- 42 વર્ષની વયના વિશ્વના સૌથી સ્નાયુબદ્ધ વેજીટેરિયન પહેલવાન વરિન્દર સિંઘ ઘુમાનનું હૃદય રોગના હુમલાથી નિધન
- વિવિધા-ભવેન કચ્છી
- કોઈપણ સારી ગણાતી આદતોનો અતિરેક ઝેર સમાન છે, મધ્યમ માર્ગ શ્રેષ્ઠ છે.
- આહાર, વિહાર,વ્યાયામ અને નિયમિત તબીબી પરીક્ષણ અંગે માર્ગદર્શન મેળવતા રહેવું જરૂરી
જિ મમાં જઈને પોલાદી સ્નાયુબદ્ધ દેહસૌષ્ઠવ મેળવવા માટે હદ બહારની જહેમત ઉઠાવતા દેશના યુવાનોએ તેમના રોલ મોડેલ કે આદર્શ એવા ૪૨ વર્ર્ષીય વરીન્દર સિંઘ ઘુમાનનું ગત શુક્રવારે હૃદય રોગના હુમલાથી નિધન થતા ભારે આઘાત અનુભવ્યો છે.
વરિન્દર સિંઘ વેજીટેરિયન આહાર જ કરતો હોય તેવો વિશ્વના સૌથી સ્નાયુબદ્ધ બોડી બિલ્ડર તરીકે આગવી ઓળખ ધરાવતો હતો. 'ધ ટર્મિનેટર' ફેમ હોલીવુડ સ્ટાર આર્નોલ્ડ સ્વારઝેનેગર પણ તેમનાથી પ્રભાવિત હતા અને તેમની ફિટનેસ લાઈનનો એશિયન બ્રાન્ડ એમ્બેસેડર તેને બનાવ્યો હતો.
અમૃતસરની હોસ્પિટલમાં આમ તો તે કાંડાની ઉપરના ભાગની સાવ સામાન્ય સર્જરી કરવા ગયા હતા અને તે જ દિવસે પરત તેમને ઘેર જવાના હતા. માઇનોર સર્જરી દરમ્યાન જ તેમને ખભા પર તીવ્ર દુખાવો થયો અને ડોક્ટરોની ટીમ કઈંક સમજે તે પહેલા જ તેમને હાર્ટ એટેક આવ્યો. ડોક્ટરો લાચારીથી જોતા રહ્યા અને તેમનું નિધન થયું.
ભૂતપૂર્વ મિસ્ટર ઇન્ડિયા વરિન્દર સિંઘ કેટલીક પંજાબી અને સલમાન ખાન સાથે 'ટાઇગર થ્રી' ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા હતા.
હજુ થોડા મહિના પહેલા અમદાવાદના એક સૌથી સ્નાયુબદ્ધ દેહસૌષ્ઠવ ધરાવતા ડોક્ટર દિલ્હીમાં કોન્ફરન્સ દરમિયાન લેક્ચર આપતાં જ સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મૃત્યુ પામતા તબીબી જગતમાં સોપો પડી ગયો હતો.
કેટલીયે આવી બોડી બિલ્ડર કાયા ધરાવતી જાણીતી વ્યક્તિઓના છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકથી અકાળ મૃત્યુ થયાં છે. કેટલાક તો ક્રિકેટ કે કોઈ રમત રમતા આ રીતે મૃત્યુ પામ્યા છે.
સિદ્ધાર્થ સૂર્યવંશી, કન્નડ અભિનેતા પુનિત રાજકુમાર, એક્ટર સિદ્ધાર્થ શુક્લા, મિસ્ટર ઇન્ડિયા આશિષ સખારકાર, પ્રેમજી અરોરા જેવા મૃતકોની લાંબી યાદી બનાવી શકાય તેમ છે.
આવા મોટાભાગના ઓચિંતા હાર્ટ એટેક માટે તબીબો ‘sudden cardiac arrhythmic' નું કારણ આપે છે. સાવ સાદી સમજ પ્રમાણે હૃદયની ઇલેક્ટ્રિક સિસ્ટમ અને વારંવાર હૃદયના ધબકારાના લયમાં થતા ફેરફાર સાથે જોડાયેલી આ સમસ્યા છે. હૃદયના બે ધબકારા વચ્ચે ધબકવામાં વાર લાગે કે પછી તે પેટર્ન આવા કિસ્સામાં અનિયમિત હોય છે.
આવી સ્થિતિ વારસાગત, જેનેટીક પણ હોઇ શકે. વધુ તીવ્રતાથી કસરત કરતા આ તકલીફ એક્સપોઝ થાય છે. સ્ટેરોઇડનું સેવન પણ નિમિત્ત બને છે.
હવે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. માત્ર બોડી બિલ્ડર જ નહીં સામાન્ય કાયા ધરાવનાર વ્યક્તિઓના પણ અચાનક નિધન થાય છે ત્યારે હૃદય રોગના નિષ્ણાત
તબીબોના સૂચનો સંકલિત કરીને અત્રે આપ્યા છે. જે સાચવી રાખવા જેવા અને હોસ્પિટલ કે જિમના ડિસ્પ્લે બોર્ડમાં મુકવાની જરૂર છે.
(૧) ક્ષમતા કરતા વધુ અને ઉગ્ર જોશ સાથે કસરત, દોડવું, સાઈકલિંગ અને સ્વિમિંગ કરવાથી લાંબે ગાળે હૃદયની તકલીફ સર્જાઈ શકે છે.
(૨) ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના નિર્દેશ પ્રમાણે જીમમાં કે અન્ય રીતે ક્ષમતા કરતા થોડી વધુ કસરત કરીએ ત્યારે ઉપરનું બ્લડ પ્રેશર સ્વાભાવિક રીતે વધે પણ તે કોઈ સંજોગોમાં ૨૦૦થી વધવું ન જોઈએ અને નીચેનું બ્લડ પ્રે૨શર તો લગભગ નોર્મલ હોય ત્યાર જેટલું જ હોવું જોઈએ. મોટાભાગના કસરત કરનારા પ્રેશરની આ મર્યાદાનું ધ્યાન નથી રાખી શકતા. કસરતનું સેશન પૂરું થાય પછી કેટલીક મિનિટમાં તે પુન:નોર્મલ થઇ જવું જોઈએ.
(૩) જિમ કે જિમ વગર કસરત કરનાર યુવા કે મધ્યમ વયના હોઇ તેઓને હૃદય રોગની તકલીફ અત્યારે જ છે તે તેઓ જાણતા જ નથી હોતા. કેમ કે લક્ષણો બહાર આવે તો પણ તેઓ એમ માને છે કે 'આજકાલ તો ઓફિસ, ધંધામાં કામ વધુ રહે છે. તનાવ તો બધાને થોડો ઘણો રહેવાનો' આ એક ભયજનક માનસિકતા છે. ઘણા એવા લોકો છે જેઓને લક્ષણ જણાય છે પણ ટેસ્ટ કરાવવાથી એમ ડરીને દૂર રહે છે કે ક્યાંક બીમારીનું નિદાન થશે તો.
જે રીતે બહારથી ફીટ અને સ્નાયુબદ્ધ લાગતા નાગરિકોમાં હૃદય રોગના હુમલાના અને અપમૃત્યુના સમાચાર વધતા જાય છે તે પછી હૃદય રોગના નિષ્ણાંતો કહે છે કે 'શું ખબર તમારી કોઈ નળી બ્લોક જ હોય અને તમે કસરત ચાલુ કરો છો. તેના કરતા કસરત નિયમિત કરતા અગાઉ હાર્ટનું ચેક અપ કરાવી લો. ઇ. સી. જી., ટ્રેડમિલ ટેસ્ટ અને ડોક્ટર કહે તો ઇકો ટેસ્ટ કરાવી લેવો. હૃદય રોગના ડોક્ટરને ક્યા બ્લડ ટેસ્ટ કરવા તે પણ પૂછીને રિપોર્ટ બાદ માર્ગદર્શન લેવું જરૂરી છે.ડોક્ટર એચ. એસ.- સી. આર. પી. બ્લડ ટેસ્ટની ભલામણ કરે છે.
(૪) કસરત કરીએ એટલે હાંફ તો ચઢે જ પણ આમ છતાં કઈંક અસાધારણ હાંફ હોય તો ડોક્ટરનો સંપર્ક સાધવો.
જો પંદર વીસ પગથિયાં હાંફ વગર, છ મિનિટમાં ૫૦૦ મીટર ચાલી શકતા હો તો સારું કહેવાય પણ છ મિનિટમાં ૨૦૦ મીટર પણ ન ચાલી શકો તો ડોક્ટરને જણાવી અન્ય ચેક અપ કરવા જોઈએ.
(૫) દર વખત કરતા જુદા જ પ્રકારનો થાક, ઉનાળા કે શ્રમ વખતે ન હોય તેવો તમને એકલાને જ પરસેવો થાય, ડાબા ખભાની આસપાસ ભીંસ સાથે દુખાવો થાય, છાતી પર કોઈએ ભરડો લીધો હોય તેવો દુખાવો થાય તો તેને ઇમર્જન્સી ગણીને હોસ્પિટલમાં પહોંચી જવું.
(૬) તમાકુનું કે કોઈપણ પ્રકારનું વ્યસન, એક જ તેલમાંથી વારંવાર તળાતું ફરસાણ, જંક ફૂડ પણ હૃદય રોગને નોતરે છે. આવી આદતો ત્યજવી પણ ન છૂટી શકે તો હૃદય રોગ શાંત રહીને પણ ઘર કરી ગયો હોય તેવું બને તેથી આવા લોકોએ વધુ નિયમિત રીતે ટેસ્ટ કરાવવા
(૭) સાવ એકવડો બાંધો ધરાવનાર અને કસરત ન કરતા હોય તેમજ વ્યસનથી પણ દૂર રહેતા હોય તેવા ઘણા યુવાનોને પણ હૃદય રોગના હુમલા આવે છે તેનું કારણ એ છે કે આવી વ્યક્તિને પરિવારમાં વારસાગત હૃદયની તકલીફ હોઇ શકે અને તે આનાથી અજાણ હોય કે દુર્લક્ષ્ય સેવ્યું હોય.
(૮) ઘણાને જન્મજાત જ કે અમુક યુવા વયે હૃદયની સમસ્યા કે નળીમાં બ્લોક સર્જાય તેવી કુદરતી રચના હોય છે. આવી વ્યક્તિ એટલી હદે નોર્મલ હોય કે તેને કઈંક અમંગળ થાય ત્યારે જ કારણ ખબર પડે.આ માટે પણ નોર્મલ વ્યક્તિએ સમયાંતરે પરીક્ષણ કરાવવા જોઈએ.
(૯) નિયમિત હળવી કસરત, ચાલવું, સ્વિમિંગ, ધીમા ડગલે દોડવું, એરોબિક્સ, યોગા, પ્રાણાયમ વગેરે તો કરવું જ જોઈએ પણ કોઈપણ વસ્તુનો અતિરેક ઝેર સમાન છે.
(૧૦) જેઓને ડાયાબિટીસ છે તેઓને હૃદય રોગ કે કિડનીની બીમારી શરીરમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખી ડોક્ટરની સલાહને અનુસરવાનું છે. ખાસ તો ડાયાબિટીસના દર્દીઓને હૃદય રોગનો હુમલો શાંત એટલે કે દુખાવા વગર થાય છે તેથી બેવડી સતર્કતા દાખવવી જોઈએ.
(૧૧) નોકરી, ધંધાનો તનાવ, આર્થિક પડકારો,દેવુ, ઓફિસ કે કંપની દ્વારા અપાતા એવા પડકારો કે જે વાસ્તવિક રીતે પ્રાપ્ત કરી જ ન શકાય અને તેનું દબાણ, ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું, ક્લેશ સાથેનું દામ્પત્ય જીવન કે પછી પરિવાર જોડેના કલુષિત સંબંધો, વિદ્યાર્થી હોય તો અભ્યાસ અને ઉચ્ચ ડિગ્રી મેળવવી અને તે પછી સારી નોકરી કે ધંધાની ચિંતા જેવા અનેક સામાજિક, માનસિક અને આથક પડકારો તનાવ, ડિપ્રેશન અને હૃદય રોગની કે અન્ય ક્રોનિક બીમારીને જન્મ આપે છે.શ્રીમંતોને તેમના તો મધ્યમવર્ગ કે ગરીબોને તેમના આગવા પડકારો હોય છે જે હાર્ટ, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ માટે કારણરૂપબને છે.
(૧૨) કોઈ વ્યક્તિ બહારથી ફીટ અને પ્રસન્ન જણાય છે. દુનિયાની નજરે તેણે બધું મેળવી લીધું છે અને તે અન્યની ઈર્ષાને પાત્ર પણ હોઈ શકે પણ તેની પોતાની સમજ, અપેક્ષા કે લઘુતા ગ્રંથિને લીધે તે પોતાને તેના જ ક્ષેત્રના અન્ય કરતા નિષ્ફળ કે ખાસ કઈં મેળવ્યું ન હોય તેમ માને અને તેને લીધે મનોબીમારીના માર્ગથી હૃદય રોગનો ક્રમશ: દર્દી બનતો જાય.
(૧૩) અન્ય કોઈપણ બીમારી હોય તો સામી વ્યક્તિ તમને કહેશે કે 'કેમ દુબળા થઇ ગયા છો કે પછી નિસ્તેજ અને ફિક્કા લાગો છો.' પણ હૃદય રોગ તે રીતે છેતરામણો છે કેમ કે તમારો ચહેરો લાલ ટામેટા જેવો છે. તમે ફીટ તરીકે મિત્ર વર્તુળમાં પ્રસંશા મેળવતા હશો. કસરત, પ્રવાસ, રમત રમતા હશો અને ટ્રેકિંગ પણ કરતા હશો. કોઈ જ લક્ષણ કે વજન ઘટી જવું પણ જોવા નહીં મળે છતાં કુદરતી રીતે હૃદયની બગડતી કે બગડી ચૂકેલ રચના હોઇ શકે.
એકંદરે એવું કહી શકાય કે હૃદય રોગ જેને હોય તેના માથે શીંગડા નથી હોતા.
(૧૪) ફિલ્મ સ્ટાર્સ કે મોડેલનું સ્નાયુબદ્ધ દેહસૌષ્ઠવ જોઈને ભોળા યુવાનો પણ તેવી પોલાદી લાગતી કાયા મેળવવા ક્ષમતા કરતા વધુ વેઇટ લિફ્ટિંગ અને અન્ય કસરત કરે છે. શરીરની જન્મજાત તાસીર ન હોય તો પણ માંસાહાર પર ચઢી જાય છે. ડોક્ટરની સલાહ વગર પ્રોટીન શેક ફેશન હોય તેમ લેવા માંડે છે. એટલે સુધી કે ડ્રગ, સ્ટેરોઇડના ઇન્જેક્શન પણ લે છે.
ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મમાં કામ કરવાના રૂપિયા ત્રીસ કરોડ લેતા હોય અને આપણા કસરતબાજ ભાઈ સામાન્ય નોકરી કરતા હોય. ફિલ્મ સ્ટાર કે મોડેલનો તો તે વ્યવસાય છે. તેઓ કરોડોની કમાણી માટે દેશના ઉત્કૃષ્ટ જિમ ટ્રેેનર, ડાયેટીશયન, તેમજ તબીબોની ટોપ ટીમના માર્ગદર્શન હેઠળ દેહસૌષ્ઠવ મેળવે છે. આડઅસરની સામે પ્રતિકાર કરતું કઈંક લે છે.
તેમાં પણ મોટા ભાગના સ્ટાર તો કરોડોની કમાણી માટે અને સ્પર્ધામાંથી ટકી રહેવા ટૂંકા ગાળામાં ડ્રગની મદદથી બોડી બિલ્ડર બને છે. જીમમાં જનારા કે નિયમિત કસરત કરનારા તેમનું વ્યસન તો જારી જ રાખે છે. તળેલું અને જંક ફૂડનો અતિરેક ખાવાનું કસરત જાણે પરવાનો આપે છે તેમ માને છે.
છોકરીઓ સ્નાયુબદ્ધ શરીરથી આકર્ષણ પામે છે તેવી પણ ફિલ્મી સમજણ યુવાઓમાં છે.
ખરેખર તો ફીટ અને સ્વસ્થ તેમજ પ્રસન્ન વ્યક્તિત્વ મહત્વનું છે. પોલીસ, સેનાથી માંડી બાઉન્સર હો તો સ્નાયુબદ્ધ શરીર જરૂરી છે. ફિલ્મ સ્ટારને કદાચ જરૂરી છે પણ એક્ટર તરીકે આદરણીય છે તેવા અમિતાભ બચ્ચનથી માંડી નસિરુદ્દીન શાહ જેવી ડઝનથી વધુ પ્રતિભા છે જેઓ સ્નાયુબદ્ધ ક્યારેય નથી બન્યા.
આપણે બાવડાબાજ બનવાની જરૂર નથી. ફીટ અને ચુસ્ત રહેવા માટે અડધો કલાક હળવી કસરત કરવાની છે. આપણા સૌની સતર્કતા અને સમજથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થઇ જ શકે છે.
જ્ઞાન પોસ્ટ
પૈસાથી દવા અને આધુનિક સારવાર ખરીદી શકાય સ્વાસ્થ્ય નહીં.


