નેશનલ ગેમ્સ : ગુજરાતમાં 'ગો ફોર ગોલ્ડ'નો નારો


- ભગવદ્ ગીતાનું આચરણ ન કરવાનું હોય તો તેના કરતાં મેદાન પર ફૂટબોલ રમશો તો સ્વર્ગની અનુભૂતિની વધુ નજીક પહોંચશો : સ્વામી વિવેકાનંદ

- વિવિધા-ભવેન કચ્છી

- સંતાનો જોડે બેસી જુદી જુદી રમતોના દિલધડક મુકાબલા અને ડોક્યુમેન્ટરી ટીવી  પર જુઓ, ખેલાડીઓના સંઘર્ષ અને મનોબળની જીવતી વાર્તાઓ તેઓને કહો

- 'ભાગ લેવા માટે રમવાનો જમાનો નથી, જીતવા માટેના અડગ નિર્ધાર અને તૈયારી સાથે જ મેદાનમાં ઉતરો..હા, પણ હારી જાવ તો હતાશ ન થતાં.' 

- બેડમિન્ટન કોચ પૂલેલા ગોપીચંદનો મંત્ર

આ ગામી  ૨૯ સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી ગુજરાતના હોઇ ગુજરાતને સૌ પ્રથમ વખત  યજમાન બનવાની તક મળી છે એટલું જ નહીં ભારતના જુદી જુદી રમતોના ટોચના ઓલિમ્પિક કે વર્લ્ડ ઇવેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓ પણ મોદી  પ્રત્યેનો આદર વ્યક્ત કરવા નેશનલ ગેમ્સમાં હોંશભેર ભાગ લેવા આવનાર છે. સામાન્ય રીતે ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં ભાગ લેવાનું ટાળતા હોય છે કેમ કે તેઓ રાષ્ટ્રીય સિદ્ધિ તો મેળવી ચૂક્યા હોય છે.તેઓનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને તે માટેની તૈયારી જ હોય તે સ્વાભાવિક છે.

નેશનલ ગેમ્સ તો એક મીની રિહર્સલ છે બાકી જે રીતે મોદીનો  નેતા તરીકે પ્રભાવ  અને ભારત દેશનું વજન વિશ્વ સ્તરે વધતુ જાય છે તે જોતા ૨૦૩૬માં  ભારતમાં ઓલિમ્પિક યોજાય તે સ્વપ્ન સાકાર કરીને જ  તેઓ રહેશે તેમ હવે કહી શકાય. અહીં પણ 'એડવાન્ટેજ ગુજરાત'  છે કેમ કે આ ઓલિમ્પિકનું યજમાન અમદાવાદ હશે તેવી જાહેરાત અને તૈયારી કરવાના આદેશ પણ તંત્રને આપી દીધા છે.

અત્યારે અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને  પછી ભારતનું પાંચમા ક્રમાંકનુ અર્થતંત્ર છે. ૨૦૩૬માં ભારત ત્રીજા ક્રમે પણ હોઇ શકે.ગત ૧૬ સપ્ટેમ્બરે મોદીએ એક જમાનાના સુપર પાવર રશિયાના પ્રમુખ પુટીનને  જાણે બિગ બ્રધર્સ હોય તેમ સલાહ આપી કે  'આ સમય યુદ્ધનો નથી.' પુટીને  પણ ડાહ્યા ડમરા બનતા કહ્યું કે 'પણ..જુઓને યુક્રેન માનતું જ નથી અને અમને યુધ્ધમાં ઢસડે છે.અમે તો ઈચ્છતા જ નથી. અમને તમારી લાગણીની ચિંતા છે. અમે તમને વખતોવખત પરિસ્થિતિથી વાકેફ કરતા રહીશું. મોદી આ પછી અમેરિકાની નજરે એટલે કે વિશ્વની નજરે હીરો તરીકે વધુ ઉભરી આવ્યા. ભારતના અવાજની તમામ વૈશ્વિક ઘટનાચક્રમાં નોંધ લેવાય છે. બરાબર તેના ચોવીસ કલાક પછી મોદી ભારતમાં તેમના જન્મદિન નિમિત્તે નામિબિયાથી આયાત કરેલ ચિત્તાઓને ભારતના કુનો જંગલમાં છોડે છે.આઝાદી પછી ભારતમાં મુક્ત ચિત્તાના આ રીતે  પહેલી વખત પગરણ મંડાયા.

   મોદી ભારતના રમત ગમતની પ્રગતિમાં અંગત રસ લેતા હોઈ  કેન્દ્ર સરકાર, દેશભરના ખેલાડીઓ, રમત મંત્રાલય, સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય સરકાર નેશનલ ગેમ્સને રંગેચંગે વધાવવા અને સંપન્ન કરવા યુધ્ધના ધોરણે છેલ્લા મહિનાથી કાર્યરત બની છે. મોદીએ ખેલાડીઓને જ નહીં તંત્રને ધબકતું અને દોડતું કરી દીું છે.

જે દેશ વિશ્વમાં આર્થિક, આધુનિક અને રાજકીય રીતે શક્તિશાળી હશે તેઓ રમતમાં પણ મોખરે જ હશે. ઓલિમ્પિક મેડલની રીતે પણ અમેરિકા, ચીન, કેનેડા જાપાન અને યુરોપીય દેશો જ અગ્રણી હોય છે. ત્રીજા વિશ્વના દેશો કે ગરીબ દેશો બે આંકડામાં તો ઠીક પાંચ ગોલ્ડ સુધી પણ નથી પહોંચતા હોતા. ભૂતકાળમાં આપણા નેતાઓએ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે જે દેશમાં કિશોર અને યુવાનો રમત જગતમાં ભાગ લે તેવું સ્પોર્ટ્સ કલ્ચર હોય તે દેશ આપોઆપ તાકાતવર, ખમીરવંતો અને દેશદાઝ ધરાવતો થઈ જતી હોય છે. તમે આપણા દેશમાં ફરતા હો ત્યારે આપણા નાગરિકોને જુઓ અને સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા દેશના નાગરિકોને જુઓ તો ચાલ, આત્મવિશ્વાસ, સપ્રમાણ દેહસૌવ અને  ચહેરા પરની ચમક જ જુદી તરી આવશે. નાગરિક શિસ્તનું પણ સહજ ઘડતર થાય છે. સ્પોર્ટ્સ થકી ખેલદિલી, સામૂહિક જીવન, ટોપ પર રહેવાનું લક્ષ્ય, જાતમહેનત અને ચારિત્ર્ય નિર્માણ પણ થાય જ.  સાહસ, પ્રવાસ, સાયકલિંગ, રનિંગ, હાઈકિંગ, સ્વિમિંગ અને પ્રકૃત્તિ જોડેની સહવાસ વિદેશના નાગરિકો મહત્તમ માણી જીવન પણ ઉત્સવની જેમ ઉજવે છે.

ભારતમાં એક જમાનામાં સ્કાઉટ અને એન.સી સી.માં હોવું  તે વિદ્યાર્થીકાળથી ગૌરવ મનાતું. આર.એસ.એસ.ની શાખામાં પણ  કિશોરવયથી જનારો મોટો વર્ગ હતો. આજે દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં જેઓ પ્રદાન આપી ચૂક્યા છે કે આપે છે તેઓના પાયામાં વિદ્યાર્થી કાળમાં આવી પ્રવૃત્તિ, અખાડા, દેશી રમતો, કુંડ અને નદીઓમાં તરવાનો શોખ તેમજ અલગારી રખડપટ્ટી હતી.

વિદેશમાં તો લશ્કરમાં અમુક વર્ષ ફરજિયાત તાલીમ લેવી તેવી પ્રથા છે ત્યારે ભારતમાં કમ સે કમ પ્રત્યેક રાજ્યમાં સ્કાઉટ કે એન.સી. સી. કેમ ફરજિયાત ન બનાવી શકાય. કોઈ એક ઇન્ડોર કે આઉટડોર  અને ફિઝિકલ ટ્રેનિંગને પણ વિષય તરીકે ગણવાની જરૃર છે.

આપણા દેશનો મોટો યુવા વર્ગ   સોશિયલ મીડિયામાં શૂરા પુરવાર થવામાં જ તેમનો અમૂલ્ય સમય વેડફે છે અને વાસ્તવિક જીવનમાં માયકાંગલા છે. જીવનમાં કારકિર્દીના ઘડતર, તેમાં પ્રગતિ માટે અને કંઇક હેતુપૂર્ણ પ્રાપ્ત કરવામાં સમય આપવાની જરૃર છે. પ્રેરણાત્મક પ્રવચનો, સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર અફીણ જેમ નવી પેઢીને નુકશાન કરે તેમ અતિરેક ભરી ન હોવી જોઈએ. આપણે શું સારું છે તે જાણી લીધું હવે તેવું જીવન જીવવાનું પણ શરૃ કરીશું કે પછી ધર્મ સંપ્રદાય અને સંસ્કૃતિની તેલ માલિશ કરતા રહી બાવડા જ ફુલાવતા રહીશું.

સ્વામી વિવેકાનંદના પ્રવચનો પર આધારિત પુસ્તક 'કોલંબો ટુ અલ્મોરા'માં  એક પ્રવચનમાં વિવેકાનંદે યુવાઓને સંબોધતા એવું કહ્યું હતું કે 'તમે ભગવદ્ ગીતાનું પઠન કરવા કરતા મેદાનમાં જઈને  ફૂટબોલ રમશો તો સ્વર્ગની વધુ નજીક હોવાની અનુભૂતિ પ્રાપ્ત કરશો.'

વિવેકાનંદનો કહેવાનો અર્થ એમ હતો કે તમે રોજ ગીતા વાંચો કે સાંભળતા જ રહો અને જીવનમાં તેનું આચરણ ન કરો તેના કરતા તમે મેદાન પર જઈ  ફૂટબોલ ( કે કોઈપણ રમત) રમતા હશો તે વધુ આવકાર્ય અને પરિણામલક્ષી છે કેમ કે  

ત્યારે તમે  કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ત્રણેયનું આપોઆપ પાલન કરતા હશો અને લક્ષ્ય પ્રાપ્તિ કે તે માટેનો સાચો સંઘર્ષ કરતા 'એક્શન મોડ'માં હશો.

દેશને મજબુત શારીરિક અને માનસિક બાંધાના નાગરિકોની જરૃર છે. જરા વિચારો, દુશ્મન દેશો ભારતની યુવા પેઢીને ખતમ કરવા જ ડ્રગ  ઘુસાડવાનું ષડયંત્ર ધરાવે છે ને. બાળકો અને યુવા જગત જ દેશનું ભાવિ છે.

અમદાવાદમાં  નેશનલ ગેમ્સ અગાઉ રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબઘ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા જ એક 'ગો ફોર ગોલ્ડ' કાર્યક્રમમાં ભારતના બેડમિન્ટન કોચ કે જેના હાથ નીચે સાયના નેહવાલ અને પી.વી.સિંધુનું પાયાના વર્ષોમાં ઘડતર થયું હતું તેવા પુલેલા ગોપીચંદે યુવા ખેલાડીઓની હાજરી વચ્ચે પ્રેરક વાત કરી કે 'અત્યાર સુધી આપણે રમત જગતમાં જોઈએ તેટલા મેડલ નથી જીત્યા તેનું એક  કારણ એવું પણ છે કે આપણને એમ જ શીખવવામાં આવતું કે જીતવું જરૃરી નથી પણ રમત કે સ્પર્ધામાં ભાગ લેવું જ જરૃરી છે. જે યોગ્ય નથી.'

ત્યાર પછી ગોપીચંદે ઉમેર્યું હતું કે મારા ગુરુજીએ મને તાલીમ દરમ્યાન કહેલું કે 'રમતમાં ભાગ માત્ર નથી લેવાનો ( ફોર્મ ભરી દો કે નિયત ફી ભરી દો એટલે ભાગ લેવો નિશ્ચિત બની જાય તેમાં શું) પણ નંબર એક બનવાના ધ્યેય સાથે જ સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને તો જ શિસ્ત, સંયમ અને કઠિન પરિશ્રમ સાથે નિયમિત ઘનિ તાલીમ લેવાની પ્રેરણા જાગશે ને. આપણે  રમત, વ્યવસાય, કારકિર્દી કે  દેશની રીતે અગ્રણી રહેવાનું લક્ષ્ય તો રાખવું જ પડશે.'

બેડમિન્ટનની રમતની રીતે ઉદાહરણ આપતા ગોપીચંદે તે પછી કહ્યું કે 'માની લો કે હું ૩- ૨૦ના સ્કોરથી પાછળ હોઉં તો પણ તે વખતે મારામાં એવી આત્મશ્રદ્ધા અને લડાયક જીજીવિષા હોવી જોઈએ કે હું હજી મેચને મારી તરફેણમાં લાવી શકીશ.એક એક શોટમાં ઝઝૂમીશ. જો મારું લક્ષ્ય માત્ર ભાગ જ લેવાનું હશે તો હું આ બધી ક્વોલિટી બહાર નહીં લાવી શકું.અત્યારે વિશ્વમાં કોઈપણ ક્ષેત્રમાં વિજેતા બનવું પડે છે.હા, આવા અથાગ પ્રયત્ન પછી હું હારીશ તો ભાંગી નહીં પડું. ત્યારે મારા મનને કમાંડ આપીશ કે આ મેચમાં અને મારી તાલીમમાં જે પણ ત્રૂટિઓ છે તેમાં હું બીજી મેચ વખતે સુધારો કરીને રમીશ. ફરી હારીશ તો તે પછીની મેચમાં જીતવાનો દ્રઢ નિર્ધાર કરતી રહીશ. આમ છતાં તમામ પ્રયત્નો બાદ પણ ધર્યું પરિણામ ન મળે તો હરીફ ખેલાડીને બિરદાવી મારી હાર કે મર્યાદા ખેલદિલીથી સ્વીકારીશ પણ ડિપ્રેશનનો કે નકારાત્મકતાનો શિકાર નહીં જ બનું.'

પ્રકાશ પદુકોણે(દીપિકાના પિતા) ઉપરાંત ગોપીચંદ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન સ્પર્ધા જીતનાર ભારતીય ખેલાડી છે.

આપણા નેતાઓથી માંડી વાલીઓ, ધર્મના આગેવાનો, પ્રેરક પ્રવચનો આપનારાઓને  રમત ગમતની દુનિયામાં રસ છે ખરો? ટેનિસના લેજેન્ડ ફેડરર, નડાલ, યોકોવિચની રમત સંતાનો જોડે બેસીને કે તેઓની હાજરી વચ્ચે ટીવી ઓન કરીને જોઈ હોય તેવા વાલીઓ કેટલા? માત્ર ૧૯ વર્ષની વયનો સ્પેનનો  ખેલાડી અલ્કારાઝ યુ.એસ.ઓપન ચેમ્પિયન બનવા સાથે વર્લ્ડ નંબર વન બનીને ઇતિહાસ સર્જે તેનો ફોટો પણ સંતાનને બતાવવાની તસ્દી કેટલા વાલીઓએ લીધી.

ભાલા ફેંકના ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાથી માંડી ફૂટબોલ લેજેન્ડ રોનાલ્ડો કે માનસિક રીતે ખતમ થઈ ચૂકેલા ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની 'ફિનિક્સ' દસ્તાવેજી એમેઝોન પ્રાઈમમાં જોઈ? અખબારોમાં મેડલ વિજેતાની ગરીબી  કે કરોડો રૃપિયા સાથે લીગ જોડે કરારબદ્ધ થતાં ખેલાડી કે જે ફાટેલા બુટ અને બંને પગના જુદા જુદા જુદા રંગના ફાટેલા મોજાં પહેરીને આગળ આવ્યા છે તેની વાત મીડિયામાં પ્રકાશિત થાય જ છે.કયા વાલીઓએ સંતાનોને આવા અહેવાલો વંચાવ્યા? નવી બાળ કે કિશોર વાર્તાઓ એવી બનાવો કે જે જીવતી, જીવાતી વાર્તા હોય.વાસ્તવિક જીવનમાં મારા તમારા કરતા બદતર સંજોગોમાં આગળ આવીને જેઓએ લક્ષ્ય પ્રાપ્તિ કરી હોય 

નેશનલ ગેમ્સમાં ભારતના ઓલિમ્પિક કાફલા કરતા પણ વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.આવા ઉત્સાહનું કારણ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે 'રમશે ગુજરાત, ખેલશે ગુજરાત'ના સૂત્ર સાથે ખેલમહાકુંભ' રમતોત્સવનું   આયોજન શરૃ કરાવ્યું હતું. ગત માર્ચમાં તેમણે ૧૧માં ખેલ મહાકુંભનું ઉદઘાટન કરતા ખાસ હાજરી આપી હતી.આ જ મોડેલ દેશવ્યાપી અપનાવાયુ. આજે રાજ્ય અને દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ઉભુ થયું છે જેનું પરિણામ બીજા ચાર - આઠ વર્ષ પછી દેખાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો ખેલાડીઓ અને કોચને શાબાશી સાથે પ્રોત્સાહન આપતા એક પ્રી લોન્ચ કાર્યક્રમમાં કહી દીધું છે કે ગુજરાત હવે દાળ- ભાત ખાતું એટલે કે રમતના મેદાનમાં કૌવત ન બતાવી શકે તેવું અશક્ત રાજ્ય નથી રહ્યું. 

દેશમાં રમતનું વાતાવરણ અને ખેલાડીઓમાં જુસ્સો વધ્યો છે તેનું એક કારણ એવું પણ છે કે  મોદી ભારતના ઓલિમ્પિકસના કે કોમનવેલ્થ  ગેમ્સના ખેલાડીઓને પ્રેેરિત કરતાં અને શુભેચ્છા આપતા ખાસ નવી દિલ્હીમાં ભોજન સમારંભ યોજાતા હોય છે.ટીમ પરત ફરે તે પછી તેઓની સફળતા અને પ્રયત્નને બિરદાવવા ફરી આવું સ્નેહ મિલન યોજાય. એક કોમન મેનની જેમ પ્લેટ હાથમાં પકડીને તેઓ ભોજન લેતા, ખેલાડીઓને આગ્રહ કરીને ભોજન પીરસતા જાય.' હવે તો ઇવેન્ટ પૂરો થયો થોડો બ્રેકનો સમય છે.. થોડો આઈસ્ક્રીમ લેવાય તેમ તેઓ પી.વી. સિંધુને કહેતા સાંભળી શકાય.ખેલાડી કે ટીમની સફળતા પછી તરત તેમનું ટ્વીટ હોય જ.ભારતની હોકી ટીમના કોચ અને કેપ્ટન જોડે મેડલ જીત્યા પછી તેમણે વિડિયો કોલ કરીને શુભેચ્છા આપતા વાતચીત પણ કરી હતી. વિશ્વના કોઈ દેશના કોઈ નેતા આવું તેમના ગોલ્ડ મેડલની ખાણ જીતાડી લાવતા ખેલાડીઓ જોડે પણ  સૌજન્ય નથી દાખવતા. હવે તો 'ઓલિમ્પિક ગોલ્ડ મેડલ કવેસ્ટ' મિશન પણ ચાલે છે.

આપણા રાજ્યના નેતાઓએ નેશનલ ગેમ્સ વખતે રાજનીતિના ડ્રેસ પડતા મૂકીને કમ સે કમ ઉદઘાટન વખતે નેશનલ ગેમ્સના લોગો કે મેસ્કોટ સાથેની જર્સી અને પેન્ટ પહેરવા જોઈએ. ભલે ખેલાડીની જગ્યાએ કોચ કે ઓફિસિયલ જેવા લાગો પણ સ્પોર્ટ્સનું વાતાવરણ તો સર્જાય. મોદીજી કૂનો જંગલમાં ચિત્તા છોડતી વખતે ફેલ્ટ હેટ, ગોગલ અને જર્સી - પેન્ટ પહેરી  સફારીના પ્રવાસી, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કે નેચર ટ્રેકર જેવો ડ્રેસ કોડને અનુસર્યા જ હતા ને.

City News

Sports

RECENT NEWS