Get The App

અયોધ્યામાં વિદેશી કલાકારો રામમય બન્યા

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
અયોધ્યામાં વિદેશી કલાકારો રામમય બન્યા 1 - image

- દિવાળી ભગવાન રામને સમર્પિત તહેવાર છે : ભારતીય સંસ્કૃતિ  સનાતન, શાશ્વત અને સાંપ્રત હોઇ વિશ્વના દેશો પણ તેમાં રસ લેતા થયા છે

- વિવિધા-ભવેન કચ્છી

- વિશ્વના 90 જેટલા કલાકારોએ રામ લીલાના જુદા જુદા પ્રસંગો ભજવ્યા: અમેરિકા, કેનેડા, બ્રિટનમાં પણ આધુનિક ટેકનોલોજી સાથે સ્ટેજ પર અઢી કલાકના શો ભજવાય છે

દિ વાળીનો તહેવાર ઉમંગ, ઉત્સાહ અને ઉમળકા સાથે ઉજવાયો.ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણ ૧૪ વર્ષનો  વનવાસ કરીને અયોધ્યામાં પરત આવ્યા અને અયોધ્યાના પ્રવેશદ્વારથી શરુ કરીને સમગ્ર અયોધ્યા નગરીને દીપ, રંગોળી અને અવનવા ફૂલોથી શણગારવામાં આવી હતી. હરખ અને ઉત્સાહનું વાતાવરણ હતું.

તિથિની રીતે પણ મેળ બેસી શકે છે કે દશેરાએ ભગવાન રામે રાવણનો અંત આણ્યો અને તે પછી  બીજા વીસ દિવસ પછી અયોધ્યા પરત આવ્યા અને દીપોત્સવ યોજાયો. ત્યારથી અત્યાર સુધી તે દિવસ સમગ્ર દેશમાં અને જ્યાં જયાં ભારતીયો વસે છે ત્યાં દિવાળી તરીકે ઉજવાય છે.

અયોધ્યામાં રામ મંદિર બન્યું તે પછી તો ભક્તિ અને દર્શન પ્રત્યેની શ્રદ્ધા બેવડાઇ છે. હવે તો ભારત સહીત એશિયામાં જ્યાં ભગવાન રામના મુકામો અને મંદિરો છે તેની સર્કિટ યાત્રા પણ સરકારે લોન્ચ કરી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી બન્યા તે પછી અયોધ્યામાં દિવાળીના તહેવારની દિવ્ય અને ભવ્ય ઉજવણી થાય છે. ૨૫ લાખ દીવાઓ, રામ લીલાના ડ્રોન શો અને વિદેશી કલાકારો દ્વારા રામાયણની પ્રસ્તુતિ થાય છે. આ વખતે પણ દિવાળી અને તેના ત્રણ દિવસ અગાઉથી આવી જ ઉજવણી થઇ હતી.

વિદેશી ગ્રુપને આકર્ષણ

આમ તો વિશ્વના જુદા જુદા દેશોના કલાકારો સંપૂર્ણ રામાયણ સ્ટેજ પર ભજવી શકે છે અને તેઓનો અયોધ્યા મહોત્સવમાં પણ તેવો ઉમળકો હોય જ પણ કોઈ એક દેશને જ આ તક અપાય તો અન્ય દેશનાં કલાકારો નિરાશ થાય તે હદે તેઓ રામાયણને ચાહે છે તેથી આયોજકોએ આં વખતે પ્રશંસાપાત્ર નિર્ણય લઈને રામાયણના જુદા જુદા પ્રકરણો ૯૦ જેટલા વૈશ્વિક કલાકારોને ભજવવા માટે વહેંચી દીધા હતા.

રશિયાના ૧૫ કલાકારોએ ભગવાન રામ અને સીતાના સ્વયંવરનું પ્રકરણ અયોધ્યા મહોત્સવમાં ભજવ્યું હતું. તેઓએ ખાસ સ્ટેજ રચના રશિયન શૈલીથી કરી હતી.

થાઈલેન્ડના દસ કલાકારોએ ભગવાન રામ અને શુર્પણખા વચ્ચેનો મુકાબલો અને રામનું રાવણ સામેનું યુદ્ધ હેરત પમાડી દે તેવી રીતે ભજવ્યું હતું. તેઓએ તેમાં થાઈ નૃત્ય શૈલી પણ ઉમેરી હતી.

ઇન્ડોનેશિયાના કલાકારોએ લંકા દહન અને ભગવાન રામ અયોધ્યા પરત આવે છે તે દ્રશ્ય ભજવ્યું હતું.

જાવાના કલાકારો પપેટ એટલે કે કઠપૂતળી કળામાં માહિર છે તેઓએ રામાયણના પાત્રો જેવા જ દેખાય તેવી પપેટ બનાવી આંગળી અને દોરીની મદદથી મંચન કરીને દિલ જીત્યું હતું.

નેપાળમાં લક્ષ્મણ માટે ભગવાન રામ જેટલો જ આદર છે.ત્યાં લક્ષ્મણ વિશે રામાયણના જુદા જુદા ગ્રથોમાંથી તારવીને અલગ લક્ષ્મણ મહિમા સાહિત્ય પણ છે. નેપાળના ૩૩ કલાકારોએ રામાયણનાં લક્ષ્મણના મહત્ત્વના પ્રસંગો અલગ તારવીને તે ભજવ્યા હતા.

શ્રીલંકાની નજીક આવેલ રામેશ્વરની ભગવાન રામે કરેલું નિર્માણ અને રાવણના શ્રીલંકા સાથેના જે પણ સંદર્ભો છે તે પ્રસંગો શ્રીલંકાના કલાકારોએ રજુ કર્યા હતા.

આ કલાકારો વર્ષ દરમ્યાન તેમના દેશના શહેરોમાં અને વિદેશ પ્રવાસ કરીને પણ રામાયણના શો કરે છે. સ્વાભાવિક રીતે ભારતની  કોઈ ધાર્મિક સંસ્થા, ટ્રસ્ટ કે સામાજિક સંસ્થા તેઓને તેમના દેશમાં આમંત્રણ આપે પણ મહત્વની વાત એ છે કે આવી સંસ્થાઓ સ્થાનિક વિદેશી જુદા જુદા ક્ષેત્રના નાગરિકો, રાજકારણીઓ, મેયર, કાઉન્સિલર વગેરેને પણ આમંત્રણ આપે છે અને આવા વિદેશીઓ રામાયણ અને તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત થાય છે અને છેક સુધી કાર્યક્રમ નિહાળે છે અને તેને વધુ સમજવા ગ્રંથ પણ ખરીદે છે.

વી.એફ.એકસ. ટેક્નોલોજી

ટીમ ઢીસુમ કે જે સોમ્ય મિશ્રાની નિર્મિત અને નિર્દેશિત છે તેઓ વિદેશીઓ અને નવી પેઢીને આકર્ષે તે રીતે રામાયણ નાટક ભજવે છે. ૧૩૫ મીનીટના રામાયણના નાટકને   ભવ્ય રીવોલ્વીંગ સેટ્સ, વી.એફ.એક્સ., સ્પેશિયલ ઈફેક્ટસ અને સિનેમેટિક લાઈટ એન્ડ સાઉન્ડ અને  અદ્યતન ટેકનોલોજી સાથે માણતા વિદેશીઓ પણ દંગ થઇ જાય છે. આ ગ્રુપ અમેરિકા, કેનેડા અને બ્રિટનના શહેરોના પ્રવાસ કરીને રામાયણ ભજવે છે. ઓક્ટોબરના પ્રારંભના અઠવાડિયામાં આ ગ્રુપ કેનડાના નવ શહેરોમાં શો ભજવી ચૂક્યું છે.

વાલ્મીકીએ લખેલા રામયણ  કે તેમાં ૨૪૦૦૦ શ્લોક છે તેની ૨૫૦૦ વર્ષ જુની  દસ્તાવેજી રામાયણ ભારતમાં સચવાયેલી છે. ભગવાન રામ અંદાજે ૧૨ લાખથી વધુ વર્ષો પહેલા ત્રેતા યુગમાં થઇ ગયા હોવાનું મનાય છે. આટલી જૂની યુગ કથા આજે પણ પ્રત્યેક વીતતા વર્ષો સાથે વધુને વધુ વિશ્વવ્યાપી પ્રચલિત બનતી રહે અને તેના સંસ્કારો, સંસ્કૃતિ અને સભ્યતા આજે પણ એટલા સાંપ્રત હોય તેવો વિશ્વનો કોઈ ગ્રંથ કે યુગ મહિમા નથી.

સનાતન મહાગ્રંથ

રામાયણ અને મહાભારત કે ભગવદ ગીતા  ભલે હિંદુ ધર્મના મહાગ્રંથ કે તત્ત્વ જ્ઞાન હોય પણ વિશ્વને હવે સમજાતું જાય છે એ તેઓ  માત્ર હિંદુ ધર્મના છે તેમ માનીને તેઓથી અંતર રાખવાની જરૂર નથી બલકે ખરેખર સનાતન, શાશ્વત અને માનવ જગત માટેનું તત્ત્વ જ્ઞાન અને  ભાવિ જગતને દિવ્ય શાંતિ અને સુખની રાહે લઇ જવા માટેનું તે માર્ગદર્શક નીવડી શકે તેમ છે. થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, નેપાળ, લાઓસ, તિબેટમાં તો ભગવાન રામ અને ગણેશના મંદિરો, સ્થાપત્ય અને સાહિત્ય ૧૯મી સદીથી પસર્યું છે.તે પછીના વર્ષોમાં આફ્રિકા, કેરેબિયનમાં રામાયણની લોકપ્રિયતા બીન હિંદુઓમાં પણ વધતી રહી છે. હવે પશ્ચિમ જગતને પણ રસ જાગ્યો છે, અલબત્ત તેઓને ધર્મગ્રંથ કે ફિલસુફી કરતા રામાયણનાં પાત્રો અને તેની લાક્ષણિકતાઓ તેમજ કથા વસ્તુ કળાના માધ્યમથી પ્રસ્તુતિ માટે શ્રેષ્ઠ લાગ્યા છે.

ગ્રીક કે શેક્સપિયરના સર્જન

આમ જોઈએ તો ૧૬મી સદીના અંતે અને શેકસપિયરના જે સર્જનો છે તે દુર સુધી જઈએ તો નાટક કે ફિલ્મની રીતે ભજવાય છે. સાહિત્ય કૃતિ તરીકે પણ તે જગવિખ્યાત છે. આ યુગથી દુર વિચારીએ તો સોક્રેટીસ, ટ્રોય, રોમન સામ્રાજ્ય લોકપ્રિય છે પણ રામાયણ તો તેના કરતા લાખો વર્ષ પુરાણુ છે અને અઢી હજાર વર્ષ કરતા વધુથી હાથ લાગેલ દસ્તાવેજી છે છતાં તે હજુ જીવંત જ નહિ પણ વધુ જોમ સાથેના ધબકાર સાથે વિશ્વના દેશોના હૃદયમાં સ્થાન પામતું જાય છે. કદાચ વિશ્વમાં જે વિષમ પરિસ્થિતિ પ્રવર્તે છે અને માનવી દિવ્ય શાંતિની ખોજ માટે બેબાકળો બન્યો છે ત્યારે રામાયણ અને ભગવદ ગીતા સુખી થવાનો રાજમાર્ગ બતાવશે તેમ કહી શકાય. અસત્ય અને અધમતા પર સત્યનો હંમેશા વિજય જ થાય છે તે પણ વિશ્વ જોશે અને રાવણ જેવું ઘમંડ અને લાલસા પોતાનો અને તેમના રાજ્યનો વિનાશ જ નોતરે છે પણ વિશ્વ પદાર્થપાઠ ભણશે.

એશિયામાં પ્રભાવ

જો કે જૈન રામાયણ કે એશિયાના દેશોની રામાયણમાં વાલ્મીકી રામાયણનાં અમુક પાત્રો અને પ્રસંગોનો ઉલ્લેખ જ નથી. બુદ્ધ ધર્મ પાળતા દેશોમાં રામાયણ પ્રત્યે શ્રદ્ધા રાખવામાં આવે છે. ભલે રામાયણમાં ફેરફાર જણાય પણ એ એક વાત તરફ તો  નિર્દેશ કરે જ છે કે આ પ્રસંગો અને પાત્રોનો તેઓ પાસે પણ સંદર્ભ છે.

બર્મામાં ૧૧મી સદીમાં ક્યાનઝીથા નામના રાજા થઇ ગયા. તેમના સંસ્કારો, પ્રજાવત્સલતા અને શૌર્યને જોતા તે જમાનાની તેમની પ્રજા તેમને ભગવાન રામનો અવતાર માનતી હતી આમ ભગવાન રામ તે શ્રેષ્ઠ રાજા અને સુશાસનનું તે જમાનામાં પણ પ્રતિક અને ઉદાહરણ મનાતું હતું.

શક્ય છે કે ભારતના જે પણ વેપારીઓ પાડોશી દેશમાં જતા કે સ્થાયી થયા તેઓએ ત્યાં ભગવાન રામ, મંદિરો અને રામાયણ ગ્રંથથી સ્થાનિક પ્રજાને આકર્ષી હોય છતાં ઉલ્લેખનીય વાત એ છે કે ભારતીયોએ કે હિંદુધર્મી આ નાગરિકોએ  હિંદુ ધર્મમાં રૂપાંતર થાવ તેવા પ્રચાર માર્ગ નહોતો અપનાવ્યો આ જ કારણે બૌદ્ધ ધર્મ જે તે દેશમાં યથાવત રહ્યો અને તેઓએ રામાયણ જોડે પણ અનુસંધાન જારી રાખ્યું.

પંજાબ અને કાશ્મીરના વેપારીઓ કે પ્રવાસીઓથી  રામાયણ ચીન, તિબેટ, અને પૂર્વ તુર્કીમાં પહોંચ્યું હતું. ગુજરાત અને દક્ષિણ ભારતથી જાવા, સુમાત્રા અને મલાયા, પૂર્વ ભારતથી બર્મા, થાઈલેન્ડ, લાઓસ, વિએતનામ અને કમ્બોડિયામાં રામાયણનો પ્રવેશ અને પ્રસાર થયો હશે તેમ પણ દસ્તાવેજો પ્રાપ્ય છે. 

થાઈલેન્ડમાં રામાયણ ગ્રંથ 'રામાકૈન' એટલે કે ભગવાન રામના જયજયકાર અને ભવ્યતા તરીકે ઓળખાય છે. વર્ષ ૧૩૫૦ - ૧૭૬૭ દરમ્યાન થાઈલેન્ડમાં અયુથ્થ્હાયા શાસન રામાયણના અયોધ્યાના મોડેલ પ્રમાણે પ્રણાલી ધરાવતું હતું. આજે પણ તે વખતના રાજાના વંશજો રામ તરીકે ઓળખીને રાજા રામ અરસામાં આદર ધરાવતા તેવું માન  મેળવે છે.

આજે પણ સુશાસન માટે 'રામ રાજ્ય' શબ્દ પ્રયોજાય છે. 'રામના નામે પથરા તરે', 'રામ રાખે તેને કોણ ચાખે', 'રામ રમી ગયા', 'રામ તેરી ગંગા મેલી', 'રામ ભરોશે' જેવી કેટલીયે કહેવતોનું પ્રયોજન થાય છે.

આપણા હૃદયમાં ભગવાન રામને પ્રવેશ આપીશું તો આપણા રોમેરોમમાં દિવ્ય દીપકો પ્રજવલિત થશે અને અવર્ણનીય પરમ આનંદનો એહસાસ કરીશું. પણ કમનસીબે આપણે ઘરના દ્વાર પર દીપ પ્રગટાવી દિવાળી પૂર્ણ કરીએ છીએ.

જ્ઞાનપોસ્ટ 

દીપ તો ઘરમાં જ પ્રકાશ આપી શકે પણ એક સ્મિત આપણા અને સામી વ્યક્તિના જીવનમાં ઉજાશ પાથરી શકે છે. કોઈના જીવનના અંધકાર અને હતાશામાં પ્રકાશ અર્પતા દીપ બનો તે જ સાચી દિવાળી