Get The App

વિશ્વનું 68 અબજ ડોલરનું આર્ટ બજાર .

Updated: Sep 19th, 2023

GS TEAM

Google News
Google News
વિશ્વનું 68 અબજ ડોલરનું આર્ટ બજાર                           . 1 - image

- ત્રણ દિવસ પહેલા જ અમ્રિતા શેર ગીલનું પેઈન્ટીંગ રૂ 61.8 કરોડમાં વેચાયું અને ભારતનો ઓલટાઈમ રેકોર્ડ નોંધાયો, આમ છતાં ભારતનું વિશ્વ આર્ટ બજારમાં ટપકા જેટલું સ્થાન

- વિવિધા-ભવેન કચ્છી

- ભારતના અમ્રિતા ઉપરાંત એસ. એચ. રઝા, ગાઈતોન્ડે, તૈયબ મહેતા, એમ.એફ.હુસેન અને અકબર પદમશીના પેઈન્ટીંગની જ બોલબોલા... હયાત કલાકારોની વૈશ્વિક  પહેચાન થવી પણ જરૂરી 

- એસ. એચ. રઝા

- લિઓનાર્ડો વિન્ચીનું સાલ્વાડોર મુંડી

ગ ત ૧૭ સપ્ટેમ્બરે એટલે કે ત્રણ દિવસ પહેલા  ભારતીય કલા જગતમાં ઈતિહાસ સર્જાઈ ગયો. અમ્રીતા  શેર ગીલનું ૧૯૩૭નું  પેઈન્ટીંગ 'ધ સ્ટોરી ટેલર'. રૂ. ૬૧.૮ કરોડમાં વેચાયું જે ભારતના કલા જગતની સૌથી ઊંચા ભાવે વેચાયેલી કૃતિ બની છે. ભારત માટે ખુશીની વાત છે કે હજુ તેના ૧૭  દિવસ પહેલા જ  એસ.એચ.રઝાનું   પેઈન્ટીંગ "Gestation" લાંબી ચાલેલી હરાજી બાદ રૂ.૫૧.૭૫ કરોડમાં વેચાયું. તે વખતે  તેના નામે   ભારતના સૌથી વધુ કિંમતે વેચાયેલ આર્ટવર્કનો રેકોર્ડ થયો હતો.  હરાજી કરતી કંપની પુન્ડોલેએ તો તેની બેઝ પ્રાઈઝ રૂ.૨૫ કરોડ  રાખી હતી પણ તેઓના આશ્ચર્ય વચ્ચે બમણાથી પણ વધુ કિંમતે આખરી હેમર પડતા સોદો નક્કી થયો હતો. રઝા  અગાઉનો ભારતીય રેકોર્ડ વી.એસ. ગાઈતોન્ડેના નામે હતો. તેનું પેઈન્ટીંગ ૨૦૨૨ની હરાજી (નીલામી)માં રૂ.૪૮.૩ કરોડમાં વેચાયું હતું. આમ ભારતના કલાકારોના રેકોર્ડ એક જ વર્ષમાં એક પછી એક તુટતા રહે તેવું પહેલી વખત બન્યું.

હરાજી કરતી વિશ્વની આવી ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી 'ક્રિસ્ટી'ની હવે ભારતમાં પણ શાખા છે. રઝાના  પેઈન્ટીંગની ભારતમાં અને વિશ્વમાં સૌથી વધુ માંગ છે. અગાઉ ૨૦૧૮માં  તેનું 'તપોવન'નામનું આર્ટવર્ક લંડનની નીલામીમાં રૂ. ૨૮ કરોડમાં અને 'સૌરાષ્ટ્ર' નામનું પેઈન્ટીંગ રૂ.૧૮ કરોડમાં વેચાયું હતું. પેઈન્ટર ફ્રાન્સિસ  ન્યુટન  સૌઝાનું 'હંગર' શીર્ષક ધરાવતું પેઈન્ટીંગ રૂ.૩૪.૫ કરોડમાં વેચાયું હતું. ભારતના જ અન્ય પેઇન્ટર તૈયબ મહેતાની કૃતિ  "two heads" પણ વિખ્યાત છે. એમ.એફ. હુસેન અને અકબર પદમશીના પેઈન્ટીંગની પણ માંગ છે. એમ.એફ. હુસેનનું સૌથી વધુ રૂ.૧૮.૮ કરોડમાં પેઈન્ટીંગ વેચાયું છે.

ભારતમાં ભારતના અને વિદેશના આર્ટવર્ક ખરીદ વેચાણ માટેની  અને હરાજી સાથે કાર્યરત કંપનીઓ હવે વધતી જાય છે. રઝા કે ગાઈતોન્ડેના વર્ક જેવી રકમ તો ચુનંદા કલાકારોને જ મળે પણ હવે ભારતમાં નવી પેઢી આર્ટને માત્ર શોખ તરીકે જ નથી અપનાવતી પણ કઈ રીતે તેને  ભારત અને વિશ્વના બજારમાં વેચાણ માટે મૂકી શકાય તે પ્રક્રિયામાં પણ રસ લેવા માંડી છે. આર્ટ ક્ષેત્રના  સલાહકારો અને એજેન્ટો પણ વધતા જાય છે.

યુવા કલાકારો રૂ.૫૦ હજારથી પાંચ લાખ સુધીની રકમને લક્ષ્ય રાખીને ચિત્ર અને પેઈન્ટીંગની કૃતિ વેચવા માટે મુકે છે. હવે નીલામી કરી આપતી સ્ટાર્ટ અપ કંપની પણ ખુલતી જાય છે. જેમાં પુન્ડોલેસ, સેફ્રોનાર્ટ, દિનેશ એન્ડ મીનલ વાઝીરાની અને ગ્લોબલ આર્ટ હબ મુખ્ય છે. તેવી જ રીતે  પેઈન્ટીંગમાં તેમનો તગડો નફો ઉમેરી તેને દેશ વિદેશમાં વેચી આપતા વેપારીઓ પણ છે અને પોતે આવી કૃતિઓ મેળવી તેનું પ્રદર્શન ગેલેરીમાં યોજે  જેમાં કૃતિની કિંમત લખેલી હોય છે. આયોજકો તેમાંથી તેમનો નફો લેતા હોય છે.

મુંબઈ બોલીવુડ, ફેશન અને કલ્ચર પછી હવે દેશનું કલા જગતનું પણ હબ બન્યું છે.

ભારતમાં કલા બજાર હજુ છેલ્લા ૨૦ વર્ષથી જ આંતરરાષ્ટ્રીય સ્તરનું થતું જાય છે. ડીજીટલ ટેકનોલોજીને લીધે વૈશ્વિક સંપર્ક આસાન બન્યા છે.આની સામે યુરોપની તો તુલના થઇ જ ન શકે પણ ચીનનું આર્ટ બજાર પણ વર્ષે રૂ. ૧૬૦ કરોડને આંબી ગયું છે. ભારતની તો જે કલાકૃતિ ભારતમાં અને વિશ્વમાં વેચાય છે તે સ્વર્ગસ્થ કલાકારોની જ મહત્તમ છે પણ ચીનમાં હયાત કલાકારોની કૃતિનું બજાર રૂ. ૮૦ કરોડ છે. આગામી ૧૬થી૧૯ નવેમ્બર દરમ્યાન  મુંબઈના મહાલક્ષ્મી રેસ કોર્સમાં  ભારતનો  સૌપ્રથમ આર્ટ ફેર યોજાઈ રહ્યો  છે જેમાં  ભારતના શહેરોની ૫૦થી વધુ  જેટલી આર્ટ ગેલેરી ઉપરાંત લંડનની ગ્ર્રોસ્વેનોર પણ  ભાગ લેવાની છે. તે પછી આવતા વર્ષે ફેબુ્રઆરીમાં નવી દિલ્હીમાં તેનું આયોજન થવાનું છે. 

 ભારત જી-૨૦નુ યજમાન બન્યું અને તેમાં વડાપ્રધાન મોદીએ 'ભારત મંડપમ' અને બુકલેટમાં ભારતીય સંસ્કૃતિ વિશ્વના મહેમાનો સમક્ષ ખડી કરી દીધી હતી. ભારત કલા, સ્થાપત્ય, પ્રત્યેક પ્રાંતની પોતાની આગવીતાથી  કેટલું અનોખું છે તેના  પ્રાચીન અને અર્વાચીન બંને  પ્રેઝન્ટેશનને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા આ કારણે પણ વિશ્વને હજુ વધુ દિલચશ્પી જાગશે.

વિશ્વનું આર્ટ બજાર ૬૮ અબજ ડોલર (રૂ. ૫,૪૪,૦૦૦ કરોડ) છે જ્યારે  તમામ કલાકૃતિ એટલે કે આર્ટ બજારનું ભારતનું બજાર  વર્ષ  ૨૦૨૨-૨૩મા રૃા. ૧૧૨૦ કરોડનું હતું અને તેમાં ભારતની  કુલ ૩૮૮૩ કલાકૃતિનું વેચાણ થયું હતું. પાંચ વર્ષમાં આ આંક બમણો થઇ ગયો છે તેમ કહેવાય. હવે બે વર્ષમાં બમણો થવાનો અંદાજ છે.જો કે વિશ્વમાં હજુ ભારત તો તેના બજાર હિસ્સાની રીતે જોઈએ તો પા પા પગલી માંડે છે. વિશ્વના કુલ આર્ટ બજારમાં અમેરિકા ૪૨ ટકાનો હિસ્સો ધરાવે છે. તે પછી યુરોપ ૨૩ ટકા સાથે આવે છે .

ભારતના પેઈન્ટીંગના  રૂ ૧૮ કરોડથી રૂ ૮૦ કરોડમાં વેચાણ થાય તેથી આપણી આંખો પહોળી થઇ જાય પણ વિશ્વના સૌથી ઉંચી કિંમતે વેચાયેલા પેઈન્ટીંગ પર પણ નજર ફેરવશો તો હેબતાઈ જ જશો.પણ તે પહેલા જણાવી દઈએ કે આવી અધધ રકમ આપીને કલાકૃતિઓ ખરીદે છે કોણ. ખરીદનાર એક વર્ગ એવો છે કે જેઓ શેર બજારમાં અને સોના ચાંદી કે જમીનમાં રોકાણ કરે તેમ કલાકૃતિ ખરીદી લે અને ભવિષ્યમાં જરૂર પડયે તેને વિશ્વ બજાર કે નીલામીમાં મુકે. બીજો વર્ગ એવો છે કે જે હરાજીમાં ભાગ લે અને અન્ય બોલી લગાવનાર માલેતુજારોને પછાડીને બજારમાં તેની આર્થિક તાકાતની ધાક ઉભી કરે છે. તેનો હરીફ ખરીદવા માંગે છે તે ખબર પડે એટલે તેના હાથમાં તો નહીં જ આવવા દઉં તેવો અહમનો ટકરાવ પણ કારણ બને છે. કેટલાક  પ્યોર કલાકૃતિના વેપારી હોય છે તેઓને સૂઝ હોય છે કે તે જે ભાવે ખરીદે છે તેના કરતા અનેકગણો ભાવ તે આગળ જતા ખેંચી લાવશે. કેટલાયે એજન્ટો એવા હોય છે જેઓ મૂળ ખરીદનારનું નામ જાહેર ન થાય તેમ તેની આવી પાર્ટી માટે કલાકૃતિ ખરીદે છે. એટલે કે તે  કોઈ ખેલાડી, ફિલ્મી કે કોર્પોરેટ હસ્તી કે શ્રીમંત માટે ખરીદી કરે છે. કલાકૃતિ ખરીદનારના મૂળ નામ લગભગ જાહેર નથી થતા હોતા કેમ કે શક્ય છે કે વેચનારને ખબર પડે કે આ મુકેશ અંબાણી કે તેંડુલકર કે શાહરૂખ ખાન ખરીદે છે તો તેના ભાવ આસમાને જ શરૂઆત થાય. બીજું, કલાકૃતિ સ્માર્ટ રોકાણ છે. જંગી ખર્ચ બતાવવો હોય તો આર્ટ કૃતિ ભારે મદદરૂપ થાય છે. તમે ૨૫ લાખ રૂપિયાની કૃતિ, પેઈન્ટીંગ કે કલાત્મક શેતરંજીના કે એન્ટીકના  રૂ. એક કરોડ પણ હિસાબ માંગે તેને કહી શકો. દરેક સમયે આવી ચીજવસ્તુના બીલ હોવા જરૂરી નથી હોતા. આર્ટ અને એન્ટિકની દાણચોરી તે વળી એક જુદો જ વિષય છે. આ  તો થઇ નાણાકીય વ્યવસ્થાની વાત પણ યુરોપ અને સાઉદી અરેબિયા, કતાર અને અબુ ધાબી જેવા દેશો તેમના મ્યુઝિયમમાં કે  જાહેર પ્રદર્શન માટે લાખો ડોલરમાં કલાકૃતિ ખરીદે છે. આખરે તો આ પણ એક દેશ તેની સમૃદ્ધિની તાકાત માટે આવું કરતો હોય તેવું બને . કોર્પોરેટ જૂથ તેની ઓફીસના વડામથકની દીવાલો માટે કે લોબી, ચેમ્બર કે કોન્ફરન્સ હોલમાં કલાકૃતિ મુકે છે.  ધનકુબેરો તેમના મહેલ જેવા આવાસો માટે પણ આવી કલાકૃતિ ખરીદે છે. કેટલીક સેવન સ્ટાર જગવિખ્યાત હોટલો પણ તેમાં જંગી રોકાણ કરે છે. પછી આ જ સ્થળો આવી ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બને છે કે 'જુઓ આ ઓફીસ કે  હોટલમાં ૮૦ કરોડ રૂપિયાના પાંચ તો પેઈન્ટીંગ છે. આ કોર્પોરેટ હેડ કે ઉદ્યોગપતિને ઘેર વિશ્વની ટોચની દસમાં સ્થાન પામતી કલાકૃતિ છે.ધ' ઘણા શ્રીમંતો કે દેશના વડાને કલા અને સંસ્કૃતિની મહત્તા ખબર છે અને કલાકારોને પ્રોત્સાહન આપવાની ભાવના પણ હોય છે. ઘણા ધનકુબેરોને કલાકૃતિની પરખ અને તેનો ઊંડો અભ્યાસ પણ હોય છે. દરેક કિસ્સાઓમાં માત્ર દેખાદેખી જ નથી હોતી. તેઓ કલાકૃતિ ખરીદવાને ઉંચો શોખ માને છે. પોતે માત્ર મુડીવાદી નથી પણ સંવેદના પણ અનુભવે છે તેની વિશ્વને પ્રતીતિ પણ કરાવવા માંગે છે.

હવે આગામી દાયકો ભારતના કલાકારોનો હોઈ શકે કેમ કે વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. હવે તો કલા અને ડિઝાઈનનું શિક્ષણ આપતી સંસ્થાઓ પણ બનતી જાય છે. તમારી પ્રતિભા માત્ર શોખ પુરતી સીમિત ન રાખતા, માત્ર તાળીઓથી ખુશ ન થતા પણ વ્યાપારી અભિગમ પણ કેળવવો જ રહ્યો. તમે સર્જન ભલે સ્ફૂરણા અંતર્ગત કે  અગાઉથી ધંધાના હેતુથી કદાચ ન કરો પણ તે બન્યા પછી તેને ભારત કે વિશ્વના બજારમાં કે ગેલેરીમાં પ્રાઈસ ટેગ સાથે મુકો.હરાજી કે ઓનલાઈન વેચાણ માટે મુકો. જેમની જેવી આર્થિક સગવડ પણ આવી કલાકૃતિને ખરીદીને કલાકારોને પ્રોત્સાહન પણ આપવું જ રહ્યું. શોખ ન હોય તો પણ કોઈનું કાર્ય જોવા થોડો સમય ફાળવો.કદાચ તમારામાં પણ તે કલા કે શોખ જાગ્રત થાય. એક જમાનામાં યુરોપ વિશ્વમાં આર્થિક તાકાત હતું કેમ કે તે કલા અને સંસ્કૃતિ તેમજ મ્યુઝિયમના સંસ્કારો ધરાવતું હતું. ચાલો આપણે પણ આપણા પ્રાચીન અતુલનીય વારસાને સજીવન કરીએ. ;

વિશ્વના સૌથી મોંઘા વેચાયેલા પેઈન્ટીંગ

(૧) લિઓનાર્ડો વિન્ચીનું સાલ્વાડોર મુંડી ૪૫ કરોડ ડોલરમાં 

(૨) વિલેમ ડી કુનીંગનું ઇન્ટરચેન્જ ૩૦ કરોડ ડોલરમાં 

(૩)  પોલ સેઝાનેનું ધ કાર્ડ પ્લેયર ૨૫ કરોડ ડોલરમાં 

(૪) પોલ ગાઉગ્યુઇનનું વ્હેન વિલ યુ મેરી ૨૧ કરોડ ડોલરમાં 

(૫) જેક્સન પોલોકનું નંબર ૧૭ ૨૦ કરોડ ડોલરમાં 

(૬) રેમ્બ્રાનું ધ બેરર ૧૯.૮ કરોડ ડોલરમાં 

(૭) એન્ડી વારહોલનું મેરિલીન ૧૯.૫ કરોડ ડોલરમાં 

(૮) માર્ક રોથકોનું  નંબર સિક્સ ૧૮.૬ કરોડ ડોલરમાં 

(૯) રેઇનનું મએર્તન ૧૮ કરોડ ડોલરમાં 

(૧૦) ગુસ્તાવ ક્લીમ્ટનનું વોટર સર્પેન્ટ ૧૭ કરોડ ડોલરમાં 

મોના લીસા પેઈન્ટીંગની અંદાજીત કિંમત ૭૯ કરોડ ડોલર!

લિઓનાર્ડો  વિન્ચીનું પેઈન્ટીંગ પેરિસના લુવ્ર મ્યુઝિયમમા છે તે વેચાણ માટે મૂકી જ ન શકાય તે પ્રકારનું લખાણ છે. તેને માટે જે રકમ આપવાની તૈયારી બતાવાતી રહે છે તે જોતા તેની બજાર કિંમત ૭૯ કરોડ ડોલર (અંદાજે ૬૪૦૦ કરોડ રૂપિયા)મૂકી શકાય. તેનો વીમો જ એક અબજ ડોલરનો છે.