'ભારતમાં ન્યુયોર્ક જેવી તબાહી સર્જાવાનો ડર'
- વાયરસની દુનિયાના અગ્રણી વિજ્ઞાાની ડો. ઇયાન લિપીકીનને પ્રશ્ન પૂછાયો કે 'ભારતમાં કોરોનાના સંદર્ભે ભાવિ કેવું લાગે છે?' ઉત્તર હતો..
- વિવિધા- ભવેન કચ્છી
માસ્ક નહીં પહેરવાની બેદરકારી ભારતને ભારે પડી શકે છે
- ભારતમાં પહેલા 2,50,000 કેસ થતા 98 દિવસ લાગ્યા હતા.. હવે દસ લાખના આંક પર પહોંચાડતા છેલ્લા 2,50,000 કેસ આઠ જ દિવસમાં નોંધાયા
- યુદ્ધમાં સૈનિકો 50 -100 કિલોનો શસ્ત્ર-સરંજામ ઊંચકીને જતા હોય છે, આપણે 100 ગ્રામ વજનનો માસ્ક ન પહેરી શકીએ?
ભા રતમાં કોરોનાના પ્રથમ ૨,૫૦,૦૦૦ કેસ માટે ૯૮ દિવસ લાગ્યા હતા.૨,૫૦,૦૦૦થી ૫ લાખ કેસ પર આંકડો વધુ ૧૯ દિવસમાં પહોંચ્યો. ૫,૦૦,૦૦૦થી ૭,૫૦,૦૦૦ કેસ બીજા ૧૨ દિવસમાં થઇ ગયા અને હવે ૭,૫૦,૦૦૦થી ૧૦,૦૦,૦૦૦ કેસ એટલે કે છેલ્લા ૨,૫૦,૦૦૦ આઠ જ દિવસમાં સ્પર્શી ગયા છે. હવે ભારતમાં દિવસના ૪૫,૦૦૦ કેસ ઉમેરાય છે અને આ આંકડો ભયજનક રીતે વધતો જાય છે. અમેરિકાની એમ. આઈ. ટી જેવી જગવિખ્યાત યુનિવર્સીટીએ તો વર્તમાન ટ્રેન્ડ જારી રહેશે તો ૨૦૨૧ના પ્રારંભે રોજના ૨,૫૦,૦૦૦ કેસ ભારતમાં નોંધાશે તેવી વિસ્ફોટક આગાહી પણ કરી દીધી છે. આ અભ્યાસ દરમ્યાન તેઓએ ભારતમાં ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓની નિમ્ન સ્તરની સજ્જતા અને ક્ષમતા, લોક ડાઉન પછી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં અને માસ્ક પહેરવામાં જોવા મળતી ભારે બેજવાબદારી અને ભારતમાં નાગરિકોના ટેસ્ટિંગ જે ધીમી ગતિએ થાય છે તે પરિબળોને પણ જવાબદાર ગણ્યા છે.
કમ સપ્ટેમ્બર
બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ સરકારને ડેટા આપતા જણાવી ચૂક્યું છે કે જો સરકાર તેની ભૂમિકા નહીં ભજવે અને નાગરિકો અત્યારની જેમ બેફામ વર્તન જારી રાખશે તો ૧ સપ્ટેમ્બરે કોરોના કેસોનો સ્કોર ૩૫,૦૦,૦૦૦ હોય તો આઘાત ન પામતા.ભારત કે વિશ્વની અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એજેન્સીઓના તમામના અનુમાનમાં કોઈએ એવું સાંત્વન નથી આપ્યું કે ભારત ક્રમશ: કોરોના પર કાબુ મેળવી રહ્યું છે. ભારતની વસ્તી ૧૩૦ કરોડ છે અને ગીચતા પણ પડકાર સર્જે છે પણ કફોડી સ્થિતિ નિર્માણ પામશે તેનું સૌથી મહત્વનું કારણ માસ્ક અને સોશિયલ અંતર નથી જળવાતું તે જ આપવામાં આવ્યું છે.
દેવદૂત વિજ્ઞાાની
ભારતની વધુ વાત કરતા પહેલા દેવદૂત જેવા એક વિજ્ઞાનીનો આછેરો પરિચય મેળવીએ. અમેરિકાની કોલમ્બિયા યુનિ.ના ડો. ઇયાન લિપકીન ચેપી રોગો અને પ્રતિકાર માટેના સંશોધન ક્ષેત્રના વિશ્વના અગ્ર હરોળના વિજ્ઞાાની અને શિક્ષણવિદ્દ મનાય છે. વાયરસનો અનુભવ કરવા લિપકીન જરા પણ ડર્યા વગર દર્દીઓ વચ્ચે રહે છે. તે તેના પોતાનામાં વાયરસ પ્રવેશે તે માટે જાણી જોઇને આવું મોતને પડકારતું દુ:સાહસ કરે છે. આ જ કારણે તેમને ભૂતકાળમાં સાર્સ પણ થઇ ચૂક્યો છે અને ચીનમાં પ્રથમ કેસ નોંધાતા જ ત્યાં જઈને વાયરસના લક્ષણોનો બારીક અભ્યાસ તેમણે કર્યો. તે પછી ચીનમાં હવાઈ યાત્રા અને પોતાના દેશ અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાય તે પહેલાપરત આવી ગયા અને ન્યુ યોર્કમાં જ લાશોના ઢગલા ખડકાતા હતા ત્યારે અભ્યાસ હેતુથી ખાસ હોસ્પિટલોમાં અને દર્દીઓ વચ્ચે જ રહ્યા.
કોરોનાનો ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ
તેમને વાયરસનો ફર્સ્ટ હેન્ડ અનુભવ લેવો હતો. આ કારણે તેઓ કોરોના વાયરસના શિકાર પણ બન્યા. તેમણે તેમના જ મેડીકલ રિપોર્ટસ, ફોટા અને વાયરસની પેટર્નનો અભ્યાસ કરવાની તક ઝડપી લીધી હતી. પ્રત્યેક વાયરસની શરીર પર જુદી જુદી અસર થતી હોય છે. પોતે વિજ્ઞાાની હોઈ બે છીંક અને ઉધરસ પણ જુદી હોય તેમ માને છે. વિશ્વના ટોચના વાયરોલોજિસ્ટનું એક ગ્રુપ કોરોના વાયરસને જાણવા -પામવાના અભ્યાસમાં દિવસ રાત ઉજાગરા કરીને વ્યસ્ત છે જ્યારે ઇયાન લિપકીને ચૂનંદા વિજ્ઞાાનીઓને સાથે રાખીને ગ્લોબલ ઇન્ફ્કેક્શિયસ ડીસીઝ એપિડેમિયોલોજી નેટવર્કની સ્થાપના કરી છે.
વેક્સિનનો મિજાજ
તેઓ વાયરસ બીજા રાઉન્ડમાં હાહાકાર મચાવશે કે નહીં અને જો તેમ થવાનું હોય તો કઈ રીતે તેને નાથવો તેના શોધ સંશોધનમાં વ્યસ્ત છે. માની લો કે વેક્સિન શોધાય તો પણ તેની અસરકારકતા કેવી હશે તે કહેવું મુશ્કેલ છે ત્યારે લિપકીનની ટીમ વાયરસના ગોત્ર અને કૂળ સુધી પહોંચતો અભ્યાસ કરે છે. જે કંપનીઓ રસી બનાવે છે તેઓ માટે જ નહીં પણ સમગ્ર માનવજગત માટે આ અભ્યાસના તારણો તારણહાર બનશે. આ વિજ્ઞાાનીઓ માને છે કે એવી પૂરી શક્યતા છે કે એક જ રસી અમુક જ વંશની પ્રજાને માટે અસરકારક નીવડે પણ બીજી પ્રજાના દર્દીઓને પરિણામ ન પણ આપે. આર્ય, દ્રવિડ, અમેરિકી, યુરોપીય, અશ્વેત મોંગોલિયન અને તે પછી પ્રત્યેક દેશની પ્રદેશ પ્રમાણેની જાતિ આધારિત વસ્તીના જૈવિક જૂથોને સમાન રસી ન ચાલે તેવું બને. શક્ય છે કે ચીનની રસી અમેરિકામાં અને અમેરિકાએ શોધેલી રસી યુરોપમાં કે એશિયામાં પ્રભાવ ન પણ પાડી શકે. આહાર વિહાર પધ્ધતિ પણ રસીની અસરકારકતા પર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે.
રસીનો જેવો દેશ તેવો વેશ
જ્યારે રસી શોધવાના છેલ્લા સ્ટેજમાં જુદા જુદા દેશોના અને રંગ, જાતિ તેમજ પ્રજાના કુળના ૭૦,૦૦૦થી એકાદ લાખ નાગરિકો પર ટ્રાયલ લેવાશે અને તેનું પરિણામ આવશે તે પછી ખબર પડશે કે સમગ્ર વિશ્વ માટે એક કોમન રસી ચાલશે કે 'જેવો દેશ તેવો વેશ' તે કહેવતને આ વાયરસ પણ અનુસર્યું છે. જે રીતે જુદા જુદા દેશમાં દર્દીઓના મૃત્યુ અને દર્દીઓની સંખ્યામાં વિસંગતતા જોવા મળી છે તે બતાવે છે કે કાં પ્રત્યેક દેશના વાયરસના લેયર જુદા છે અથવા તો એક જ વાયરસ જે તે દેશની પ્રજાને વધતી કે ઓછી અસર કરે છે. ઇયાન લિપકીનની ટીમ આવો અભ્યાસ હાલ કરી રહી છે.
ચીની ષડયંત્ર ?
ઇયાન લિપકીને અગાઉ જણાવ્યું તેમ જાન્યુઆરીમાં જ ચીન દોડી જઈને કોરોના વાયરસની ઉત્ત્પત્તિ અંગે અભ્યાસ કર્યો હતો. ચીને ષડયંત્ર અંતર્ગત આ વાયરસ ફેલાવ્યો છે તેવો સીધો આરોપ મૂક્યા વગર લિપકીને ચોંકાવનારી કોમેન્ટ કરી છે કે વુહાનના પશુ -પંખીના ખાદ્ય બજાર (વેટ માર્કેટ)ના કોઈ પ્રાણી કે ચામાચીડિયાથી કોરોના નથી ઉદ્ભવ્યો અને ફેલાયો પણ આ માર્કેટમાં અગાઉથી કોરોનાનો ચેપ લઈને કોઈ ગ્રાહક પ્રવેશ્યો હશે અને તેણે તે વુહાનનાં બજારના ગ્રાહકો અને વેપારીઓમાં પ્રસરાવી દીધો. આ વ્યક્તિમાં કોરોના કઈ રીતે પ્રવેશ્યો તે કોયડો છે. લિપકીનનું નામ અને પ્રભાવ વાયરસ વિજ્ઞાાન જગતમાં એ હદે છે કે તે કહે એટલે ફાયનલ. એચ આઈ વી, સાર્સ અને ઇબોલા, બાળકોના સામુહિક મૃત્યુ નોતરતો એન્સેફાલીટીસ (બિહારમાં આ વાયરસથી બાળકોના મૃત્યુ થયા તે સમાચાર જાણી લિપકીન ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ અને સેમ્પલ મેળવવા બિહાર દોડી આવ્યા હતા.) કે અન્ય તમામ વાયરસનું માઈક્રો પૃથ્થકરણ કરવામાં તે બેમિસાલ છે. હળવી શૈલીમાં એવું કહેવાય છે કે લિપકીન વાયરસમાં પ્રવેશે છે અને વાયરસના રહસ્યો જાણીને તેને હેરાન પરેશાન કરી મુકે છે.
ભારત માટે ચિંતા
હવે 'બેક ટુ કોરોના એન્ડ ઇન્ડિયા.' ઇયાન લિપકીને મુંબઈ કોલમ્બિયા સેન્ટરના ઉપક્રમે યોજાયેલ ઓનલાઈન પ્રેઝન્ટેશન બાદ 'રિડિફ' દ્વારા ભારતમાં કોરોનાના કેસનું ભાવિ કેવું જુઓ છો તેવો પ્રશ્ન પુછાતા બેધડક રીતે તેને જે લાગ્યું તે કહી દીધું કે ''ખુબ જ તબાહી સર્જતું.' તે પછી તેમણે ઉમેર્યું કે આ શબ્દો સિવાય મારે શું કહેવું એની મને ખબર નથી. અમેરિકામાં ન્યુ યોર્કમાં જે થયું તેવું મને ભારત માટે લાગે છે. ભારતમાં તબીબો અને વિજ્ઞાાનીઓ માટે ભારે કપરો પડકાર સર્જાઈ શકે છે. બધામાં એક પ્રકારની લાચારી જોવા મળશે. ભારતમાં આવી સ્થિતિ નિર્માણ પામશે તેનું મહત્વનું કારણ એ છે કે ભારતમાં ચીન જેવી શાસક પ્રણાલી નથી.'' ચીનમાં નાગરિકોને લોક ડાઉનનો ભંગ થાય તો કારમી સજાનો ડર હતો. જે સજા થતી તે અન્ય નાગરિકોને બતાવાતી હતી જેથી તેઓ ફફડી ઉઠતા. આજે પણ માસ્ક અને બે વ્યક્તિ વચ્ચેનું અંતર ન જળવાય તો ચીનમાં ગંભીર ગુનો ગણાય છે. ભારતમાં એ હદે લોકશાહી પ્રવર્તે છે કે કોઈને કોઈનો ડર નથી. ભીડ જમા થાય છે. માસ્ક પહેરવામાં લાપરવાહી પોતાના અને બીજાના મોત માટે નિમિત્ત બને છે.
ટ્રમ્પની મેલી મુરાદ
અમેરિકા તેની રીતની ફ્રીડમની મહત્તા ધરાવતી લોકશાહીની કિંમત ચૂકવી રહ્યું છે. ત્યાં નાગરિકોને માસ્ક ધરાર નથી પહેરવું. ખુદ પ્રમુખ ટ્રમ્પ લોકમતને પામી તેમના દેશના નાગરિકોને હું માસ્ક પહેરવાનો હૂકમ ન કરી શકું તેમ જાહેરમાં કહે છે. તેમને ફરી પ્રમુખ બનવું છે. નાગરિકોને પડકારી, માસ્ક માટે ફરજ પાડીને ટ્રમ્પ તેઓને નારાજ કરવા નથી માંગતા. એક સત્તાલાલચુ નેતા ચુંટણી જીતવાની રણનીતિ તરીકે તેમના દેશના હજારો, લાખો નાગરિકોના મોતની પણ પરવા ન કરે તે હદની આ પાશવી માનસિકતા છે. ટ્રમ્પ તો જાણે જ છે કે માસ્ક પહેરવાનો દંડાત્મક જોગવાઈ સાથે કાયદો બનાવાય તો નાગરિકોની જાન બચી શકે તેમ છે પણ તેઓને સત્તા જાળવવી વધુ વ્હાલી છે.
માસ્ક પ્રભાવી ઢાલ
લિપકીન તો નાગરિકોને માસ્ક જ કોરોના સામેની સૌથી પ્રભાવી ઢાલ છે તેમ સંકેત આપતા કહે છે કે જો વિશ્વના નાગરિકોએ કોરોનાની શરૂઆત થતા જ માસ્ક પહેરવાનું શરુ કરી દીધું હોત તો કોરોના વાળ પણ વાંકો ન કરી શક્યું હોત. હજુ પણ જો કોરોનાને વધુ હાહાકાર અને
મોતનું તાંડવ ખેલવા ન દેવું હોય તો માસ્ક પહેરી રાખો. એક અભ્યાસ પ્રમાણે જો તમે માસ્ક પહેર્યો હશે તો કોરોનાના વાયરસ સામે તમે ૬૫થી ૭૦ ટકા રક્ષણ મેળવી લીધું તેમ સમજજો. બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રહે તો ઉત્તમ. ઘરની બહાર કોઈ વ્યક્તિ જોડે પાંચ મિનિટથી વધુ લાંબી વાત કરવાનું ટાળશો. રેસ્ટોરાં, શોપિંગ કે સબ્જી મંડી ભયસ્થાનો છે.
ભગવાને કવચ આપ્યું
ભગવાન હંમેશા આપણી રક્ષા કરવા કંઇક કવચ આપે જ છે. જો કુદરત માનવ જગતનો સંપૂર્ણ સફાયો કરવા માંગતી હોત તો એવો તીવ્ર હવામાં જ ભળી ગયેલો વાયરસ બન્યો હોત કે જેમાં માસ્ક કે બે વ્યક્તિ વચ્ચેનું અંતર પણ આપણને બચાવી ન શકે. પણ આ વાયરસથી બચવા માસ્ક અને ત્રણથી છ ફૂટના અંતર જેવા શસ્ત્રો આપ્યા છે. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીને સુરક્ષા કે દીર્ઘાયુ માટે આશીર્વાદ માંગતા હોઈએ છીએ. શું માસ્કને આપણે ભગવાનના સ્વરૂપે આપણા રક્ષક તરીકે ન જોઇ શકીએ? જડીબુટ્ટી, યંત્ર, મંત્ર કે ભગવાનના વરદાન રૂપે માસ્ક ન હોઈ શકે? આખરે તે તો આપણને બીમારી કે મોતથી બચાવે છે. આ જ માસ્ક નહીં પહેરેલ બેદરકાર વ્યક્તિ મોત સામે ઝઝૂમતો હશે ત્યારે ભગવાનને કાકલૂદી કરશે કે 'તમે કહો તે કરીશ. મને માફ કરો. કોઈપણ હિસાબે બચાવી લો.' ત્યારે ભગવાન સ્મિત સાથે એટલું જ કહેતા હશે કે 'માસ્ક જેવી ઢાલ તો તારા માટે બનાવી હતી. યુદ્ધ કરવા સૈનિકો ૫૦-૧૦૦ કિલો વજનના સરંજામ ઊંચકીને ઉતરતા હોય છે. મેં તો માનવ જગતને ૧૦૦ ગ્રામ રૂમાલ જેવું માસ્ક જ કવચ તરીકે આપ્યું હતું.'
હદ બહારની બેપરવાહી
ભારતમાં અને ગુજરાતમાં જે રીતે શાકભાજીની લારીઓ, દુકાનો અને જાહેર જીવનમાં વેપારીઓ, ગ્રાહકો જ નહીં નાગરિકો, શાસકો તેમજ રાજકીય પક્ષોના કાર્યકરો માસ્ક વગર ફરે છે તે જોતા ન્યુ યોર્ક જેવા દ્રશ્યો સર્જાય તો નવાઈ નહીં. તમે એકલા હો અને કદાચ માસ્ક ન પહેરો તો ક્ષમ્ય છે પણ કોઈ ગ્રાહક કે સામી વ્યક્તિ નજીક આવે ત્યારે કે તેની જોડે વાતચીત કરવાની હોય તો માસ્ક પહેરી જ લેવું જોઈએ. સામેની વ્યક્તિની બીમારી કે મૃત્યુ થવું હોય તો ભલે થાય મારે કેટલા ટકા તેવી પિશાચી પ્રકૃતિ તમે ધારણ ન જ કરી શકો. માત્ર દંડ જાહેર કરીને સરકાર હાથ અધ્ધર કરી દે તેમ ન ચાલે. વખત આવે ડંડા ફટકારી માસ્ક પહેરરાવો અને તેમ ન કરી શકો તો પાછો લોક ડાઉન જાહેર કરો.
યાદ રહે જો અમેરિકાની જેમ ટેસ્ટિંગ થાય તો ભારતમાં કોરોના દર્દીઓનો આંક સીધો જ દસ ગણો થઇ જાય. શાહમૃગ જેવી નીતિનો ભાંડો આજે નહીં તો કાલે ફૂટવાનો જ છે. અમેરિકામાં મૃતકોના આંક હજુ વધવાના જ છે. માસ્ક કરતા તેઓને કફન વધુ પસંદ હોય તેમ લાગે છે. ભગવાન ભારતીયોને સદ્દબુદ્ધિ આપે.