Get The App

એક્ઝિટ પોલ નર્યા ગપ્પાં જેવા કેમ લાગે છે?

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
એક્ઝિટ પોલ નર્યા ગપ્પાં જેવા કેમ લાગે છે? 1 - image

- વધુ એક એક્ઝિટ પોલનો ફિયાસ્કો : બિહારની વિધાન સભાની ચૂંટણીના પરિણામમાં બેઠકોના આંકડાની આગાહી કરવામાં એક્ઝિટ પોલ કંપનીઓ નાપાસ થઇ

- વિવિધા-ભવેન કચ્છી

- પ્રણોય રોય, વિનોદ દુઆ અને યોગેન્દ્ર યાદવે ભારતના નાગરિકોને ચૂંટણીના પરિણામ અને એક્ઝિટ પોલ તેમજ તેના વિશ્લેષણમાં રસ લેતા કર્યા હતા

બિ હારમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું તે પછી સાંજે જ જુદી જુદી એજન્સીઓ દ્વારા બહાર પડાયેલ એક્ઝિટ પોલની સરેરાશ જોઈએ તો ૧૧૮થી ૧૨૨ બેઠકો એન.ડી.એ. જીતશે તેવું અનુમાન મુકાયું હતું પણ વાસ્તવિક પરિણામમાં  ૨૦૦ પ્લસ બેઠકો સાથે એન.ડી.એ.એ ધમાકો બોલાવ્યો. કદાચ એન.ડી.એ.ને પણ તેઓ  આટલી બેઠકો જીતશે તેનો અંદાજ નહીં હોય.

પોલમપોલ જેવા અનુમાન

એક્ઝિટ પોલ છેલ્લા કેટલાક વર્ષોથી પોલમપોલ હોય તેવી જનમાનસમાં માન્યતા બંધાઈ ગઈ છે. ૨૦૧૫ અને ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણી પછી આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા પુરવાર થયા છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મોટાભાગની એજન્સીએ એન.ડી.એ. ૪૦૦ બેઠકો જીતશે તેમ અનુમાન જાહેર કર્યું હતું. જયારે આખરી પરિણામ જાહેર થયું ત્યારે એન.ડી.એ. ૨૯૩ બેઠકો સુધી પહોંચતા હાંફી ગયું હતું જેમાંથી ભાજપની ૨૪૦ બેઠકો જ હતી.

સ્વાભાવિક છે કે ૪૦૦ વિરુદ્ધ ૨૯૪  બેઠકોનો આંક નોંધાયો હોય ત્યારે લોકસભાની તે ચૂંટણીમાં  તમામ રાજ્યવાર એક્ઝિટ પોલની જે આગાહી થઈ હોય તે પણ મોટે  મોટે પાયે ખોટી પડી હોય. ૨૦૨૩ની છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલે કોંગ્રેસનો આસાન વિજય બતાવ્યો હતો પણ પરિણામમાં ભાજપે ૫૦ બેઠકો જીતીને સત્તા પ્રાપ્ત કરી હતી. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહજનક દેખાવ થશે અને સત્તા ભાજપ મેળવશે તેમ જણાવાયું હતું. પણ આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ભાજપના કેમ્પમાં અકલ્પનિય સોપો પાડી દીધો હતો. આ હદે આમ આદમી પાર્ટી સૂપડાસાફ કરશે તેનો અંદાજ કહેવાતી વિજ્ઞાનિક પધ્ધતિથી આગાહી કરતી એજન્સીઓને ન આવે તે તેઓની પ્રતિષ્ઠા પરનો કારમો ફટકો હતો.

૨૦૨૪માં યોજાયેલ હરિયાણા વિધાન સભાની ચૂંટણીમાં મતદાન પૂરું થયું પછી રાત્રેથી જ કોંગ્રેસના કેમ્પમાં ઉજવણી શરુ થઈ ગઈ હતી. કેમ કે તમામ એક્ઝિટ પોલ એજન્સીએ કોંગ્રેસનો મોટા માર્જીનથી વિજય બતાવ્યો હતો.એટલે સુધી કે પરિણામના પહેલા કલાકમાં કોંગ્રેસ આગાહી પ્રમાણે સરસાઈ ભોગવાતું હતું. કોંગ્રેેસ કાર્યાલય ઢોલ નગારા અને અબીલ ગુલાલ સાથે કાર્યકરો ઉજવણી કરતા હતા ત્યાં જ ક્રમશ: ટ્રેન્ડ બદલાયો અને ભાજપે કોંગ્રેસની જીતની બાજી હાથમાંથી ખેંચી લીધી હોય તેમ ૪૮ બેઠકો જીતીને સત્તા ગ્રહણ કરી.

ચૂંટણી પંચ પર પ્રહાર

આ હદે ખોટા પડતા એક્ઝિટ પોલને લીધે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આક્ષેપો કરવાની તક શોધી. તેમણે આરોપ મુક્યો કે ચૂંટણી પંચ એવી રીતે મિકેનિઝમ અને બુથ પર અધિકારીઓની નિમણુંક કરે છે કે ભાજપ અને સાથી પક્ષોની તરફેણમાં ચુકાદો આવે તે રીતે બોગસ મતદાન થાય. છેલ્લા એક દોઢ કલાકમાં મતદાનની ટકાવારી કઈ રીતે અસાધારણ રીતે વધી શકે તે અંગે પણ સવાલ ખડા કર્યા.જે પણ મત પડે તે ભાજપના ખાતામાં જ જાય તે રીતે મતપેટીઓ જોડે ચેડા કરવામાં આવ્યા છે તે હદનો આરોપ પણ મુકાયો હતો. રાહુલ ગાંધીએ ભાજપને 'વોટ ચોર'  કહીને બદનામ પણ કર્યું. બ્રાઝીલના મોડેલના નામે  હરિયાણામાં ૨૬ વખત મત પડયા જેવો હાસ્યાસ્પદ દાવો કરીને વિશ્વ સમક્ષ ભારતની લોકશાહી પધ્ધતિને બદનામ કરી. બિહારમાં વિધાન સભાની ચૂંટણી પહેલા તો આ વખતે મતદારોની ખરાઈ પણ થઈ હતી.હવે  વિરોધ પક્ષો કંઈ બોલી શકે તેમ નહોતા. કોંગ્રેસે આત્મમંથન કરવું જોઈએ તેની જગ્યાએ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કરુણ રકાસ થયો તો પણ હજુ ચૂંટણી પંચ પર શંકાની સોય સાધતા રાહુલ ગાંધીએ નિવેદન કર્યું કે 'મને આ પરિણામ પર હજુ વિશ્વાસ નથી બેસતો.' એક્ઝિટ પોલની પોલ ખુલવાની શરૂઆત ઉત્તર પ્રદેશની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી થઈ હતી.લગભગ  તમામ એક્ઝીટ પોલે 'હંગ એસેમ્બલી'ની આગાહી કરી હતી ત્યારે ભાજપે ૩૦૦ બેઠકો જીતીની તહલકો  મચાવી દીધો હતો.

જાણે રાશિ ભવિષ્ય

જે રીતે અઠવાડિક કે વાર્ષિક રાશિ ભવિષ્ય વિષે ઓછી વત્તી શ્રદ્ધા ધરાવતા હોઈએ તો પણ તે વાંચવાની કે ઓડિયો ફોર્મેટ હોય તો  સાંભળવાની ઇંતેજારી આપણે ધરાવીએ છીએ તેવું જ એકઝીટ પોલ માટે કહી શકાય.

મોટે ભાગે તો આપણે અઠવાડિયા કે વર્ષના અંતે ચકાસણી નથી કરતા કે જે જ્યોતિષી આગાહી થયેલી તેમાંથી કેટલી સાચી પડી. તે જ ધોરણે અગાઉના એક્ઝિટ પોલ ખોટા પડયા હોય તો પણ આ વખતના એક્ઝિટ પોલનો મતદાનના આખરી તબક્કાની સાંજે રાજકારણમાં રસ લેનારા ટીવીના સ્ક્રીન સામે જાણે પરિણામ આવવાનું હોય તેવી રસાકસી અને તનાવ સાથે ગોઠવાઈ જાય છે. બીજા દિવસે અખબારો પણ અગ્રક્રમે જુદી જુદી એજન્સીએ કરેલ  અનુમાનના આંકડા બોક્સ આઈટેમ બનાવી પ્રકાશિત કરે છે.

'સેફોલોજી' લોકપ્રિય 

ભારતમાં ચૂંટણીના પરિણામ અંગે એક્ઝિટ પોલનો ખ્યાલ અને પધ્ધતિ લોકપ્રિય બનાવામાં પ્રણોય રોય અને વિનોદ દુઆને શ્રેય જાય છે. જો કે તેનું વિજ્ઞાન અને અલગ અભ્યાસ માટેની  શાખા 'સેફોલોજી' ભારતમાં વિકસાવાનું પ્રદાન યોગેન્દ્ર યાદવ અને તે પછી સંજય કુમારે આપ્યું હતું. 'સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ'માં કાર્યરત રહીને તેઓએ સર્વે, મતદારોનો ઝોક, સ્વિંગ, જાતિ અને ધર્મ આધારિત મતદાનને લીધે પડતી અસરથી માંડી પ્રત્યેક ઉમેદવારની કુંડળી માંડતો ડેટા અને પક્ષના લેખજોખા તેમજ  વિશ્લેષણ રજુ કર્યા. પ્રણોય રોયે દેશના અંગ્રેેજી ભાષાથી પ્રભાવિત મેટ્રો અને મીની મેટ્રોને જયારે વિનોદ દુઆએ હિન્દી બેલ્ટ પર કામણ કર્યું.

ભારતમાં તે અગાઉ ચૂંટણી કે મતદાનમાં લોકશાહીના  તહેવાર જેવો ઉત્સાહ ક્યારેય ન હોતો. પાંચ વર્ષે એક વખત મત આપીને મતદારો ભૂલી જતા કે તેના મતનું કેટલું મહત્વ છે. ખાનગી ન્યુઝ ચેનલ્સ પર પ્રણોય રોય અને વિનોદ દુઆએ ચૂંટણી અને કેન્દ્રીય બજેટનું એવી રીતે કવરેજ આપ્યું કે  ભારતના નાગરિકોની તેમાં  સામેલગીરી સૌપ્રથમ વખત વધી. મતદાનની ટકાવારી પણ ચૂંટણી રસપ્રદ બનતા વધુ ઊંચે ગઈ તેમ પણ કહી શકાય આ કવરેજમાં ભારતની કોઈ રોમાંચક વન ડે મેચ હોય તેમ બધાને રસ જાગ્યો. ન્યુઝ ચેનલને એક આંતરરાષ્ટ્રીય ચેનલ જેવો પ્રોફેશનલ અને કોર્પોરેટ૨ સ્પર્શ અપાયો.

એક્ઝિટ પોલનો યુગ

'૯૦ના દાયકામાં જ ભારતમાં આવા ટીવી કવરેજને કારણે ઓપિનિયન અને એક્ઝિટ  પોલની એજન્સીઓનો યુગ પ્રારંભાયો.એક્સિસ માય ઇન્ડિયા, સી વોટર્સ, સી.એન.એક્સ., એન.ડી.ટી.વી., વોટ વાઈબ,  માટ્રીઝે તેમજ કેટલાક અખબારો અને ન્યુઝ ચેનલ તેમના એક્ઝીટ પોલ આપતી હોય છે. હવે પ્રશ્ન એ થાય કે ઓપિનિયન અને એક્ઝીટ પોલ વચ્ચે કોઈ ફર્ક કે બને સમાન જ કહેવાય. બંને અલગ છે. ઓપિનિયન પોલ અંતર્ગત ચૂંટણી માટેનું મતદાન થાય તે પહેલા અને પ્રચાર જારી હોય ત્યારે નાગરિકોના મૂડ, મિજાજ અને ઝોક અંગેના મંતવ્યો લેવાય છે. જયારે એક્ઝિટ પોલમાં મતદાન થઈ જાય તે પછી તરત જ મતદારો બહાર આવે ત્યારે તેઓએ કોને મત આપ્યા તે એક્ઝિટ પોલ ટીમ દ્વારા પુછાય છે અને તેઓના તારણને આધારે અભ્યાસ, વિશ્લેષણ અને અનુમાન ઉમેરીને જે તે પક્ષ કેટલી બેઠકો જીતશે તેના સંભવિત  આંકડા જાહેર થાય છે.

ખોટા પડવાના કારણ

એક્ઝીટ પોલના તારણો હવે ખોટા પડતા જાય છે તેનું કારણ એ છે કે હવે શહેરી કે ગ્રામીણ મતદારો એટલા હોંશિયાર થઈ ગયા છે કે તેઓ મતદાન ગુપ્ત રાખવાનું છે તે જાણે છે. એક્ઝીટ પોલ કંપનીનો સ્ટાફ તેઓને મત અંગેનો પ્રશ્ન કરે છે ત્યારે જે પક્ષ કે ઉમેદવારને મત આપ્યો હોય છે તેની જગ્યાએ બીજા જ ઉમેદવારનું નામ બોલે છે.

એક્ઝિટ પોલ કરનાર કંપનીની સૌથી મોટી મર્યાદા હજારો મતદારોમાંથી તેઓ એક બે ટકા મતદારોને પૂછતાં હોય છે. એક જ ઉમેદવાર તેની બેઠક હેઠળ આવતા જુદા જુદા વિસ્તારમાં ઓછો કે વધુ પ્રભાવ ધરાવતો હોય છે. આવા મતદારોમાંથી એક સર્વ સામાન્ય તારણ કાઢવું કઠિન છે.

સર્વે કરનાર ટીમ સમક્ષ જોગાનુજોગ એવું પણ બનતું જ હોય છે કે તેઓ જે મતદારોને  ઉદાહરણ તરીકે  મત કોને આપ્યો તેમ પૂછે તેમાંના મોટાભાગનાએ એક પક્ષને મત આપ્યો હોય તેવા જ તેને ફાળે આવે છે અને તે તેનો રિપોર્ટ એવો આપે છે કે આ પક્ષ કે ઉમેદવારની સરસાઈ વધુ છે.

ભારત જેવા ભૌગોલિક  અંતર  અને વિરાટ વસ્તી ધરાવનાર દેશમાં  સર્વેક્ષણ કરવું તે ભારે પડકરજનક છે.ભારત જેટલી જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ધર્મ, આરક્ષણ આધારિત જાતિ, આદિવાસી, જુદા જુદા ભગવાનમાં શ્રદ્ધા, ગરીબ, મધ્યમ વર્ર્ગ, શ્રીમંત,શહેરી અને ગ્રામીણ વસ્તી વગેરે વિશ્વના કોઈ દેશમાં નથી. હિન્દુ અને મુસ્લિમ મતોના બે ભાગ જ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પુરુષો અને મહિલાઓ, તેમાં પણ યુવા અને  વયસ્કની મત આપવાની પેટર્ન અલગ છે. આ હદના વૈવિધ્યમાં સર્વેક્ષણ માટે મતદારો કંઈ રીતે અને કેટલા પસંદ કરવા તે એક કોયડો છે.

ટ્રેન્ડ જારી જ રહેશે

એક્ઝિટ પોલ ખોટા પડતા જાય છે છતાં કંપનીને તેની  પબ્લિસિટી સાથે કમાણી થતી રહે છે.  રાજકીય પક્ષો જોડે નિકટ સંબંધો બંધાય એટલે પણ તેને જારી જ રાખશે. એક્ઝીટ પોલના કવરેજને કારણે ન્યુઝ ચેનલ્સને દર્શકો અને ઓળખ તેમજ  અખબારોને વાચકો મળે છે.

એક્ઝીટ પોલ કંપનીઓને સૌથી મોટો ફાયદો એ થયો છે કે નાગરિકો અને રાજકીય પક્ષો પણ તે આગાહી ખોટી પડી હોય છે તો પણ તેને ભૂલી જાય છે. બે ત્રણ વર્ષે કોઈને કોઈ રાજ્યમાં વિધાન સભાની અને લોકસભાની ચૂંટણી હોય તો પાંચ વર્ર્ષેે એક્ઝીટ પોલ સાથે હાજર થવાનું હોય છે. તેથી વારંવાર ક્ષોભમાં મૂકાવું નથી પડતું.

આખરી તબક્કાના મતદાન પછી પરિણામ વચ્ચે જે  આતુરતા અને તનાવના બે ચાર દિવસો હોય છે તે એક્ઝિટ  પોલને જાણવા અને તેની ચર્ચા કરવામાં નીકળી જાય છે.હવે ૨૦૨૬ની વિધાન સભાની ચૂંટણી વખતે ફરી વધુ એક ખોટી આગાહી કરવા માટે એક્ઝીટ પોલ હાજર હશે.

જ્ઞાન પોસ્ટ 

એક્ઝિટ પોલ એટલે ચૂંટણીના આખરી પરિણામને વધુ રોમાંચક બનાવતી સ્ક્રીપ્ટ.