ધનકુબેરોમાં ટાપુ ખરીદવાનો ટ્રેન્ડ .

Updated: Mar 14th, 2023


Google NewsGoogle News


- પોશ એપાર્ટમેન્ટ અને વિલા નહીં  માત્ર ટાપુઓની જ લે -વેચ કરતી એજન્સીઓ છે.. અમેરિકા અને કેનેડામાં હાલ ૭૫૦ ટાપુઓ વેચવા માટે બજારમાં મુકાયા છે

- વિવિધા-ભવેન કચ્છી

- નિત્યાનંદ જેવા કાયદાને હાથતાળી આપીને 'કૈલાશ' નામના ટાપુના માલિક બની બેઠા હોવાનું મનાય છે જ્યારે અબજોપતિઓ પૃથ્વી પર પોતાનું આગવું સ્વર્ગ ખડું કરવા પણ ટાપુ ખરીદે છે 'યુટોપીયા' એટલે કે કલ્પનાના સ્વર્ગની નગરીની વાત છેક ૧૫૧૬ની સાલમાં થોમસ મુરના પુસ્તકમાં કરાઈ છે હવે તે વાસ્તવિક  બનતી જાય છે

ભા રત સરકાર દ્વારા ભાગેડુ જાહેર થયેલ ગોડમેન નિત્યાનંદની  સેવિકાએ યુનાઈટેડ નેશન્સની એક ઓનલાઇન મિટિંગમાં 'કૈલાશ' નામ ધરાવતા એક દેશની પ્રતિનિધિ તરીકે ભાગ લઈને ભારે વિવાદ સાથે ચર્ચા જગાવી. યુનાઈટેડ નેશન્સના માન્ય દેશોની યાદીમાં  આવા કોઈ દેશનું નામ જ નથી. જો કે 'કૈલાશ'ની વેબસાઇટ પર એવું જણાવાયું છે કે નિત્યાનંદ અને તેને અનુસરતા શિષ્યો આ દેશમાં રહે છે અને તેમના પોતાના સામાજિક, આર્થિક અને ઘાર્મિક નિયમો આ કોમ્યુનિટી ધરાવે છે. આ એક નિત્યાનંદે સર્જેલ સ્વર્ગીય ભૂમિ છે.

સ્વાભાવિક છે કે  બેંગ્લોરમાં હેડક્વાર્ટર ધરાવતા આ ગોડમેનના કરોડો રૃપિયાના અને આંતરાષ્ટ્રીય સેકસ કૌભાંડો ચોપડે લખાયા હોઇ તેને જેલભેગા કરાય તે પહેલાં જ અજ્ઞાાત સ્થળે તેમના શિષ્યો જોડે નાસી ગયા છે.તેઓની આ 'કૈલાશ' નામની  વસાહત ખરેખર કોઈ દેશની જેમ અસ્તિત્વ ધરાવે છે કે પછી નિત્યાનંદ સરકારી એજન્સીને ગેરમાર્ગે  દોરવા કોઈક જગ્યાએ છુપાઈ ગયા છે અને 'કૈલાશ' જેવી કોઈ વસાહત જ ન હોય અને તે નામનો માત્ર હવાઈ કિલ્લો જ વહેતો કર્યો છે તે રહસ્ય અકબંધ છે. એવું કહેવાય છે કે એક્યુડોરના એક ટાપુને નિત્યાનંદે ખરીદી લીધો છે અને ત્યાં તેમણે અને શિષ્યોએ પોતીકી સૃષ્ટિ ઊભી કરી છે.ભારતને એક્યુડોર જોડે ભાગેડુના પ્રત્યારોપણ અંગેની સંધી નહીં હોઇ નિત્યાનંદ ત્યાં હોય તો પણ ભારત હસ્તક સોંપાય તેવી શક્યતા નથી તે જોતાં ચાલાક નિત્યાનંદે આ જગ્યા પસંદ કરી હોય તેવી પૂરી સંભાવના છે.

નિત્યાનંદના આ ભેજાબાજ કિમિયાનો ટેકો લઈને આપણે ભાવિ વિશ્વમાં કેવા અલાયદા દેશો કે અબજોપતિના પ્રમુખપદ હેઠળની વસાહતો સ્થાપવામાં આવશે તે રસપ્રદ, રોમાંચક છતાં વિશ્વમાં અરાજકતા પેદા કરી શકે તેવી વાસ્તવિકતા પર નજર કરીએ.

છેક ૧૫૧૬ની સાલમાં સર થોમસ મુર નામના લેખકે 'યુટોપિયા' નામનું પુસ્તક લખ્યું હતું. લેટિન ભાષામાં આનો અર્થ એક એવો કાલ્પનિક ટાપુ કે જે પૃથ્વી પર જાણે  સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવો સુખ, સમૃદ્ધિ અને શાંતિનો એહસાસ તેમાં રહેનારને કરાવે. માનવ જગતે કલ્પેલું શ્રે જીવન ત્યાં ઉપલબ્ધ હોય.

બાઇબલમાં આવી ભૂમિનો ઉલ્લેખ છે જ્યાં કુદરતી અને ભૌતિક સંપદા સાથે  માનવતા, સમાનતા અને  સંપ પ્રવર્તતો હતો. જાણે ભગવાન ઇસુ રાજ કરતા હોય તેવી આ જગ્યાનું નામ 'ગાર્ડન ઓફ ઇડન' અપાયું છે. 'ઓલ્ડ ટેસ્ટામેન્ટ બાઇબલ બુક ઓફ જેનેસિસ' ભાગ બે (૧૬૧૧ની સાલની આવૃત્તિ)માં તો ગાર્ડન ઓફ ઇડનનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પણ સારા કર્મો કરનાર પરલોકમાં આવેલ સ્વર્ગમાં સ્થાન પામે છે તેવી માન્યતા છે. દૂધની નદી અને સોનાની ચિડિયાની સુખદ કલ્પના કરવામાં આવી છે. ઈસ્લામમાં જન્નત શબ્દ છે.અંગેજીમાં પણ 'હેવન' શબ્દ છે તે જ પુરવાર કરે છે કે સ્વર્ગની એક કલ્પના તો છે જ. જેમ્સ હિલ્ટનના વિખ્યાત પુસ્તક 'લોસ્ટ હોરાઇઝન'માં શાંગ્રી-લા આવી જ એક ગૂઢ અને ભૌતિક અને  આધ્યાત્મિક સમતુલન સાધતી અલાયદો વસાહત ભૂમિ છે. તાઓ યુઆનમિંગના પુસ્તક 'ધ પીચ બ્લોસમ સ્પ્રિંંગ'માં એક એવી વસાહત છે કે જેને તેના સિવાયના બહારના જગતનો કોઈ સ્પર્ર્શ, સંપર્ક કે પ્રભાવ નથી. એલિસના કાવ્યોમાં 'લેન્ડ ઓફ કોકાઈગ્ન'ના ઘર રંગબેરંગી છે અને તેના માર્ગ બાળકોની મનભાવન પેસ્ટ્રીથી બનેલા છે. 'સ્ટાર ટ્રેક' ટીવી શ્રેણીમાં 'ધ ફેડરેશન' નામની અલયાદી દુનિયા છે તો ''હંગર ગેમ્સ'' શ્રેણીમાં 'ધ કેપિટલ' આવો સ્વાયત્ત દેશ છે. આલ્ડોસ હક્સલીના ધ બ્રેવ ન્યુ વર્લ્ડ'માં પણ એક એવી જગ્યા કેન્દ્ર સ્થાને છે જ્યાં યુદ્ધ કે ભૂખ શું કહેવાય તે જ કોઈને ખબર નથી. લાગણીનું પણ કોઈ સ્થાન નથી છતાં તનાવ કે હિંસા નથી થતી. આ તો કાલ્પનિક જગતની વાત થઈ પણ આપણા ધર્મગ્રેંથોમાં તો પૃથ્વી પર જ રામ રાજ્યનું ઉદાહરણ અપાયું જ છે ને. સામાજિક, આર્થિક અને માનવતાથી સભર અને પારદર્શક ન્યાય તેમજ સમાનતા - સન્માન જેવા મૂલ્યો પર રામરાજ્યમાં ભાર મુકાતો.

આવી સ્વર્ગીય સુખની કલ્પના સાકાર કરવા હવે વિશ્વના ધનકુબેરોએ તેમના રહેવા માટે કે તે ઈચ્છે તેવા સમાન માનસિકતા ધરાવતા નાગરિકોને તેમાં રહેવાની પરવાનગી કે નાગરિકત્વ આપવાની એક સિસ્ટમ ઊભી કરતા ટાપુઓ જ ખરીદવા માંડયા છે.બીલ ગેટ્સે, તો છેક ૨૦૦૬માં ભાવિ દુનિયાનો ટ્રેન્ડ પામી જઈને ૩૧૪ એકરનો  બ્યુગ ટાપુ  ખરીદી લીધો હતો. બ્રિટિશ માલેતુજાર રિચાર્ડ બ્રાન્સન બ્રિટિશ વર્જીનમાં આવેલા નેકેર અને મોસ્કિટો ટાપુનો માલિક છે.જોહન માલોન બહામાસમાં આવેલ સેમસન ટાપુના દસ્તાવેજ ધરાવે છે. રેડબુલ ડ્રિંંકના માલિક માટેચિટ્ઝના નામનું હોર્ડિંગ ફિજીમાં લાઉકાલા ટાપુના પ્રવેશદ્વારે જોઈ શકાય છે. ઓરેકલનો સ્થાપક લેરી એલિસન હવાઈમાં લાનાઈ ટાપુનો માલિક છે.  સી. એન.એન.નો ટેડ ટર્નર હવે તેનો મોટા ભાગનો સમય સાઉથ કેરોલિનામાં દરિયાઈ તટ પર આવેલ સેન્ટ ફિલિપ ટાપુમાં વીતાવે છે.  રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચે ૭૦ એકરનો સેન્ટ બાર્ટ્સ ટાપુ ૯ કરોડ ડોલરમાં પાંચ વર્ષ પહેલાં ખરીદ્યો હતો.બફેટ અને એમેઝોનના બેઝોસ, ટ્વીટર અને ટેસ્લાના ઇલોન મસ્ક , ગૂગલના લેરી પેજ પણ ટાપુના માલિક છે.

આ ઉપરાંત હોલિવુડ અભિનેતાઓ અને યુરોપ તેમજ આરબ શેખોના આવા રોકાણ અને નગરીની રોચક દુનિયા છે. જેવી રીતે પોશ એપાર્ટમેન્ટ,બંગલા,વિલા કે જમીન લે વેચ કરનારાની દુનિયા છે તેમ માત્ર  ટાપુઓનું ખરીદ વેચાણ કરી આપતી એજન્સીઓની પણ દુનિયા છે.

કોરોના પછી ટાપુ ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. અમેરિકા, બ્રિટિશ, ફીજી, બહામાસ, વેસ્ટ ઇન્ડીઝ, યુ. એ.ઇ., સિંગાપોર, ગ્રીસ, પોર્ટુગલ , ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને કેનેડા, હોંગકોંગ, મકાઉની વિશાળ જમીન , ખેતરો અને ટાપુઓની સુપર રિચમાં ભારે માંગ છે.

આ રીતે ટાપુ ખરીદવાનો વિચાર સાઈઠના દાયકામાં શિપિંગ ઉદ્યોગના કુબેરપતી અરીસ્ટોટલ ઓનાસીસને આવ્યો હતો. તેણે અમેરિકાના સ્વ. પ્રમુખ કેનેડીના પત્ની જેકલીન કેનેડીને ગ્રીક ટાપુ સ્કોર્પિયોસ પ્રેમવશ ભેટમાં આપ્યો હતો.

અમેરિકા અને કેનેડામાં કાર્યરત ક્રિસ ક્રોલોની કંપની માત્ર ટાપુઓની લે વેચનું જ કામ કરે છે. હાલ તેઓ પાસે વિશ્વના ૭૫૦ જેટલા ટાપુઓ વેચવા માટે લિસ્ટમાં છે.  ક્રિસ ક્રોલો કહે છે કે અબજોપતિઓ હવે દેખાદેખીમાં પણ ટાપુઓ ખરીદવાની રેસમાં ઉતર્યા છે.ટાપુ એટલે આઇલેન્ડ આથી અમે તેઓની આવી મનોબીમારીનું નામ 'આઈલોમેનિયા' આપ્યું છે. હરાજી કંપની સોધેબી અને ક્રિષ્ટી પણ આ બીઝનેસમાં છે.

ટાપુ જેટલા નિર્જન અને જે તે  દેશથી જોડાણની રીતે દૂર તેટલા સસ્તા. કેટલાક ટાપુ એટલા નાના હોય કે તે ફાર્મ હાઉસ જેવડા જ હોય તો કેટલાક એટલા વિશાળ કે નાનું શહેર વસાવી શકાય. મોટે ભાગે  આવા ટાપુઓ કાં તો કોઈપણ વસ્તી કે બાંધકામ વગરના વજન હોય અથવા તો તેમાં જૂજ વસ્તી રહેતી હોય તેને અન્ય ટાપુમાં ઊંચી રકમ અને સગવડો આપીને સ્થળાંતરિત કરવામાં આવે. કેટલાક ઉજ્જડ તો કેટલાક નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા હોય. જમીનના એક ટુકડા જેટલો ટાપુ ત્રણ લાખ ડોલરમાં પણ મળે અને મોટો તેમજ કુદરતી સંપદા તેમજ ડેવલપ કરી શકાય તેવી અનુકૂળતા ધરાવતો ટાપુ અઢી કરોડ ડોલરમાં પણ મળે.

શ્રીમંતો હવે ગરીબ અને મધ્યમ વર્ગના બહુમતી નાગરિકો સાથે રહેવા નથી ઈચ્છતા. હવે ઉચ્ચ મધ્યમ વર્ગ અને લાખોપતિ શ્રીમંતો પણ અબજોપતી  જેવી ચીજવસ્તુઓ અને સુખસગવડનો ઉપભોગ કરતા થઈ ગયા છે. આમાં સુપર રીચનો  અહંમ ઘવાય છે.આથી હવે તેઓ એવી રીતે જીવવા માંગે છે અને માલિકી ધારણ કરી બતાવવા માંગે છે જે તેઓને જૂજ 'એલિટ' કે પ્રીમિયમ (પહોંચી ન શકાય) તેવી શ્રેણીમાં મુકી દે.

વિશ્વના દેશોમાં અરાજકતા, હિંસા, આતંકવાદ, યુદ્ધ, સાયબર ક્રાઇમ, ગરીબી, કલુષિત પર્યાવરણ, વંશીય ભેદભાવ તેમજ 

બહુમતી વિશાળ વસ્તીને નજરમાં લઈ લેવાતા નીતિવિષયક નિર્ણયો, કાયદાઓ અને સિસ્ટમ સાથેના કળિયુગના વિશ્વમાં એક સંપત્તિવાન શું કામ રહે? તેને એમ લાગે છે કે પોતે જ જે આદર્શ વિશ્વ ઝંખે છે તે નગરી તેના ટાપુમાં ઊભી કરે અને તેના ચાર્ટર્ડ પ્લેનમાં આવન જાવન કરે. તેના મિત્રો સાથે એવી રીતે ગુણવત્તાસભર જીવન વ્યતીત કરે.

કોઈ ધનકુબેર  અમુક નિશ્ચિત સમય માટે ફિઝિકલ,મેન્ટલ કે ડિજિટલ 'ડીટોક્સ' થવા માંગે છે. સંસાર અને ટેકનોલોજીથી દૂર રહી માત્ર કુદરત સાથે રહેવા ટાપુ ખરીદાય છે. કોઈને તેમની કલ્પનાની ટેકનોલોજી નગરી બનાવવી છે તો કોઈએ લાસ વેગસ જેવી માયાવી નગરી, સેકસ, પાર્ટી, ડ્રીંક માટે પણ ટાપુઓ ખરીધ્યા છે  છે. ગુનાખોરી અને અંધારી આલમ પણ ટાપુઓને તેમનું અજ્ઞાાત હેડક્વાર્ટર બનાવી જ ચૂક્યા હશે. ટાપુઓમાં તેનો માલિક ઈચ્છે તેને તેમાં આવાસ કે આવન જાવનની પરવાનગી આપી શકે. ટાપુનું નાગરિકત્વ, ચલણી નાણું, શાસન માળખું, ક્રિપ્ટો કરન્સી, બે નંબરના નાણાં સંગ્રહ કરવાની બેંક અને ગુનેગારોને આશ્રય આપવા સુધીના કારનામા થઈ શકે.

તો બીજી તરફ આધ્યાત્મિક શાંતિ માટે, યોગ, નેચર ક્યોર, ઊર્જાનું ઉત્પાદન તેમજ શુદ્ધ પાણી, પર્યાવરણ અને ઓર્ગેનિક જીવનશૈલી માટે પણ ટાપુ ખરીદાય છે. આ રીતે વિકસેલા ટાપુ આગળ જતાં યુનાઈટેડ નેશન્સ પાસે એક દેશ તરીકેની માન્યતા પણ માંગી શકે.

સંશોધન કેન્દ્ર પણ બની શકે. રોબોટ નગરીના પ્રયોગ પણ ટાપુમાં થઈ શકે. ઇવેન્ટ યોજીને કમાણી પણ થાય.

 નિત્યાનંદ જેવા 'કલ્ટ' કૌભાંડીઓ બેરોકટોક એક ખતરનાક દેશને જન્મ પણ આપી શકે. તો સારી ભાવનાથી વિશ્વ કલ્યાણ માટે કોઈ આધ્યાત્મિક સંસ્થા પણ ટાપુઓ ખરીદશે.

જુઓ આગળ કેવી દુનિયા આકાર પામે છે. અબજોપતિઓ અને પૃથ્વીને સ્વર્ગ કે નર્ક સમાન બનાવવા ઝંખતા બંને વર્ગની નજર ધરતી પર ટાપુઓમાં અને ઉપર અંતરિક્ષમાં વસાહત બનાવવા માટે પડી છે.


Google NewsGoogle News