Get The App

જીવનના સંદુકમાં ખુશીનો ખજાનો

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
જીવનના સંદુકમાં ખુશીનો ખજાનો 1 - image


- ભારતની બેંકોમાં રૂ.67,000 કરોડ પડયા રહ્યા છે જેનું નથી કોઈ નોમિની કે નથી તેના વારસોને ખબર! : આના કરતાં આટલી રકમથી તેના માલિકોએ જીવન માણ્યું હોત તો

- વિવિધા-ભવેન કચ્છી

- અમેરિકામાં ગોરાઓ સોમથી શુક્ર કમાણી કરે અને શનિ - રવિ પ્રકૃતિના ખોળે વીતાવે. આપણે જવાબદારીમાંથી પરવારી ગયા હોઈએ તો મધ્યમ માર્ગ તો અપનાવી જ શકીએ

- બચતમાંથી ખુશી પણ સમયાંતરે ડિપોઝિટ કરી જ શકાય : મોટાભાગના ચીલાચાલુ માનસિકતામાંથી બહાર નથી આવતા

થો ડા દિવસો પહેલા એક સમાચાર વાંચ્યા હતા કે 'ભારતની બેંકોમાં રૂ.૬૭,૦૦૦ કરોડ એમ ને એમ તેમના કોઈ વારસદારો કે નોમિનીના નામ વગર પડયા રહ્યા છે.જો સૂચવેલ તારીખ સુધીમાં પુરાવા સાથે તેના હકદાર બેંક સમક્ષ હાજર નહીં થાય તો આ રકમ સરકારી તિજોરીમાં જમા થઈ જશે.'આ જ રીતે લોકરમાં સોનાના દાગીના,હીરા - મોતી અને શેર સર્ટિફિકેટ કે રોકાણ કરેલ મિલકતના દસ્તાવેજ પડયા હશે.

રૂ. ૬૭,૦૦૦ કરોડની બેંકમાં પડેલ રકમ કંઈ અત્યાર સુધીની નથી. દર પાંચેક વર્ષે આટલી રકમ જાહેર થતી રહે છે.

ભારતમાં પરિવારની મુખ્ય વ્યક્તિ વીલ એટલે કે વસિયત નામું કરતી હોય તેની માત્રા ઘણી ઓછી છે. મોટા ભાગની વ્યક્તિ એવું માને છે કે મૃત્યુ પામવાની ઉંમર તો  ૭૦ -૭૫ વર્ષની વય પછી નજીક આવે અત્યારે શું ઉતાવળ છે.

આપણે કોરોના વખતે કે તે પછીના વર્ષોમાં જોયું છે કે અચાનક, અકાળ હરતી ફરતી અને રમત વ્યક્તિનું આંખના પલકારા જેટલા સમયમાં નિધન થાય છે. આવી અને આ હદે અકાળ વિદાયની ઘટના અગાઉ ક્યારેય જોવા નહોતી મળી. અકસ્માત, દુર્ઘટના પણ વધુ માત્રામાં જોઈ શકાય છે. આપણે આવી તમામ ઘટનાઓમાં આંખ આડા કાન કરી દઈએ છીએ. આપણે આપણી જોડે પણ આવું બની શકે તે પલાયન વૃતિ સાથે સ્વીકારી જ નથી શકતા. કોઈ જીવનની અનિશ્ચિતતાની વાત કરે તો પણ  તેના મિત્રો અને પરિવારજનો વાતને ઉડાવી દેતા હોય છે કે 'આવી અમંગળ વાત કેમ કરો છો,ચાલો શુભ શુભ વાત કરો.' 

આપણે હંમેશા  હકારાત્મક એટલે કે પોઝિટિવ બનવાની વ્યાખ્યા એટલી ખોટી રીતે લીધી છે કે જીવનમાં જે નિશ્ચિત છે તેનો પણ સ્વીકાર કરવો તે નકારાત્મક વિચાર તરીકે જોવામાં આવે છે.

શ્રીમંત એવા એક ઉદ્યોગપતિ ભાઈને હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો અને એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ ડઅરાઈવર તેને હોસ્પિટલ તરફ ઝડપથી લઈ જતા હતા. ચાલુ હૃદય રોગના હુમલે ભાઈએ તેના વકીલને વસિયતનામા અંગે વાત કરતા ફોન જોડયો. સદ્દનસીબે ભાઈ સારવાર મળી જતા બચી ગયા. પણ સાજા થઈ ગયા પછી વસિયતનામા માટે તેમનો રસ ઉડી ગયો. એક વખત લખેલી વસિયત સંજોગો બદલાય તો અગાઉની રદબાતલ ગણીને  નવેસરથી લખી શકાય તેની ખબર સામાન્ય નાગરિકને નહીં હોઈ તેઓ લાંબુ આયુષ્ય ભોગવવાના છે તેમ માની છેક છેલ્લા મુકામ સુધી લંબાવતા જાય છે અને ધાર્યા કરતા નિધન વહેલું થાય છે.

એવા મોહમાયાથી રંગેલા વ્યક્તિઓ પણ છે કે જેઓ વસિયત અંગે બધું જ જાણતા હોય છે પણ વસિયતમાં તો પરિવારજનોને અમુક હિસ્સાની વહેંચણી કરવાનું જણાવી સહી સિક્કા કરવાના હોય છે. આ રીતે તેમના ગયા પછી પણ આપ્તજનોને આપવાનો જીવ નથી ચાલતો હોતો.

વારસ તો દૂરની વાત રહી નોમિનીનું નામ નહીં લખ્યું હોઈ પરિવારજનો મૃતકના ખાતા કે લોકરમાંથી કંઇ લઈ નથી શકતા. છેલ્લા કેટલાક અરસાથી ઘણી બેંકે નોમિનીનું નામ લખવું અનિવાર્ય કર્યું છે છતાં વિસંગતતા તો છે જ.

રૂ,૬૭,૦૦૦ કરોડ જેવી રકમ બેંકના ખાતામાં બીનવારસ પડી રહી છે તેનો અર્થ એમ કે આ જેની પણ રકમ હશે તેણે પોતે જરૂર ન હોય તો પણ બચત કરી હશે અને પોતે જીવન માણ્યું પણ નહીં હોય.

'અમે તો એ હદની કરકસર કરી છે કે ખાસ કોઈ પ્રવાસ નથી કર્યો. કપડાં કે અન્ય ખરીદીમાં પણ સાદગી ધારણ કરી. એકાદ ઘરેણું લગ્ન વખતે લીધું બસ તે જ,હોટલ, રેસ્ટોરાં તો વર્ષે એકાદ વખત જઈએ. એમ થોડા ઘરના ઘરના થાય, સંતાનોને શિક્ષણ આપ્યું.' આવું કહેનારા અને હાલ નિવૃત્તિ ભોગવી રહ્યા હોય તેવા લાખો વડીલો મળશે. પણ હવે તો સંતાનો સેટ થઈ ગયા છે. પ્રસંગો પણ પૂરા કર્યા છે.બેંકમાં બચત છે, પેન્શન પણ શક્ય છે આવતું હોય. અનિશ્ચિતતા ન ગણીએ તો પણ અમુક વર્ષોનું જીવન બાકી છે છતાં એ જ જૂની સંઘર્ષના દિવસોની વાતો કરતા રહેવાની અને  કડકા બનીને  વર્તમાનમાં જીવન વીતાવવાનું. એવા કેટલાયે સુખી પરિવારો છે જેમના સંતાનો સારી એવી કમાણી કરે છે. તેઓએ દેશ કે વિદેશમાં ખૂબ પ્રગતિ કરી છે. તેઓને હવે માતા કે પિતાની ૨૦ - ૨૫ લાખની બચત લેવા આવવાનો પણ સમય નથી. માતા અને પિતા સંતાનોની  આવી પ્રગતિ જોતા હોવા છતાં પોતાની આટલી રકમની બચતમાંથી જીવનમાં જે જોયું માણ્યું ન હોય તે માટે ખર્ચ નથી કરી શકતા.જીવનના એક એક વર્ષ જેમ આગળ ધપે છે તેમ પ્રત્યેક વર્ષે બચતના પાંચેક ટકા ખર્ચ કરતા જીવન યાત્રા આગળ ધપાવી જ શકાય ને. આજે કેટલાયે એવા સુખી વડીલો છે જેમાંથી કોઈ કહે છે કે અમે ક્યારેય વિમાનમાં ન બેઠા તેનો અફસોસ છે. કોઈને  મંદિર કે જાત્રા સ્થળે, કોઈને મનગમતા પર્યટક સ્થળે,કોઈને કાર ક્યારેય ન ચલાવી તેનો તો કોઈએ શોખ હતો છતાં સુખી થઈ ગયા પછી પણ  અમુક કપડાં, ઘરેણા કે ઘડિયાળ ન ખરીદી શકાય તેનો રંજ છે.

મેડીક્લેઇમ હોય છતાં સાજે માંદે રકમ કામ લાગે તેમ કહેતા રહીને બચતમાંથી ખાસ ખર્ચ જ ન કરે અને જ્યારે ખરેખર બીમારી કે સારવારનો વખત આવે ત્યારે સારી હોસ્પિટલની જગ્યાએ સસ્તામાં સસ્તી હોસ્પિટલ કે ડોક્ટર હોય ત્યાં જ જાય.આ એક માનસિકતાથી વિશેષ કંઇ નથી.

હવે તા સંઘર્ષના દિવસો વર્ષો પહેલા વીતી ગયા. સંતાનો સહિત બધા જ સુખી છે તો પણ બળબળતી ગરમીમાં પણ શક્ય ત્યાં સુધી પંખો ચલાવે અને જરૂર પડતા  એર કન્ડીશન અમુક મીનીટો જ ચલાવે. ટીવીની શ્રેણી અને ફિલ્મો જોવાનો શોખ ઘણો હોય પણ ઓ.ટી.ટી.નું સબસ્ક્રિપ્શન ન ભરે. પરિવારના કોઈ સભ્યને એ રીતે બચાવેલ પાંચસો રૂપિયાનો ફર્ક નથી પડતો. સંતાનો અને ગ્રાન્ડ ચિલ્ડ્રન એક ટિકિટ કે પાઉં ભાજીમાં આટલી રકમ ખર્ચી નાંખતા હોય છે.

વડીલો સવારમાં બેંક ઉઘડતા જ પાસ બુકમાં એન્ચ્રી જોવા કે એકાદ બે નાના વ્યવહાર થયા હોય તો એન્ટ્રી પડાવવા પહોંચી જાય.પેન્શન કે વ્યાજની રકમ  ઉમેરાયેલી જોઈ ખુશ થાય. આવી બચત થતી જ રહે તે જરૂરી પણ છે જ પણ તેમાંથી સમયાંતરે જીવનમાં તમે કે દંપતીએ જે ન માણ્યું હોય તે માટે ખર્ચ કરવાની વૃત્તિ પણ કેળવવી જોઈએ.ખૂબ સારી આર્થિક સ્થિતિ થઈ ગયા પછી પણ   એ જ સંઘર્ષના દિવસો જેવો લાકડાનો પલંગ અને ભાંગ્યું તૂટયું ડાઇનિંગ ટેબલ હોય. શું હપ્તે હપ્તે  પણ કંઈક નવું ધારણ કર્યાની ખુશી ન અનુભવી શકાય. સમાજમાં શોભે તેવું તો કંઈક હોવું જોઈએ ને. મધ્યમ વર્ગમાં જ નહીં શ્રીમંતોમાં પણ આવી માનસિકતા જોવા મળે છે. ૧૦૦ કરોડ રૂપિયાનો માલિક ધારો કે ૯૫ કરોડની બચત સાથે મૃત્યુ પામશે તો તેના પરિવારને કોઈ વાંધો જ ન હોઈ શકે.પણ આ બચાવેલ પાંચ કરોડમાં તેના સંસ્કારી કહી શકાય તેવા શોખ, પ્રવાસ કે ખર્ચથી વંચિત રહીને તે વ્યક્તિ વિદાય પામે છે.

એક કરોડપતિ દંપતી તેના મધ્યમ વર્ગના સગાને ઘેર જાય અને મધ્યમ વર્ગના પરિવારની ત્રણેક હજાર રૂપિયાના ખર્ચની ખરીદીની વાત સાંભળે તો એવી પ્રતિક્રિયા આપે કે 'તમારો જીવ આટલી રકમ ખર્ચતા ચાલે, મારી  છાતીના તો પાટિયા જ બેસી જાય.'  રૂ.૬૭,૦૦૦ કરોડની રકમ બીનવારસ બેંકમાં પડી રહી છે તેમાં આવા દુ:ખી આત્માઓ પણ હશે.

અમેરિકા જેવા દેશમાં સોમથી શુક્ર દંપતી કમાય અને શનિ રવિની રજામાં જીવન ઉત્સવ  હોય તેમ માણે. દરિયા કિનારે, દરિયામાં, સરોવર પાસે, નેશનલ પાર્કમાં, પર્વતોની સહેલગાહે નીકળી પડે. બહાર જ ભોજન લે. એડવેન્ચર સ્પોર્ર્ટ્સ, સમુદ્ર સ્પોર્ટસ, સાયકલિંગ, ટ્રેકિંગ અને મ્યુઝિયમની મુલાકાત લે. છ મહિનાના બાળકને છાતી સરસા કે ખભા પર બેસાડીને ફરે. કારની ડિકીની પાછળ સાયકલ કે તરવા માટે હોડકું ભરાવ્યું હોય. કેટલાક મિત્રો ભેગા થઈ તેમાં જ ભોજન બનાવી શકાય, આરામ કરી શકાય તેવી રિક્રીએશન વાહન લઈને વણઝારાની જેમ નીકળી પડે.

શનિ રવિમાં પૈસા ખર્ચી નાંખે અને સોમથી શુક્ર ફરી કમાણીના દિવસોમાં એકદમ તરોતાજા થઈને ધ્યાન પરોવે.

અમેરિકાના મધ્યમ વર્ગની બચત ભારત જેવા દેશના સુખી મધ્યમ વર્ગ કરતા તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. હા, સરકારી અમુક આવક અને તબીબી ખર્ચમાં તેઓને રાહત જરૂર મળે છે. પણ સવાલ માનસિકતાનો છે.સાવ અમેરિકાનું મોડલ અપનાવવાની વાત નથી પણ ભારતમાં વ્યક્તિ, દંપતી કે પરિવારે તેમની આર્થિક સ્થિતિ અને ભાવિ સંજોગોને નજરમાં રાખીને થોડો હાથ જીવનને ઉત્સવ તરીકે જોવામાં છૂટો રાખવો જ જોઈએ.

સારી એવી કમાણી કરતા સંતાનોએ જ તેમના વાલીઓને કહી દેવું જોઈએ કે 'તમે આજીવન અમારા માટે બહુ કર્યું હવે અમને તમારી રકમની જરૂર નથી. તમે આનંદ કરો.'

આદર્શ સંતાનો પણ છે  જ જેઓ તેમના પૈસાથી કે વાલીના પૈસાથી વાલી માટે ટિકિટ, હોટલ અને પ્રવાસ બુક કરે છે. રેસ્ટોરા કે શોપિંગ માટે લઈ જાય છે. વાલી ન માને તો ફરજ પાડે છે.

કહેવાય છે ને કે ભારતમાં પરિવાર પાસેનું અને મંદિરનું  બીનજરૂરી સંગ્રહ કરેલું સોનું જો અર્થતંત્રમાં ફરતું થાય તો અમેરિકા અને ચીન પણ ચોંકી જાય.

કહેવાનો આશય ઉડાવ બનવું કે દેવું કરીને ઘી પીવાનો નથી પણ લોભ, મોહ અને કરકસર વચ્ચેની પાતળી દિવાલને  પારખવાનો છે. કડવા સંઘર્ષ બાદ હવે સુખદ સમય આવ્યો છે તે ખુશીને સ્વીકારવાનો છે. આપણા કરતાં સામાન્ય આવક ધરાવનાર પરિવાર પણ દેવું કર્યા વગર જીવનને માણતું હોય તો આત્મનિરીક્ષણ કરવાનો છે.

મૃત્યુ પછી આપણી રકમ બીનવારસ સરકારી તિજોરીમાં જમા થાય તેના કરતા આપણી ખુશીના સંદુકમાં સ્થાન પામી ચૂકી હોય તેવું જીવન જીવીએ.

જ્ઞાન પોસ્ટ

"Life is a great big canvas; throw all the paint you can on it."

- Danny kay            

“If you obey all the rules, you'll miss all the fun.”

- Katharine Hepburn

Tags :