને હાથ ખુલ્લા રહે ('હેન્ડસ ફ્રી') અને માત્ર બોલીને કમાન્ડ આપીને જ સ્માર્ટ ફોનના ફીચર્સ પાસેથી આપણા માટે કામ કરાવે તે છે. જો કે વિઝયુઅલ માટે ચશ્મા પહેરવા જરૂરી રહેશે. જો વિઝયુઅલ જોવા ન હોય તો  ઓડિયો સેવા, સિરી અને ઓકે ગૂગલ આપણી સાથે જ રહેશે.

ચીપ શરીરનું અંગ

બીલ ગેટ્સ જો કે સ્માર્ટ ચશ્મા ઉપરાંત સ્માર્ટ ફોનને વિદાય આપતી ચીપ ટેકનોલોજીની શક્યતા જુએ છે

 જે અંતર્ગત માણસો તેમના કાંડામાં જ ચીપ ફીટ કરાવશે અને બહાર એક ડીવાઇસ હશે તેનાથી સંદેશા વ્યવહાર, સ્વાસ્થ્ય અને બીમારી અંગેના રિપોર્ટ તેમજ અન્ય સુવિધા મેળવતો હશે. ચીપ માણસનું જાણે એક અભિન્ન અંગ બની જશે.

ટેક્નોલોજી કંપનીઓ ખૂબ જ ચાલાકીથી ધંધો કરતી હોય છે.માટે ભાગે તેઓ પાસે જે પાંચ વર્ષ પછી લોન્ચ કરવાના હોય તે આધુનિક મોડલ  ધારે તો અત્યારથી કરી જ શકે પણ એક રાઉન્ડનો વૈશ્વિક ધંધો મેળવવા તેઓ પ્રથમ વર્ઝન કે જનરેશનનું બેઝિક મોડેલ બજારમાં મૂકે. વિશ્વ આખું તેનો ઉપયોગ કરે તેના એકાદ વર્ષ પછી બીજુ મોડલ બહાર પાડે. હવે બીજા મોડેલનો ધંધો કરી લે તે પછી દોઢેક  વર્ષે ત્રીજુ મોડલ લોન્ચ કરે. આમ પ્રત્યેક આઉટડેટેડ મોડેલ પછી નવા મોડેલનો ધંધો ચાલતો જ રહે.

જો કે ટેકનો જાયન્ટ કંપનીઓ એવો બચાવ કરતી હોય છે કે ગ્રાહકને સીધુ જ એડવાન્સ મોડેલ કે જે વધુ આધુનિક ફીચર્સ ધરાવતા હોય તે આપી દઈએ તો તેને તેનો ઉપયોગ કરવો અઘરો પડે અને તેને ગ્રાહક નકારી શકે તેવો ભય રહેલો છે તેથી પાયાના એક મોડેલથી ફીચર્સ અને નવી ટેક્નોલોજીથી મિત્રતા કેળવે તે પછી વધુ એડવાન્સ મોડેલ મૂકીએ તો ગ્રાહક તેનો મહત્તમ ઉપયોગ કરી શકે.

સ્માર્ટ ચશ્માની વાત

સ્માર્ટ ગ્લાસ કઈ રીતે કામ કરશે તે સાદી ભાષામાં સમજીએ તો આપણે ફોન કરવો હોય તો ચશ્માાની દાંડી નજીક આવેલ ઉપસેલા ભાગને પુશ કરતા (ખિસ્સામાં રિમોટ પણ રાખી શકાય)  નજર સામે જ હવામાં જ  જુદી જુદી સેવા અને એપ થ્રી ડી જેવી ઊંડાણ અને શાર્પનેસ સાથે આવી જાય.

બાજુની કે અન્ય કોઈ વ્યક્તિને તમે જે સ્ક્રીન જોતા હો તે ન દેખાય.તેવી જ રીતે તમારી બાજુની વ્યક્તિ તેની રીતે 'વિઝન પ્રો' ઓન કરીને બેઠી હોય તો તેનો સ્ક્રીન તમને નહીં દેખાય. જુદી જુદી વ્યક્તિઓ નજીક કે અડીને બેઠી હશે તો પણ તેઓના સ્ક્રીન એકબીજા પર ઓવરલેપ નહીં થાય.

ચશ્માની બંને દાંડીમાં જ સેન્સર, સર્કિટ,  ચીપ, પ્રોસેસર, કેમેરા, માઇક્રોફોન, જીપીએસ વગેરે હશે.

તમે જે તમારું જાણે ૭૫ ઇંચનું ટીવી નજર સામે જોતા હશો તે તમારું સ્ક્રીન હશે. સ્ક્રીન ધારો તો ૨૦ ઈંચના ટીવી સ્ક્રીન જેવું પણ રાખી શકાય.

આંખોને જરાપણ શ્રમ ન પડે તેમ સ્માર્ટ ફોનના  સ્ક્રીન પર જે આઇકોન, એપ્સ હશે તે આવી જશે. મોંથી બોલીને કે સ્ક્રીન જાણે સાચે જ હોય તેમ તેના પર આંગળી ફેરવીને તેને સ્ક્રોલ કરી શકાશે. વર્ચ્યુઅલ કી બોર્ડ પણ ખોળા પાસે મૂકી શકાય.

થોડું અજીબ લાગશે

કોઈને ફોન કરવો હોય તો તેનું નામ બોલવાથી કનેક્ટ થઈ શકાશે. બાજુમાં બેસેલ વ્યક્તિને  સંભળાવવા ન માંગતા હો તો તમારા સ્માર્ટ ચશ્મા ગ્લાસની બહાર દેખાતા વર્ચ્યુઅલ મોટા સ્ક્રીન પર જેને ફોન કરવો હોય તેના પર આંગળી મૂકશો એટલે કનેક્ટ થઈ શકાશે. 

શરૂમાં થોડું હસવા જેવું થશે કેમ કે સ્ક્રીન પણ આભાસી છે અને તમે આંગળીથી તેને સ્ક્રોલ કરશો તો બાજુમાં બેસેલ કે અન્ય વ્યક્તિઓને એમ લાગશે કે 'આ ભાઈ કે બહેન આમ કેમ હવામાં આંગળી ફેરવે છે.' જો કે બીજા બધા પણ આવું જ કરતા હશે.

તમે જે ભાષામાં બોલતા હશો તે સામી વ્યક્તિને તેની ભાષામાં ભાષાંતર થઈને તેને ગ્લાસ પર ફકરાની જેમ વંચાશે અને તે તેની ભાષામાં જવાબ આપશે તે તમારી ભાષામાં રૂપાંતર થઈને સ્ક્રીન પર દેખાશે. ઓ.ટી.ટી., યુ ટયુબ, મૂવી, સ્પોર્ટસ પ્રસારણ બધું જ નજર સામે વર્ચ્યુઅલ  સ્ક્રીન પર ચશ્માના ગ્લાસની બહાર જોઈ શકાશે.

એ. આઇ.ટેકનોલોજી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પણ સામેલ હોઈ તમે સોંપશો તે કામ કરી આપશે. તમે કહેશો કે માન્ચેસ્ટરની ક્રિકેટ મેચ  સ્ટેડિયમમાં બેસીને જોવી છે તો ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટીથી તે શક્ય બનાવશે. ન્યૂઝ દરમ્યાન યુદ્ધ ભૂમિ પર કે વ્હાઇટ હાઉસની ટ્રમ્પની પત્રકાર પરિષદમાં પણ હાજર રહી શકશો. અલબત્ત સવાલ નહીં પૂછી શકો કેમ કે વાસ્તવમાં ત્યાં નહીં હો. પ્લે સ્ટેશન,આઇ મેક્સ પણ ખડું કરી શકશો. આ બધું તમારી નજર સામે સાચા પડદા પર જોતા હો તેવું જ દેખાશે પણ તમારી બાજુમાં બેસેલ વ્યક્તિને તે જ વિસ્તારમાં ક્યાંય નહીં દેખાતું હોય.આવું પરસ્પર રહેશે.

જેઓને આંખના નંબર હશે તેઓએ  એટેચમેન્ટ ગ્લાસ  લગાવવાના રહેશે. આ ચશ્મા વજનમાં ઘણા હલકા હશે. ફોટા તો આંખો સામે જે હોય તેનો વાઇડ વ્યુ લઈને  ચશ્માની દાંડી પર ક્લિક ભાગ દબાવતા પડી જશે અને તે પણ અદભૂત રિઝલ્ટ આપતા હશે.વિડિઓ પણ ઉતારી શકાશે. આ બધા કાર્ય મોં વડે બોલીને પણ થઈ જ શકશે.

આમ પણ મોબાઈલ અને તે પછી સ્માર્ટ ફોન છેલ્લા ૩૫ વર્ષથી તો છે.હજુ બીજા પાંચથી દસ વર્ષ રહે તો પણ કોઈ એક પ્રોડક્ટ ૪૫ વર્ષ ઉપયોગમાં લેવાતી રહે તે ૨૧મી સદી અને ટેકનોલોજીની દુનિયાની રીતે ઘણો લાંબો સમયગાળો કહેવાય.જોઈએ સ્માર્ટ ફોન ભારતના નાગરિકોના સંગાથમાં હજુ કેટલા વધુ વર્ષો નીકાળે છે.

નવી પ્રોડક્ટ હંમેશા 'આ તો નહીં ચાલે.જટિલ જણાય છે' તેવી અનિશ્ચિતતા સાથે જ પ્રવેશે છે અને પછી ઝડપથી છવાઈ જતી હોય છે.