- વિશ્વના ટોચના નેતાઓ અને કોર્પોરેટ હસ્તીઓનું જંગી રોકાણ ડિફેન્સ કંપનીઓમાં હોય છે
- વિવિધા-ભવેન કચ્છી
- ડિફેન્સ કંપનીઓનો સ્ટોક શિખર તરફ માનવતાનો ગ્રાફ તળિયે
- વર્ષનો વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ 2400 અબજ ડોલર : પેન્ટાગોન જોડે પાછલા દરવાજે સિલિકોન વેલીની ભાગીદારી
જ્યા રે રશિયા-યુક્રેન સરહદે ટેન્કો ગરજે છે અથવા મધ્ય પૂર્વમાં મિસાઈલો આકાશને ચીરે છે, ત્યારે આખું વિશ્વ ચિંતામાં ડૂબી જાય છે. સામાન્ય માનવી મોંઘવારી અને જીવના જોખમથી ફફડે છે. પરંતુ, લંડન, ન્યૂયોર્ક અને મુંબઈના સ્ટોક એક્સચેન્જોમાં એક એવો ખૂણો છે જ્યાં તે જ ક્ષણે દિવાળી જેવો માહોલ હોય છે. આ ખૂણો છે - ડિફેન્સ સેક્ટર. યુદ્ધ એ માનવતા માટે શ્રાપ છે, પણ 'મિલિટરી-ઈન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ' માટે તે અબજો ડોલરનો નફો રળવાની સોનેરી તક છે.
જંગી ઉછાળો
વિશ્વના શસ્ત્ર બજાર પર મુઠ્ઠીભર કંપનીઓનું વર્ચસ્વ છે. ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાનના સંઘર્ષો (જેમ કે ઈઝરાયેલનો પેલેસ્ટાઇન અને ઈરાન સાથેનો તનાવ અને તે પહેલાથી ચાલી રહેલ યુક્રેન - રશિયાના યુદ્ધ દરમિયાન ડિફેન્સ કંપનીઓના રેવન્યુમાં ૨૫થી ૪૦ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.
અગ્રણી ડિફેન્સ કંપનીઓ
Lockheed Martin (અમેરિકા)
F-35 ફાઈટર જેટ બનાવતી આ કંપનીનું બજાર મૂલ્ય યુદ્ધના દરેક સમાચાર સાથે અબજો ડોલર વધી જાય છે. વાર્ષિક રેવન્યુ ૬૭ અબજ ડોલર છે.
F-35 કોર્પોરેશન (અમેરિકા)
જે 'પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ' માટે જાણીતી છે. યુક્રેન અને ઈઝરાયેલમાં આ સિસ્ટમની માંગ વધતા તેના શેરમાં અભૂતપૂર્વ તેજી આવી છે. વાર્ષિક રેવન્યુ ૭૦ અબજ ડોલર.
Northrop (અમેરિકા)
બી-૨૧ બોમ્બર વિમાન અને સેટેલાઇટ ટેકનોલોજીમાં તેનું વર્ચસ્વ છે. વાર્ષિક રેવન્યુ ૩૯ અબજ ડોલર છે.
General Dynamics (અમેરિકા) વાર્ષિક રેવન્યુ ~$42 બિલિયન. (મુખ્ય ઉત્પાદન: આર્મર્ડ વ્હીકલ/ટેન્ક).
Boing ડિફેન્સ ડિવિઝન (અમેરીકા) વાષક રેવન્યુ ૨૫ બિલિયનથી વધુ.
BAE Systems (યુ. કે.)
યુરોપની સૌથી મોટી ડિફેન્સ કંપની, જેણે તાજેતરમાં પોતાની પ્રોડક્ટ લાઈન બમણી કરી દીધી છે.
આ ઉપરાંત ચીન, રશિયા, ફ્રાન્સ, ઇટાલી, ઈઝરાયેલની શસ્ત્ર બજાર કંપનીઓ છે.
HALઅને BEL (ભારત)
ભારત પણ હવે શસ્ત્ર બજારમાં મોટું ખેલાડી બની રહ્યું છે. એચ. એ. એલ.ના શેરોએ છેલ્લા ૩ વર્ષમાં રોકાણકારોને બેથી અઢી ગણું વધુ વળતર આપ્યું છે.
રોકાણકારો માટે આ કંપનીઓ 'સેફ હેવન' છે, કારણ કે દુનિયામાં ગમે તેટલી મંદી આવે, પણ દેશો લડવાનું બંધ નહીં કરે.
ઈનસાઈડ ટ્રેડિંગ
યુક્રેન - રશિયા, ઈઝરાયેલ- પેલેસ્ટાઇન, ઈરાન-ઈઝરાયેલ તનાવ કે કોઈપણ યુદ્ધ અગાઉના થોડા દિવસો પહેલા નેતાઓ, સિસ્ટમ પર પ્રભુત્વ ધરાવનાર કોર્પોરેટ જગત અને ધનકુબેરો પાસે તો માહિતી લીક થઈ જાય છે કે આગામી દિવસોમાં યુદ્ધ જાહેર થશે તેથી તેઓ તેના થોડા દિવસો પહેલા જ અનેક ડિફેન્સ સ્ટોક્સ ખરીદી લે છે.આ 'ઇનસાઇડર ટ્રેડિંગ' અને 'વોર પ્રોફીટિયરિંગ' (યુદ્ધમાંથી નફો) વચ્ચેની સાંઠગાંઠ સામાન્ય નાગારિકના દિમાગ સુધી પહોંચતી જ નથી.
નેતાઓનું પરોક્ષ રોકાણ
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિશ્વના જે નેતાઓ યુદ્ધના નિર્ણયો લે છે અથવા વિદેશ નીતિ ઘડે છે, તેમના આથક હિતો ઘણીવાર આ જ ડિફેન્સ કંપનીઓ સાથે જોડાયેલા હોય છે.?
અમેરિકાના કિસ્સા
અમેરિકામાં અનેક સેનેટરો અને કોંગ્રેસના સભ્યો એવા છે જેમના પોર્ટફોલિયોમાં તેમના દેશની ફાઇટર વિમાન કંપની લોકહીડ માર્ટિન કે રેથિયોનના સ્ટોક હોય છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ જે એ. આઈ. ટેકનોલોજી માટે કંપનીઓ પસંદ કરે છે, તેઓ પોતે તે કંપનીઓમાં લાખોના શેર ધરાવતા હોય છે.
ધંધો અને રાજનીતિ
જ્યારે કોઈ નેતા યુદ્ધ માટે વોટ આપે છે અથવા 'લશ્કરી સહાય' પેકેજ મંજૂર કરે છે, ત્યારે તે પરોક્ષ રીતે એ કંપનીઓને ફાયદો કરાવે છે જેમાં તેનું પોતાનું રોકાણ હોય છે. આ એક એવું વિષચક્ર છે જેમાં 'શાંતિ' મોંઘી પડે છે અને 'અશાંતિ' નફો કરાવે છે.
અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો માટે શસ્ત્રોનું વેચાણ માત્ર આવકનું સાધન નથી, પણ પાવર ગેમ છે.
પ્રોક્સી વોર થકી વેપાર
સીરિયા, લિબિયા કે આફ્રિકન દેશોમાં જ્યારે ઉગ્રવાદી જૂથો લડે છે, ત્યારે કે શિયા -સુન્ની જંગ લડનારા, હુથી, બોકો હારામ, બલુચીસ્તાન પાસેના હથિયારો કાં તો અમેરિકન, કે પછી રશિયન કે ચાઈનીઝ હોય છે. અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો યુદ્ધ ન હોય તો અન્ય દેશોમાં ઉગ્રવાદને પોષે છે અને શસ્ત્રોનો ધંધો જારી જ રાખે છે. મણિપુરના ઉગ્રવાદીઓ, નકસલવાદીઓ, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને પણ આ જ રીતે શસ્ત્રો પુરા પાડવામાં આવે છે. હવે ચીને રશિયાનું સ્થાન લઈને સબ-સહારન આફ્રિકામાં સસ્તા હથિયારો વેચવાનું શરૂ કર્યું છે.?
શસ્ત્ર બજારનો એક સરળ નિયમ છે : જો શાંતિ હશે, તો જૂના હથિયારો વેચાશે નહીં અને નવા હથિયારો માટે બજેટ મળશે નહીં. તેથી, દુનિયામાં સતત નાના-મોટા 'હોટ સ્પોટ્સ' (સંઘર્ષના વિસ્તારો) જાળવી રાખવા એ આ બજારની જરૂરિયાત છે.
લોકશાહીના નામે
ઘણીવાર પશ્ચિમી દેશો દ્વારા અમુક બળવાખોર જૂથોને 'લોકશાહી લાવવા' ના નામે હથિયારો અપાય છે, જે પાછળથી આતંકવાદી સંગઠનોના હાથમાં પહોંચે છે. આનાથી યુદ્ધનો વ્યાપ વધે છે અને ફરીથી નવા હથિયારોની માંગ ઉભી થાય છે.
વરવી વાસ્તવિકતા
એક ટોમહોક મિસાઈલની કિંમત આશરે $2 મિલિયન (રૃા. ૧૮ કરોડ) હોય છે. એક કલાકના બોમ્બમારામાં કોઈ દેશ કરોડો રૂપિયાની સંપત્તિ હવામાં ઉડાવી દે છે. આ પૈસા સીધા ડિફેન્સ કંપનીઓના ખાતામાં જાય છે.
હવે યુદ્ધ માત્ર ટેન્કનું નથી રહ્યું. સાયબર સિક્યુરિટી અને એ. આઈ. ડ્રોન માર્કેટમાં પણ હજારો કરોડનું રોકાણ થઈ રહ્યું છે. એલોન મસ્ક જેવી વ્યક્તિઓની કંપનીઓ પણ હવે ડિફેન્સ કોન્ટ્રાક્ટમાં રસ લઈ રહી છે.
અધધ શસ્ત્ર બજાર
વર્તમાન આંકડાઓ મુજબ અમેરિકાનું વાર્ષિક સંરક્ષણ બજેટ અંદાજે ૯૯૦ અબજ ડોલર, ચીનનું ૨૮૦ અબજ ડોલર, રશિયાનું ૧૫૦ અબજ ડોલર, ભારતનું ૮૬ અબજ ડોલર અને સાઉદી અરેબીયાનું ૮૦ અબજ ડોલર છે. એનો અર્થ એમ કે શસ્ત્ર, વિમાન, ટેન્ક, મિસાઈલ, ડ્રોન, સબમરીન, રાઇફલ, લોન્ચર વગેરે બનાવતી કંપનીઓના ખાતામાં જ આ બજેટની રકમ જતી હશે. આ કંપનીઓમાં રોકાણ કે ભાગીદારી નેતાઓ અને કોર્પોરેટ હસ્તીઓનું જ હોય તે સમજી શકાય
૨૦૨૪-૨૫ના રિપોર્ટ અનુસાર, વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ $2.4 ટ્રિલિયન (આશરે ૨,૪૦૦ બિલિયન ડોલર) ને વટાવી ગયો છે. આ ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે.
નફાનું ગણિત : માત્ર ટોચની ૧૦૦ ડિફેન્સ કંપનીઓ જ વર્ષે ઇં૬૦૦ બિલિયનથી વધુના શસ્ત્રો, વિમાન, મિસાઈલ ટેન્ક, ડ્રોન વગેરેનું વેચાણ કરે છે.?
ભારતનો હિસ્સો : ભારત અત્યારે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ છે, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ હવે આપણે વાર્ષિક ૨.૫ બિલિયન ડોલર થી વધુના શસ્ત્રોની નિકાસ પણ કરી રહ્યા છીએ.
કરોડોની કમાણીના મોરચા
ડ્રોન વોરફેયર (ર્આર્મેનિયા-અઝરબૈજાન અને યુક્રેન) : હવે કરોડોના ટેન્કોને માત્ર થોડા લાખ રૂપિયાના 'કામિકાઝે ડ્રોન' ઉડાવી દે છે. આનાથી શસ્ત્ર બજારમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે : 'લો-કોસ્ટ વોર, હાઈ-કોસ્ટ પ્રોફિટ.' તુર્કીની 'બાયરક્તર' જેવી કંપનીઓએ આ યુદ્ધોમાં હજારો ડ્રોન વેચીને અબજોની કમાણી કરી છે.
સ્ટારલિંક અને યુદ્ધ : એલોન મસ્કની 'સ્ટારલિંક' સેટેલાઇટ સેવાએ યુદ્ધમાં ઇન્ટરનેટ પૂરું પાડીને સાબિત કર્યું કે હવે યુદ્ધ માત્ર હથિયારોથી નહીં, પણ ડેટા અને સિગ્નલથી લડાય છે. આ 'ટેક-ડિફેન્સ' ની નવી અને બિહામણી દુનિયા છે.
પ્રાઇવેટ આર્ર્મી (વાગ્નર ગ્રુપ - રશિયા) : હવે દેશો સીધા યુદ્ધ કરવાને બદલે 'ભાડૂતી સૈનિકો' રોકે છે. આ એક એવો ધંધો છે જ્યાં માણસના લોહીની કિંમત કોન્ટ્રાક્ટના આધારે નક્કી થાય છે.
આઇઝનહોવરની ચેતવણી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આઈઝનહોવરે ૧૯૬૯માં વિદાય લેતા પહેલા દુનિયાને એક ચેતવણી આપી હતી : 'મિલિટરી-ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સથી સાવધાન રહેજો. એટલે કે સૈન્ય, સરકાર અને શસ્ત્ર બનાવતી ખાનગી કંપનીઓ વચ્ચેની એવી સાંઠગાંઠ, જે પોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સંઘર્ષની માંગ કરે છે.
આજે ૨૦૨૬માં, આ ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ રહી છે. જ્યારે રશિયા-યુક્રેન કે મધ્ય પૂર્વમાં મિસાઇલો ગરજે છે, ત્યારે વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોનમાંથી નીકળતા અબજો ડોલરના 'સહાય પેકેજ' હકીકતમાં યુક્રેન અને યુદ્ધગ્રસ્ત દેશોને નથી મળતી, પરંતુ તે રકમ લોકહીડ માટન, રેથિયોન અને બોઈંગ જેવી કંપનીઓના બેંક ખાતામાં જાય છે. આ કંપનીઓ એ જ હથિયારો બનાવે છે જે યુદ્ધના મેદાનમાં વપરાય છે. આ એક એવું ચક્ર છે જ્યાં ટેક્સપેયરના પૈસા યુદ્ધના નામે કંપનીઓના ગજવામાં પહોંચે છે.
શાંતિ માટે સંકલ્પ
યુદ્ધ હંમેશા સત્તાધીશો અને ઉદ્યોગપતિઓ દ્વારા લડવામાં આવે છે, પણ તેની કિંમત સામાન્ય માણસ ચૂકવે છે - ક્યારેક મોંઘવારીના રૂપમાં, તો ક્યારેક પોતાના સ્વજનના જીવના રૂપમાં. ડિફેન્સ કંપનીઓના ઉછળતા સ્ટોક એ માનવ સભ્યતાની નિષ્ફળતાનો ગ્રાફ છે. જ્યાં સુધી શસ્ત્રો વેચવાનો ધંધો નફાકારક રહેશે, ત્યાં સુધી શાંતિ એ માત્ર પુસ્તકોમાં જ જોવા મળશે.
જ્ઞાન પોસ્ટ
અમેરિકા તેના પાયલોટને બચાવવા માટે જે ૩૦૦ મિલિયન ડોલર ખર્ચે છે, તે યુનાઇટેડ નેશન્સના વાષક બજેટના ૧૦% જેટલી રકમ છે!


