- અમેરિકામાં ભારતીયો ભારતની જેમ જ બેન્ડ બાજા બારાતની ધૂમ મચાવતા વરઘોડો કાઢે છે અને ધામધૂમથી તહેવારો ઉજવે છે તેનાથી કંટાળીને અમેરિકાના નાગરિકે પોસ્ટ મૂકી કે...
- વિવિધા-ભવેન કચ્છી
- 'અમેરિકા ભારતીયોથી હવે ઉભરાઈ ચૂક્યું છે.' તેવી કોમેન્ટ કરનાર ટ્રમ્પના ચાહિતા ચાર્લી કર્કની હત્યા બાદ ભારત વિરોધી રોષ વધુ વેગવંતો બનશે
- ભારતીયો પણ અમેરિકાની આંખે ચઢે તેમ રહે છે અને પ્રગતિ કરે છે તે જુદું
'અ મેરિકા ભારતીયોથી હવે ઉભરાઈ રહ્યું છે. આપણે હવે ભારતીયોની જરૂર નથી ' આના કરતા પણ જલદ ભાષામાં અમેરિકાના ગોરા નાગરિકો ભારતીયો પ્રત્યે હિંસક હુમલા કરવા પ્રેરાય તેવું વૈમનસ્ય પેદા કરતા ભાષણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં કરનાર ચાર્લી કર્કની યુટાહ યુનિવર્સિટીના કેમ્પસમાં ગોળી વીંધી હત્યા કરવામાં આવતા અમેરિકામાં ચકચાર મચી ગઈ છે.
વધુ આઘાત પમાડે તેવી વાત એ છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્લી કર્ક અમેરિકાનાં ગૌરવનું ઘડતર કરનાર શહીદ ગણાવ્યો અને અડધી કાઠીએ ધ્વજ લહેરાવવાનો આદેશ જારી કર્યો. ચાર્લી કર્કની શહાદત એળે ન જવી જોઈએ તેવી રાષ્ટ્ર જોગ અપીલ કરવામાં આવી. અમેરિકાને ફરી નંબર વન (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) બનાવવાની ઝુંબેશ ચાર્લી કર્ર્ક પ્રત્યેની સહાનુભુતિ વ્યક્ત કરવા સાથે વધુ વેગવંતી બની છે.
દિમાગમાં ઝેર
અમેરિકાને પોતાની શિક્ષણ વ્યવસ્થા, અભ્યાસનું મહત્ત્વ કે પારિવારિક તેમજ સામાજિક જીવન સુધારવાની પરવા નથી. આહાર પધ્ધતિની રીતે પણ સુધરવું નથી. બસ ગોરાઓના દિમાગમાં એ જ ઝેર રેડાય છે કે 'અમેરિકાની કથળેલી હાલત માટે અમેરિકામાં વસતા બીન અમેરિકન નાગરિકો જવાબદાર છે.આવા નાગરિકોમાં જો સૌથી પ્રતિભાવાન અને મહેનતુ તેમજ વધુ સંખ્યામાં હોય તો તે ભારતીયો છે. ચાર્લી કર્કની વિચારધારા તો એ હદે ડરામણી હતી કે એચ વન - બી વિઝા ધારકો જ નહીં ગ્રીન કાર્ડ કે વર્ષોથી નાગરિકત્વ મેળવી ચૂકેલા ભારતીયો પણ અમેરિકાના વિકાસ અને સંસ્કૃતિને માટે બાધારૂપ છે.અમેરિકા લોકશાહી દેશ છે એટલું જ બાકી ત્યાં વસતા ભારતીયોને દેશનિકાલ કરવા સુધીનો રોષ ફેલાવાઈ રહ્યો છે.
આવી સ્થિતિ વચ્ચે એ.આઈ.ને લીધે કંપનીઓને મોટે પાયે એન્જિનિયરોની છટણી કરવાની ફરજ પડી છે ત્યારે ટોચની ટેકનો કંપની પર એવી રીતનું દબાણ થઇ રહ્યું છે કે શક્ય એટલા ભારતીયોને નોકરીમાંથી પહેલા હાંકી કાઢો અને નવી ભરતીમાં અમેરિકાના ડિગ્રી કે માસ્ટર ડિગ્રીધારીઓને પ્રાધાન્ય આપો. એચ વન બી વિઝાની લોટરી સિસ્ટમ અને સંખ્યા પર કાપ મૂકી અમેરિકાના ગ્રેજ્યુએટને વધુ પેકેજ સાથે નોકરી મળે તેવા કાયદાને આખરી રૂપ અપાઈ રહ્યું છે. એકંદરે ચીન કે મેક્સિકોના નોકરીયાતો અને શ્રમિકો કરતા જાણે ભારતીયોને ટાર્ગેટ કરાતા હોય તેવંા વાતાવરણ બની ચૂક્યું છે.
ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે એક રાજકીય વિવાદ છે પણ એવું લાગે છે કે ટ્રમ્પ ત્યાં વસતા ભારતીયો પર દ્વેષ ફેલાવતી માનસિકતા ધારણ કરી ચૂક્યા હોય તેવું લાગે છે.
ગોરાઓની હતાશા
જો કે અમેરિકામાં ભારતીયો અમુક વિસ્તાર અને રાજ્યોમાં તો એ હદે દેખાય છે કે અમેરિકાના નાગરિકોને એવું લાગે કે તેઓ ભારતમાં વસી રહ્યા છે કે શું.અને હા, ભારતીયોને માટે અમેરિકનોને રોષ જાગે તેવું વર્તન પણ ભારતીયો છેલ્લા કેટલાક વર્ષોથી કરવા માંડયા છે. થોડા દિવસો પહેલા અમેરિકાના ડલાસમાં એક રહેણાંક વિસ્તારના માર્ગમાં ભારતીયોએ જાણે ભારતમાં બેન્ડ બાજા બારાત લગ્ન હોય તેમ બેન્ડ, ડાન્સ અને ફટાકડા સાથે ધૂમ મચાવતો વરઘોડો કાઢયો.તે વિસ્તારમાં ભારતીયોની બહુમતી હતી પણ ગોરાઓ પણ સારી એવી સંખ્યામાં રહેતા હતા.તેઓ છાશવારે ભારતીયો દ્વારા તેઓ જાણે ભારતમાં રહેતા હોય તેવી ધામધૂમ સાથે ઉજવણીથી ત્રાસી ગયા છે.એચ વન બી વિઝા ધારકોની યુવા પેઢી અમેરિકામાં જ્યાં વસતી થઇ છે ત્યાં આવી રીતે ઉજવણી વધતી જાય છે.
ડલાસના ડેનિયલ કીને નામના નાગરિકે આવો વરઘોડો જારી હતો ત્યારે જ સોશિયલ મીડિયા પર વિડીયો સાથે પોસ્ટ કરી કે 'મારા ઘરની બહાર અવારનવાર જોવા મળતું દ્રશ્ય છે.આપણે એચ વન બી વિઝા કાયમ માટે રદ જ કરી દેવા જોઈએ.મારે મારા સંતાનોનો ઉછેર અમેરિકામાં કરવો છે ભારતમાં નહી.'
ભારતીયો અમેરિકામાં ઉપદ્રવ તરીકે હવે હદ કરી રહ્યા છે અને આપણો દેશ માથે લીધો છે તેવી સોશિયલ મીડિયા પર ભારતીયો પર ધિક્કાર વરસાવતી પોસ્ટનો તે પછી વરસાદ વરસ્યો. મોટાભાગના અમેરિકન નાગરિકોએ પ્રતિભાવ આપ્યો કે 'અમારે ત્યાં પણ આવી જ સ્થિતિ છે.
ભારતીયોનો જવાબ
જો કે તે પછી તો અમેરિકનો વધુ રોષે ભરાયા કેમ કે ભારતીયોએ તેમની પોસ્ટમાં 'અમારા દેશના નાગરિકોએ આવું વર્તન ન કરવું જોઈએ અમે તેઓ વતી ખેદ અનુભવીએ છીએ.'તેમ વિવેક વ્યક્ત કરવાનો હોય પણ તેની જગ્યાએ એવી પોસ્ટ જોવા મળી કે 'કેમ ,અમે અમારી સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી ન કરી શકીએ.?' કેટલાકે લખ્યું કે 'તમારે ગોરાઓએ તો અમારી પાસેથી શીખવાની જરૂર છે કે લગ્ન કે તહેવારની ઉજવણી કેમ કરાય. અમે તમારી જેમ શુષ્ક કે પ્રોટોકોલ પ્રમાણે યંત્રવત લગ્ન કે ઉજવણી નથી કરતા. તમે પણ અમારી જેમ ઉજવણી કરો અને કેવી મજા પડે છે તે માણો. અમારી જેમ વધુને વધુ સોશિયલ બનો' એક પોસ્ટમાં તો અમેરિકા સ્થિત ભારતીય નાગરિકે ગોરાઓને સલાહ આપી છે કે 'અમારા લગ્ન પ્રસંગ તે કાયમી દિવ્ય બંધન છે. તમારે દીર્ઘ દામ્પત્ય જીવનની અમારી સંસ્કૃતિને અપનાવવી જોઈએ.'
એચ વન બી વિઝાને રદ કરવાની માંગ વ્યક્ત કરતી અમેરિકાના નાગરિકની પોસ્ટનો પણ કેટલાક ભારતીય નાગરિકોએ વળતો જવાબ આપ્યો હતો કે 'ભારતના એન્જિનિયરોને જ મહત્તમ નોકરીઓ મળે છે તેનું કારણ ભારતમાં અપાતું શિક્ષણ અને સખ્ત મહેનત સાથે ઉત્કર્ષ કરવાનો તેઓનો જીવન ધ્યેય છે. તમારા વિદ્યાર્થીઓને અભ્યાસ કે મહેનત નથી કરવી અને સામાજિક તેમજ પારિવારિક ભાવના કેળવવી નથી અને જ્યારે ભારતીયો તેની ગુણવત્તાના આધારે નોકરી મેળવે છે અને પ્રગતિ કરે છે ત્યારે તમને ભારતીયો આંખના કણાંની જેમ ખૂંચે છે.' માની લો કે અમેરિકામાં વસતા ભારતીયોની વાત સાચી પણ હોય તો પણ અમેરિકાના નાગરિકોને તેમાં તો વધુ માઠું લાગે કે 'લો એક તો અમારા દેશને પોતાનું ઘર બનાવીને બેઠા છે અને હવે અમને તેમની સંસ્કૃતિ પ્રમાણે જીવવાનો ઉપદેશ આપે છે.' કોઈપણ દેશની સંસ્કૃતિ ગમે તેવી હોય પણ તેઓ અન્ય સંસ્કૃતિ કે ધર્મને અનુસરવાનું પસંદ નથી કરતા એક આપણો જ લઘુતા ગ્રંથી ધરાવતો દેશ છે જે પશ્ચિમી ફેશન, રીતભાત,ફૂડ અને નૃત્યને અપનાવી વધુ સભ્ય અને આધુનિક બન્યાનું આડંબર વ્યક્ત કરે છે. પશ્ચિમના દેશના નાગરિકો ગરબા કે ભાંગડા નથી અપનાવતા. ભાખરી શાક ભોજનમાં સામેલ નથી કરતા. ઝબ્બા લેંઘા અને સલવાર કુર્તા નથી પહેરતા. પણ હવે આપણે તેમના દેશમાં રહીને તેઓની સભ્યતા અને જીવન પધ્ધતિને પડકારતા શિસ્તનું પાલન તો નથી જ કરતા પણ તેઓ આપણાંમાંથી શીખે તે ઉપદેશ આપતા થયા છીએ.
વિસર્જન માટે માંગ
અમેરિકામાં થોડા દિવસો પહેલા ગણપતિ વિસર્જન વખતે પણ મહદ્દઅંશે તો કુંડમાં જ માટીથી બનેલ ગણપતિની મૂર્તિનું વિસર્જન થયું છતાં અમુક વિસ્તારોના ભારતીય રહીશોએ માંગણી કરી કે 'અમારી ધર્મ સંસ્કૃતિ પ્રમાણે અમારે મૂર્તિનું નદી કે સમુદ્રમાં વિસર્જન કરવાનું હોય છે.અમેરિકા તે રીતે ઉદાર છે.તેઓએ જુદા જુદા શહેરો કે જ્યાં આવી રીતે વિસર્જનની માંગણી થઇ હોય ત્યાં નજીકની નદી અને સમુદ્રના કિનારાની સૂચિ અને માર્ગદર્શિકા જાહેર કરી. પાલિકાના ગોરા અને મેક્સિકનો તેઓની સહાય અર્થે વિસર્જન વખતે સાથ આપતા હતા. તેવી જ રીતે હવે તો મૃતકના અસ્થિ વિસર્જન માટે પણ ભારતીયો નદીમાં તેને પધારવાની મંજુરી મોટે પાયે માંગતા થયા છે. અમેરિકા પોતાના નાગરિકો માટે નદી અને સમુદ્ર કે હવા ,અવાજના પ્રદુષણ માટે ખુબ જ કડક છે.કોઈ ઉલ્લંઘન કરે અને પાડોશી ફોન કરે તો તરત જ પોલીસ આવી જાય છે. પણ ભારતીયો વરઘોડા નીકાળે ,બેન્ડ સાથે હિન્દી ફિલ્મના ગીતો પર ડાન્સ કરે,ઘોડાની બગીમાં બેસાડી વરરાજાની માર્ગ પર સવારી કરે કે ગણપતિનું વિસર્જન કરે તે બધું અમેરિકાના ગોરાઓ મુક નજરે નિહાળે છે.
ભારતીયોથી ભરચક
ભારતના યુવા એન્જીનીયરો અમેરિકાના યુવાનોની તુલનામાં ઘણી સારી આવક મેળવે છે.તેઓ યુવા વયે જ બંગલો,મોંઘી કાર ખરીદી લે છે. શોપિંગમાં અને ફૂડ આરોગવામાં પણ શૂરા હોય છે. કોસ્કો, વોલમાર્ટ ટારગેટ જેવા સુપર બજારમાં ટ્રોલી લઈને શોપિંગ કરતા ભારતીયોનો જમાવડો જોઈ શકાય છે.નવી મુકાતી રહેણાંક સ્કીમમાં ભારતીયો જ ભાડેથી કે માલિકીના ઘરથી વસવાટ કરતા હોઈ અમેરિકનોને પોતાની કોમ્યુનિટીની નવી સ્કીમ ક્યાં શોધવી તે સમસ્યા છે.આવા નવા રહેણાક વિસ્તારોના પાર્ક પણ ભારતના જ બાળકો અને તેમના વાલીઓથી ભરચક હોય.તેમાં વળી આવા બાળકોના દાદા દાદી અને નાના નાની એક અલગ શેડ હેઠળ ભારતના ઓટલાની જેમ વાતોએ વળગ્યા હોય.આવા વિસ્ત્તારમાં રહેતા ગોરા કે અશ્વેત વાલી તેમના સંતાનોને લઈને રમવા આવે ત્યારે ભારતની કોઈ સોસાયટીમાં વિદેશી દંપતી રહેવા આવ્યું હોય તેવું લાગે.
ભારતીયો મુક્ત રીતે રેસ્ટોરાં ,ફૂડ અને પ્રવાસમાં મજા માણે છે.જ્યારે અમેરિકનો માટે ડોલર કિંમતી હોય છે. અમેરિકાના ગોરાઓ ભારતના દામ્પત્ય જીવન, માતા પિતા અને સંતાનો સાથેના છેક સુધીના સંબંધો, બાળ ઉછેરમાં વડીલોનો સાથ સહકાર જુએ છે. જેઓ હકારાત્મક છે તેઓ પ્રશંસા કરે છે પણ બહોળો વર્ગ ભારતની અદેખાઈ કરે છે.
સાવધાની જરૂરી
અમેરિકાના ભારતની વધુ વસ્તી ધરાવતા વિસ્તારો,બજારોમાં ગંદકીનું પ્રમાણ પણ ઠીક ઠીક વધ્યું છે.લંડનની બજાર અને ફૂડ સ્ટ્રીટને ભારતીયોએ કેવી ઉકરડામાં ફેરવી નાંખી છે તેનો વિડીયો વાઈરલ બન્યો હતો.અમેરિકા અને બ્રિટનમાં વસતા ભારત સહિત એશિયાના દેશોના નાગરિકો હવે તો જાહેર માર્ગ, સ્ટ્રીટનો જાણે કબજો લઇ ચુક્યા હોય તેવું લાગે છે.આજ નહીં તો કાલે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની શક્યતા નકારી ન શકાય. ભારતીયો પર વખતોવખત છુટા છવાયા હુમલાની ઘટનાઓ પણ વધશે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા આયર્લેન્ડ, ફ્રાંસ અને ઓસ્ટ્રેેલિયામાં પણ ત્યાં વસતા અન્ય દેશોના નાગરિકો સભ્યતા, સંસ્કૃતિ અને રોજગારી માટે બાધારૂપ છે તે હવે વિરોધ કે શાસક પક્ષનું મત મેળવવા માટેનું કાર્ડ બની ચૂક્યું છે. ભારતના નાગરિકોએ પરદેશમાં રહીને મૂળ પ્રજાને પડકારતા હોય તેવું લાગે તે રીતે જીવવું ન જોઈએ.
જ્ઞાન પોસ્ટ
The family you create is more important than the family you come from.


