- અમેરિકામાં છેલ્લા વર્ષોમાં વિદ્યાર્થીઓના અકાળ મૃત્યુ કે ડીપ્રેશનની ઘટનાઓ વધતી જાય છે : આપણે ત્યાં કારકિર્દી ઘડતર કે વિઝાના ઈન્ટરવ્યુ માટે માર્ગદર્શન અપાય છે પણ વિદેશમાં સલામત જીવન કેમ જીવાય તેની સલાહનો સદંતર અભાવ જોવા મળે છે
- વિવિધા-ભવેન કચ્છી
- તમારી ડિગ્રી તમારા ઘરની દીવાલ પર લટકશે, પણ તમારી સુરક્ષા તમારા અને પરિવારના ચહેરા પર સ્મિત જાળવી રાખશે; સ્વપ્ન સાકાર ન થઇ શકે તો પ્રતિષ્ઠા પ્રશ્ન બનાવ્યા વગર કે સમાજનો ડર રાખ્યા વગર પરત આવી જવામાં સંકોચ ન રાખવો
અ મેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના અકાળ અવસાનની ઘટનાઓ વધવા માંડી છે. થોડા દિવસો પહેલા બર્કલી યુનિવર્સીટીનો ૨૨ વર્ષીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ લાન્ઝ લેક પાસેથી મળી આવ્યો.
સીએટ્ટલની જાહનવી કંડુલાનું પોલીસની કારની અડફેટમાં આવીને મૃત્યુ થયેલું અને ૨૬૨ કરોડ રૂપિયાનું વળતર મળ્યું તેના બે દિવસ પહેલા પિતાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું. વિવેક સૈની, મોહમ્મદ અફાર્થ, શ્રેયસ રેડ્ડી, નીલ આચાર્ય, ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષ વગેરે છેલ્લા મહિનાઓમાં મૃત્યુ પામ્યા છે.
અમેરિકન ડ્રિમ કેમ દુ:સ્વપ્ન બનતું જાય છે. તે કારણો અને માર્ગદર્શન જરૂરી છે.
મુખ્ય કારણો
ગન કલ્ચર અને રેન્ડમ વાયોલન્સ : અમેરિકાના અમુક રાજ્યોમાં ગન અને હિંસા એટલી સામાન્ય છે કે ભારતીય વિદ્યાર્થીઓ ઘણીવાર 'સોફ્ટ ટાર્ગેટ' બની જાય છે.
આર્થિક દેવું અને માનસિક દબાણ : ૫૦-૭૦ લાખની લોન લઈને ગયેલ વિદ્યાર્થી જ્યારે ત્યાં પહોંચે છે, ત્યારે તેને સમજાય છે કે ત્યાંનું જીવન ફિલ્મો જેવું નથી. જો જોબ ન મળે અથવા મંદી કે નોકરીમાંથી છટણી કરવામાં આવે, તો હાર સ્વીકારવાને બદલે ઘણા વિદ્યાર્થીઓ ખોટા રસ્તે,ખોટી સંગત, ડ્રગ ગેંગમાં ફસાઈ જાય છે અથવા આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.
સુરક્ષા જ્ઞાનનો અભાવ : ઘણીવાર વિદ્યાર્થીઓ સસ્તા ભાડાના લોભમાં એવા વિસ્તારોમાં રહે છે જે ગુનાખોરી માટે કુખ્યાત હોય છે. રાત્રે એકલા ચાલવું, અજાણ્યા લોકો પર ભરોસો કરવો કે ટ્રાફિકના નિયમોથી અજાણ હોવું એ જીવલેણ સાબિત થાય છે.
કાયદાકીય પ્રોટોકોલ : ભારતીય વિદ્યાર્થીઓએ જાણવું જરૂરી છે કે અમેરિકન પોલીસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે કેવા સંબંધો છે.
વીયેના કન્વેન્શન : આ આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ, જો કોઈ વિદેશી નાગરિકની ધરપકડ થાય કે મૃત્યુ થાય, તો પોલીસે દૂતાવાસને જાણ કરવી જ પડે.
ભારતીય દૂતાવાસ: ભારત સરકારના દૂતાવાસો હવે વધુ સક્રિય થયા છે. પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ સીધો સંપર્ક કરી શકે છે. દૂતાવાસ માત્ર કાગળની કાર્યવાહી જ નહીં, પણ વકીલોની ટીમ પૂરી પાડવામાં પણ મદદ કરે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે
કેમ્પસ સેફ્ટી રેટિંગ : એડમિશન લેતા પહેલા તે વિસ્તારનો ક્રાઈમ રેટ ચેક કરો.
સ્થાનિક સંપર્ક : પહોંચતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ભારતીય એસોસિએશનના નંબર સેવ કરો.
માનસિક સ્વાસ્થ્ય : યુનિવર્સિટીમાં મળતા મફત કાઉન્સેલિંગનો ઉપયોગ કરો. તનાવ છુપાવો નહીં.
ઇમરજન્સી એપ : 'Noonlight' કે 'SafeHub' જેવી એપ ઇન્સ્ટોલ રાખો જે એક ક્લિક પર પોલીસને લોકેશન મોકલે છે.
માનસિક સ્વાસ્થ્યની પીડા : વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ પર માત્ર અભ્યાસનું જ નહીં, પણ આર્થિક અને સામાજિક અપેક્ષાઓનું પણ ભારે દબાણ હોય છે.
એકલતા (Isolation) : નવા દેશની સંસ્કૃતિમાં ભળવામાં મુશ્કેલી અને પરિવારથી દૂર રહેવાને કારણે વિદ્યાર્થીઓ એકલતા અનુભવે છે.
સંબંધો અને નિષ્ફળતા : યુવાન વયે વિદેશમાં જ્યારે કોઈ ભાવનાત્મક ટેકો મળતો નથી, ત્યારે ગમે તેવું કુપાત્ર હમદર્દ બનીને લાગણીનું શોષણ કરે છે.
લૂંટફાટ અને હુમલા : ભારતીય વિદ્યાર્થીઓ ઘણીવાર રાત્રે કામ કરીને મોડા ઘરે આવતા હોય છે અથવા સસ્તા ભાડાના ચક્કરમાં જોખમી વાહનમાં બેસતા હોય છે. આથી તેઓ ગુનેગારો માટે 'સોફ્ટ ટાર્ગેટ' બને છે. વિવેક સૈની અને મોહમ્મદ અર્ફાથ જેવા કિસ્સાઓમાં આપણે જોયું છે કે નજીવી બાબતે અથવા લૂંટના ઈરાદે તેમની હત્યા કરવામાં આવી હતી.
હેટ ક્રાઈમ (Hate Crimes) : જોકે દરેક કેસમાં વંશીય ભેદભાવ સાબિત થતો નથી, પરંતુ સ્થાનિક સ્તરે વધતી જતી કટ્ટરતા અને 'હિન્દુફોબિયા' જેવી લાગણીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે.
સુરક્ષા જ્ઞાનનો અભાવ
ઘણીવાર ભારત જેવા ગરમી ની વધુ માત્રા ધરાવતા દેશમાંથી જતા વિદ્યાર્થીઓને વિદેશના વાતાવરણ અને સુરક્ષાના નિયમોનું પૂરતું જ્ઞાન હોતું નથી.
પર્યાવરણીય જોખમો : અતિશય ઠંડી અથવા બંધ રૂમમાં હીટરના ઉપયોગથી થતા કાર્બન મોનોક્સાઈડ પોઈઝનિંગને કારણે પણ ઘણા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.
અજાણ્યા વિસ્તારો: કેમ્પસની બહારના જોખમી વિસ્તારો વિશે માહિતી ન હોવાને કારણે પણ વિદ્યાર્થીઓ જોખમમાં મુકાય છે.
વિઝાનો ડર : ઘણી વિદેશી યુનિવસટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલે છે, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય કે સુરક્ષા માટે પૂરતા સંસાધનો પૂરા પાડતી નથી.
મદદની કમી : વિદ્યાર્થીઓ જ્યારે ભેદભાવ કે માનસિક તણાવનો સામનો કરે છે, ત્યારે યુનિવસટી સ્તરે તેમને યોગ્ય કાઉન્સેલિંગ કે પ્રોટેક્શન મળતું નથી.
વિઝા અને કારકિર્દીનો ડર : 'જો હું ફરિયાદ કરીશ તો મારો વિઝા રદ થશે' અથવા 'મારી કારકિર્દી બગડશે' એવા ડરને કારણે વિદ્યાર્થીઓ અન્યાય સામે અવાજ ઉઠાવતા નથી.
હવે શું કરવું જોઈએ
કોર્પોરેટ જગતનું દબાણ : માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ ગૂગલ, મેટા કે એમેઝોન જેવી મોટી કંપનીઓમાં કામ કરતા ભારતીય એન્જીનિયર પણ હાર્ટ એટેક કે આત્મહત્યાનો ભોગ બની રહ્યા છે. ૨૦૨૪-૨૫ માં એવા અનેક કિસ્સા બન્યા હતા જ્યાં ૩૦ થી ૩૫ વર્ષની વયના કર્મચારીઓ કામના ભારે દબાણ અને એચ વન બી વિઝાના સ્ટેટસ જાળવી રાખવાની ચિંતામાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા. ટ્રમ્પના શાસન કાળમાં આવી ઘટનાઓ વધી રહી છે.
પાંચ ગોલ્ડન સુચના
વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમેરિકામાં જતા પહેલા અને ત્યાં પ્રવેશ મેળવ્યા પછી આ પાંચ બાબતો ખાસ યાદ રાખવાની જરૂર છે.(૧)અમેરિકન ડ્રીમ રાખવું કે જોવું જરા પણ ખોટું નથી પણ તેની સંભવિત 'ડાર્ક સાઈડ' એટલે કે સાવધ રહેવાની બાબતો સતત ધ્યાનમાં રાખવાની જરૂર છે .(૨) ગન કલ્ચર અને તમારા સ્ટેટની સ્થિતિ જાણી લેવી (૩) વિઝા કે એફ વન સ્ટેટસ જઈ શકે તેવી નકારાત્મક તૈયારી વિદ્યાર્થી અને વાલીએ રાખવી જોઈએ. (૪) ડ્રગ્સ અને લોકલ ગેન્ગ્સને પારખતા શીખો અને તેનાથી દુર રહો.(૫) ૯૧૧ પર કોલ કરવો પણ અમેરિકામાં જઈ ત્યાં વર્ષોથી રહેતા પરિચિત પાસેથી પોલીસ જોડે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવી તેના બેઝિક્સ જાણી લેવા.ટ્ર્રાફિક પોલીસ કાર ઉભી રાખીને પૂછપરછ કરે તો કઈ રીતે વર્તવું ,કેવી બોડી લેન્ગવેજ રાખવી તે શીખી લેવું. નજર સામે કોઈ તમારી કારના કાચ તોડતું હોય તો તેને પડકારવા કરતા તે વ્યક્તિને કાચ તોડવા દો અને પર્સ વગેરે લઇ જવા દો. બુમ ન પાડો કે પ્રતિકાર પણ ન કરો કેમ કે તે વ્યક્તિ ફાયરીંગ કરી શકે છે
વિદેશ જતી વખતે વિદ્યાર્થીઓ માત્ર ગ્લેમર જુએ છે, પણ ત્યાંની 'કલ્ચર શોક' (સાંસ્કૃતિક આઘાત) અને એકલતા વિશે કોઈ વાત કરતું નથી.
ભારતીય દૂતાવાસની મદદ
જ્યારે પણ કોઈ ભારતીય વિદ્યાર્થી મુશ્કેલીમાં હોય કે તેની સાથે કોઈ અપ્રિય ઘટના બને તો ભારતીય દુતાવાસની મદદ મળી શકે છે તેનાથી મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ અજાણ હોય છે.
કાનૂની સહાય : દૂતાવાસ વિદ્યાર્થીના પરિવારને સ્થાનિક વકીલોની યાદી આપે છે અને કાયદાકીય લડતમાં માર્ગદર્શન આપે છે. પરિવાર સાથે સંપર્ક : મૃત્યુના કિસ્સામાં પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તમામ કાગળની કાર્યવાહી દુતાવાસ સંભાળે છે.
દબાણ લાવવું : જો તપાસમાં પક્ષપાત થતો જણાય, તો ભારતીય રાજદૂત અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરીને 'નિષ્પક્ષ તપાસ'ની માંગ કરે છે.પરિવાર માટે વળતર માટે પણ દુતાવાસ ભૂમિકા ભજવે છે.ભારતીય દુતાવાસની વેબસાઈટ પર નોંધણી કરાવો. યાદ રાખો દુતાવાસ ક્યારેય ફોન પર વાત નથી કરતું કે તમારી અંગત વિગતો પૂછતું નથી, આવા ધમકી ધરાવતા ફોન ફ્રોડ હોઈ શકે છે..
વિદેશ જતી વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓ માત્ર ગ્લેમર જ જુએ છે, પણ ત્યાંના કલ્ચર અને કલ્ચર શોક અંગે પૂર્વ જાણકારી અને શું કરવું અને શું ન કરવું તેનું માર્ગદર્શન જૂજ લોકો લેતા હોય છે. અમેરિકાનું ડ્રીમ જોવું જ જોઈએ. અમેરિકા કે વિદેશમાં અભ્યાસ કે કારકિર્દી બનાવી જ શકાય પણ સંભવિત પડકારોથી વાકેફ હોવાની જરૂર છે.અમેરિકા હવે પહેલા જેવું નથી રહ્યું તે તો સ્વીકારવું જ રહ્યું.
જ્ઞાન પોસ્ટ
'I have spent my life judging the distance between American reality and American dream,'
- Bruce Springsteen


