''બાર્બી'' એક ઢીંગલી અને હવે હોલીવુડની ફિલ્મ
- વિવિધા - ભવેન કચ્છી
- બાર્બીના ‘‘She’’ નામના મોડેલે ૧.૫ અબજ ડોલરનો ધંધો કર્યો હતો
- બાર્બી ઢીંગલીના ૧૭૬ મોડેલ બજારમાં મુકાઈ ચૂક્યા છે..ઈરાન જેવા દેશ માટે હિજાબ પહેરેલી બાર્બી પણ છે
- એલ્વિન ટોફલર ''ફ્યુચર શોક'' પુસ્તકમાં બાર્બી કલ્ચર અંગે માનવ જગતને ચેતવણી આપે છે
ટો મ ક્રુઝની બ્રાન્ડ બની ચૂકેલી 'મિશન ઈમ્પોસિબલ'ની શ્રેણીની વધુ એક ફિલ્મે જોરદાર આંતરરાષ્ટ્રીય સફળતા મેળવી છે. તે હજુ એક અઠવાડિયાનું કલેક્શન પૂરું કરશે ત્યાં આગામી શુક્રવારે એકસાથે બે ફિલ્મો કે જેનો લાંબા સમયથી ઇંતેજાર છે તેવી 'ઓપનહાઈમર' અને 'બાર્બી' રિલીઝ થશે અને બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ જામશે.
'બાર્બી' ડોલના ધંધામાં ઘટાડો થતો જોઈને કંપનીએ બાર્બીના મોડેલની કાર્ટૂન, એનિમેશન, વિડિયો અને ગેમિંગના ધંધામાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝંપલાવી દીધું છે. પણ હવે બાર્બીની સર્જક 'મટેલ' કંપનીએ વોર્નર બ્રધર્સ જોડે પડદા પાછળ રહીને આબાદ માર્કેટિંગ રણનીતિ અપનાવતા 'બાર્બી' નામની ફૂલ લેન્થ હોલીવુડ ફિલ્મ જ બનાવી છે. લેગો પછી મટેલ રમકડાંની દુનિયાની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. એક જમાનો હતો કે ૧૧.૫ ઇંચની 'શી' નામની બાર્બીના એક જ મોડેલનો ધંધો ૧.૫ અબજ ડોલરનો થયો હતો. બાર્બીના તમામ મોડેલનું વર્ષે સરેરાશ ૧.૩૫ અબજ ડોલરનું વેચાણ થતું હતું પણ ૨૦૨૦ પછી તેમાં ઘટાડો થયો છે જેનું રસપ્રદ કારણ એ છે કે બાળકોની મુગ્ધતા અગાઉ સાત વર્ષની હતી તે ચાર વર્ષે સમાપ્ત થઈ જાય છે. હાલ બાર્બી ડોલની માર્કેટ વર્ષ ૭૦ કરોડ ડોલર છે. વૈશ્વિક બજારમાં બાર્બી બ્રાંડથી હવે પછી સંતાનોના માતા પિતા જોડાઈ રહે અને ડિજિટલ યુગમાં પણ હરીફાઈમાં ટકી રહેવાય તે નજરમાં રાખીને બાર્બી ફિલ્મ બનાવાઈ છે. અમેરિકાને માર્કેટિંગ અને મર્કેડાઇઝિંગમાં કોઈ ન પહોંચે.
બાર્બી બાળકોની ફિલ્મ નથી પણ યુવા પેઢીને કેન્દ્ર સ્થાને રાખીને બનાવાઈ છે જેમાં એકથી એક ચઢિયાતી અભિનેત્રી તેમજ હેન્ડસમ યુવા ચહેરા લેવાયા છે.એટલે કે એકપણ બાર્બી એનીમેટેડ નથી.
ફિલ્મની વાર્તાનો પ્લોટ જોઈએ તો કંપનીએ બનાવેલ જુદાજુદા મોડેલની બાર્બીઓ અને કંપનીના જે પણ પુરુષ ટોય છે તેઓ એક સ્વર્ગીય નગરી( યુટોપિયા) માં રહેતા હોય છે તેમાંથી એક બાર્બી અને તેનો મિત્ર કેન આ નગરીમાંથી બહાર નીકળી અન્ય પૃથ્વી જેવી દુનિયામાં આવી જાય છે અને પછી કેવી સ્થિતિ નિર્માણ પામે છે તેની આ ફિલ્મ છે.
આ ફિલ્મના મહિલા નિર્દેશિકા અને લેખિકા ગ્રેટા ગર્વિગ છે. તેની અગાઉની બે ફિલ્મ લેડી બર્ડ અને લિટલ વુમન ઓસ્કારમાં નોમિનેશન પામી ચૂકી છે.
બાર્બી ફિલ્મમાં માર્ગોટ રોબી, રાયન ગોસ્લિંગ , અમેરિકા ફેરેરા, કેટ મેકીનોન જેવા કલાકારો છે.
'મટેલ' કંપનીએ ૧૯૫૯માં સા ૈપ્રથમ 'બાર્બી' ડોલ વિશ્વને ભેટ ધરી ત્યારથી અત્યાર સુધીમાં ૧૭૬ મોડેલ તેઓ બનાવી ચૂક્યા છે. આમાંના મોટાભાગના વિશ્વનું બજાર સર કરવા તો બનાવ્યા જ પણ કેટલાક તો રંગભેદ નાબૂદી સંસ્થાઓ, ઇસ્લામિક દેશો અને બાળકોના સંસ્કારની જાળવણી કરતી સંસ્થાઓએ ફરજ પાડી એટલે જ આકાર પામ્યા.
ઈરાનમાં તો 'બાર્બી' પર પ્રતિબંધ જાહેર કરાયેલો કેમ કે પશ્ચિમના દેશો માટેની 'બાર્બી' ગોરી,સોનેરી વાળ ધરાવતી, હૃષ્ટપુષ્ટ અંગો અને વળાંકો ધરાવતી હોય છે. તેના કપડા પણ ટૂંકા હોય. ઈરાન જેવા ચુસ્ત ઇસ્લામિક દેશ તેમના સંતાનો, તેમની બાળકીઓને આ રમકડાં સાથેનો ઉછેર ક્યાંથી સાંખી લે. ના છૂટકે 'મટેલ' કંપનીને હિજાબ પહેરેલી બાર્બી બહાર પાડવાની ફરજ પડી હતી.
આવો જ હોબાળો અશ્વેત એન.જી.ઓ .એ મચાવ્યો હતો. તેઓએ તે રીતે બહિષ્કારની શરૂઆત કરી હતી કે 'બાર્બી' ગોરી જ કેમ? શું નાજુક અને દેખાવડા બનવા માટે ગોરું હોવું જરૂરી છે. અમારા અશ્વેત બાળકો પણ તે રીતે લઘુતાગ્રંથિ અનુભવે છે કે વિશ્વભરના બાળકોની નજરે ગોરા હોવું તે સૌંદર્યવાન હોવા માટે અનિવાર્ય છે. આમ અશ્વેત બાર્બીનું મોડેલ કંપનીએ બહાર પાડયું.
વાત આટલેથી જ ન અટકી અમેરિકા અને વિશ્વમાં એવી મહિલાઓ પણ કરોડોની સંખ્યામાં છે તેઓ વાંકડિયા વાળ ધરાવે છે.હવે તેઓએ પણ માંગ કરી કે સીધા વાળ જ શ્રે કેશ ગુંથન કે કુદરતી ભેટ છે? બાર્બી કર્લી એટલે કે વાંકડિયા વાળ ધરાવતી બનાવો અને કંપનીએ હાજર કરી આવી બાર્બી.
હજુ એકપછી એક મોડેલની સફરમાં આગળ વધીએ તો વિશ્વમાં સૌંદર્ય પ્રસાધનો વિરૂદ્ધ કાર્યરત સંસ્થાઓ છે તેઓએ બાર્બી લિપસ્ટિક કે અન્ય પ્રસાધનોથી દૂર હોવી જોઈએ તેવી ઝુંબેશ આદરી અને એક મોડેલ બન્યું સાવ સીધી સાદી મેક અપ વીનાની બાર્બીનું.
બાર્બીના ઘાટીલા દેહ, લાંબા સુડોળ પગ સામે પણ વિરોધ વ્યાપક બન્યો હતો. બાળકને નાની વયથી જ તેના અંગો, ઉપાંગો અને તેના ઉભાર બાબત બાર્બી જોડે રમવાથી સભાનતા જાગ્રત થાય છે અને જો તેના અંગોનો વિકાસ તે રીતે ન થાય તો લઘુતા ગ્રંથિ જન્મે છે તેવો મત પણ વ્યાપક બન્યો અને કંપનીને ફેરફાર કરવા પડયા.
બાર્બીના ૧૭૬ મોડેલમા નવ પ્રકારના બોડી ટાઇપ છે. ૩૫ સ્કિન ટોન અને ૯૪ હેર સ્ટાઇલ છે. દિવ્યાંગ બાળકો માટે પણ તેઓ જેવી બાર્બીના મોડેલ છે.
બાર્બીના બોયફ્રેન્ડ તરીકે કેન નામનું મોડેલ ધંધો બેવડાવવા કંપનીએ બજારમાં. મૂક્યું અને બાળકીઓ પણ બોયફ્રેન્ડના સપનામાં રાચવા માંડી.
વિચારપ્રેરક વાત એ છે કે ગોરાઓ, અશ્વેતો અને ઇસ્લામ દેશો બાર્બી બાળકોને અસંસ્કારી બનાવે છે કે તેઓ ભેદ સર્જે છે તે કારણ આગળ ધરી બહિષ્કાર જાહેર કરતા હતા તે જ પ્રજા અને દેશમાં ટીનએજર્સ સાચુકલી ગન લઈને શાળા કે શોપિંગ મોલમાં નરસંહાર કરવાની ઘટનાને ઠંડે કલેજે આકાર આપી દેતા હોય છે. આતંકવાદી પ્રવૃત્તિમાં બાળકોને તાલીમ આપીને હુમલા માટે તૈયાર કરાય છે.ગોરાઓ અશ્વેતની જાહેરમાં હત્યા કરે અને અશ્વેત બંડ પોકારતા હત્યા અને હિંસાની હોળી ખેલી શકે છે. બાળકો બેરોકટોક ટોય ગનથી રમે છે અને વિડિયો ગેમ્સમાં ગન શૂટિંગ કે કોઈ હુમલાના પ્લોટ પાર પાડવાની ગેમ રમતો હોય છે અને આ બાર્બીના વિરોધ કરતા દેશ કે સંગઠનોને તે રીતે કોઈ વાંધો નથી.
અધૂરામાં પૂરું ભાવિ વિશ્વ કેવું ભયાનક માનસિકતા ધરાવતું હશે તેનું નિરૂપણ કરતા પુસ્તક 'ફ્યુચર શોક'માં લેખક એલ્વિન ટોફ્લરે બાર્બીને જ કેન્દ્રસ્થાને રાખીને એવી થિયરી આપી કે બાર્બી કંપની સતત ધંધો જારી રહે એટલે અમુક અમુક મહિને અવનવા મોડેલ બહાર પાડે છે. હવે એક બાળક (કે બાળકી) જ્યારે બાર્બી ડોલ તેને ઘેર લાવે છે ત્યારે તેના જ પ્રેમમાં ગળાડૂબ રહે છે. તેને તૈયાર કરે, વહાલ કરે, નાની ચમચીથી દૂધ અને ભોજન આપે. તેને બાજુમાં લઈને જ સૂઈ જાય. ઘણા ઘેર તો બાળક તેના મમ્મી પપ્પા કરતા બાર્બી જોડે વધુ સમય ફાળવે છે. બાર્બી પર જ તે પ્રેમ અર્પિત કરી દે છે.
ટોફ્લર લખે છે કે અગાઉના વર્ષોમાં એક બાર્બીનું મોડેલ બહાર પડે ત્યાર પછી બીજા મોડેલમાં ઘણા મહિનાઓનું અંતર રહેતું. બાળકને નવુ મોડેલ બહાર પડયું છે તેની ખબર પણ નહોતી પડતી. મોડેલ બહાર પડે તો પણ બાળકોમાં તેને બદલવાનો વિચાર જ નહોતો આવતો કેમ કે જૂની ખરીદેલી એક બાર્બી જોડે તેને લગાવ હતો. પણ માતા પિતાને ઘરમાં જૂનાની સામે નવી ચીજ વસ્તુ લેતા જોયા. એક્સચેન્જ ઓફરનો યુગ આવ્યો. જે કાર, ફર્નિચર, ફ્રીઝ કે ટીવી વર્ષો સુધી ઘરનું સભ્ય બની ગયુ હોય પણ થોડું જૂનું થતાં તેના સ્થાને નવું આવી જતું બાળકે જોયું.હવે તે પણ તેના મમ્મી પપ્પાને કહેવા માંડયું કે 'મારી આ બાર્બીની જગ્યાએ નવું મોડેલ લઈ આપો.'
ટોફ્લર ચેતવે છે કે આપણે આમ તો હવે સ્વાર્થી અને 'યુઝ એન્ડ થ્રો' માનસિકતામાં ઘણા આગળ નીકળી ગયા છીએ. વર્ષો સુધી જે આપણું અભિન્ન અંગ હોય તેને પલકવારમાં જ અળગું કરો દેતા આપણે સહેજ પણ ખચકાતા નથી. પ્યારી એવી એક બાર્બીને છોડી દેતા હવે બાળકીનો જીવ કાંપતો નથી. આ નહીં તો બીજું તેવી માનસિકતા ઘર કરી ગઈ છે. બાર્બીના સતત બદલાતા મોડેલને ટોફલર સ્વાર્થી દિમાગની ફેક્ટરી ગણે છે. ભવિષ્યમાં આ જ કારણે માતા પિતાને ત્યજી દેવા અને છૂટાછેડાની ઘટનાઓ સહજ બની જશે.
ખેર, અમેરિકાને દાદ આપવી પડે કે સોફ્ટ ડ્રીંક, ફાસ્ટ ફૂડ , ટેકનોલોજી, બાળનગરી, હોલીવુડ, એનીમેટેડ પાત્રો, ટેકનોલોજી ગેજેટ્સ, સ્પેસ, એ.આઈ.થી માંડી એક બાર્બી જેવી ઢીંગલી વિશ્વના ઘેર ઘેર સ્થાન પામી શકી. યુરોપ, ચીન સહિતના એશિયાના દેશો કલ્ચરલ ક્રાંતિ નથી લાવી શક્યા. અમેરિકા વિશ્વનો ્રટ્રેન્ડ નક્કી કરે છે.
બાર્બી કોઈ રમકડું નથી પણ કરોડો ઘરના પરિવારનું એક સભ્ય છે. હવે મારા તમારા જેમ બાર્બીની કહાની વિશ્વ આખું ફિલ્મ દ્વારા નિહાળશે.