- અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કડક કાયદા બનતા જતા હોઈ ભારતના મહત્તમ વિધાર્થીઓને હવે ભારતમાં જ અભ્યાસ કરવો પડશે
- વિવિધા-ભવેન કચ્છી
- કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે આઝાદીની શતાબ્દીના વર્ષમાં એટલે કે ૨૦૪૭ની સાલમાં ભારતમાં ૧૧ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવું શિક્ષણનું સ્તર બનાવવું તેની સામે અત્યારે જ ભારતના 13,50,000 વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરે છે
- ભારતની શૈક્ષણિક સંસ્થાઓ માટે દેશના કે વિદેશના વિદ્યાર્થીઓને કેમ કોઈ આકર્ષણ નથી?
ભા રતે વિશ્વગુરુ કે પછી વિશ્વના દેશોની નજરે એક શક્તિશાળી રાષ્ટ્ર બનવું હશે તો માત્ર આર્થિક મહાસત્તાના રેન્કમાં પ્રગતિ કરતા રહેવાથી તેને તે સન્માન કે આદર નહીં મળે. દુબઈ અને સિંગાપોર જેવી બહુમાળી ઇમારતો કે ઝગારા મારતી રોશનીથી મેટ્રો શહેરોને સજાવવાથી પણ કોઈ વિદેશી આવીને એમ નહીં કહે કે ' હવે ભારતમાં કાયમી રહેવા માટેની યોજના બનાવવી જોઈએ.' કોઈપણ ગુણવત્તાસભર મનાતો દેશ તેઓનાં નાગરિકોની શિસ્ત, ટ્રાફિક સેન્સ, ટ્રાફિક નિયમન, પાર્કિંગની સ્થિતિ, હવા-પાણી, અમુક અંતરે ખુલ્લા હરિયાળા પાર્ક, ભેળસેળ વિનાની ખાદ્ય સામગ્રી અને સૌથી વિશેષ તેઓની શાળા -કોલેજો અને યુનિવર્સિટીના ઊંચા સ્તરને લીધે એક આગવો મુકામ હાંસલ કરતો હોય છે.
આજે એવી સ્થિતિ છે કે ભારતના શ્રીમંતો અન્ય વિકસિત દેશોમાં શિફ્ટ થઇ રહ્યા છે.ભારત વિશ્વની ચોથી આર્થિક મહાસત્તા મનાતું હોવા છતાં વિદેશી રોકાણ વધતું નથી. ભારતની પોતાની ટાટાને બાદ કરતા કોઈ વૈશ્વિક બ્રાન્ડ પણ નથી.
જાકારો છતાં આકર્ષણ
ભારત પાસે ટેલેન્ટ છે પણ તેઓને ભારતમાં વાતાવરણ અનુકૂળ નથી લાગતું.અમેરિકામાં ભારતની આવી પ્રતિભા સામે ભારોભાર ઝેર અને રોષ વધતો જાય છે. કેનેડા અને બ્રિટન ઉપરાંત હવે તો ઓસ્ટ્રેલિયા પણ ભારતના વિદ્યાર્થીઓને જાકારો આપવાની તૈયારી કરી રહ્યું છે. આવી અપમાનભરી સ્થિતિ અને ભારત વિરોધી ધૃણા ફેલાવતી સોશિયલ મીડિયા પરની પોસ્ટ છતાં ભારતની યુવા પેઢી અને વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરીને તે દેશોમાં જ સ્થાયી થવાનું સ્વપ્ન સેવે છે. માતા પિતા એકાદ કરોડનું દેવું કરવા પણ તૈયાર હોય છે. છેલ્લા વર્ષમાં વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રીસ ટકા જેટલો સરેરાશ ઘટાડો જોવા મળ્યો છે તેનું કારણ આ દેશોએ હવે વિદેશી (ખાસ તો ભારતીયો) તેમના દેશમાં અતિક્રમણ ન કરે તેવા કાયદાઓ ઘડયા તે છે. ભારતીય વાલીઓ અને સંતાનો આ કારણે ભારે હતાશા અનુભવે છે.
ભારત નથી આવવું
વિદેશમાં વર્ષોથી સ્થાયી થયેલા જ નહીં પણ દસેક વર્ષથી એચ વન બી વિઝા સાથે નોકરી કરનારા ભારતના યુવાનોને તેમની કંપની ભારતમાં ઊંચા પગાર સાથે ભારતની શાખામાં બદલી કરી આપવા તૈયાર છે તો પણ આવા યુવાનોને ભારત દિલથી આવવાની ઇચ્છા છે પણ ભારતનું જનજીવન અને ગુણવત્તાના કોઈ માપદંડ ન ધરાવતું હોઈ તેઓનું પોતાના દેશમાં રહેવા મન નથી માનતું
કેન્દ્ર સરકારે ભારતની યુનિવર્સિટી કહો કે શિક્ષણ વ્યવસ્થા તેની વિશ્વમાં ઓળખ બનાવી જોઈએ. શોધ અને સંશોધન તેમજ સ્ટાર્ટ અપ માટેની ઇકો સિસ્ટમ ઉભી કરવી જોઈએ. વિદેશમાં કાર્યરત આપણી ટેલેન્ટનો ડેટા એકત્રિત કરીને તેઓ ભારતમાં પરત ફરે તે માટે સંવાદ સાધવો જોઈએ. કંપનીઓનું એક સંગઠન બનાવી અ ટેલેન્ટને નોકરી માટે ઊંચા પગારની ઓફર આપવી જોઈએ. જેઓ સર્જનાત્મક (ક્રિએટીવ) દિમાગ ધરાવે છે તેઓ જે માંગે તેવું સેટ અપ અને આર્થિક પીઠબળ પૂરું પાડવું જોઈએ.
ભાવિ નિર્માણ ન થાય
નવી શિક્ષણ નીતિ આવકાર્ય છે પણ લક્ષ્ય એ જ હોવું જોઈએ કે આપણો વિદ્યાર્થી ભારતમાં જ અભ્યાસ કરે તેવી શિક્ષણ સંસ્થાઓ અને વ્યવસ્થા ઉભી કરવી.
કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા જ ચિંતાજનક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે વિશ્વમાં સૌથી વધુ ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં જાય છે, અગાઉ જણાવ્યું તેમ ભારતની પ્રતિષ્ઠાને તો ફટકો પહોંચે જ છે પણ આપણે ટેલેન્ટ ગુમાવીએ છીએ તેના કારણે મજબુત ભાવિ નિર્માણની રીતે પણ ભારે નુકશાન સહન કરવું પડે છે.
આથી જ એક અભ્યાસ પ્રમાણે બીજા ૨૫ વર્ષ સુધી તો ભારત કોઈ વૈશ્વિક બ્રાંડ કોઈપણ બિઝનેસ ,ઉદ્યોગ કે ક્ષેત્રમાં આપી શકે તેમ નથી.હા, ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ બાદ ત્યાંની કંપનીઓમાં જોબ માટે સ્થાયી થાય છે અને જે તે દેશનાં નામે ચઢતી વૈશ્વિક શોધ સંશોધનમાં ખરેખર તો તેઓ જ મુખ્ય પ્રદાનકર્તા તરીકે હોય છે.
બીજી રીતે કહીએ તો વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા કે સ્થાયી થવા માટે આવતા થાય ત્યારે માનવું કે આપણો દેશ હવે ખરા અર્થમાં વિકસિત અને વિશ્વગુરુ બનવા ભણી જઈ રહ્યો છે.
નીતિ આયોગનો સ્વીકાર
નીતિ આયોગે ૨૦૨૧નાં આંકડા જાહેર કર્યા છે જેમાં જણાવ્યું છે કે ભારતના દર ૨૪ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે તેની સામે એક જ વિદેશનો વિદ્યાર્થી ભારતમાં અભ્યાસ કરવા આવે છે. (તે પણ મોટેભાગે ગરીબ કે અલ્પ વિકસિત દેશના હોય છે.) ૨૦૨૫ના આવા આંકડા તો વધુ ચોંકાવનારા છે. કેમ કે જે વાલીઓ મળે તેઓ એમ જ જાણે ગૌરવ લેતા હોય તેમ કહેતા સંભળાય છે કે 'અમારા સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે.'વિદેશમાં ભયજનક સામાજિક સુરક્ષા છે. હત્યાઓ થતી રહે છે. તેઓનું પણ અર્થતંત્ર કથળેલું છે તેની આપણા વાલીઓ પરવા નથી કરતા બસ, ભારત છોડી બીજે ભણવું તે સ્ટેટસ કે વાલી તરીકેનો શ્રેષ્ઠ ઉછેર મનાય છે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા તો ખરા જ પણ ત્યાં તક ન મળે તો ન્યુઝીલેન્ડ, જર્મની, આયર્લેન્ડ સુધી નજર દોડાવાય છે.
ભારતનું શિક્ષણ સ્તર કેટલી ધીમી ગતિએ પ્રગતિ કરશે તેનો વાસ્તવિક અંદાજ નીતિ આયોગે જ માંડયો છે અને રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૪૭માં ભારતની આઝાદીની પ્રથમ શતાબ્દી ઉજવાતી હશે તે વર્ષમાં વિશ્વના ૧૧ લાખ વિદ્યાર્થી ભારતમાં અભ્યાસ કરતા હોવા જોઈએ તેવા સ્તરનું લક્ષ્યાંક આપણે રાખ્યું છે. હવે તમે વિચારો કે ૨૦૪૭નું ભારતનું જે લક્ષ્ય છે તેના કરતા વધુ એટલે કે ૧૩.૫૦ લાખ ભારતીય વિદ્યાર્થીઓ તો અત્યારે જ વિશ્વમાં અભ્યાસ કરે છે.
80% પરત નહીં આવે
હાલ ભારતમાં વિશ્વના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના એક ટકો વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે આવે છે અને તે પણ અગાઉ જણાવ્યું તેમ અલ્પવિકસિત કે ગરીબ દેશોના મહત્તમ હોય છે.
ભારતના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી ૮૦ ટકા પરત આવવાની યોજના નથી ધરાવતા એટલે જ વિશ્વના ટોચના દેશોએ સ્ટુડન્ટ વિઝા કે એચ વન બી પ્રકારના વર્ક પરમીટ વિઝાની સંખ્યા ઘટે તેવા કાયદા બનાવવાની શરૂઆત કરી દીધી છે.ભારતના આવા ઘસારાને લીધે વિદેશીઓમાં ભારતીયો માટે રોષ અને ધિક્કારની લાગણી ભયજનક રીતે વધી છે. ૨૦૨૦માં ૬,૮૫,૦૦૦ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરતા હતા પણ તે પછી એક જ વર્ષમાં એટલે કે ૨૦૨૧માં આ આંક ૧૧,૫૮,૦૦૦ પર પહોંચી ગયો હતો.
અમેરિકામાં મોટેભાગે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ગણિતમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ જ જાય છે. જ્યારે કેનેડામાં આ ઉપરાંત ભારતમાં જુદી જુદી શાખામાં ડીપ્લોમા કોર્સ થાય છે તેઓને પણ તક મળે છે તેથી અમેરિકામાં ભારતના ચાર લાખ વિદ્યાર્થી પ્રવેશ લે છે પણ કેનડામાં ભારતના દર વર્ષ સાડા ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. બ્રિટનમાં બે લાખ, ઓસ્ટ્રેેલીયામાં દોઢ લાખ અને જર્મનીમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.બાકીના અન્ય દેશોમાં છે.
ચિંતાજનક વાત એ છે કે આ વિદ્યાર્થીઓનો વિદેશમાં અભ્યાસ કરવાનો મુખ્ય ધ્યેય જ ભારત છોડી વિદેશમાં સ્થાયી થવાનો છે. જ્યારે ભારતમાં જે પણ જુજ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે તેઓ ક્યારેય ભારતમાં સ્થાયી થવાનું પસંદ નથી કરતા.
અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો શિક્ષણને એક વૈશ્વિક બિઝનેસ તરીકે જુએ છે. ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થીઓ પર કાપ મુકવા માંગે છે તેને કારણે જ અમેરિકાને આવકમાં સાત અબજ ડોલરનું નુકશાન થવાનો અંદાજ છે. વિદેશમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ગુણવત્તા અને ફેકલ્ટી, શોધ સંશોધનની સગવડ, વાતાવરણ, કેમ્પસ અને પ્લેસમેન્ટની તંદુરસ્ત હરીફાઈ થાય છે. રેન્કિંગમાં આગળ રહેવાનો પ્રતિષ્ઠા જંગ પણ અવિરત જારી રહે છે. ભારતમાં તગડી ફી લેવાય છે પણ શિક્ષણનું સ્તર બે ત્રણ સંસ્થાઓને બાદ કરતા નિમ્ન સ્તરનું છે.ભારતમાંથી માસ્ટર ડીગ્રી મેળવેલ વિદેશમાં અભ્યાસ કર્યા વગર ત્યાં નોકરી માટે લાયક નથી મનાતો. વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ચીન, ેયુરોપીય, આફ્રિકી કે અમેરિકાના પ્રોફેસર જોબ કરે છે. વીઝીટીંગ ફેકલ્ટી પણ ગ્લોબલ હોય છે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ વિદેશી પ્રોફેસરને જોબ નથી લેવી.ભારત તેઓને ગુણવત્તાસભર જીવન માટે યોગ્ય જ નથી લાગતું.ભારતમાં મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ જેઓને માટે શિક્ષણ લુંટનું પ્લેટફોર્મ છે તેવા રાજકારણીઓનાં હાથમાં છે.
ગ્લોબલ રેન્કિંગમાં દયનિય
ભારતની શૈક્ષણિક સંસ્થાઓ ગ્લોબલ રેન્કિંગમાં ૧૦૦માં ત્રણેક સ્થાન ધરાવતી હશે. ભારતની શૈક્ષણિક સંસ્થાનો વિદ્યાર્થી સ્નાતક કે અનુસ્નાતક બનીને બહાર આવે ત્યારે તે વૈશ્વિક વિદ્યાર્થી નથી બની વિદ્યાર્થી નથી બની શકતો.અભ્યાસક્રમમાં જ મર્યાદા છે. ભારતની જુજ યુનિવસટી વિશ્વની અગ્રણી કંપનીઓમાં પ્લેસમેન્ટ યાદીમાં સ્થાન ધરાવે છે.
કેન્દ્ર સરકારે એક પ્રશંસનીય પગલું એ લીધું છે કે વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ માટે આમંત્રણ આપવાની શરૂઆત કરી છે. ભારતની શૈક્ષણિક સંસ્થાઓ જોડે જોડાણ માટેના પણ દ્વાર ઉઘડયા છે.ખરેખર બ્રેઈન ડ્રેઈનની ચિંતા આપણે જ કરવાની હોય પણ હવે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ જેવા દેશો જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કાપ મૂકી રહ્યા છે ત્યારે ભારતને તેની ટેલેન્ટ ભારતમાં જ જાળવી રાખવાની તક સર્જાઈ છે. આ પ્રતિભાઓને વિશ્વસ્તરીય સુવિધા આપી જતન કરવાની છે, આપણી શૈક્ષણિક સંસ્થાઓને પણ વિદેશની ટોચની સંસ્થા જેવી બનાવીએ. વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા પ્રેરાય તેવી યુનિવર્સિટીઓ બનાવીએ અને તે પછી તેઓ ભારતમાં જ સ્થાયી થવા તૈયાર થાય તેવું ભારત બનાવીએ. '
જ્ઞાન પોસ્ટ
ભારતની યુનિવર્સિટીની કોઈ પ્રોડક્ટ હોય તેમ જાહેરાત થાય અને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ ફિલ્મનો કલાકાર કે ક્રિકેટર હોય જે આઠ ચોપડી પણ ન ભણ્યા હોય. નોબેલ પ્રાઈઝ વિજેતાનાં પ્રવચનમાં અડધો હોલ માંડ ભરાયો હોય અને મિત્રતા, પ્રેમ, સુખનું સરનામું જેવા વિષયો પરના પ્રવચનોમાં હકડેઠાઠ ભીડ જામેલી હોય.


