કોરોના ઈફેક્ટ : આફતમાં આત્મમંથનનો અવસર
વિવિધા - ભવેન કચ્છી
ઘેર બેઠા ઓફિસનું કામ, શાળા -કોલેજનો અભ્યાસ અને બંધબારણે જીવન .. અચાનક જિંદગીની રફતારમાં બ્રેક લાગી.. કેવો છે આ અનુભવ ?
માનવ જગતે કુદરત અને અબોલ પશુ-પંખીઓની હાય મેળવી : કુદરતની આપણને સૌને ચેતવણી ‘‘Behave yourself ’’
''ભગવાનને પ્રાર્થના કરીએ કે વિશ્વ જેમ બને તેમ ઝડપથી કોરોનાના વિકરાળ જડબામાંથી મુક્ત થાય પણ માનવ જગતને કોરોના વાયરસથી બચવા ભારે મજબૂરી સાથે પરિવાર, સમાજ જીવન અને આહાર- વિહારમાં જે નિયમન સાથે જીવન શૈલી બદલવી પડી છે તે કોરોનાના ભય વચ્ચે પણ આત્મમંથન તરફ દોરી જાય તેમ છે. કોરોનૌંગ્રસ્ત દેશોમાં નાગરિકોના જીવનમાં જે બદલાવ આવ્યો છે તેનું નિરીક્ષણ જાણવા જેવું છે.
સપરિવાર રહેવાનો એહસાસ
પ્રત્યેક વિતતા જતા વર્ષો અને દાયકાઓ સાથે માનવ જગત જાણે સૂર્ય જોડે એલાર્મ ગોઠવીને સુતો હોય તેમ વહેલી સવારથી ભારે તનાવ સાથે જાહેર માર્ગ પર શર્ટના બટન બંધ કરતો હોય તેવી ઉતાવળ સાથે નોકરી ધંધે નીકળતો રહ્યો છે. મહિલાઓ પણ તેમના પતિ અને સંતાનોના નાસ્તાના ડબ્બા પેક કરી જોબ માટે ઘર છોડી દે છે. બે આવક ભેગી કરીને ગુજરાન ચલાવવા કે પ્રગતિના પંથે પરિવારને લઇ જવા પતિ અને પત્નીનો પરોઢથી છેક અંધારું થઇ ગઈ હોય તેવી સાંજે ગૃહપ્રવેશ થતો હોય છે.ઘેર માતા પિતા રહેતા હોય તો તેઓ સંતાનોને શાળાએ, અલગ અલગ કોચિંગમાં લેવા મુકવા જાય,હોમ વર્ક-પ્રોજેક્ટ કરાવડાવે. જેઓ નોકરીથી પરત આવે છે તેઓ ભારે થકાન, કામનો બોજ,ઓફીસના ટાર્ગેટ, ભાવિની અનિશ્ચિતતા,ખર્ચાઓને પહોંચી વળવા માટેની નાણાંભીડ અને જીવન જરા પણ વિરામ વગર પૂરું થતું જાય છે તેવી દોષની લાગણી સાથે ડીપ્રેશન હેઠળ હોય છે.
પરિવાર ક્યારેય હળવાશ જ નહીં અનુભવે કે ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જશે તેવા તંગ વાતાવરણમાં જ જીવન આગળ ધપતું હતું ત્યાં જ ... એન્ટર ધ કોરોના... સરકાર અને કંપનીઓ દ્વારા વાયરસના ચેપથી બચવા અને ફેલાય નહીં તેની તકેદારીનાં ભાગ રૂપે ''વર્ક ફ્રોમ હોમ''-ઘેર બેઠા જ કામ કરોનું ફરમાન આવ્યું. ટાર્ગેટ પ્રમાણે ઓફિસનું કામ તો ઘેર બેસીને કરવું જ પડે પણ વહેલી સવારથી દોડધામ નહીં, બસ -ટ્રેન- ટુ વ્હીલર કે ફોર વ્હીલરનું ત્રાસજનક ડ્રાઈવિંગ નહીં. સંતાનો પણ ઘેર બેસીને શાળા કે કોલેજથી સ્માર્ટ ફોન પર સુચના આવે તે પ્રમાણે વાંચન -લેખન કરે છે અને ઓન લાઈન અભ્યાસ કરે છે.તેઓને પણ વહેલા ઉઠાવાની સજામાંથી અને લોંગ ડ્રાઈવ પર આવેલી શાળાએ જવાની મુક્તિ મળી છે. પુત્રવધૂ રસોડામાં વધુ સમય વિતાવવાનો મળતો હોઈ અવનવી વાનગી બનાવે છે. વ્યક્તિ તનાવમુક્ત બને તો ખીલી ઉઠતી હોય છે. વડીલોના નવી પેઢી સાથેના સંબંધો, પતિ અને પત્નીના અને તેઓના સંતાનો જોડેના જીવનમાં જાણે આંખ ઉઘાડનારો બ્રેક આવ્યો છે. પતિ-પત્ની લાગણી, ઉષ્મા અને સેક્સ સંબંધોની રીતે નજીક આવ્યા. કોરોનાએ માનવ જગતને વિચારતું તો કરી દીધું છે કે તેઓની ભાગદોડમાં થોડું નિયંત્રણ, હળવાશ કે સંતોષની માત્રા ન ઉમેરી શકાય? પરિવારજનોમાં તો ઉષ્મા , પ્રેમ હતો જ પણ નોકરી ધંધાના તનાવે તેઓની પ્રકૃતિ વિકૃત કરી નાંખી હતી.કોરોનાનો ઓછાયો ઓસરી જશે પછી ફરી એનું એ જ હાંફતું નગર જોવા મળશે પણ ત્યારે કોરોના વખતના વિરામને યાદ કરી ફરી થોડો વિરામ લઈશું?
વ્યસ્તતા એ જ વરદાન
કોરોનાના જે વિરામ કે વર્ક ફ્રોમ હોમની વાત કરી તે 'રસના ચટકા જ હોય કુંડા ન હોય' તે રીતે લેવી જોઈએ કેમ કે આખરે તો ઈશ્વર પાસે આપણી એક જ પ્રાર્થના હોવી જોઈએ કે ધમને મૃત્યુ સુધી વ્યસ્ત રાખ. 'કેમ કે ચલના હી જીંદગી હૈ. કોરોનાને લીધે જે શટ ડાઉન થયું છે તે થોડા અંતરાલ પછી તો સ્માશન જેવું ભાસે છે. ઘેરથી બધા કામ કરે કે ઘેર જ રહે તો એક પ્રકારની ઘુટન અનુભવાય છે. પગાર બેંકમાં જમા થાય તો પણ બેકાર હોઈએ કે મહેનતનું નથી કમાતા તેવી લાગણી થાય છે. ઘરમાં જ રહેવાથી પણ પરિવારજનો જોડે સંઘર્ષ થાય છે. ઘણાનું દામ્પત્યજીવન વર્ક ફ્રોમ હોમ લાંબુ ચાલે તો ખીલી ઉઠે ને ઘણાને એવો એહસાસ થાય છે કે મહત્તમ સમય ઘરની બહાર રહે છે કે રહીએ છીએ એટલે જ દામ્પત્ય જીવન ટકી ગયું છે. એકંદરે એવું કહી શકાય કે કોરોનાની ચરી પાળ્યા બાદ આત્મ દર્શન કરી જીવનમાં બદલાવ અને સમતુલા લાવી શકાય.
નિજાનંદની મસ્તી
કોરોનાને લીધે બે શબ્દો બહુ પ્રચલિત બન્યા છે એક તો 'ઊેચચિહૌહીદઅને ધર્જબૈચન ગૈજાચિર્બૌહ.દ એકમાં વ્યક્તિને ચેપ લાગ્યો હોઈ શકે અને અન્યને ચેપ ન લાગે તે માટે સરકાર જ તેને ૧૪ દિવસ માટે કે વધુ અલાયદી જગાએ તંદુરસ્ત નાગરિકોથી દુર રહેવા લઇ જાય અને બીજામાં તંદુરસ્ત વ્યક્તિ પોતે જ જ્યાં સુધી ચેપનો ભય હોય તેટલા દિવસો શક્ય ત્યાં સુધી સામાજિક મેળાવડા , ભીડભાડ, હોટલ, ક્લબ, શોપિંગ, સિનેમા, રેસ્ટોરાં તેની શાળા -કોલેજ નોકરી ધંધે ન જાય. જવા ઈચ્છે તો પણ તે બધુ સરકારના આદેશને લીધે બંધ હોય .આવી વ્યક્તિ તેના જીવનમાં ક્યારેય આ હદે એકલી નહીં રહી હોય. બહિર્મુખી વ્યક્તિને પણ બંધ બારણે આંતર્મુખીની જેમ જીવવાનું આવે ત્યારે જેલની કેદ જેવું લાગે.
આમ છતાં એવા પણ રીપોર્ટ આવ્યા છે કે બહોળા જનસમુદાયને પોતાની જોડે રહેવાનો અવસર ખુબ જ સુખદ અને દિવ્ય અનુભૂતિ આપનારો પુરવાર થયો છે.પુસ્તક વાંચવાની, ઘેર બેસી વિસરાતા સૂરને સાંભળવાની કે જે ફિલ્મો જોવાની વર્ષોથી ખ્વાઈશ હતી તેને ટીવી પર માણવાની મજા પડી ગઈ. જંક ફૂડની જગાએ ઘરનું જ ભોજન આરોગવાની આદત પડતા એસીડીટી અને અન્ય બીમારીથી મુક્તિ મળી હોય તેવી સ્ફૂત અનુભવાય છે. કસરત કરવાની પણ ઈચ્છા જાગી છે. બધા જ સ્વાસ્થ્ય અગે વિચારતા થયા. બિનજરૂરી રખડપટ્ટી, સમયનો બગાડ , ખોટા ખર્ચ અને પેટ્રોલના ધુમાડાથી જીવન કેવું વેડફતા હતા તેનો મગજમાં ચમકારો થયો. ભલે આ બધું સ્માશન વૈરાગ્ય જેવું લાગે પણ એક વખત પામી લીધું એટલે કોઈ વખત ફરી ઉગી નીકળશે.
આહાર વિહાર અને પર્યાવરણ
માનવ જગતના ઇતિહાસના જે પણ વાયરલ રોગચાળા થયા છે તે માંસાહારની નિપજ તરીકે બહાર આવ્યા છે. કોરોના વાયરસ ચીનના પશુ પંખીના બજારમાંથી ફેલાયા છે અને તેઓ ચામાચીડિયા આરોગે છે તે મુખ્ય કેન્દ્ર મનાય છે. ભૂંડ,મરઘા,ગાય તેમજ અન્ય પશુ ,પંખી,કીટક ચીન ઉપરાંત યુરોપમાં પણ વાયરસના ઉદગમ પુરવાર થઇ ભૂતકાળમાં ખોફ ફેલાવી ચુક્યા છે .
કોરોના પછી ચીન જેવા ચીનમાં કે જ્યાં જીવતા પ્રાણીઓને આરોગતા હોય છે ત્યાં શાકાહારી બનવાનો પ્રચાર શરુ થઇ ગયો છે. હાલ અમર્યાદ સુધી પશુના બજાર કે ફૂડ પેકેટ બંધ છે.જેઓ ઘેર કેદ છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે બધાને શાકાહારી ભોજન જ અપાય છે. અમેરિકા, યુરોપ અને એશિયામાં પણ કોરોના પછી માંસાહાર ત્યજવાની ફેશન અને ઝુંબેશે વધુ વેગ પકડયો છે . તેવી જ રીતે પર્યાવરણની સમતુલા જાળવવી કઈ હદે મહત્વની છે તેનું કોરોના પછી જાણે માનવજગતને બ્રહ્મજ્ઞાાન થયું છે. કોરોનાના બે મહિનામાં જે હદે હવાઈ યાત્રાઓ, પ્રવાસ, વાહનોનું પરિવહન, ફેક્ટરી, ઉદ્યોગો અને બજાર ,મનોરંજન, ટ્રાફિક , ઓફિસો બંધ જેવા છે ત્યારે પ્રદુષણની માત્ર એકદમ ઘટી ગઈ છે.
દોઢ અબજથી વધુ વસ્તી ધરાવતો ચીન દેશ જ ઠપ્પ થઇ ગયો હોય ત્યારે તેઓ દ્વારા વાતાવરણમાં ઠાલવાતું કેટલી હદનું દ્રશ્ય-અદ્રશ્ય પ્રદુષણ બે મહિનાથી શૂન્યની નજીક હશે. તેવું જ અમેરિકા,યુરોપ અને એશિયાના દેશોના માટે કહી શકાય.પ્રદુષણથી વિશ્વનું વાતાવરણ ફાટફાટ થતું હોય ત્યારે માનવ સુધરતો નહોતો એટલે ન છુટકે કુદરતે વાયરસ ફેલાવીને તેની રીતની સમતુલા નહીં મેળવી લીધી હોય ને? જો એમ હોય તો એનો અર્થ એમ થયો કે આપણી આહારવિહાર, પર્યાવરણ અને જીવદયાની દુનિયામાં પાર્શીતા જારી જ રહેશે તો કુદરત આના કરતા પણ મોટી થાપટ આપીને બધું સમુસુતરું કરશે. કુદરત પર માનવ જગત કોપ કરવા માંડયું અને પશુ -પંખીઓની કત્લેઆમ કરીને કે જીવતા જ આરોગી જવાની રાક્ષસી આહાર શૈલી મહત્તમ વિશ્વએ અપનાવી. આ અબોલ પ્રાણી-પંખીઓની હાય પણ લાગી હોઈ શકે. કુદરત કર્તા ન હોય તો પણ એની સ્વયં સીસ્ટમ જ એવી હશે કે પ્રેશર કુકર ફાટે તે પહેલા આ રીતે તેની વરાળ કાઢતી સિસોટી વાગી જતી હશે.જે વાયરસ કે કુદરતી આપત્તિ હોઈ શકે.હા,હિંદુ અને જૈન ધર્મની આહાર વિહારની, નમસ્તે કરવાની, બંને સમય ઘેર ગરમ પૌંષ્ટિક ભોજન તેમજ પરિવારજનો ઘેર સાથે સમય વિતાવે તેવા સંસ્કાર વિશ્વએ કોરોનાને લીધે અપનાવ્યા અને તેઓ પ્રભાવિત પણ થયા છે.
સાદગીભર્યું જીવન અને અર્થતંત્ર
કોરોનાને લીધે તમામ સ્તરે તમામ વેપાર, ઉદ્યોગ, હોટલ, પ્રવાસનને એ રીતે ફટકો પહોંચ્યો કે છેક છેવાડાના નાગરિકની રોજી રોટી પર કારમી અસર થઈ છે. વિશ્વભરના શેર બજારોમાં ઐતિહાસિક કડાકા જોવા મળ્યા. રોકાણકારોના લાખો કરોડો ધોવાયા. આવે વખતે એવો વિચાર આવે કે માનવજગત એવા મુકામ પર પહોંચી ગયું છે કે રોજી રોટીની તકો જળવાઈ રહે અને અર્થતંત્ર ધબકતું જ નહીં પણ દોડતું રહે તે માટે વ્યક્તિ હરવા ફરવાના ખર્ચ કરે,શોપીગ સાથે અને નવા નવા ગેજેટ્સ વસાવે,સમાજ ગ્રાહક્વાદી બને તે અનિવાર્ય છે.અંતે તો એકનો ખર્ચ બીજાની આવક બને છે.હા,વ્યક્તિ પાસે રોજી અને કમાણી હશે તો જ તેની ખર્ચ શક્તિ વધશે અને નાણું બજારમાં ફરતું રહેશે.જો બહોળો જનસમુદાય સાવ સાદગી અપનાવે તો બજારમાં કોરોના જેવી મંદી વ્યાપી જાય.બજાર, ઉદ્યોગની કોરોનાગ્રસ્ત વર્તમાન સ્થિતિને નાગરિકોની સાદગી તરીકે કલ્પો.
બસ સાદગી અપનાવવાથી કદાચ રોજી રોટી અને બજારના આવા હાલ થઇ શકે.. બધું જ ઘેર બેઠા થાય કે ઓનલાઈન થવા માંડે તો?કોરોનાએ અમારા જેવાની કલ્પનાની પાંખોને ઉંચી અને અવનવી દિશા સાથેની ઉડાનની પાંખો આપી દીધી છે. ઘમંડી બની ૨૧મી સદીની બેફામ મજલ કાપી ચુકેલા માનવજગતને તેની ઔકાત બતાવતું વ્યંગાત્મક સ્મિત એક લાઈટ માઈક્રોસ્કોપથી પણ ન જોઈ શકાય તેવા વાયરસે આપી દીધું છે. અને સૌથી છોભીલા તો પેલા આતંકવાદીઓ પડી ગયા છે.બધા નાત,જાત,ધર્મ અને રંગભેદ ભૂલીને કોરોનાને મહાત આપવા એકજુટ થઇ ગયા છે.માનવજગત કોઈપણ સદીના ટેકનોલોજીના યુગમાં હશે પણ કુદરત હંમેશા એક ડગલું આગળ જ રહેવાની.રોબોટમાં પણ વાયરસ ફેલાવી દેવાની તાકાત કુદરત પાસે રહેવાની જ. કુદરતે માનવજગતને કોરોના થકી ચેતવણી આપી છે કે ‘‘Behave yourself ’’