- આપણા કરતા બે પથ્થર ઘસીને અગ્નિ પેદા કરતો આદિ માનવ વધુ ડહાપણ ધરાવતો હતો : ઊર્જા પછી હવે પાણી માટે પણ યુદ્ધ થશે જ
- વિવિધા-ભવેન કચ્છી
- માનવજગત અને યુદ્ધખોર નેતાઓએ નક્કી કરવું પડશે કે હાથ પરનું લેપટોપ કિંમતી કે રોટલો
- આપણે દર વર્ષે પોણા બે પૃથ્વીને પૂરું પાડી શકાય તેટલા કુદરતી સંસાધનોનું દોહન કરીએ છીએ
ઈ રાન અને ઈઝરાયેલ વચ્ચે ઘેરાયેલા યુદ્ધના વાદળો અને તેમાં અમેરિકાની ભૂમિકાએ આજે વિશ્વને એક એવા વળાંક પર લાવી દીધું છે જ્યાં 'વિકાસ' ના મોટા-મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ભારત જેવા દેશમાં જ્યારે એલપીજી સિલિન્ડરની અછત સર્જાય, રેસ્ટોરાંના ચૂલા ઠરવા માંડે અને મધ્યમવર્ગીય ગૃહિણીને પોતાના પરિવારના પોષણ માટે સંઘર્ષ કરવો પડે, ત્યારે સમજાય છે કે આપણી કહેવાતી 'આધુનિકતા' કેટલી બરડ છે. આપણે જે 'ઈગ્નીશન' કે અગ્નિને ગજવામાં લઈને ફરતા હતા, તે આજે વૈશ્વિક રાજનીતિના ખેલમાં કેદ થઈ ગયો છે.
અગ્નિની ઉત્ક્રાંતિ
માનવ સભ્યતાના ઇતિહાસમાં જો કોઈ સૌથી ક્રાંતિકારી શોધ હોય, તો તે અગ્નિ છે.
આકસ્મિક શોધ : લાખો વર્ષો પહેલા આદિમાનવે જ્યારે બે પથ્થરો ઘસીને તણખા પેદા કર્યા, ત્યારે તે માત્ર અગ્નિની શોધ નહોતી, પણ અંધકાર પર વિજય હતો. અગ્નિએ માનવીને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપ્યું અને કાચા માંસને રાંધીને ખાવાની કળા શીખવી, જેનાથી માનવ મગજનો વિકાસ થયો.
કૃષિ અને ઉદ્યોગ : અગ્નિની મદદથી જંગલો સાફ થયા અને ખેતી લાયક જમીન બની. ધાતુઓને ઓગાળીને હથિયારો અને ઓજારો બનાવવાનું શરૂ થયું. અગ્નિ 'ઉર્જા' બની ગઈ.
ઔદ્યોગિક ક્રાંતિ : વરાળ યંત્રોથી લઈને આજના જેટ એન્જિન સુધી, અગ્નિ આપણી પ્રગતિનું એન્જિન બની રહ્યો.
આધુનિક દહન : આજે આપણે અગ્નિને ન્ઁય્, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના રૂપમાં વાપરીએ છીએ. પરંતુ વિરોધાભાસ જુઓ જે અગ્નિએ આપણને સભ્ય બનાવ્યા, તે જ અગ્નિ આજે 'વોર-હેડ્સ' અને મિસાઈલોના રૂપમાં આપણી સભ્યતાને ભસ્મીભૂત કરવા તૈયાર છે.
પંચતત્વનું તત્ત્વજ્ઞાન
ભારતીય તત્વજ્ઞાન મુજબ આપણું શરીર અને આ બ્રહ્માંડ પાંચ તત્વોનું બનેલું છે : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ.
અગ્નિ : તે પાચન અને પરિવર્તનનું પ્રતીક છે. જો રસોડાનો અગ્નિ બુઝાય, તો જઠરાગ્નિ પણ અતૃપ્ત રહે છે.
જળ : જીવનનો આધાર. યુદ્ધો માત્ર જમીન માટે નથી, હવે પછીના યુદ્ધો પાણી માટે હશે.
વાયુ : શુદ્ધ હવા એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ પ્રદૂષણ અને કેમિકલ વોરફેરે તેને ઝેરી બનાવી દીધી છે.
પૃથ્વી : જે આપણને અન્ન આપે છે, પણ માનવીએ તેના પેટાળને ખનિજો અને તેલ માટે ખોતરી નાખ્યું છે.
આકાશ : આજે આકાશ માત્ર પક્ષીઓ માટે નથી, પણ જાસૂસી સેટેલાઇટ્સ અને મિસાઇલોના માર્ગ માટેનો અખાડો બની ગયું છે.
આપણે એ ભૂલી ગયા છીએ કે આ પાંચેય તત્વો એકબીજા સાથે જોડાયેલા છે. જો એકમાં પણ અસંતુલન સર્જાય, તો આખી સૃષ્ટિ 'ડૂમ્સડે' સર્વનાશ તરફ ધકેલાય છે.
AI અગ્નિ પ્રગટાવી શકે?
આપણે ડિજિટલ યુગના એવા નશામાં છીએ કે આપણે ભૂલી ગયા છીએ કે છૈં ગમે તેટલા જટિલ કોડ લખી શકે, કવિતાનું સર્જન કરી શકે, ચિત્રો બનાવી શકે, યોદ્ધની રણનીતિ આપી શકે પામ પણ તે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, તરસ છિપાવવા પાણી કે પેટ ભરવા માટે અગ્નિ ઉત્પન્ન કરી શકતું નથી. શાકભાજી, ધાન્યો, કઠોળ અને પ્રકૃતિની રચના નથી કરી શકતું. આપણે 'ઈગ્નીશન' એટલે કે જ્વલનશીલતાની કિંમત ભૂલી ગયા છીએ. પથ્થર ઘસીને અગ્નિ પેદા કરનાર આદિમાનવ કદાચ આપણા કરતા વધુ સુરક્ષિત હતો, કારણ કે તે પ્રકૃતિ સાથે જોડાયેલો હતો.
હાથ પરનો રોટલો
ટેકનોલોજી સુવિધા આપી શકે, જીવન નહીં. જ્યારે રશિયા- યુક્રેન કે ઈરાન-ઈઝરાયેલ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે હાઈ-ટેક લેપટોપ કરતા હાથમાં રહેલો રોટલો વધુ કિંમતી બની જાય છે. આપણે 'વર્ચ્યુઅલ રિયાલિટી' માં એટલા ખોવાઈ ગયા છીએ કે 'એક્ચ્યુઅલ રિયાલિટી' (વાસ્તવિકતા) ને ભૂલી ગયા છીએ.
માનવ વિનાશની આગાહી
વિશ્વના અનેક લેખકોએ માનવીના લોભ અને તેના પરિણામે આવનારા વિનાશ વિશે ચેતવણી આપી છે.
'The Road' (Cormac McCarthy) : આ નવલકથા એક એવા ભવિષ્યનું ચિત્રણ કરે છે જ્યાં પરમાણુ યુદ્ધ કે પર્યાવરણીય હોનારત પછી પૃથ્વી પર કશું જ બચતું નથી. અગ્નિ નથી, સૂર્યપ્રકાશ નથી, માત્ર રાખ છે. આ પુસ્તક આપણને સમજાવે છે કે જ્યારે સંસાધનો ખૂટી જાય, ત્યારે માણસ કેટલો ક્રૂર બની શકે છે.
'oryx and Crake' (Margaret Atwood) : એટવુડ તેના પુસ્તકમાં બાયો-ટેકનોલોજી અને માનવ લોભ કેવી રીતે સૃષ્ટિનો અંત લાવી શકે તે દર્શાવે છે.
"Collapse" (Jared Diamond) : આ પુસ્તક સમજાવે છે કે ભૂતકાળની મહાન સભ્યતાઓ (જેમ કે માયા સંસ્કૃતિ) કેમ નાશ પામી? તેનું મુખ્ય કારણ હતું 'કુદરતી સંસાધનોનો અવિચારી વપરાશ.
આ પુસ્તકો માત્ર કલ્પના નથી, પણ ભવિષ્ય કેવું વિનાશકારી હશે તેનો વર્તમાનનો અરીસો છે. આપણે આજે 'એનર્જી વોર' (Energy War) ના સાક્ષી છીએ. તેલ અને ગેસ માટે લડાતા યુદ્ધો માનવતાને ગૂંગળાવી રહ્યા છે.
ઊર્જા નિર્ભરતા અને ભારત :
ભારત તેની જરૂરિયાતનું લગભગ ૮૫% કાચું તેલ (Crude Oil) અને ૫૦% જેટલો કુદરતી ગેસ (Natural Gas) આયાત કરે છે. ઈરાન-ઈઝરાયેલ જેવા મધ્ય-પૂર્વના દેશોમાં જ્યારે તનાવ વધે છે, ત્યારે આ સપ્લાય ચેઈન ખોરવાય છે. એક અંદાજ મુજબ, જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં માત્ર ૧૦ ડોલર પ્રતિ બેરલનો વધારો થાય, તો ભારતની રાજકોષીય ખાધમાં અબજો રૂપિયાનો વધારો થાય છે, જેની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટ પર પડે છે.
યુદ્ધનો પર્યાવરણીય ખર્ચ
વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ૫.૫% હિસ્સો સૈન્ય પ્રવૃત્તિઓ અને યુદ્ધોનો છે. જો વિશ્વની તમામ સેનાઓ એક દેશ હોત, તો તે ઉત્સર્જનની દ્રષ્ટિએ વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ હોત. યુદ્ધ માત્ર જમીન નથી જીતતું, તે પંચતત્વના 'વાયુ' અને 'આકાશ' ને કાયમી ધોરણે પ્રદૂષિત કરે છે.
સંસાધનોની અછત
માનવ જગત હાલમાં પૃથ્વીની પુન:ઉત્પાદન ક્ષમતા કરતા ૧.૭૫ ગણી ઝડપથી કુદરતી સંસાધનોનો વપરાશ કરી રહી છે. એટલે કે, આપણે દર વર્ષે 'પોણા બે પૃથ્વી' વપરાશમાં લઈએ છીએ. આપણો લોભ પ્રકૃતિની મર્યાદા વટાવી રહ્યો છે.
ખાદ્ય સુરક્ષા પર જોખમ
યુદ્ધના કારણે ખાતર (Fertilizers) અને ઇંધણના ભાવ વધતા, વૈશ્વિક સ્તરે ખાદ્ય પદાર્થોના ભાવમાં ૨૦% થી ૩૦%નો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડો દર્શાવે છે કે દૂર ક્યાંક ફૂટતો બોમ્બ આપણા થાળીના રોટલાને મોંઘો બનાવી રહ્યો છે.
માનસિકતા બદલીએ
આજે જે ગેસની અછત આપણે અનુભવી રહ્યા છીએ, તે માત્ર એક શરૂઆત છે. જો આપણે અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) પરની નિર્ભરતા નહીં ઘટાડીએ અને યુદ્ધખોર માનસિકતા નહીં ત્યાગીએ, તો ભવિષ્ય ઘણું અંધકારમય છે.આ ઉપરાંત પંચતત્વોની મહત્તા સમજીને તેનો કરકસરથી ઉપયોગ કરીએ.
તોપો અને ચૂલા
'યુદ્ધના મેદાનમાં ગર્જતી તોપો અને રસોડામાં ઠરેલો ચૂલો' આ બંને વચ્ચે ઊંડો સંબંધ છે. જો આપણે વિજ્ઞાનનો ઉપયોગ માત્ર વિનાશક શસ્ત્રો બનાવવા માટે કરીશું, તો આપણી પ્રગતિનો અંત 'રાખ'માં થશે. આપણે ફરી એકવાર અગ્નિની પવિત્રતાને સમજવી પડશે. અગ્નિ એ વિનાશનું સાધન નથી, પણ તે પંચતત્વનો એવો હિસ્સો છે જે જીવનને પ્રકાશિત કરે છે.
આગામી પેઢી જ્યારે ઇતિહાસ વાંચશે, ત્યારે તે આપણને એ સવાલ પૂછશે કે 'જ્યારે પૃથ્વી અને પંચતત્વ નાશ પામી રહ્યા હતા, ત્યારે તમે શું કરતા હતા?' આપણી પાસે જવાબ હોવો જોઈએ. જે દિવસે છેલ્લું ઝાડ કપાશે, જે દિવસે છેલ્લી નદી ઝેરી થશે અને જે દિવસે છેલ્લી માછલી મરી જશે, તે દિવસે માનવીને સમજાશે કે તે 'પૈસા' ખાઈ શકતો નથી અને એ. આઈ. પાસે નવસર્જન કરવાની આવડત નથી.
આ યુદ્ધ અને અછત આપણને એ શીખવવા આવ્યા છે કે આપણે ભૌતિક વિકાસની સાથે સાથે 'સ્વ-નિર્ભરતા' અને 'પ્રકૃતિ તરફ પાછા વળવું' પડશે. આ આધુનિક યુગમાં પણ અગ્નિ, શુદ્ધ વાયુ અને જળની પવિત્રતા જાળવીએ, જેથી આપણી આવનારી પેઢીને માત્ર ડેટા નહીં, પણ જીવન જીવવા લાયક પૃથ્વી મળે.


