ટીવી પ્રસારણમાં એન્ટેના, કેબલ પછી હવે ડિજિટલ ડિશના દબદબાને પણ પડકાર વિડિયો સ્ટ્રીમિંગનો વાયરો
- એક જમાનામાં રેડિયા માટે લાયસન્સ લેવા પડતા હતા. હવે જમાનો કેલેન્ડર ટીવી સુધી પહોંચી ગયો : સ્ક્રીન વગર દીવાલ પર પણ ટેલિકાસ્ટ શક્ય બનશે
- વિવિધા-ભવેન કચ્છી
- સ્માર્ટ ફોન સ્માર્ટ ટીવીને હરીફાઈ પૂરી પાડી રહ્યા છે
જ્યા રે ઘેર વાલ્વવાળા રેડિયોનો જમાનો હતો ત્યારે લાયસન્સ લેવું ફરજિયાત હતું. મધ્યમ વર્ગના પરિવાર માટે આ લાયસન્સનું ગૌરવ વિઝાના સ્ટેમ્પ સાથેના પાસપોર્ટ કરતા કમ નહોતું. સિત્તેરના દાયકાના પ્રારંભ સુધી એટલે કે ટ્રાંઝીસ્ટર રેડિયો આવ્યા પછી આ કાયદો સરકારે બંધ કર્યો હતો. રેડિયો અને ક્રિકેટ કામેન્ટરી રમત કરતા પણ વિશેષ ભારતનો ધબકાર હતો. રેડિયાના લાયસન્સ તો કબાટમાં ખાનામાં રહેતા પણ તે રેડિયો સ્પષ્ટ એટલે કે ઘરઘરાટી વગર ગુંજતો રહે તે માટે ઘરમાં દીવાલના એક છેડાથી બીજા છેડા સુધી એલ્યુમિનિયમના દોરા જેવી જાળીથી બનેલી પટ્ટી કપડાં સૂકવવાના તારની જેમ બાંધવામાં આવતી. આ અર્થીંગ માટેના એન્ટેનાને ઘરનો માલિક મોભો સમજતો.જેમને ઘેર રેડિયો ન હોય તે થોડી વાર માટે ઘેર કામેન્ટરી સાંભળવા આવે કે બારીમાંથી 'શું સ્કોર થયો તેમ પૂછે' ત્યારે પોતે સદી ફટકારી હોય તેમ રેડિયો ધરાવનાર સિદ્ધિનો માલિક હોય તેવી અદામાં સ્કોર કહેતો. ઓલ ઇન્ડિયા રેડિયો, બીબીસી, રેડિયો, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનના સ્ટેશન ઝીલાતાં. આંતરરાષ્ટ્રિય ક્રિકેટ શ્રેણીની કોમેન્ટરીમાં રસ લેતા ચાહકોનો સૂર્ય ક્યારેય આથમતો નહોતો. તે પછી ટ્રાંઝીસ્ટર અને પોકેટ રેડિયાનો જમાનો આવ્યો.
એવું યાદ છે કે ૧૯૭૪માં ભાવનગરમાં કોઈ એક બંગલામાં ભારતની ટેસ્ટ શ્રેણીનું ટી વી પ્રસારણ ઝીલાતું. કિશોર વયે ત્યારે સ્ક્રીન પર પુષ્કળ ડોટ ધરાવતા દ્રશ્યો પણ જાણે થ્રી ડીના જમાના જેવો રોમાંચ આપતા. તે પછી અમદાવાદના અમુક શ્રીમંતોના ઘરમાં ઓસ્ટ્રેલિયાની ચેનલ નાઈન ઝીલાતી હતી.
એશિયન ગેમ્સથી ટીવી દર્શન
૧૯૮૨માં એશિયન ગેમ્સનું નવી દિલ્હીમાં આયોજન થયું અને દૂરદર્શન માત્ર મુંબઈના દર્શકોના ચિત્રહાર સુધી જ સીમિત ન રહેતાં ખરા અર્થમાં ભારતમાં ઘેર ઘેર પરિવારનું જાણે સદસ્ય બન્યું. તે પણ રંગીન પ્રસારણ સાથે. જો કે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ વખતે પણ શ્રીમંતો અને ઉચ્ચ મધ્યમ વર્ગને ઘેર જ ટીવી હોઇ ભારત - વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ફાઇનલ પણ અમારા જેવા ક્રિકેટના ડાય હાર્ડ ચાહકે યુવાનીની શરૂઆતમાં ઘરથી દૂર રહેતા સ્નેહીને ઘેર જઈને જોઈ હતી ત્યારે તેમને ઘેર નાના ઓરડામાં ૨૫ જેટલા પાડોશી અંધારું કરીને મેચ જોતા બેઠા હતા. છેક ૧૯૮૮ સુધી પાડોશીઓ ટીવી જોવા રવિવારે સાંજે ટી વી પર ફિલ્મ જોવા આવે ત્યારે ઘરના સભ્યો અનેરું ગૌરવ અને 'પ્રાઉડ પઝેશન' લાગણી અનુભવતા હતા. આ જ અરસામાં જેમને ઘેર ફ્રીજ હતું તેમને ઘેર પાડોશીઓ બરફની ટ્રે માંગવા આવતા. ઘણા તો પાણી ભરેલી તપેલી જ ફ્રીજમાં બરફ જમાવવા આપી જતા. દાયકાઓ સુધી શ્રીમંત હોવાની વ્યાખ્યા 'ફ્લેટ, ફિયાટ અને ફ્રીજ' રહી. વિચારો,તે હિસાબે હળવી શૈલીમાં કહીએ તો ભારતમાં હવે લગભગ લાખો પરિવાર શ્રીમંત કહેવાય ને. ટીવીનું પ્રસારણ સારી રીતે ઝીલાય એટલે ઘરની અગાસી કે ફલેટના ધાબા પર એલ્યુમિનિયમના બનેલા અંગ્રેજી આલ્ફાબેટ 'ટી' આકારના એન્ટેના લગાવવાના રહેતા. પ્રસારણ નબળું થાય તે સાથે જ ઘરનો સભ્ય અગાસીએ દોડી જાય. પવનથી થોડી દિશા બદલાઈ ગયેલ હોય તેવા એન્ટેનાને અગાઉ જેવી સ્થિતિમાં ફેરવી જોરથી બૂમ પાડે કે 'હવે બરાબર?' જવાબ ખુશીની કિકિયારી સાથે આવે કે 'હા આવી ગયું.' તે પછી એન્ટેના સીધુ કરી ઘેર પરત આવનાર તરફ બધા માન કે આભારની લાગણી સાથે જોવા માંડતા.
'એન્ટર ધ કેબલ'
૧૯૯૧માં ગલ્ફ વોર શરૂ થઈ. જે રીતે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની ચેનલ નાઇન નિહાળીને જીવનના યાદગાર સંભારણા સમાન રોમાંચ અનુભવ્યો હતો તેવી જ જાણે યુધ્ધ ભૂમિમાં જ ઉતારી દીધા હોય તેવી 'થ્રીલ' ભારતમાં કેબલ ટીવીના પગરણ સાથે અમેરિકાની સી.એન.એન. ચેનલ ડ્રોઈંગ રૂમમાં મિસાઈલ અને બોમ્બ ધડાકાના અવાજ સાથે ગાજી ઊઠી ત્યારે અનુભવાઈ હતી. હવે ટીવી એન્ટેનાનું સ્થાન કેબલ ટીવીએ લીધું. ધાબા કે અગાસીની જગ્યાએ એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ વચ્ચે ઝૂલતા વાયરનો રૂઆબ વધ્યો. પહેલા અમુક સોસાયટી અને પછી એરિયા આવરી શકાય તેવા ઓપરેટરનો જમાનો આવ્યો. ખાનગી મનોરંજન અને ન્યુઝ ચેનલ્સ વધતી ગઈ. હવે કંપનીઓએ પણ કેબલ ટેકનોલજીનું નવું વર્ઝન આવતા ઝંપલાવ્યું. કેબલ વોર એવી હદે જામી કે કંપનીઓએ ધંધો એરિયા પ્રમાણે વહેંચીને પેકેજ જાહેર કર્યા. પચીસ પચાસ અને પછી પાંચસો ચેનલ સુધીની બહુવિધ ભાષાઓ અને મનોરંજન, સમાચાર, સંગીત, સ્પોર્ટ્સ, ભકિત, કોમેડી લોક સંગીત, ડાયરા અને મૂવી ચેનલ આંગળીના ટેરવે રમવા લાગી. બીજી તરફ ટીવી પણ અવનવા ફિચર્સ સાથે ફ્લેટ સ્ક્રીન, પ્લાઝમા અને ડિજિટલ ઉત્ક્રાંતિ પામતા ગયા.૧૪ ઇંચથી ૫૦ ઇંચ અને તેના કરતાં પણ આગળ હોમ થિયેટરનો યુગ આવ્યો.
ડીશ એન્ટેનાનો દાયકો
ધાબા પરના એન્ટેના અને તે પછી કેબલ ટીવી વખતે કલ્પના પણ નહોતી કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ આ હદે રોચક અનુભવને જન્મ આપશે. કેબલ ટીવીની મર્યાદા હતી કે તે ઇલેક્ટ્રિક વાયરો સાથે ઉમેરતા અડચણ ઉભી કરતા હતા. કેબલ કપાય કે ઘસાય તો દ્રશ્યમાં પણ અંતરાયો ઊભો થતો.વાયરની આંતરિક બનાવટ પણ ટીવી પરના દ્રશ્યનેે થિયેટર કે ડીવીડી કક્ષાની બનાવી નહોતી શકતી. આ ત્રુટી દૂર કરતા ફાઇબરનો જમાનો આવ્યો, ડિજિટલ ટ્રાન્સમિશન શક્ય બન્યું. હવે અગાસી કે ઘરની ગેલેરીઓમાં ડીશ એન્ટેના મૂકવાનો દોર આવ્યો. જરૂરી વાયરીંગ કંસિલિંગ થતું ગયું. રિલાયન્સ, એર ટેલ, ટાટા સ્કાય વિડિયોકોન અને ડીશ ટીવી વચ્ચે જંગ જામ્યો.તેમાં વળી એચ. ડી.ચેનલનું પેકેજ પ્રસારણની ક્વોલિટીને અનેરી ઊંચાઈએ લઈ ગયું. હવે ટીવી ચેનલ કંપની જે તે ડિજિટલ સર્વિસના ગ્રાહકો વધારે હોય તેની જોડે કરાર કરવા આગળ આવી તેવી જ રીતે ટીવી ચેનલ તેની વ્યૂઅરશીપ બતાવી ભાડું માંગતી પણ થઈ. આમાંથી જન્મ થયો ટી.આર.પી. વોરનો. ટેલિવિઝન રેટિંગ પોઇન્ટનું તૂત એ હદે ચાલ્યું કે ઈચ્છે તેવો રેટિંગ મેળવી આપતી સર્વે કંપનીઓ ફૂટી નીકળી. રાજકારણ કોર્પોેરેટ, મનોરંજન, ધર્મ- સંપ્રદાય જાણે દેશના ચાર સ્તંભ બનતા ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું. દેશના કરોડો નાગરિકોના જનમાનસ પર કબજો મેળવવાની મોહિની સોશિયલ મીડિયાએ નહોતી છાંટી તે અગાઉ નરેન્દ્ર મોદીએ ટીવીની ચોપાટ પર જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે તેની રેલી અને ભાષણોની બાજી ગોઠવી અને વડાપ્રધાન બનવા સાથે વિપક્ષોને માત આપી.
ટીવી વોટબેંક, ધર્મો અને આધ્યાત્મિક અનુયાયીઓની બેંક બન્યું. ગ્રાહકો અને બજાર તેમજ રમત જગતના ધંધાના ચાલક બળ તરીકે ઉભરી આવ્યું. પડદા પાછળની માલિકી માટે રાજકીય પક્ષો,નેતાઓ, કોર્પોેરેટ જગત અને ધર્મ સંસ્થાઓ ચેનલની માલિક બનવા માંડી. પ્રિન્ટ મીડિયાને પણ એવું લાગ્યું કે ધંધામાં ટકી રહેવું હશે તો ટીવી ચેનલના ક્ષેત્રમાં ઝૂકાવાવું પડશે. ફિલ્મ ઉદ્યોગને પ્રચાર માટે ટીવી વગર ચાલે તેમ નહોતું. ફિલ્મ અને રમતજગતના પ્રસારણના સેટેલાઇટ હક્ક વેચવાના પણ કમાણીના નવા દ્વાર ખુલ્યા.
હવે ટીવી સ્માર્ટ બન્યા
ડીશ કે ડિજિટલ ટ્રાન્સમિશનનો ફાયદો ઉઠાવતા ટીવીની ટેકનોલોજીમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યા. એચ. ડી. ટ્રાન્સમિશન શક્ય બન્યું પણ ટીવીને પણ તેવું બનવું જરૂરી હતું. થ્રી ડી ટીવી પણ બન્યા પણ ખાસ સફળ ન નીવડયા. બોક્ષ ટીવીમાંથી વોલ ટીવી તો આવ્યા જ પણ નજીકના ભવિષ્યમાં કેલેન્ડર જેટલા પાતળા અને કેલેન્ડરની જેમ ગડી વાળીને મૂકી દેવાય તેવા ટીવી વિદેશમાં આવી ચૂક્યા છે.તેના પછી તો કોઈ સ્ક્રીનની જ જરૂર નહીં પડે અને ઈચ્છા રાખો તે જગ્યાએ ,ઘરના જે રૂમ કે ભીંતમાં ટીવી ચાલુ કરી શકાય તેવું ટોર્ચ જેવું ગેજેટ હશે જેમાં રિમોટ, સિગ્નલ રીસીવર અને ઓડિયો સિસ્ટમ પણ સામેલ હશે તેવા ટીવી તૈયાર છે. સ્માર્ટ ટીવી શરૂમાં તો ચેનલો ઉપરાંત યુ ટયુબ કે ઓડિયો વિડિયો સાઈટ મોટા સ્ક્રીન પર જોવાય તે હેતુથી બન્યા હતા. આ માટે સ્માર્ટ ટીવી ઘરમાં લેપટોપ કે કમ્પ્યુટર માટે જે બ્રોડ બેન્ડ કે વાઈ ફાઇ સુવિધા હોય તેની સાથે જોડવાના રહેતા. જાણે લેપ ટોપ સર્ફ કરીને મોટા સ્ક્રીન પર ઉપયોગ કરવા જેવું લાગતું.પણ ટેકનોલોજી એવી ઝડપે આગળ વધી કે સ્માર્ટ ટીવીએ ડિશ એન્ટેના અને કેબલથી થતાં પ્રસારણના ભાવિ અસ્તિત્વને માટે પડકાર સર્જી દીધો છે. હવે ચેનલની જગ્યાએ વિડિયો સ્ટ્રીમિંગનો જમાનો આવ્યો છે જે સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ફોન બંનેમાં સુપર શાર્પ રિઝલ્ટ આપે છે.મોબાઈલ ડેટા કે વાઈ ફાઇ કે પછી બોક્સ સ્ટિકથી ચાલે છે. જે ચેનલ કંપનીઓ ચેનલ સુધી જ સીમિત રહેશે તેઓનો મૃત્યુ ઘંટ વાગી જશે. હવે ટીવીનું પ્રસારણ સેટ અપ બોક્ષ કે ચેનલ ઓપરેટર દ્વારા અપાતા રિમોટથી નહીં જોવાય પણ ઘેર મોડેમ,વાઇફાઇ કે ડેટા ખરીદીને અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું લવાજમ ભરીને જોવાશે.જુદી જુદી ભાષાના સબ ટાઇટલ, ઇન્ટર એક્ટિવ અને હાઈ રીઝોલ્યુશન ક્વોલિટીનું પ્રસારણ બનતું જાય છે.ફિલ્મ નિર્માતાઓને આથી જ બાહુબલી, આર.આર.આર. કે કેજીફ જેવી થિયેટરના મેક્સ સ્ક્રીન પર જ જોવી પડે તેવી ફિલ્મ વધુને વધુ બનાવવાની ફરજ પડશે.
જે ટેકનોલોજીને બદલતા પચાસ વર્ષ લાગતા તે હવે પાંચ વર્ષમાં બદલાઈ જાય છે.આપણે એક મોડેલ ખરીદીએ અને તેના ફિચર્સને માંડ સમજીએ ત્યાં બીજું મોડેલ હજાર હોય છે.