આતંકવાદીઓ પણ સેટેલાઇટ ઇમેજથી સજ્જ
- સેટેલાઇટ ઇમેજ રૂ. ત્રણ લાખમાં ફોટોગ્રાફની જેમ ખાનગી કંપનીઓ ઝીલી આપે છે : પહલગામના
- આતંકી સ્થળની સેટેલાઇટ તસવીર અમેરિકાની મેક્સાર કંપનીએ વેચી હતી
- વિવિધા-ભવેન કચ્છી
- સરકાર ,સેના કે અવકાશ સંસ્થાઓ જ નહીં હવે ખાનગી કંપનીઓ પણ તેમના ઉપગ્રહો ધરાવે છે સેટેલાઇટ ઇમેજ વેચે છે ભારતીય સેનાએ વિશ્વ સમક્ષ પાકિસ્તાનમાં કેવી તારાજી સર્જી તે પુરવાર કરવા સેટેલાઇટ તસવીરો જ રજૂ કરી ઃ ચીનને પણ આ રીતે ખુલ્લું પાડયું હતું
આતંકવાદીઓ પહેલગામમાં પર્યટકોને આબાદ રીતે નિશાન બનાવી ગયા તે પછી ભારતીય સેના અને પોલીસને પણ સમજતા વાર લાગી કે આતંકવાદીઓ પાકિસ્તાનની સરહદ પાર રહીને કઈ રીતે આ યોજના પાર પાડી શક્યા હશે. સ્થાનિક નાગરિકોની મદદ હોય તો પણ ચોક્કસ લોકેશન પર આવવું, ઓપરેશન પાર પાડવું અને ગીચ ખીણ ધરાવતા જંગલોમાં નાસી જઈને તેમના અડ્ડા પર પરત ફરવું તે જેઓએ કાશ્મીરની ભૂગોળ જોઈ હોય તેને જ ખ્યાલ આવે કે આ ખૂબ અભ્યાસ,રેકી માંગી લેતું કામ છે.
હવે છેક ભારતીય સેનાને તેનો તાગ મળ્યો છે કે આતંકવાદી જૂથે છેક ૨ ફેબુ્રઆરીથી ૨૨ ફેબુ્રઆરી દરમ્યાન પહેલગામમાં જ્યાં હુમલો થયો છે તે વિસ્તારની ૧૨ જેટલી સેટેલાઇટ ઇમેજીસની માંગ અમેરિકાની મેક્સાર ટેક્નોલોજી સમક્ષ કરી હતી. જી ,હા હવે ફોટોગ્રાફીના સ્ટુડિયોની જેમ તમે ઈચ્છો તે પૃથ્વીના વિસ્તાર કે લોકેશનની સેટેલાઇટ ઇમેજનો ઓર્ડર ખાનગી કંપનીઓને આપી શકો.આવી ડઝનથી વધુ કંપનીઓ વિશ્વમાં છે.
આ ખાનગી કંપનીઓ તેમના ઉપગ્રહો ધરાવે છે કે તેઓ ઉપગ્ર સેવાને ભાડે પણ લે છે.સેટેલાઇટ ઇમેજ કંપની તમે ક્યા હેતુ માટે ઇમેજ ખરીદો છો તે અંગે પૂછતાછ નથી કરતી હોતી.
પાકિસ્તાનની કંપનીની હરકત
'ધ પ્રિન્ટ'ના અહેવાલ પ્રમાણે કંપનીએ તો એટલે સુધી જણાવ્યું છે કે મેક્સાર કંપનીને પહલગામના ખાસ લોકેશનની હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટની ઇમેજ માટે ઓર્ડર મળી શકે તેવી વાત જૂન,૨૦૨૪માં પણ થઈ હતી. એક સેટેલાઇટ તસવીર રૂ.ત્રણ લાખમાં વેચાતી હોય છે.
મેક્સાર સેટેલાઇટ ઇમેજ કંપનીને ખબર પણ નહીં તેમ તેઓએ પાકિસ્તાન સ્થિત બીઝનેસ સિસ્ટમ ઇન્ટરનેશનલ કંપની જોડે એશિયન માર્કેટ માટે ભાગીદારી કરી.આ કંપની ઓબેઈદુલ્લાહ સૈયદની માલિકીની છે. સૈયદ અમેરિકામાં એક વર્ષ જેલની સજા પણ કાપી ચૂક્યો છે. પાકિસ્તાન એટોમિક એનર્જીને સૈયદ અમેરિકાથી ખાસ સોફ્ટવેર, કોમ્પ્યુટર પાર્ટસ પાકિસ્તાન મોકલતો જેની મદદથી બોમ્બ ધડાકા,પરમાણુ શસ્ત્રો બનાવી શકાય. મેક્સારને પુલવામા, અનંતનાગ, રાજૌરી પૂંચ અને બારામુલ્લાની સેટેલાઇટ ઇમેજીસ પણ અમુક ગ્રાહકને છેલ્લા વર્ષમાં આપી છે.
ભારતીય સેના અને ઈસરો બંને હવે મેક્સાર સેટેલાઇટ ઇમેજ કંપનીને આ ઓર્ડર કોણે આપ્યાહતા તેની પૂછપરછ કરવાની છે. જો કે કંપની આ જવાબ આપવા બંધાયેલી નથી કેમ કે તેમના ધંધાની પાયાની શરત જ ગુપ્તતા છે. હા, સૈયદ કંપનીનો પાર્ટનર રહ્યો હોઈ પ્લોટ વધુ ઘેરો બનતો જશે તે નિશ્ચિત.
સેટેલાઇટ ઈમેજના પુરાવા
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને જે પદાર્થપાઠ ભણાવ્યો તેમ છતાં પાકિસ્તાનની સરકાર અને સેનાએ દુષ્પ્રચાર કર્યો કે અમે ભારતને ખોખરું કર્યું છે. પાકિસ્તાનના નાગરિકો તો આ દાવાને સાચો માનીને વિજય સરઘસ પણ જાહેર માર્ગ પર કાઢવા માંડયા હતા.તે પછી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલી તબાહીની સેટેલાઇટ ઇમેજીસ બહાર પાડી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું.
ભારે શર્મિંદગી સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરમાં કબૂલવું પડયું કે ભારતે પાકિસ્તાનના કયા કયા એર બેઝ, આતંકી અડ્ડાઓ અને લોન્ચ પેડ ધ્વંશ કરી દીધા.
વિશ્વને પણ સેટેલાઇટ ઇમેજીસ જોયા પછી સત્તાવાર રીતે માનવું પડયું કે ભારતનો હાથ પાકિસ્તાન કરતા ઘણો ઉપર રહ્યો છે.
સેટેલાઇટ ઇમેજનો ભારતે ગયા વર્ષે ચીન સામે પણ ઉપયોગ કર્યો હતો.
ચીને અંકુશ રેખા નજીક લડાખના ગલવાન અને દૌલત બેગ ઓલ્ડી પાસે આવેલ દેસપાંગ વિસ્તારમાં ટેન્કો અને લશ્કરી જમાવડો કરી દીધો હતો. ભારત જોડેની સૂલેહ મંત્રણા જારી હતી ત્યારે ચીન પીઠ પાછળ આવી હરકત આગળ ધપાવતું રહ્યું હતું. ભારતીય રક્ષા મંત્રાલય ચીનને ચેતવણી આપતું હતું ત્યારે ચીન એક જ વાતનું રટણ કરતુ હતું કે 'અમે સરહદે અગાઉની સમજૂતીનો કોઈ ભંગ નથી કરી રહ્યા. બરાબર આ જ સમયે ચીને કઈ હદે લશ્કરી દબાણ અને બાંધકામ આગળ ધપાવી દીધું છે તેની સેટેલાઈટ તસ્વીરો ભારતીય રક્ષા મંત્રાલય, ભારતના અને વિદેશી મીડિયાએ રજુ કરી અને ચીનની હલકા માનસ સાથેની ચાલાકી ખુલ્લી પડી ગઈ હતી . ભારતને આ સેટેલાઇટ તસવીર મેક્સાર કંપનીએ જ આપી હતી.
ઈમેજનો ધીકતો ધંધો
સેટેલાઇટ ઇમેજનો ધંધો ધમધોકાર ચાલે છે. જે રીતે પ્રિન્ટ , ટીવી અને ડીજીટલ મીડિયા દેશ-વિદેશના રોજે રોજ, પળે પળના સમાચારો,તસ્વીરો અને વિડીયો કન્ટેન્ટ મેળવવા એક કે વધુ એજેન્સીઓ જોડે વાર્ષિક નિશ્ચિત રકમ આપીને તે સેવા મેળવે છે તેમ હવે મીડિયા જ નહીં પણ ઉદ્યોગ ગૃહો, ટેકનો કંપનીઓ અને અવનવા સેકટર્સ સેટેલાઈટ તસ્વીરો પૂરી પાડતી કંપનીઓ જોડે કરાર કરે છે. આ કંપનીઓ તેમના ગ્રાહકોની જરૂરિયાતની સેટેલાઈટ તસ્વીરો અવકાશમાંથી તેમના પોતાની માલિકીના કે ભાડા પટ્ટે લીધેલા માનવ સર્જિત ઉપગ્રહો (સેટેલાઈટ)ની મદદથી ખેંચી આપે છે. આપણે ડ્રોન ફોટોગ્રાફી જોઇને હજુ દંગ થઈએ છીએ ત્યાં થ્રી ડી સેટેલાઈટ ઈમેજિસની ટેકનોલોજી અને ધંધો વિશ્વમાં સહજ અને હાથવગો બનતો જાય છે.
આમ તો સેટેલાઈટ તસ્વીર કંઈ નવી વાત નથી. જે તે દેશની અવકાશ સંસ્થાઓ તેમના ઉપગ્રહોથી તસ્વીરો ઝીલતી જ હોય છે. ભારતનું 'ઈસરો' કે અમેરિકાનું 'નાસા' અને યુરોપના દેશોના સમૂહનું 'યુરોસેટ' ઉપરાંત ચીન સહીત મોટાભાગના દેશોની માલિકીના સેટેલાઈટ છે. પણ આ સેટેલાઈટ દ્વારા લેવાતી ઈમેજ જે તે દેશની સરકારને હસ્તક જ હોય છે. સરકાર અને તેના વિભાગો વિશેષ કરીને હવામાનની આગાહી કે કુદરતી આપત્તિ વેળાએ સેટેલાઈટ તસ્વીરો ખેડૂતો, સામાન્ય નાગરિકો માટે જાહેર મીડિયામાં મુકે છે. સંરક્ષણને લગતી સેટેલાઈટ તસ્વીરો ગોપનીય પણ રાખે છે.
સેટેલાઈટ ઈમેજ વેચવાનો ધંધો હાલ ત્રણ અબજ ડોલરનો છે પણ હવે જ તેણે ખરી ગતિ પકડી છે.આટલા મુકામે પહોંચતા પંદર વર્ષ લાગ્યા છે પણ હવે છ અબજ ડોલરે ૨૦૨૬ સુધીમાં જ સ્પર્શ કરી લેશે તેવું માર્કેટના નિષ્ણાતો અનુમાન લગાવી ચૂક્યા છે.
ઇમેજ કોણ ખરીદે?
સેટેલાઈટ ઈમેજીસ મીડિયા,સરકાર અને સંરક્ષણ વિભાગ સિવાય કોણ ખરીદતું હશે અને આટલો મોટો ધંધો કઈ રીતે શક્ય બનતો હશે તે તે સવાલ આપણને થાય તે સ્વાભાવિક છે. તો જાણી લો કે વિશાળ ખેતરો ધરાવી અવનવા પાક લેતી ફૂડ કંપનીઓને તેમના પ્રત્યેક પાકની ખાસિયત પ્રમાણેના હવામાનની સેટેલાઈટ તસ્વીર જોઈએ. કોઈ ઉદ્યોગને જમીન ખરીદવી હોય અને તેની આજુબાજુની દુર સુધીની ભૌગોલિક ખાસિયતો કે ઉણપો ધરાવતી ઈમેજ જોવી હોય તો તે સેટેલાઈટ ઈમેજ કંપનીની મદદ લે. જે તે વિસ્તારમાં વન્ય પ્રાણી, પ્રદુષણ કે અડચણ ઉભા કરતા ટાવરો અને પર્વતમાળાઓ છે કે કેમ તે પણ આવી તસ્વીરો બતાવે. નકશા બનાવવામાં ,અર્બન અને રૂરલ પ્લાનિંગ માટે, આફત નિવારણ આયોજન કે મેનેજમેન્ટ, એનર્જી અને કુદરતી સંપદાની કંપનીઓ, આકાશી નજર અને સંરક્ષણ માટે સેટેલાઈટ તસ્વીરોની જરૂર પડે.અને હવે આતંકવાદી સંગઠનો સચોટ નિશાન પાર પાડવા કે પછી આંતર વિગ્રહ,ગૃહ યુદ્ધ કરતી બંડખોર સેના પણ સેટેલાઇટ ઇમેજ હુમલા કરવા અને ગાઢ જંગલો, ખીણ, કોતરોમાં ક્યાં છુપાઈએ તો કોઈની નજરમાં ન આવીએ તે લોકેશન શોધવા પણ સેટેલાઇટ ઇમેજ ખરીદે છે.
1900 ઉપગ્રહ કાર્યરત
૧૯૫૭માં સોવિએત યુનિયને 'સ્પુટનિક' નામનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ૮,૩૭૮ આવા ઉપગ્રહો વિશ્વનાં ૪૦ દેશોની અવકાશી સંસ્થાઓએ અને ખાનગી કંપનીઓએ મળીને લોન્ચ કર્યા છે. જેમાંથી ૪,૯૯૪ હાલ ભ્રમણ કક્ષામાં છે અને ૧૯૦૦ કાર્યરત છે . જેમની આવરદા પૂરી થઇ ગઈ છે કે ખોટકાઈ ગયા છે તેઓ ભંગારની જેમ એમ જ નિરર્થક ગુરુત્વાકર્ષણ કક્ષાની બહાર ફરતા રહે છે. સાત જ કૃત્રિમ ઉપગ્રહો એવા છે જેઓ સંશોધન અર્થે પૃથ્વી સિવાયના ગ્રહોની આસપાસ ભ્રમણ કરે છે. ખાનગી કંપનીઓનું કાર્ય પૃથ્વી પરની અને શક્ય એટલી સ્પષ્ટ ઈમેજ આપવાનું હોઈ તેઓ માટે સેવા આપતા ઉપગ્રહો અન્ય ઉપગ્રહો જેટલી ઉંચાઈએ નથી મુકાતા હોતા. અમેરિકાની સંસ્થા 'નાસા' માને છે કે સાચા અર્થમાં પૃથ્વીવાસીઓ માટે કામના કહી શકાય તેવા ૨,૦૬૨ ઉપગ્રહો જ છે જેમાંથી એકલા અમેરિકાએ જ ૯૦૧ જેટલા કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. તે પછી છેક બીજા ક્રમે ચીન ૨૯૯ અને ભારતનો આંક ૧૦૭ આસપાસ છે. સેટેલાઈટ ઈમેજિસનો ધંધો છ અબજનો છે પણ સેટેલાઈટ મેકિંગ અને લોન્ચિંગનો ધંધો ૨૭૭ અબજ ડોલરનો છે.
ભારતીય અવકાશ સંસ્થા 'ઈસરો'એ સ્પેસના ધંધા અને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપતા તેની લેબ પણ આ ક્ષેત્રમાં પ્રવેશવા માંગતી કંપનીઓ અને તેના સંશોધકો માટે ખુલ્લી મુકવાની જાહેરાત કરી દીધી છે. 'ઈસરો'એ માટે તેની સમાંતર અને તેના હેઠળની એક અલાયદી અવકાશી સંશોધન સંસ્થા જે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લી મુકી છે તેનું નામ 'ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SpACe) રહેશે.
એ.આઇ.ની કમાલ
વિશ્વના દેશો માટે ખાનગી કંપનીઓ પણ સેટેલાઈટ ઈમેજના ધંધામાં આવી ગઈ હોઇ યુદ્ધની રણનીતિ કે જમીન અને દરિયાઈ સીમાઓમાં સેના -સશ ગોઠવણીની ગુપ્તતાની રીતે પડકાર સર્જાયો છે. ભારતે ૧૯૯૮માં પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે આબાદ રીતે અમેરિકાના સેટેલાઈટમાં ગતિવિધિ ઝીલાઈ ન જાય તે માટે રાત્રે જ મહત્તમ કાર્ય કરતા રહી દિવસે એરિયલ ફોટોગ્રાફીમાં રણ જ દેખાય તેમ ગોઠવણ કરી નાઈટ શિફ્ટ પૂરી કરાવી પડતી હતી હતી. જો કે એવી પૂરી શક્યતા છે કે ભવિષ્યમાં વિજ્ઞાની ભેજાબાજો જે છુપાવવાનું છે તેની પર આકાશમાં દેખાય નહીં તેવી જાળી (નેટ)ગોઠવતી ટેકનોલોજી પણ વિકસાવશે.
હવે એ.આઇ.ના આગમન પછી તો અંતરિક્ષમાંથી આપણે પૃથ્વી પર આપણા ઘરની બાલ્કનીમાં ઊભા હોઈશું તો પણ તે ઈમેજ પલકવારમાં આપી દેશે.