અસુર જેવા આતંકનો અંત ક્યારે?
વિવિધા - ભવેન કચ્છી
કોરોના એટલે ધરતીકંપ, સુનામી અને આતંકી હુમલાને પણ દયાળુ કહેવડાવે તેવો દાનવ
જેને સારવાર કે મદદની જરૂર છે તેની નજીક જ ફરકી ન શકાય તેવી માનવ જગતની વિવશતા
પત્રકાર તરીકે 2001નાં ધરતીકંપ વખતે અમદાવાદ અને કચ્છમાં જઈને કવરેજ કર્યું હતું. 2002મા ન્યુયોર્કમાં ગ્રાઉન્ડ ઝીરો પર વિશ્વભરના ટોચના મીડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વંશની પ્રથમ વર્ષી કે જેમાં મૃત્યુ પામેલા 2000થી વધુ નાગરિકોના અને જેઓને શહીદનો દરજ્જો અપાયેલો તેવા ફાયર ફાઈટરના શોકગ્રસ્ત કુટુંબીઓને સન્માન આપતા અતિ ભાવુક દ્રશ્યો ખડા કરતા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ હાજરી આપવાની તક ગુજરાત સમાચારે આપી હતી.
અમદાવાદ સહીત ગુજરાતનાં કોમી તોફાનો અને આંદોલનોના પણ નજીકના સાક્ષી સીનીયર વયના મિડીયાકર્મીઓ હોય જ. તેવી જ રીતે ગુજરાતે તો મોરબી અને સાબરમતી પુર હોનારત, કંડલા વાવાઝોડું પણ જોયું છે. આવી પ્રત્યેક કુદરતી આપત્તિઓ વખતે જે તે સરકાર, નેતાઓ અને નાગરિકોની અસાધારણ સંકલ્પ શક્તિ, સેવા -સુશ્રુષા અને એકબીજાને જીવાડી લેવાની ભાવનાનું ગુજરાત દેશભરમાં મિશાલ બનતું હોય છે. માનવ કે કુદરત સજત આપત્તિઓમાં કોમી તોફાનો,આતંકવાદી હુમલા, આંદોલનો, દુકાળ, અતિવૃષ્ટિ, પુર, આગ, વાવાઝોડું, જ્વાળામુખી ફાટવો, દાવાનળ કે યુદ્ધ વખતે અને યુદ્ધ પછીની સર્જાનાર પરિસ્થિતિનો જ આપણે વિચાર કર્યો હોય તે સ્વાભાવિક છે.
ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં કોઈપણ સરકાર આવા પડકારોમાં વધતા ઓછા અંશે સજ્જ હોય જ. મોટાભાગની આપત્તિઓમાં તંત્ર માટે એક સારી બાબત એ હોય છે કે આવી આપત્તિની તીવ્રતાની માત્રા કોઈ એક શહેર, અમુક શહેરો કે રાજ્ય પુરતી જ હોય છે. તંત્રને સમગ્ર રીતે આ અસરગ્રસ્ત સેન્ટર પર જ તેની પૂરી તાકાત લગાવવાની છે તેની ખબર છે. જે રાજ્યો કે શહેરોમાં આ આપત્તિ નથી ત્યાંના પોલીસ, અર્ધ લશ્કરી દળ અને તબીબો, નિષ્ણાતો તેમજ સામાજિક સંસ્થાઓને જ્યાં ઘટના આકાર પામી છે ત્યાં સેવાર્થે મોકલી શકાય છે. દેશના અર્થ તંત્રને પણ સર્વાંગી ફટકો નથી પહોંચતો. દુકાળ અને અતિવૃષ્ટિ તો લગભગ દરેક રાજ્યો માટે સહજ પડકાર છે.
ઉદાહરણ તરીકે ધરતીકંપ કચ્છમાં સૌથી વધુ અને ગુજરાતના કેટલાક શહેરો કે ગામો સુધી જ સીમિત રહ્યો હતો. ધરતીકંપે એક વખત જે તબાહી મચાવી દીધી તે પછી તે સતત ચાલુ રહેતી ઘટના નથી. ડીઝાસ્ટર મેનેજમેન્ટની નજર સામે હવે કઈ રીતે નાગરિકોને માનસિક, શારીરિક અને આથક રીતે બેઠા કરવાના છે તેનો ચોક્કસ અંદાજ અને વ્યાપ ક્ષેત્ર હતું. દેશનો અન્ય ભાગ કે રાજ્યનો પણ અન્ય હિસ્સો ધરતીકંપ વગર સામાન્ય હોઈ તેઓ બધા જ સૌથી અસરગ્રસ્ત જગ્યા પર સેવા અને પુનઃસ્થાપનમાં જોડાઈ શકે છે.
આથક પેકેજ પણ મોટો બોજ નથી હોતો. કેરાલા જેવી અતિવૃષ્ટિ કે સુનામી જેવી ભયંકર ઘટના વખતે પણ સમુદ્રી વિસ્તાર કે તેવા રાજ્યોમાં ખાનાખરાબી થાય છે અને આવે વખતે બાકીનો આખો દેશ અને કેન્દ્ર સરકાર પણ અસરગ્રસ્ત શહેરો અને રાજ્યને બેઠું કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિદેશથી પણ સાધનો, ટેકનોલોજી અને આથક જંગી સહાય ઉપલબ્ધ બને છે. જે આપણે ધરતીકંપ વખતે પણ જોયું હતું. વિદેશમાં વસતા આપણા ભારતીયો અને ગુજરાતીઓએ પણ દરેક આવી ભૂતકાળની આપત્તિ વખતે સહાયની સરવાણી નહીં પણ ધોધ વહેવડાવ્યો છે.
આટલી ભૂમિકા પછી એવું વિચારો કે કોરોના તમામ માનવ કે કુદરતી આપત્તિઓ કરતા ક્રૂરતાની રીતે તેમજ મેનેજ કરવાની રીતે કેમ ઐતિહાસિક છે. કોરોનાનો કહેર અન્ય આપત્તિઓની જેમ દેશના કોઈ શહેરો, રાજ્ય પુરતો જ નથી પણ સમગ્ર દેશ પર વાયરસ ફરી વળ્યો છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેમ તે નાગરિકો અને સરકારને સખ્ત હતાશ અને પરેશાન કરે છે. વાયરસ અદ્રશ્ય અને અકળ છે. તેની નથી કોઈ રસી કે નથી કોઈ દવા. તેની બનાવટ અને પ્રકૃતિનો જ અંદાજ નથી. હવામાં મુક્કા લગાવી યુદ્ધ કરવા જેવી આપણા સૌની વિવશતા છે. અન્ય આપત્તિઓ વખતે જ્યાં અસરની માત્રા નથી તેવા દેશના હિસ્સાની મદદ લઇ શકાય છે પણ કોરોનાની ભીંસમાં તો સમગ્ર દેશ આવી ગયો છે ત્યારે કોણ કોને મદદ કરે તે જ કટોકટી છે.
ભૂતકાળની આપત્તિઓ વખતે તો વિશ્વનાં અન્ય દેશો, ત્યાં વસતા ભારતીયો મદદ અને સહાય માટે ખડે પગે હાજર થઇ જતા પણ કોરોના તો વિશ્વ આખા પર ફરી વળ્યો છે અને તેમાં પણ જેની મદદ અન્ય આપત્તિઓ વખતે મહત્તમ રહી છે તેવા અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી, સ્પેન જેવા દેશોને જ સૌથી વધુ વાયરસનો ખોફ સહન કરવો પડયો છે. તેઓ ભારત પાસેથી દવા અને મોડેલની માંગ કરી રહ્યા છે ત્યારે લાખો કરોડોના આથક ફટકામાં પણ આપણે એકલાએ જ ઉભા રહી તેમાંથી ઉગરવાનું છે.
વિશ્વ યુદ્ધ વખતે પણ અમેરિકાની શાન રહી છે જ્યારે આ વખતે અમેરિકા અને યુરોપે જ વાયરસ સામે નામોશી વહોરવી પડી છે ત્યારે ભારત કે અન્ય દેશોનાં આત્મવિશ્વાસને પણ ફટકો પહોંચે જ. આમ છતાં મોદીના નેતૃત્વ અને નાગરિકોના તેમના માટેના આદરે જાદુઈ પરિણામ અત્યાર સુધી તો મેળવ્યા છે. વિદેશમાં વસતા ભારતીયો પણ લાચાર છે કે ભારતમાં મદદ કરવા કરતા તેઓને તેમની જીંદગી બચાવવા સંઘર્ષ કરવો પડે છે. આ રીતે કોરોના અનેરી કસોટી કરે છે.
અન્ય તમામ આપત્તિઓમાં ધામક અને ચેરીટી સંસ્થાઓ તેમના કાર્યકરો, સ્વયં સેવકો થકી જેમને ભોજન, ફૂડ પેકેટ, કરિયાણું, કપડા, જૂતા, રોકડનું દાન કરવા માંગતી હોય તેની સમક્ષ કે તેમની વસાહતમાં જઈને તે કરી શકતી હતી. મંદિરો, સંસ્થાના સ્થળ અને આશ્રમો પણ જરુરિયાતમંદોને એકઠા કરી રામરોટી, પ્રસાદી, લંગર અને વિતરણ યોજી શકતી હતી પણ કોરોનામાં તો શારીરિક અંતર, ભીડ પર પ્રતિબંધ અને ચેપનો જ ભય હોવાથી મદદ કરવા ઈચ્છુક પણ જે અસરગ્રસ્ત છે તેના સીધા સંપર્કમાં આવી શકતો નથી. મંદિરો અને સંસ્થાઓએ સરકારને ફૂડ પેકેટ બનાવીને આપવાના રહે છે.
ઘણી ઉદાર અને સેવાભાવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહની નજર સામે ગરીબો અને ભૂખ્યાજનો છે પણ તેઓને ચેપનો ડર છે. લોક ડાઉનને લીધે પણ મદદ કરવા ઇચ્છુકો ગરીબો સુધી પહોંચી નથી શકતા. ઘણાને ચેરીટી યોગ્ય જગાએ પહોંચશે કે કેમ તેની પણ શંકા હોય છે.આમ દાતા અને દાનનો પણ કોરોના દમ ઘૂંટે છે. ગરીબ, શ્રમિક અને જરૂરિયાતમંદને પણ આપણે જોઈ ન શકીએ કે તે આપણી નજીક ન ફરકી શકે તે માનવ જગતની કેવી લાચારી કહી શકાય.
બીજી બધી આપત્તિઓમાં તબીબો, નસગ સ્ટાફ અને સ્વયં સેવકોને કે કર્મચારીઓને તેમના જાનનું તો જોખમ નથી હોતું કેમ કે ઘટના બની ચુકી હોઈ છે અને તેમાં ચેપનો અવકાશ નથી. પણ કોરોના ઠંડા કલેજાનો રાક્ષસી છે તે આ ટીમને પણ જીવ પડીકે બાંધીને આવવાની ખુલ્લી ધમકી આપે છે. કુદરતી આપત્તિઓમાં તો હવે હવામાનની આગાહીઓ પણ પૂર્વ તૈયારી માટે અને નજીકની વસ્તીને સ્થળાંતર કરવામાં ઉપયોગી નીવડે છે.
કોરોના તો વટ કે સાથ તેની હાજરીનો હાહાકાર મચાવે છે તો પણ વિજ્ઞાન પણ અત્યારે લાચાર છે. આગાહી તો દૂરની વાત છે પણ તાકાત હોય તો 'રોક શકો તો રોક લો' જેવો તેનો ક્રૂર મિજાજ છે. કુદરતી કે માનવ સજત આપત્તિઓમાં ઘવાયેલા અને મૃતકોની સંખ્યા સેંકડો કે એક બે હજારમાં હોય છે જે પડકારને તો રાજ્ય પણ પહોંચી વળે છે કોરોનાનો આતંક મહિનાઓ સુધી એવી રીતે ચાલે કે અમેરિકા જેવા દેશોની હોસ્પિટલો અને આરોગ્ય સીસ્ટમ પણ પછાત પુરવાર કરે. કેલીફોર્નીયા, એમેઝોન કે ઓસ્ટ્રેલીયાના જંગલોનું ભયંકર દાવાનળ પણ વિસ્તારની રીતે કેન્દ્રિત હોય છે. બાકીના વિશ્વને આગની ઝાળ પણ અનુભવાતી નથી.
અર્થતંત્રની તમામ પ્રવૃત્તિ, વિશ્વનું જનજીવન ધમધમતું જ રહે છે . અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકા તો શું ન્યુયોર્કનું મેનહટન પણ ગણતરીના દિવસોમાં સુપર પાવર મિજાજ વ્યક્ત કરતા વિશ્વ નાગરિકોથી છલકાતું હતું. સુપર બોલ સહિતના તમામ ઈવેન્ટ વધુ રોફથી અમેરિકાએ ઉજવ્યા હતા. ગલ્ફ વોર થાય કે સદામને ફાંસી અપાય, બિન લાદેનનું ઢીમ ઢળાય કે બગદાદીને મોતનો માર્ગ બતાવાય વિશ્વનાં અન્ય દેશો જાણે કઈ બન્યું ન હોય તેમ જનજીવન જાળવી શકે પણ કોરોનાએ વિશ્વનાં વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીની આબાદ ફીરકી ઉતારી છે. વિશ્વ યુદ્ધ માટે અડધી રાતે પણ સજ્જ સુપર દેશો કોરોનાનો સામનો કરવામાં ઊંઘતા ઝડપાઈ ગયા. જો કે તેના રંજાડનો અંત વિજ્ઞાન જ રસી બનાવીને લાવશે. એમ તો તેની સામેનો જંગ તબીબી ઉપકરણો, વેન્ટીલેટર, દવા , માસ્ક , પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઈ) અને હોસ્પિટલ મેનેજમેન્ટથી જ થાય છે.
આમ છતાં ડીઝાસ્ટર મેનેજમેન્ટના વિષયમાં મહામારીના અભ્યાસનો સમાવેશ થતો હોવા છતાં અમેરિકા અને યુરોપ થાપ ખાઈ ગયું તે જોતા ભારતને તો વિશ્વ વંદન કરતુ હશે. ભારત માટે એવું કહેવાતું કે હોસ્પિટલ બેડની રીતે વિશ્વમાં તળિયાના દેશોમાં સ્થાન ધરાવતો ભારત (એક લાખની વસ્તી દીઠ .06 ટકા હોસ્પિટલ બેડ) જો અમેરિકા, બ્રિટન અને ઇટલી જેવી સ્થિતિમાં મુકાશે તો માનવ જગતની સૌથી મોટી કરુણ ઘટના સર્જાશે. દસેક લાખના મૃત્યુ થઇ શકે તેવો ભય પણ જોવાતો હતો. માત્ર હોસ્પિટલ બેડ જ નહીં, હોસ્પિટલોની સંખ્યા, દવા, સ્ટાફ અને બજેટમાં ખાસ કોઈ આરોગ્ય માટે ફાળવણી નહીં થતી હોઈ ફૂટપાથ પર દર્દીઓ કણસતા હશે તેવી ભયાનક કલ્પના પણ થતી હતી. આવે સમયે વડાપ્રધાન મોદીએ ખરું જ કહ્યું કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં વિદેશ અને વિશેષ કરીને એર ચાઈનાથી ભારત આવેલા ભારતીયો અને વિદેશીઓનું લીસ્ટ સ્થાનિક કોર્પોરેશન અને મેડીકલ ટીમને આપીને તેઓની તબીબી સ્થિતિ અંગે રીપોર્ટ આપવાનું કામ સોંપી દેવાયું હતું. તેવી જ રીતે વિદેશી એરલાઈન્સ પર પાબંદી, વિદેશ પ્રવાસ પર નિયંત્રણ પણ લોક ડાઉન પહેલેથી અમલમાં મુકાયું.
ભારતમાં હજુ માંડ 500 કેસ હતા ત્યારે જ પ્રથમ લોક ડાઉન જાહેર થયું . આવે વખતે હાલ સજા ભોગાવી રહેલા દેશોમાં પાંચ દસ હજાર દર્દીઓ હતા અને તેઓના નાગરિકો તેમની સરકારની દિશાહીનતા વચ્ચે લોક ડાઉનનો કડક અમલ ન કરાવતા વધુ પડતા આત્મવિશ્વાસમાં વિહરી રહ્યા હતા. ભારતમાં મોદીનો આદર અને પ્રભાવ એવો છે કે તે ભારતના સૌ નાગરિકોને એકાદશી કરવાનું કહે તો પણ તેનો અમલ બધા કરે. બીજો કોઈ વડાપ્રધાન હોત અને તેણે અપીલ કરી હોત તો નાગરિકોએ આ હદે વળતો પ્રતિસાદ આપ્યો હોત તેવું માનવાની ભૂલ કરવા જેવી નથી.
આપણું લોક ડાઉન કારગત નીવડયું છે. 3 મે સુધીના લોક ડાઉનનો નિર્ણય પણ તેઓ ભારે ભગ્ન હૃદયે લઇ રહ્યા છે તે તેમના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું. કોઈ વડાપ્રધાન તેમના દેશના નાગરિકો સમક્ષ બે હાથ જોડીને માફી માંગતા લોક ડાઉન જાહેર કરે? સપ્તપદી જેવા સાત સુત્રો તેમણે આપ્યા ત્યારે તેમની દેશના પ્યારા નાગરિકો માટે અંદર રહેલી કરુણા અને અનુકંપાનાં દર્શન થતા હતા. કોરોના જો માનવ જગતનું ઐતિહાસિક પ્રકરણ છે તો ભારત તેની 1.30 અબજની વસ્તી, ગીચતા અને વિકસી રહેલ દેશ તરીકેનું લેબલ હોવા છતાં ઓછામાં ઓછી જાનહાનીના દેશ તરીકે ઇતિહાસમાં તેનું સ્થાન અંકિત કરવાથી થોડા કદમો જ દુર છે ત્યારે મોદી ગેમ ચેન્જર તરીકે વિશ્વ અને ઇતિહાસમાં સ્થાન મેળવશે.
હવે ભારતમાં 500માંથી 21 દિવસમાં દર્દીઓનો આંક 10000 પર પહોંચ્યો છે. આટલા કે તેના કરતા પણ ડબલ તો ટોચના દેશોમાં મૃત્યુ થયા છે. અતિ કાતિલ અને માફ ન કરી શકાય તેવા દુશ્મનને ગળાથી પકડીને હવે ભીંસ વધારી ખતમ કરવાના તબક્કે તો આવ્યા છીએ હવે જો હળવા બન્યા કે ખરા સમયે જ પક્કડ ઢીલી કરી તો કોરોના અટ્ટહાસ્ય કરીને આપણી છાતી પર સવાર થઈને મોતની હારમાળા સર્જીને મિજબાની લેવા ટાંપીને જ બેઠો છે.
ચાલો વધુ 21 દિવસ દુનિયા પણ દંગ થઈ જાય તેવી શિસ્ત બતાવીએ. સરકાર, પાલિકાઓ, ગરીબો, શ્રમિકો, પોલીસ, તબીબી, નસગ સ્ટાફ અને આ યજ્ઞામાં જોડાયેલ તમામ નિર્ણાયક સમયે હોંસલો જાળવી રાખે તેવી પ્રાર્થના. કોરોના અત્યાર સુધીની તમામ આપત્તિઓમાં કઈ હદે અસુરી તત્વોથી ભરપુર છે તે તો આપણે જોયું આવો હવે તેનો અંતિમ અંજામ લાવીએ.