Get The App

પ્રજા પોતે જ 'પરમાણુ શક્તિ' છે .

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
પ્રજા પોતે જ 'પરમાણુ શક્તિ' છે                            . 1 - image

- 'જો નાગરિકો ગણવેશ વગરના સૈનિક બની જાય તો તે દેશને દુનિયાની કોઈ તાકાત હરાવી નથી શકતી' : અજિત ડોભાલ 

- વિવિધા-ભવેન કચ્છી

- અમેરિકા અને ઈઝરાયેલની પીછેહઠ ઈરાનના સૈનિકોને લીધે નથી થઈ પણ નાગરિકોની  રાષ્ટ્રભક્તિ સામે તેઓને લાચાર બનવું પડયું ભારતના નાગરિકો ઈરાન, યુક્રેન, વિયેટનામ જેવો જુસ્સો બતાવી શકે ખરા?

ગાં ધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના સમારંભમાં હાજરી આપવા આવેલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલજીએ હાલ વિશ્વમાં યુદ્ધનો માહોલ છે ત્યારે  પરિસંવાદમાં અત્યંત માર્મિક વાત કહી હતી : 'યુદ્ધો માત્ર સેનાઓ નથી લડતી, રાષ્ટ્રો લડે છે.' તેમના મતે, ૨૧મી સદીમાં સૈન્ય તાકાત, આર્થિક શક્તિ અને ટેકનોલોજી સિવાય ચોથો અને સૌથી મહત્વનો સ્તંભ દેશના નાગરિકો છે. . જો દેશની પ્રજા માનસિક રીતે હારી જાય, તો ગમે તેટલી શક્તિશાળી સેના પણ દેશને બચાવી શકતી નથી. આપણે દુનિયાના એવા દેશોની ઝલક લઈએ જ્યાં  સામાન્ય નાગરિકો 'ગણવેશ વગરના સૈનિક' બનીને ઉભા રહ્યા અને ઇતિહાસના વહેણને બદલી નાખ્યું.

ઈરાનની ખુમારી

ઈરાનનો કિસ્સો એ સમજવા માટે શ્રેષ્ઠ છે કે કેવી રીતે પ્રજા 'એન્ટી-મિસાઈલ સિસ્ટમ' બની શકે છે. ૧૯૭૯ની ક્રાંતિ પછી ઈરાને સતત પશ્ચિમી દેશોના દબાણનો સામનો કર્યો છે. 

જ્યારે ઈઝરાયેલ કે અમેરિકા તરફથી ઈરાનના પરમાણુ મથકો (જેમ કે નતાન્ઝ અને ફોર્દો) પર હુમલાની ધમકીઓ મળી, ત્યારે ઈરાની યુવાનો અને વિદ્યાર્થીઓએ ત્યાં જઈને 'માનવ સાંકળ' બનાવી દીધી. તેમનો તર્ક હતો કે - 'જો તમારે અમારા દેશના ભવિષ્યને તોડવું હોય, તો પહેલા અમારા દેહને વીંધવા પડશે.ધઆ જ ઈરાનમાં હજુ થોડા મહિના અગાઉ વર્તમાન કટ્ટરપંથી નેતાઓને ઉથલાવવા પ્રચંડ જન જુવાળ જાહેર માર્ગો પર ફાટી નીકળ્યો હતો અને અમેરિકા તેઓને તમામ રીતે સમર્થન આપતું તે જ નાગરિકો ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે યુદ્ધ જાહેર કર્યું ત્યારે ઈરાનના નાગરિકો જાહેર ઇમારતો, ઓફિસ, પ્લાન્ટ, સંસદ અને  સંવેદનશીલ સંશોધન કેન્દ્રોની ફરતે માનવ સાંકળ બનીને ઉભા રહી ગયા હતાં. અમેરિકાને પણ એમ હશે કે ઈરાનના નાગરિકો તેમના નેતાઓનું પતન કરવા સાથ આપશે પણ નાગરિકોએ દેશની રક્ષા માટે તમામ મતભેદો ભૂલીને અમેરિકાની ગણતરી ઉંધી વાળી.

ટ્રમ્પ ઈરાનને પાષાણ યુગમાં લાવી દેવાની ધમકી આપતા હતાં તેમ ઈરાનના નાગરિકોનો જુસ્સો બેવડાયો હતો.

કોઈપણ દેશ બૉમ્બ, મિસાઈલ કે અન્ય શસ્ત્રોથી તેના દુશ્મન દેશના નાગરિકોનું  સામુહિક રીતે મોત નીપજાવે તો વિશ્વ આખું હુમલો કરનાર દેશ પર ફીટકાર વરસાવે છે અને સંગઠિત પણ થાય છે તેથી હુમલો કરનાર દેશ નાગરિકો પર નરસંહાર કરતા ત્રણ વાર વિચારે છે. 

આર્થિક પ્રતિકાર 

દાયકાઓથી ઈરાન પર તેલના વેપારથી લઈને બેંકિંગ સુધીના પ્રતિબંધો છે. સામાન્ય રીતે પ્રજા સરકાર સામે બળવો કરે, પણ ઈરાની પ્રજાએ 'આત્મનિર્ભરતા'ને ધર્મ બનાવ્યો. તેમણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્થાનિક ઉત્પાદનો અપનાવ્યા.એટલું જ નહીં અમેરિકા અને ઈઝરાયેલને તેઓની ખુમારી બતાવતા ડર્યા વગર બજારમાં ખરીદી જારી રાખી હતી.

હમણાં જ્યારે સીધું સૈન્ય ઘર્ષણ થયું, ત્યારે તેહરાનના બજારોમાં કોઈ ભાગદોડ નહોતી. લોકો સામાન્ય રીતે કામ કરતા રહ્યા, જે બતાવે છે કે પ્રજાનું મનોબળ એ દુશ્મનના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામેની સૌથી મોટી ઢાલ છે.

હીરોશિમાનું કૌવત 

૬ ઓગસ્ટ, ૧૯૪૫નો એ કાળો દિવસ, જ્યારે માનવ ઇતિહાસનો પહેલો પરમાણુ બોમ્બ હીરોશિમા પર પડયો. જાપાન સાવ ભાંગી પડયું હતું, પણ તેની પ્રજાની 'સામૂહિક ચેતના'  અજેય હતી. 

વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ૭૫ વર્ષ સુધી કોઈ પાક કે વનસ્પતિ  નહીં ઉગે. ઇમારતોનો ભંગાર, માનવ કંકાલ ભયાનક ચિત્ર ઉપસાવતું હતું  પણ જાપાનીઓએ ૭૫ દિવસમાં હિંમત ભેગી કરી સફાઈ શરૂ કરી. હીરોશિમાના લોકોએ કાટમાળ ખસેડવા માટે સેનાની રાહ ન જોઈ. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોએ પોતપોતાના મહોલ્લા સાફ કર્યા. આજે હીરોશિમાની 'પીસ મેમોરિયલ' ની આસપાસ જે ભવ્ય બગીચાઓ છે, તે પ્રજાના લોહી-પરસેવાનું પરિણામ છે. 

જાપાનની ખુમારી એ હતી કે તેમણે હુમલાખોર અમેરિકા સામે રડવાને બદલે તેને આર્થિક રીતે પાછળ પાડવાનો લક્ષ્યાંક રાખ્યો. સાઈઠ અને સિત્તેરના દાયકામાં ઇલક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદનમા અગ્રેસેર રહીને કેમેરા, રેડીયો , સ્પીકર,ટેપ રેકોર્ડર, કેસેટ, કેલ્ક્યુલેટર વગેરે પ્રોડક્ટમા પ્રણેતા બની વિશ્વ બજાર સર કર્યું. અમેરિકા અને વિશ્વના નાગરિકો 'મેડ ઈન જાપાન' પ્રોડક્ટ ખરીદી ધન્યતા અનુભવતા હતાં. વોકમેન  અમેરિકાની યુવા પેઢીનું અભિન્ન અંગ બની ગયું હતું. જાપાને પરમાણું  બૉમ્બની આફતને અવસરમા પલટી નાંખી હતી.આજે જાપાનની  'ઝીરો ડિફેક્ટ'  પ્રોડક્શન ફિલોસોફી એ તેમની રાષ્ટ્રભક્તિનું જ પરિણામ છે.

વિયેતનામે વટ પાડયો 

વિયેતનામ યુદ્ધ એ વાતનું જીવંત પ્રમાણ છે કે હથિયારો મનોબળને હરાવી શકતા નથી. અમેરિકાએ ત્યાં જેટલા બોમ્બ ફેંક્યા હતા, તે બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા કુલ બોમ્બ કરતા પણ વધારે હતા. 

વિયેતનામનો દરેક ખેડૂત દિવસે ખેતી કરતો અને રાત્રે સૈનિક બની જતો. તેમણે જમીનની અંદર હજારો કિલોમીટરનું નેટવર્ક બનાવ્યું હતું. વિયેતનામની સ્ત્રીઓ ખભે દારૂગોળો ઉંચકીને દુર્ગમ પહાડોમાં સૈનિકોને પહોંચાડતી. જ્યારે પ્રજા આ રીતે સક્રિય થાય, ત્યારે દુનિયાની કોઈ પણ સેના એ પ્રદેશ પર લાંબો સમય ટકી શકતી નથી.

યુક્રેનનો પ્રતિકાર

રશિયા-યુક્રેન યુદ્ધમાં આપણે જોયું કે ટેકનોલોજીના જમાનામાં પણ નાગરિક શક્તિ કેવી રીતે કામ કરે છે.કિવના રસ્તાઓ પર સામાન્ય ગૃહિણીઓ કાચની બોટલોમાં પેટ્રોલ ભરીને રશિયન ટેન્કોને રોકવા માટે ઉભી રહી ગઈ હતી. 

યુક્રેનના ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર વડે રશિયાના અધવચ્ચે અટકી ગયેલા ટેન્કોને ખેંચી જઈને પોતાની સેનાને સોંપ્યા. આ દ્રશ્યોએ રશિયાના અહંકારને તોડી નાખ્યો હતો. હજારો યુક્રેની યુવાનોએ સોશિયલ મીડિયા પર રશિયન પ્રોપગેન્ડાનો પર્દાફાશ કર્યો. આ એક નવું 'ઇન્ફોર્મેશન યુદ્ધ' હતું.

બ્રિટનનો જુસ્સો 

બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે હિટલરની વાયુસેનાએ લંડન પર આડેધડ બોમ્બમારો કર્યો, ત્યારે લંડનવાસીઓ મેટ્રો સ્ટેશનોમાં રાત વિતાવતા અને સવારે ફરી કામે લાગી જતા. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, 'જો લંડનની પ્રજા હસી શકે છે, તો આપણે યુદ્ધ જીતી શકીએ છીએ.'?

લેનિનગ્રાડનો ઘેરો 

૮૭૨ દિવસ સુધી જર્મન સેનાએ લેનિનગ્રાડ  શહેરને ઘેરી રાખ્યું હતું. લાખો લોકો ભૂખમરાથી મર્યા, લોકોએ ચામડાના પટ્ટાનો માર  ખાઈને દિવસો કાઢયા, પણ જર્મની સામે આત્મસમર્પણ ન કર્યું. પ્રજાની આ મક્કમતાએ જ નાઝીઓને પાછા હટવા મજબૂર કર્યા.

ઇથોપિયાની લડાઈ : ૧૮૯૬માં જ્યારે ઈટાલીએ ઇથોપિયા પર હુમલો કર્યો, ત્યારે ત્યાંની પ્રજા પાસે આધુનિક રાઈફલો નહોતી. પણ રાજા મેનેલિકની હાકલ પર આખું રાષ્ટ્ર એક થઈને લડયું અને યુરોપિયન સત્તાને હરાવનાર તે પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર બન્યું. 

તેવી જ રીતે રવાન્ડામાં ૧૯૯૪ના ભયાનક નરસંહાર પછી, જે પ્રજા એકબીજાને મારવા તૈયાર હતી, તેમણે દેશના હિતમાં બધું ભૂલીને 'ઉમુગાન્ડા' (સામૂહિક શ્રમદાન) શરૂ કર્યું. આજે રવાન્ડા આફ્રિકાનું સૌથી શિસ્તબદ્ધ રાષ્ટ્ર છે.

ભારત માટે આશા 

ભારત માટે આ બધા ઉદાહરણો એક શીખ છે. અજીત ડોભાલજી જ્યારે કહે છે કે 'દરેક નાગરિક એક સૈનિક છે', ત્યારે તેમનો આશય માત્ર હથિયાર ઉઠાવવા પૂરતો નથી.

સાયબર સુરક્ષા : ફેક ન્યૂઝ અને અફવાઓ ન ફેલાવવી એ પણ દેશભક્તિ છે. દેશના નેતાઓ માટે નાગરિકો કઈ સ્તરે જઈને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરે છે, દેશ માટે નાગરિકોને કેવો લગાવ છે, દેશના નાગરિકો ધર્મ, સંપ્રદાય, જાતિ અને જ્ઞાતિથી પરસ્પર કેવો ધિક્કાર ધરાવે છે તે બધા પર અન્ય દેશોની નજર છે. દેશનું ફેબ્રિક જેટલું  તકલાદી  એટલું હરીફ દેશોનું કામ આસાન બંને છે. દેશના નાગરિકો સ્વાર્થી, ડરપોક, વ્યસનમાં ગળાડુબ તેમજ પાણી, વીજળી, બળતણ અને અનાજનું  રેશનિંગ થતાં જ શૂન્ય સહન શક્તિ સાથે યુદ્ધ હોવા છતાં રોષ ફેલાવતા રસ્તા પર આવી જાય તે દુશ્મન દેશનું યુદ્ધ જીતવાનું કામ આસાન બનાવી દે છે. દુશ્મન દેશ શાંતિના વર્ષોમાં હરીફ દેશની પ્રજાને માનસિક રીતે ખતમ કરી દેવાના ષડયંત્ર જારી જ રાખતો હોય છે. એક પ્રોપગેન્ડા સેલ હંમેશા કાર્યરત હોય છે. માહિતી અને  પ્રસારણની દુનિયા, સાહિત્ય, સંગીત એવું સર્જન કરે છે કે  પ્રજા શૃંગાર રસ, ધર્મના અફીણ અને અહિંસાના સિદ્ધાંતને સમજ્યા વિના તેમાં ઓળઘોળ અને ગળાડુબ રહે છે. ભારતના નાગરિકો ઈરાન, બ્રિટન, જર્મન, જાપાન કે આફ્રિકી દેશો જેવી ખુમારી બતાવી શકે કે કેમ તે પ્રશ્ન છે. રોંગ સાઈડ પર વાહન આવે, આપણા વાહનને અન્ય વાહન ઘસરકો કરે કે પછી પાર્કિંગ મુદ્દે હત્યા કે જીવલેણ મારામારી કરતો નાગરિક દુશ્મન દેશ હુમલો કરવાની તૈયારી કરે છે તેવી સાયરન સાંભળતા કદાચ ઘરના ઓરડામાં છુપાઈ પણ જાય કેમ કે વાહનના પ્રશ્નએ લોહી ઉકળે તેવું દેશની રક્ષા માટે શક્ય ન પણ બને. 

આર્થિક અનુશાસન:  સ્વદેશી ચીજોનો આગગ્રહ અને કરચોરી ન કરવી તે દેશની તિજોરી મજબૂત કરે છે. 

સામૂહિક શિસ્ત : કટોકટી કે રોગચાળા (જેમ કે કોરોના) વખતે સરકારના આદેશોનું પાલન કરવું તે પણ દેશભક્તિ છે. આપણે ત્યાં એવી કમનસીબ ફેશન છે કે   દેશને નુકશાન થાય તેવા એક્ટિવિસ્ટો વધતા જાય છે 

નાગરિકો પર આધાર 

અજિત  ડોભાલજીનું વિઝન એ છે કે ભારતની ૧૪૦ કરોડની જનતા જ્યારે આ 'અદ્રશ્ય શક્તિ' બનીને ઉભી રહેશે, ત્યારે ભારતને કોઈ દેશ કે સંગઠન હરાવી કે હલાવી સુદ્ધા નહીં શકે.

જ્ઞાન પોસ્ટ  

'પ્રજા એ પાણી છે અને સૈન્ય એ માછલી છે. જો પાણી (પ્રજા) સપોર્ટ ન કરે, તો માછલી (સેના) જીવિત રહી શકતી નથી.'

- માઓ ત્સે તુંગ  

 ' તમારા દેશ માટે પૂછો નહીં કે દેશ તમારા માટે શું કરશે, પણ એ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો.'

- જ્હોન એફ. કેનેડી (અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ) 

'રાષ્ટ્રવાદ એ પવિત્ર ભાવના છે જે સામાન્ય મનુષ્યને પણ અસાધારણ બલિદાન આપવા માટે પ્રેરે છે.'

- સુભાષચંદ્ર બોઝ